જ્યા સુધી શેષ ધરે ધરણી શિર, ચંદ્ર રવિ નહીં લે જ વિસામો, ૧/૧

પદ- ૨૨૫ ……………….૧/૧

ગ્રંથને આશિષ. (સવૈયો)

જ્યા સુધી શેષ ધરે ધરણી શિર, ચંદ્ર રવિ નહીં લે જ વિસામો,

જ્યાં સુધી લક્ષ્મી કરે હરિસેવન, ગંગતરંગ વિષે જળ જામો;

જ્યાંસુધી સત્ય વસે સચરાચર વિપત્તિનો નહીં વેગ વિરામો,

ત્યાં સુધી આ શુભ ગ્રંથ અવિચલ, વિશ્વ વિષે જયકાર જ પામો. (૩)

(દોહરો)

દિવ્ય શતક વર્ષો જતાં, ભાંગે કદી બ્રહ્માંડ,

તો અક્ષરનાં મુક્તના, મુખમાં વસો અખંડ. (૪)

_____________________________________________

વિપતિ= વિ-પતી-પતિ-સ્વામી-પતીનો સ્વામી ગરૂડ.

ગ્રંથાધિકારી ( હરિગીત છંદ)

તજી મોહમાયા કપટ છાયા, જ્ઞાનમાં ગરકાવ છે,

જેને પ્રગટ શ્રીભક્તિસુતની, ભક્તિમાં બહુ ભાવ છે,

માયિક શબ્દાદિક વિષયથી, જેનું ઉર અવિકારી છે,

એવા વિવેકી વૃંદજન આ ગ્રંથના અધિકારી છે. (૫)

(મનહર છંદ)

રાગ રાગણીનું જેના અંતરમાં જ્ઞાન હશે,

તેવા જન તો જરૂર રાગને વખાણશે;

કવિતાના કોડિલા જે કાવ્યમાં ચતુર નર,

એવા જન કાવ્યના વિચાર ઉર આણશે;

ફાવે તે સ્વિકારો ભલે ન ફાવે તો નિંદશો માં,

કથન કહું છું તે આ પ્રીતેથી પ્રમાણશે;

સંતોષ દેનાર જ્ઞાન ભંડાર આ ગ્રંથમાંથી,

હરિજન હરિગુણ વિષે ગુણ જાણશે.. (૬)

(દોહરો)

હરિને હરિના જન સદા, પૂરણ થાય પ્રસન્ન;

એ ઇચ્છા મુજ અંતરે , નહિ ઇચ્છા ઉર અન્ય. (૭)

ગ્રંથશ્રુતિફળ

(છપય છંદ)

પ્રગટ ચરિત્ર પવિત્ર, કહ્યાં છે વિમળ વખાણી,

જીવનરૂપ જરૂર, હરિજનને છે જાણી;

સુણશે ધરિને સ્નેહ, હૃદયમાં શાંતિ થાશે;

ક્લેશ અને કંકાશ, દુઃખ સઘળા દૂર જાશે,

પ્રગટ પ્રભુની ભક્તિને, સહેજે તે નર પામશે,

નિજ ભૌતિક પિંડ પડ્યા પછી, અક્ષરધામ વિષે જશે. (૮)

(દોહરો)

જે નર સ્નેહ વડે કરી, સુણે ન હરિ ગુણગાન;

તેના કાન સરપ તણા, જાણો બિલ સમાન. (૯)

ગ્રંથાંતેહરિસ્મરણ.

(વસંતતિલકાવૃત્તમ્)

આનંદ કંદ મૂર્તિ વૃષકુળચંદ,

છે મંદ મંદ હસતુ, સુમુખારવિંદ;

જેનું કરે સ્તવન છંદ અને મુનિંદ;

વંદુ હું તેહ હરિનું ચરણારવિંદ (૧૦)

જે પાદપદ્મ થકિ ઇડ કટાહ ફોડ્યું,

જે પાદપદ્મે શકટાસુર માન તોડ્યું;

જે પાદકંજથી કર્યો, દુઃખી કાળીનાગ,

તે પાદપંકજ તણો મહિમા અથાગ. (૧૧)

___________________________________

બિલ= સરપનુ દર.

મૂળ પદ

જ્યા સુધી શેષ ધરે ધરણી શિર, ચંદ્ર રવિ નહીં લે જ વિસામો,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી