પદ ૧૯૫ ……………………..૧/૧
અથ ચારુત્તર વર્ણન.અને વૃત્તાલય માહાત્મ્ય
(હરિગીત છેંદ)
ગુણવંત શુભ ગુજરાતમાં, ચારુ ચરોત્તર દેશ છે,જ્યાં વિવિધ ભાતિ તણાં વિનોદક , વૃક્ષ સધન વિશેષ છે;
અગણિત અંબ તરુ અનામત, જંબુતરુ રળિયામણા,સુકદંબ કેસુ કેતકી, તરુ જાતમાં ન મળે મણા. (૧)
સીતાફળી ને જામફળી , કદળીફળી સુલળી રહી,ખરસાણી અરણી પીડા હરણી તરુ તણી ગણતી નહિઃ
ફળ પુષ્પના ભારે કરી, જ્યા ઝાડ બહુ ઝૂકી રહ્યાં,જાણે સુતાપ નિવારવા, શોભિત શિર છત્રો થયાં. (૨)
તરુ ઉપર ઘણી જાતિ તણી , ફેલી રહી જ્યાં વેલિયો,સુગંધમાં થઇ અંધ ને ભમરા કરે ત્યાં કેલીયો ;
મધૂમાલતી ને મલ્લિકાની લતાઓ લટકી રહે,શું? સુમન હરિ શિરે વધાવા, જ્ઞાન નિજ મનમાગ્રહે. (૩)
સ્વર શુદ્ધ મોર કરે મનોહર, ચકલિયો ચિત્તને હરે,શુક સારિકાને કોકિલાઓ, મધુર સ્વર મુખ ઓચરે;
સ્વકળા ચડાવીને કળાધર નૃત્ય જ્યા નિતનિત કરે ,શુ ? નૃતકનો અવતાર ધરી, હરિને રીઝાવા વિચરે. (૪)
જ્યાં વાપી કૂપ તળાવમાંહિ, અખૂટ જળ નિરમળ ભર્યાં,હરિને રીઝાવા ધરણીમાં, જળહોજ શું? વિધિયે ધર્યા,
રળિયામણો ને રસાલ દેશ, વિશાળ વિમળ વિશેષ છે;શું ? રમાપતિને રમન કરવા, બાગ નિરમ્યો બેશ છે. (૫)
ઉત્તમ અશોક તરુ વળી, જ્યાં લોક અમિત અશોક છે,શું ? શોક મોહ રહિત એ, ગોવિંદનો ગોલોક છે;
આ વિશ્વની રચના વિવિધ, એ દેશમાં આવી વસે,ચતુરાઇથી ચતુરાનને હરિ સારું શું નિરમ્યો હશે ? (૬)
એવા સુઉત્તમ દેશમાં , વરતાલ ગામ સુનામ છે,શોભા સકળ આ વિશ્વની , ત્યાં વસી આવી તમામ છે;
ગોલોક અક્ષરધામ આદિ, અનૂપ ધામ અનેક છે,પણ વિશ્વમાં વરતાલ જેવું, ધામ આજે એક છે. (૭)
જ્યા તીર્થમાં સર્વોપરિ, ગુણવંત રાજે ગોમતી,આંબા તણી તીરે તતી૧ છે, નીર નિર્મળ તો અતિ;
વાયુ વડે જળના તરંગો, ઉછળી છલકાય છે.શું ? પાપીઓના પાપ એ રીતે કરી ધોવાય છે. (૮)
જળજંતુઓ મરનાર જળમાં, સ્વર્ગમાં તે સંચરે,તો સ્નાનના કરનાર જન, નહીં પાપથી શુ? ઉદ્ધરે;
અવતારના અવતારી એના, જળ વિષે નાહ્યા બહુ,તેથી જ મહિમા તેહનો; અદભુત અવનીમાં લહુ. (૯)
તે પુરમાં મંદિર તો રમણિય, સરસ રચાવીનેલક્ષ્મીપતિ પધરાવિયા, શુભ લક્ષ ઉરમાં લાવીને;
એ દેવનો મહિમા ઘણો, આ વિશ્વમાં વ્યાપી રહ્યો,સતસંગી જીવન ગ્રંથમાં, વિશેષ વર્ણવીને કહ્યો. (૧૦)
______________________________________________
કળાધર= મોર, ચતુરાનન= બ્રહ્મદેવ., તતી૧= પંક્તિ