પદ- ૨અ ……………………….૨/૨
(પદ રાગ ગરબી)
“લગાડી તેં પ્રીતી લાલ, પ્રીતલડી તો લગાડી” એ રાગ પ્રમાણે.
અતિ આનંદનો દિન આજ, વિહારીજીલાલ પધાર્યા.
હરિજનનો તે હરખ્યો સમાજ, વિહારીજીલાલ પધાર્યા. (ટેક)
સત્સંગી જન સર્વને , આનંદ ઉર ઉભરાય;
આવ્યું ઉત્તમ પર્વ છે, જાણે જોતા તે એમ જણાય. વિહારીજીલાલ. (૧)
ધર્મધુરંધર ધરણીમાં , જનહિત ફરો હમેશ;
ઉજ્જ્વળ કીર્તિ આપની, વ્યાપી વિશ્વમાં એથી વિશેષ. વિહારીજીલાલ. (૨)
વિદ્યા વદન વિષે વસી, દયા વસી દિલ માંહ્ય;
સદ્ગુણની સીમા તમે, પેખી પૂરણ પ્રેમ પમાય. વિહારીજીલાલ. (૩)
સૂર્ય સમાન પ્રતાપી છો, પ્રગટ પ્રભુના પુત્ર;
હરિજનના મુખકમળને, આજ ફૂલાવ્યાં પરમ પવિત્ર. વિહારીલાલ. (૪)
શીતળ ચંદ્ર સમાન છો, શાન્તિના કરનાર.;
હરિજન નેત્ર ચકોર તે, જુઓ નિરખે છે વારંવાર; વિહારીજીલાલ. (૫)
મેઘ સમાન મહાન છો , અંતર અધિક ઉદાર;
પંડિત પામે આપથી, સભા જનમાં સારો સતકાર. વિહારીલાલ. (૬)
અમૃતની વૃષ્ટિ કરી, ટાળ્યા ત્રિવિધિ તાપ;
દર્શન દીધાં દાસને, ધન્ય ધન્ય પ્રતાપ અમાપ. વિહારીજીલાલ. (૭)
કામ કરો સત્સંગનાં, વધો લક્ષ ગણી લાજ,
સર્વ મળી આશિષ દે, સોંપો શ્રીહરિ સુખસમાજ. વિહારીજીલાલ. (૮)