પદ -૧૭૭ ……………………૨/૨
(રાગ ઉપર પ્રમાણે)
સંત સચ્ચિદાનંદજી , ઉન્મત્તગંગાને તીરઃ
સ્નાનને અરથે સિધાવિયા, સ્મરતા શામશરીર. સંત. (ટેક)
સ્નાન કરીને ઉભા રહ્યા, મુખે શ્રીજીનું નામ;
પ્રેમથી ગંગાને પુછતા, દેખ્યા તેં ઘનશામ. સંત. (૧)
ખળખળીઆ તું ખળકે ઘણો , હરખ્યો હરિને શુ? જોઇઃ
નક્કી દેખાડ મારા નાથને, ખરે કપટને ખોઇ. સંત. (૨)
બાવળને વળી બોરડી, આવળ ફૂલી અપાર;
કોઇ રે! દેખાડો ઘનશામને , પ્રીતમ પ્રાણ આધાર. સંત. (૩)
ઉડતા પક્ષી જોઇને કહે, કહેજો જઇ જીવન પાસઃ
દાસ તમારો દરશન વિના, નાખે મુખથી નિશ્વાસ. સંત. (૪)
ઓ પ્રભુ ! કેમ તજી ગયા, દયા ત્યાગીને દૂરઃ
વા'લા તમારા વિયોગથી, જાશે જીવ જરૂર. સંત. (૫)
એમ ગદગદ કંઠે ઉચ્ચરે, આંખે આંસુની ધાર;
છેક ભરાઇ આવી છાતડી, કરતાં પ્રભુને પોકાર. સંત. (૬)
દેખીને સ્વામીના દુઃખને, ઝૂરવા લાગ્યાં ઝાડ;
ધરણી ધીરજ ના ધરી શકી, પીગળિયા સહુ પહાડ. સંત. (૭)
ભગવતસુત કહે શ્રીહરિ, દિવ્ય રૂપે દયાળ;
આવીને દરશન આપિયાં, કરુણા કરીને કૃપાળ. સંત. (૮)
-------------------------------------------------------------
���ળખળીયો= ઉન્મત્તગંગાનો ઘાટ – એ સ્થળે શ્રી હરિએ અનેક
જળ લીલા કરી છે, તેથી મહાપ્રસાદીનુ તીર્થ છે.