પદ -૧૭૮ ……………………૧/૧
ઉપદેશ વિષે ( રાગ જંગલો )
“જનુની જીવોરે ગોપીચંદની , “ એ રાગ પ્રમાણે.
ડડા ડહાપણ ધર દિલમાં, થઇ આ જગથી ઉદાસજી;
કાળ ભમે શિર ઉપરે , ગણી તે તણો ત્રાસજી. ડડા. (ટેક)
ધનપતિ મોટા શેઠિયા, મોટા રાજકુમાર;
આ અવની ઉપરે રહી , ઉઠી ગયા અપારજી. ડડા. (૧)
આયુષ અયુત* હજાર જે , જીવતા જગમાંયજી;
કાળે કરી ગયા કેટલા , ભળ્યા ભૂમિની માંયજી. ડડા. (૨)
છત્રપતિ નૃપતિ ભલા, ભાગ્યશાળી ભૂપાળજી;
પ્રજળ્યાં પીંડ તેનાં પાવકે , ઝલાયા કાળ ઝાળજી. ડડા. (૩)
સ્વપ્ન સમાન સંસાર છે , ભોગ ભડકા સમાનજી;
જાણજે વિખ જેવા વિષયો, ધન્ય તે વૈરાગ્યવાનજી. ડડા. (૪)
નારી સારી ગણે નાગણી, જાણે ધન જેવું ધૂળજી;
દેહમાં સ્નેહ સજે નહીં, સ્મરે હરિ સુખ મૂળજી. ડડા. (૫)
મૃગતૃષ્ણા જળ ભાળીને , પીવા દે કોઇ દોટજી;
મળે નહીં જળ તે કદી , મથે મર વરસ કોટજી. ડડા. (૬)
આકાશ અભ્ર સમાન છે, આ તન તણું આયુષ્યજી.
તેમાં મોટા મોટા કરે, મનસુબા આ મનુષ્યજી. ડડા. (૭)
કુંભ કાચો જળ વિજળી, પરપોટાને પ્રહારજી;
ધન જોબન ને આવરદા, નહીં ક્ષણ ઠરનારજી. ડડા. (૮)
વૈભવ ભોગમાં વાસના, ટાળી ધરજે વૈરાગજી;
ભગવતસુત કહે શ્રીહરિ, થશે રાજી અથાગજી. ડડા. (૯)
_______________________________________________
*અયુત= દશ હજાર, આકાશઅભ્ર= આકાશના વાદળાં.
કુંભકાચો જળ = કાચા મૃત્તિકાના ઘડામાંથી પાણી જેમ પલકમાં
નીકળી જાય તથા જેમ વિજળીનો ઝબકારો, તેમજ પાણીનો
પરપોટો જેમ ક્ષણવાર ઠરતા નથી તેમ ધન જોબનને આવરદાની
ચપળ ગતિ છે.