ક્રૂર કષ્ટ પડતા કદી, જે જન આપદ ગાય; ૧/૧

પદ – ૨૧૭ ……………………૧/૧
શ્રીજી મહારાજને આપત્કાળમાં સંભારવા વિષે
(દોહરો)
 
ક્રૂર કષ્ટ પડતા કદી, જે જન આપદ ગાય;
તુર્ત આવી ત્યાં તે સમે, શ્રીહરિ કરે સહાય.  (૧)
 
“કૃષ્ણ વળાવી હું વળી રે, ઉભી જમુના તીર;”
“આસુડે ભીજાય મારો કુંચવો, મારા ભીજાય દક્ષિણી ચીર રે.
મધુવનનાં વાસી.” (ટેક) એ રાગ પ્રમાણે.
 
વા'લા ભક્તિ ધરમસુત શામરે, આવોજી અવતારી;
પ્યારા છો પ્રભુ પૂરણ કામરે , સુણો વિનતી અમારી.  (ટેક)
કષ્ટ ઘણુ દેખી દાસનું રે, કાયર ન થશો કૃપાળ;
જીવ કોટી મુક્ત કોટીના, તમે રસિયાજી છો રખવાળ રે. આવોજી અવતારી. (૧)
અતિ અદભૂત આ સૃષ્ટીને રે, રચતા થાક્યા નહીં રાજ;
આ એક સેવક કારણે, કેમ આળસ કરી બેઠા આજ રે. આવોજી અવતારી. (૨)
સતયુગ, ત્રેતા, દ્વાપરેરે, આવતા આપ અચીર;
આજ કળિકાળ દુષ્ટ છે, એમ જાણી બેઠા છો શું ? સ્થિર રે. આવોજી અવતારી. (૩)
એક સેવકને કારણે રે આગે લીધાં અવતાર;
તે વાત શું ? વિસરી ગયા, કેમ આળસ આણી આ વાર રે. આવોજી અવતારી. (૪)
આ અવતાર છે આપનો રે, કરુણામય મહારાજ;
કેડ બાંધી દ્રઢ આ સમે, પ્યારા કર્યાં છે કોટીનાં કાજ રે, આવોજી અવતારી. (૫)
મુક્ત મુનિને ઉગારિયા રે, ઝેર થકી જગરાય;
મહા વનમાં નદી જળ થકી, કરી શામળા જઇને સહાય રે; આવોજી અવતારી. (૬)
વ્યાપકાનંદનાં વચનથીરે, જાણી વણિક અનાથ;
મ્લેચ્છના કરથી મૂકાવિયો, તમે દામ દઇ દીનાનાથરે. આવોજી અવતારી. (૭)
અખંડાનંદને વન વિષે રે, વાઘ મળ્યા વિકરાળ;
તુર્ત ઉગાર્યા તે કષ્ટથી , થવા દીહો નહીં વાંકો વાળ રે . આવોજી અવતારી. (૮)
નિષ્કુળ મુનિને નાથજીરે, તરસ લાગી તેહ વાર;
ખારો સિંધુ મીઠો કર્યો, એવા ધન ધન ધર્મકુમાર રે. આવોજી અવતારી. (૯)
સ્વામી ગોપાલાનંદજી રે, જે આદિ અક્ષરરૂપ;
તેની સાથે નિત્ય જમતા, વા'લા વડોદરામાં અનૂપ રે. આવોજી અવતારી. (૧૦)
પર્વતભાઇને ઇચ્છા થઇ રે, જોવા નૃસિંહાવતાર;
આપ ચોવીશ રૂપે થઇ, દીધા દર્શન જગકરતાર રે. આવોજી અવતારી. (૧૧)
જીવુબાઇ ગઢપુરમાં રે, જીવન મુક્ત જરૂર;
દૂધ પીધું તમેં તેહનું, પ્યારા પ્રેમ આણી ભરપુર રે. આવોજી અવતારી. (૧૨)
જીવરામ વાંકાનેરના રે , જાણી મોટા ભક્તરાજ;
ભરદરિયામાં તારિયા, તમે જીવન લાવી જહાજ રે. આવોજી અવતારી. (૧૩)
અરદેસરજી પારસી રે, સુરતના કોટવાળ;
તેને ઐશ્વર્ય જણાવીને, આપી દિવાનગિરિ દયાળ રે. આવોજી અવતારી. (૧૪)
વિકટ વેળા અંતકાળની રે, ત્યારે આવો છો દયાળ;
દુઃખ હરવા નિજ દાસના, સાથે લઇ વાહન વિશાલ રે. આવોજી અવતારી. (૧૫)
બ્રહ્મપુરે લઇ જાઓ છો રે , બિરદ સંભારીને શામ;
એવું જાણીને મેં આપના, પ્રભુ શરણે કર્યો છે મુકામ રે. આવોજી અવતારી. (૧૬)
કાળ કરમ માયા તણો રે, ભય નથી હવે લેશ;
હાથ ઝાલ્યો છે હેતે કરી, તમે બળવંત હે ! અક્ષરેશ રે. આવોજી અવતારી. (૧૭)
જેમ ધ્રુવ તણી માછલી રે, ધ્રુવ ભણી ખેંચાય ;
આપ તરફ વા'લા માહ્યરો, સદા તેમજ પ્રાણ તણાય રે. આવોજી અવતારી. (૧૮)
ચંદ્ર ઉગે આકાશમાં રે, જળધિ તણું વધે જોર;
તેમ આનંદ ઉભરાય છે, જ્યારે નિરખું છું ધર્મકિશોર રે. આવોજી અવતારી. (૧૯)
વારે વારે શું આપને રે, કહેવું કૃપાનિધાન;
સુખ દુઃખમાં કરો સહાયતા, આવી ભક્તવત્સલ ભગવાનરે. આવોજી અવતારી. (૨૦)
ગુણ ને અવગુણ અમતણા રે, અળગા કરી અલબેલ;
વિશ્વવિહારીલાલજી, આવો છોગાળા રંગ છેલ રે. આવોજી અવતારી. (૨૧) 

મૂળ પદ

ક્રૂર કષ્ટ પડતા કદી, જે જન આપદ ગાય;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી