પદ – ૧૭૬ ૧/૨
સચ્ચિદાનંદ સ્વામીને શ્રીજીના વિયોગ વિષે.
(રાગ રામગ્રી)
“કારતક માસે કા'નજી રે, મેલી જાઓમાં મહારાજ, રુદન કરે
રાણી રાધિકા; “ એ રાગ પ્રમાણે.
સ્વામી સચ્ચિદાનંદજી , જેનો સ્નેહ અપાર;
પળ પણ પ્રભુ વિના કદી, રહી શકે ના લગાર. સ્વામી. (ટેક)
બાળા વયથી ગ્રહ તજી, થયા શ્રીજીના સંત;
શ્રીજીમાં દ્રઢ સ્નેહ બાંધિયો, ધન્ય ધન્ય ધીમંત. સ્વામી. (૧)
એક સમે ગઢપુરથી, વાલો કરીને વિચાર;
ધરમપુરે ધર્મસુત ગયા, સાથે સંત અપાર. સ્વામી. (૨)
સંત સચ્ચિદાનંદને , મૂક્યા ગઢપુર માંય;
વિરહ વા'લાના વિયોગનો, વાધ્યો સ્વામીને ત્યાંય. સ્વામી. (૩)
ભૂલ્યા સ્વામી તન ભાનને, પડ્યા પૃથ્વી મોઝાર;
હે હરિ ! હે હરિ !! ઉચ્ચરે, આંખે આંસુની ધાર. સ્વામી. (૪)
ખવાય નહીં મુખે અન્નને , નહીં પીએ એ નીર;
વેદના હરિના વિયોગની, રોમે રોમે રુધીર. સ્વામી. (૫)
જળ રે વિના જેમ માછલું, તેમ તરફડે પ્રાણ;
દુઃખનો દરિયો રેલિયો, જાતાં શામ સુજાણ. સ્વામી (૬)
કેનું કઠણ હોય કાળજું , ધારી શકે ત્યાં ધીર;
સ્વામીનો સ્નેહ નિહાળીને, નેણે આવિયાં નીર. સ્વામી. (૭)
ભગવતસુત કહે સ્નેહની , મૂરતિ સમજો તે સંત;
દૂર જાતાં તે ઘનશામજી, ઉપજ્યો વિરહ અત્યંત. સ્વામી. (૮)