વિનયમાં નમ્ર વિશેષ, વાણી મધુર ખરીઃ ૧/૧

પદ- ૧૮૦ …………………૧/૧

વચન વિવેકની ગરબી

(દોહરો)

વચન વડે આ વિશ્વમાં, વડો થાય વ્યવહાર;

માટે સજ્જન વચનને, ઉચ્ચરો કરી વિચાર. (૧)

“સારું સારું રે સુરત શહેર, મુંબઇ અલબેલી .” એ રાગ પ્રમાણે.

વિનયમાં નમ્ર વિશેષ, વાણી મધુર ખરીઃ

વદીએ હરિ ધરી હમેશઃ વાણી મધુર ખરી. (ટએક)

વચન થકી સુખ સંપત્તિ પામે, જામે જશ વિસ્તાર રે;

વચન થકી મનમાં દુઃખ મટશે, આનંદ થાય અપાર. વાણી. (૧)

વચન થકી સહુ કારજ વણસે, વસશે જનમાં વેરરે;

કડવાં કથન કહ્યાથી જગમાં, ઝાઝુ ઉપજે ઝેર. વાણી. (૨)

વશીકરણ વિદ્યા વાણીમાં , બોલી જાણે જેહ રે;

વિનય વડે વિવેકથી બોલે ધન્ય ધન્ય જન છે તેહ. વાણી. (૩)

સારા વચન સુણી સુખ ઉપજે, વાંકા વિખ વખાર રે;

વચનથકી મળે માન મનુષ્યમાં, મુરખ ખાયે માર. વાણી. (૪)

વચને બગડે કારજ પરનું વચને પર ઉપકાર રે;

છેદે છાતી છેક વચન તે, કરડો જેમ કટાર. વાણી. (૫)

કુવચન ઘાવ કદી નવરુઝે, સાલે સાંજ સવાર રે;

માટે મધુર વચન મુખ બોલો, પૂરણ ધરીને પ્યાર. વાણી (૬)

મોર મધુરો સ્વર ઉચ્ચારે, ચકિત ઘણા જન થાય રે;

શ્રવણ માત્રથી સુખ ઉપજાવે, અંતર તાપ ઓલાય. વાણી (૭)

કાળા રંગી કોયલડી પણ બોલે મધુરા બોલ રે;

મિષ્ટ વચન મુખમાં બોલ્યાથી, આનંદ કરે અતોલ. વાણી. (૮)

મીઠી વાણી મેના બોલે, કુવચનનો કરી ત્યાગ રે;

તેથી પાળે મેના પોપટ, કોય ન પાળે કાગ. વાણી. (૯)

હરિરસ અમૃત જે વાણીમાં, જુગતે કરી જણાય રે.

તે વાણી ગંગોદક સરખી, તન મન પાવન થાય. વાણી. (૧૦)

ઘુવડ તો ઘુઘવાટ કરીને, કાઢે વચન કઠોર રે;

જ્યાં બેસે ત્યાંથી ઉડાડે, જન સહુ કરીને જોર. વાણી. (૧૧)

ગરધવ જ્યારે ગાન કરે છે, બોલે કડવા બોલ રે;

બોલ તણો તજી તોલ જ બોલે, તે નર ખરને તોલ. વાણી. (૧૨)

જગતકર્તાએ આ જગમાંહિ, નિરમ્યું એક નિશાન રે;

હલકા વેણે હલકાઇ મળશે, મિષ્ટ વચનથી માન. વાણી. (૧૩)

વિવેકી જન હંસ સરીખા, વચને કરે વિચાર રે;

પયથી પાણી ત્યાગ કરીને, સંગ્રહ કરી લે સાર. વાણી. (૧૪)

કોમળ સારા કથન કહ્યાથી, મન જપશે મીઠાશ રે;

સારી વાણી શ્રવણ કર્યાથી, અંતર ટળે ઉદાસ. વાણી. (૧૫)

માટે સત્ય વચન મુખ બોલો, રાખી ઉત્તમ રીત રે;

ભગવતસુત કહે સજ્જનને, પૂરણ આણી પ્રીત. વાણી. (૧૬)

મૂળ પદ

વિનયમાં નમ્ર વિશેષ, વાણી મધુર ખરીઃ

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી