પદ ૨૧૮ ……………………………૧/૧
સૂર્યપુરમાં શ્રીનારાયણ મુનિદેવની પ્રાર્થના વિષે.
(પૂર્વછાયો)
સુંદર સુરત શહેરમાં, વસો નારાયણ મુનિદેવ;
આપનો મહિમા અગાધ છે, કરે સુરમુનિ મળી સેવ. (૧)
મૂરતિ ગૌર તમારી છે, સજ્યા અંગોઅંગ શણગાર;
મુખતણી છબી જોઇને , લાજે શારદચંદ્ર હજાર. (૨)
આપના ચરણવિષે સદા, રહો મારું મન મહારાજ;
માગુ છું બેઉ કર જોડીને, આપો ગોવિંદ ગરીબનિવાજ. (૩)
(ચોપાઇ)
વામભાગે છે રાધા વિહારી, છબી જેની ત્રિલોકથી ન્યારી;
શામ મૂરતિ મોરલી હાથે, શોભે રાધાજી નિજ સંગાથે. (૪)
વસ્ત્ર ઘરેણા અંગે વીરાજે, છબી જોઇ કોટી કામ લાજે;
વસો મધ્યને મંદિર સ્વામી, છોજી અક્ષરધામના ધામી (૫)
દક્ષણાદુ છે મંદિર જેહ, કહું તેની શોભા ધરી સ્નેહ;
ધર્મ ભક્તિને શ્રીઘનશામ, પૂરે હરિજનના મનની હામ. (૬)
મારા ચિત્ત તણા ચોરનાર, ધન્ય ધન્ય છો ધર્મકુમાર;
રૂપ અનૂપ આપનું જોઇ, નાખું ક્લેશ કંકાસને ખોઇ. (૭)
ઉત્તરાદો જે ખંડ અનૂપ, તેમા શ્રીજીનું ચિત્ર સ્વરૂપ;
અંગોઅંગમાં તેજ અતિશે, જાણે ચંદ્ર રવિ ઉગ્યા દિસે. (૮)
સારું શિખર શોભે અપાર, જાણે મેરું શિખર આકાર;
કળશ સોનાનો ઝળકે છે કેવો, જાણે હિમગિરીપર શશી જેવો.(૯)
ધ્વજ હાલી દે છે આવકાર, પામે જન જે મોટો અધિકાર;
તેણે સહુને આવકાર દેવો, ધ્વજ મર્મ જણાવે છે એવો. (૧૦)
સૂર્યપુરના પ્રેમી હરિજન, તેને સદા રાખો છો પ્રસન્ન;
વિશ્વવિહારીલાલજી આજ, જયકારી પ્રવર્તો મહારાજ. (૧૧)