પદ ૨૦૩ …………………….૧/૧
“શ્રીજીમહારાજની સ્તુતિ વિષે”
(પદ રાગ ગરબી ઝડ઼્ઝમકની)
“ચાલ વહેલી અલબેલી પ્યારી રાધે.” એ રાગ પ્રમાણે.
ધર્મકુંવર ઘનશામ બહુનામી
ચંચળ ચિત્ત ઠરે ચરણ શરણ પામી પામીઃ ધર્મકુંવર. (ટેક)
ધરે ધ્યાન તે મહંત સંત ચિત્તે,
ગાય ગીત નિત્ય નિત્ય પૂરણ પ્રીતે,
વંદે ચરણ પ્રેમ આણી શુભ રીતે;
વંદે ચરણ વંદે ચરણ સુખ કરણ,
શામ વરણ ધરણી ધરણ દુઃખ હરણ,
ગરૂડ ગામી ગામી. ધર્મકુંવર. (૧)
રહ્યા પિંડને બ્રહ્માંડ વિષે વ્યાપી,
એ અખંડ વિભુ પ્રચંડ છે પ્રતાપી,
પૂરણ કામ ગુણ શકે કોણ માપી;
પૂરણ કામ પૂરણ કામ શ્રીઘનશામ,
ઠરણ ઠામ સુખ ધામ રટે નામ,
સંત આમ આઠુ જામ અક્ષર ધામ,
તણા ધામી ધામી. ધર્મકુંવર. (૨)
દીનબંધુ દયાસિંધુ પ્રતિપાળ,
કરે કષ્ટ ઘણાં નષ્ટ એ કૃપાળ,
મુજ ઇષ્ટ છે વરિષ્ઠ ભક્તિ બાળ;
મુજ ઇષ્ટ મુજ ઇષ્ટ છે વરિષ્ટ.
દયા દ્રષ્ટ કઠણ કષ્ટ કરે નષ્ટ ,
જીવ ભ્રષ્ટ તારે સ્પષ્ટ સિદ્ધિ અષ્ટ
તણા સ્વામી સ્વામી. ધર્મકુંવર. (૩)
રિદ્ધિ સિદ્ધિ ને સ્મૃદ્ધિ વૃદ્ધિ કારી,
ધરે ધુર્જટી અખંડ ધ્યાન ધારી,
અતિ પવિત્ર છે ચરિત્ર સુખકારી;
અતિ પવિત્ર અતિ પવિત્ર છે ચરિત્ર,
પરમ મિત્ર ગતિ વિચિત્ર જગત જંત્ર,
કરણ તંત્ર એ સ્વતંત્ર છે સર્વત્ર,
અંતર જામી જામી. ધર્મકુંવર. (૪)
ઇંદ્ર ચંદ્રને મુનીંદ્ર ઉર સાધે ,
યોગીંદ્રને ફણીંદ્ર એ આરાધે,
પ્રીતમ પ્રાણ સેવી સ્નેહ ઘણો વાધે;
પ્રીતમ પ્રાણ પ્રીતમ પ્રાન છે, સુજાણ,
સુખની ખાણ ભૂતળ ભાણ , ભવ મે'રાણ,
વિમળ વા'ણ શું વખાણ કરું અજાણ,
નથી ખામી ખામી. ધર્મકુંવર. (૫)
જેની દ્રષ્ટિએ બ્રહ્માંડ ઇંડ ડોલે,
પ્રલય કાળે બધું જગત સિંધુ બોળે
ધરણી ધણણે ચડે વિશ્વ ચગડોળે;
ધરણી ધણણ ધરણી ધણણ મેરુ ભણણ
સમીર સણણ ખલક ખણણણ મેઘ ઘણણ
ઝરે ઝણણ ઠાઠ ઠણણ છોળ્યું છણણ,
કરણ સ્વામી સ્વામી. ધર્મકુંવર. (૬)
સદા ધર્મ વર્મ પર્મ કર્મ કારી,
દીનાનાથ છે અનાથ હાથ ધારી,
પ્રતિપાળ વિમળ વિશ્વનાવિહારી;
પ્રતિપાળ પ્રતિપાળ ભક્તિવાળ,
ધી વિશાળ અતિ કરાળ , કાળ ઝાળ
થી સંભાળ સદા કાળ છે કૃપાળ,
વિપત વામી વામી. ધર્મકુંવર. (૭)
________________________________________________
વરિષ્ઠ= શ્રેષ્ઠ, ધૂર્જટી= સદાશિવ., વર્મ =બખ્તર, ધી= બુદ્ધિ,
વિપત વામી= વિપત્તિ નાશ પામી.