પદ -૨૧૪ ………………………….૧/૧
વ્રજચંદ્ર ને ચંદ્રમાનું સાથે વર્ણન.
“જુઓ નટવર વસંત થૈઇ થૈઇ નાચી રહ્યો, ” એ રાગ પ્રમાણે
જુઓ શરદ પૂનમ શશી શોભી રહ્યો,
શોભી રહ્યો જગ શોભાવી રહ્યો. જુઓ શરદ. (ટેક)
પૂર્વ દિશામાં પેખતાં, પ્રસર્યો દિસે પ્રકાશ;
આસ પાસ નક્ષત્રમાં, કેવો કરે વિલાસ.
જાણે વ્રજચંદ્ર ચંદ્ર, ભૂમિ આકાશમાં,
એક બીજાનો ગુણ અંગમાં, ગ્રહ્યો. જુઓ શરદ. (૧)
અઢારભાર વનસ્પતિ, પોષે પૂરણચંદ્ર;
અખિલ જગતના જીવને, જીવાડે સુખકંદ.
વ્રજવનિતાની સાથમાં અલબેલોરે,
રમે રંગભર સુંદર રાસ છેલછબીલોરે. જુઓ શરદ. (૨)
જોઇ ચંદ્રના કિરણને, પોરણી ઘણી ફૂલાય;
તેમ જ શ્રીવૃજચંદ્રને, હરિજન જોઇ હરખાય..
નેત્ર ચકોર નિરખે અતિ નેહમાં,
તેથી શું? જગ ઉપહાસ સહ્યો. જુઓ શરદ. (૩)
મૃગનેણી વેણી વિમળ, સુખ દેણી વ્રજનાર,
ચિત્ત હરણ ચંચળ ચતુર, પ્રભુ સંગ પૂરણ પ્યાર.
એવા જનને સુખિયા કર્યા સુખકારી રે.
અતિ ઉપકારી અખિલેશ વિશ્વવિહારીરે. જુઓ શરદ. (૪)