પદ ૧૮૨ ………………૨/૨
હરખ્યા માતપિતા જોઇ પુત્રને,
જેના અંગમાં તેજ અપાર; આનંદ વધામણા. (ટેક)
શંખ, ચક્ર, ગદા, પદ્મ હાથમાં,
કંઠે હીરામોતી તણા હાર. આનંદ. (૧)
મોર મુગટ કુંડલ કરણમાં ,
મુખ શરદ પૂનમતણો ચંદ્ર. આનંદ.
પહેર્યું પીળુ પીતાંબર પ્રેમથી,
શોભે અદભુત આનંદકંદ. આનંદ. (૨)
એવું રૂપ જોઇ બેઉ રીઝિયાં,
કરી સ્તુતિ થઇ પ્રેમાતુર; આનંદ.
અહો ! ભાગ્ય અહો ! ભાગ્ય આ સમે;
વસો આવાને આવા જ ઉર. આનંદ (૩)
હશી હળવે બોલ્યા હરિકૃષ્ણજી,
સુણો સ્નેહ ધરી માત તાત; આનંદ.
મારાં જાણીને અસુરે સંતાપિયા,
હવે એનો કરીશ હું ઘાત. આનંદ (૪)
વૃંદાવનમાં દર્શનમેં આપ્યા હતા,
તેનું થવાને તમને જ્ઞાન. આનંદ.
આપ્યું દર્શન આ મૂળ સ્વરૂપનું;
હવે કરું છું અંતર ધ્યાન. આનંદ. (૫)
એમ કહી બાળરૂપ પોતે બન્યા,
માતાએ લીધા ખોળામાં માવ; આનંદ.
ધર્મદેવ મહોત્સવ જાણીને ,
દીધાં દાન આણી ઘણો ભાવ. આનંદ. (૬)
બાળરૂપ પ્રભુ અક્ષરપતિ,
આવે માતાપિતાને આનંદ. આનંદ.
વિશ્વવિહારીલાલના મુખને ,
જુએ માતા ચકોરી જેમ ચંદ. આનંદ. (૭)