ભવસંભવભીતિભેદનં, સુખસંપત્કરુણાનિકેતનમ્ ૧/૧

 ભવસંભવભીતિભેદનં, સુખસંપત્કરુણાનિકેતનમ્;

વ્રતદાનતપ:ક્રિયાફલં, સહજાનંદગુરું ભજે સદા       ||૧||

કરુણામયચારુલોચનં, શરણાયાતજનાર્તિમોચનમ્

પતિતોદ્ધારણાયતત્પંરં, સહજાનંદગુરું ભજે સદા      ||૨||

નિજતત્ત્વપથાવબોધનં, જનતાયા: સ્વત એવ દુર્ગમમ્;

ઇતિ ચિંત્ય ગૃહિતવિગ્રહં, સહજાનંદગુરું ભજે સદા    ||૩||

વિધિશંભુમુખૈરનિગ્રહં, ભવપાથોધિપરિભ્રમાકુલમ્;

અપિધાર્ય મનોનરપ્રભું, સહજાનંદગુરું ભજે સદા      ||૪||

નિજપાદપયોજકીર્તનં, સતતંસ્યાદ્‌ભવજીવગોચરમ;

ઇતિ ય: કુરુતે ક્રતૂત્સવં, સહજાનંદગુરું ભજે સદા     ||૫||

બહિરીક્ષણલોકમાનુષં, નિજદત્તાંબકદર્શિનાં હરિમ્;

ભજનીયપદં જગદગુરું, સહજાનંદગુરું ભજે સદા      ||૬||

શરણાગતપાપપર્વતં, ગણયિત્વા ન તદીયસદગુણમ્;

અણુમપ્યતુલં હિ મન્યતે, સહજાનંદગુરું ભજે સદા    ||૭||

ભવવારિધિમોક્ષસાધનં, ગુરુરાજપ્રકટસ્વસંગમમ્;

પ્રકટીકૃતવાન્ કૃપાવશ: સહજાનંદગુરું ભજે સદા     ||૮||

ભગવન્ ! કૃપયાત્વયાકૃતં, જનતાયામુપકારમીદ્રશમ્;

ક્ષમતે પ્રતિકર્તુમત્ર ક:, કુરુતે દીનજનસ્તતોંજલિમ્    ||૯||

મૂળ પદ

ભવસંભવભીતિભેદનં, સુખસંપત્કરુણાનિકેતનમ્

રચયિતા

દીનાનાથ ભટ્ટ

ઉત્પત્તિ

અષાઢી સં. ૧૮૬૩માં દિપોત્સવી પર્વ પ્રસંગે શ્રીજીમહારાજે ગઢપુરમાં દાદાના દરબારમાં વાસુદેવનારાયણની મૂર્તિ સમક્ષ અન્નકૂટોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવ્યો હતો. સૌથી ઉલ્લેખનીય વાત તો એ છે કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં આ સૌથી પહેલો અન્નકૂટોત્સવ હતો. શ્રીજીના સુખદ સાંન્નિધ્યમાં સૌએ ખૂબ ઉત્સાહભેર આ મહોત્સવ ઉજવ્યો ને માણ્યો. અન્નકૂટ દર્શન બાદ શ્રીહરિ થાળ જમવા પધાર્યા અને પછી એમણે જ સ્વહસ્તે પીરસીને સર્વે સંતોને પ્રેમપૂર્વક જમાડ્યા. તમામ પરમહંસોને જમાડ્યા પછી મહારાજે ત્યાં જ સભા કરી. સભામાં કથા-કીર્તન થતા હતા એટલામાં બહારગામનો એક બ્રાહ્મણ ત્યાં દર્શને આવ્યો. તેના પહેરવેશ ઉપરથી તે સ્પષ્ટપણે ગુજરાતી વર્તાતો હતો. ગોઠણ સુધી લાંબુ અંગરખુ, માથે ગુજરાતી પાઘડી, કપળમાં ત્રિપુંડ્ર, ગળામાં રુદ્રાક્ષની માળા અને ખભે ખેસ! સભામાં બિરાજમાન શ્રીહરિને નિરખીને એ સ્થિર થઈ ગયો હોય એમ લાગતું હતું. મહારાજે એને આવકાર્યો. સભાએ માર્ગ કરી દીધો એટલે વિપ્ર શ્રીહરિ સન્મુખ જઈ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. પ્રણામ કરીને વિપ્ર બે હાથ જોડીને શ્રીહરિની સમીપ જઈ બેઠો ત્યાં તો દિવ્યતેજના મહાપુંજ વચ્ચે સુંદર શ્વેતસિંહાસન ઉપર પ્રભુના અલૌકિક તેજોમય સ્વરૂપે એને દર્શન થયા. પરમાત્માના દિવ્ય દર્શન થતાં જ તેના મુખમાંથી સ્તુતિના શબ્દો સરી પડ્યા, ‘મહાતેજ:પુંજ સ્ફુરદમભસિંહાસનપરે | સ્થિતં સર્વાધીશં નરવકિરણવિદ્યોતિતસભમ્ ||’ શ્રીહરિએ તેમના મસ્તક ઉપર પોતાનો અભય હાથ મૂક્યો. પછી પૂછ્યું: ‘વિપ્રવર્ય! આપ ક્યાંથી પધારો છો? આપનું શુભ નામ શું છે?’ બ્રાહ્મણે સજળ નેત્રે હાથ જોડીને કહ્યું: પ્રભુ! હું ગુજરાતમાં ભરુચ પાસે આવેલા આમોદ ગામનો વતની છું. જન્મે બ્રાહ્મણ છું નામ દીનાનાથ ભટ્ટ છે! સૌરાષ્ટ્રમાં ભગવાન પ્રગટ્યા છે એવી વાત સાંભળી વિચાર થયો કે મારી વિદ્વત્તાથી ભગવાનની કસોટી કરવી, કેટલાક અટપટા પ્રશ્નો પૂછવાના મનસૂબા ઘડીને, પ્રભુ – હું અહીં આવ્યો પણ આપના દર્શન થતાં જ અંતરમાં શાંતિ થઈ ગઈ અને વગર પૂછ્યે મને બધા જ જવાબ મળી ગયા. હવે તો બસ એ જ પ્રાર્થના છે. પ્રભુ, કૃપા કરીને મને આપનો આશ્રિત કરો.’ મહારાજ ભટ્ટજીની આર્તપ્રાર્થના સાંભળી બહુ રાજી થયા અને એમને વર્તમાન ધરાવી સત્સંગી કર્યા. દીનાનાથ ભટ્ટ સંસ્કૃતના પ્રખર પંડિત હતા. શ્રીમદ્ ભાગવત જેવા કેટલાક સત્શાત્રો એમને કંઠસ્થ હતા. જ્યોતિષવિદ્યાનું પણ સારું જ્ઞાન તેઓ ધરાવતા હતા. એકવાર મહારાજે એમને પૂછ્યું: ‘ભટ્ટજી, તમે શ્રીમદ્ ભાગવતના કેટલા શ્લોક કંઠસ્થ કર્યા છે?’ દીનાનાથે ગર્વથી જવાબ આપ્યો, મહારાજ, વધુ નહિ પણ ૧૮૦૦૦ શ્લોક તો કંઠસ્થ છે!’ મહારાજે વળી આગળ પૂછ્યું: ‘એમાંથી તમારા કલ્યાણ માટે કેટલા શ્લોક તમે માન્યા છે?’ ભટ્ટજી તો આ સાંભળી વિચારમાં પડી ગયા. મહારાજે આ તો ગજબ પૂછી નાંખ્યું. આવા પ્રખર પંડિતે પણ આ બાબતનો કદી વિચાર સુદ્ધા નહોતો કર્યો! ભટ્ટજીએ તો નિષ્કપટભાવે કહી દીધું: ‘મહારાજ! એ તો મેં નથી તપાસ્યું.’ મહારાજે ઘણીવાર ભટ્ટજીને ભરીસભામાં નવા નવા ભારે વસ્ત્રો આપીની તેમના ઉપર પોતાની પ્રસન્નતા બતાવેલી. છતાં પણ કુસંગના દોષો યા વિદ્યાના ગર્વે દીનાનાથજીને એકવાર શ્રીજીથી અળગા કર્યા હતા. મહારાજે શિક્ષાપત્રી લખી એમાં પોતાના આશ્રિત તરીકે ગૃહસ્થોમાં મયારામ ભટ્ટનું નામ લખ્યું એથી દીનાનાથને મનમાં ઓછું આવેલું. એમને થયેલું કે મહારાજે સત્સંગી સંસારીઓમાં મયારામને પ્રતિનિધિ માન્યા અને મને નહિ! મયારામ તો અભણ છે ને મારા જેવા વિદ્વાનની બસ આટલી કદર? એ સમયે નિર્વિકલ્પાનંદ નામના એક શાસ્ત્રી સાધુ પોતાની વિદ્વત્તાના ઘમંડને કારણે સત્સંગમાંથી નીકળી ગયા હતા. એમણે દીનાનાથને બરાબર ભરમાવ્યા. એ પછી દીનાનાથના મનમાં મહારાજ માટે અભાવ પેસી ગયો અને એમણે દર્શને આવવાનું સદંતર બંધ કરી દીધું. બનાવકાળ એ પછી એવું બન્યું કે એમની દીકરી યમુનાને વળગાડ થયો. જાતજાતના મંત્રોપચાર કરવા છતાં એ ઉપદ્રવ શાંત થયો નહી. ઘરનાં સૌ મુંઝાયા. વળગાડ પણ હઠીલો હતો. દિવસે દિવસે વધુ ને વધુ ત્રાસ આપવા લાગ્યો. એવામાં ભટ્ટજીને રસ્તામાં કોઈ સત્સંગી ભેટી ગયા. વાતમાં વાત નીકળતા તેમણે ભટ્ટજીને સૂચન કર્યું કે તમે મહારાજ પાસે જ જાવ ને! પ્રભુ તો કરૂણાનિધાન છે, એ બધું જ સારું કરી દેશે. દીનાનાથ દીકરીના દુ:ખે અતિ વ્યાકુળ થઈ ગયા હતા, એમની ધીરજ હવે ખૂટી ગઈ હતી. મહારાજની યાદ આવતા એમની આંખો ભરાઈ આવી. એમની પોતાની ભૂલ પળમાં સમજાઈ ગઈ. સૂરજ સામે પોતે ધૂળ નાખવા ગયા અને એ ધુળ પોતાની જ આંખોમાં પડી! એની જ આ કારમી વેદના છે, એમ હવે એમને સમજાઈ ચૂક્યું હતું. પ્રશ્ચાતાપના અગ્નિમાં અહં અને મત્સરના સર્વ દોષોને બાળીને તત્કાળ એ ગઢડા દોડી ગયા. શ્રીજીના ચરણોમાં ઢળી પડી ભટ્ટજી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. એમના પરમ પવિત્ર થયેલા હૃદયે શ્રીજીની સાચી શરણાગતી આજે સ્વીકારી હતી, આ ઘડીએ સ્વીકારી હતી અને એટલે જ, એ પળે જ, એમના મુખમાંથી અનાયાસે ગુરુસ્તવનસ્તોત્રનીએ કડીઓ શીઘ્ર રચના પામીને સરવા લાગી. ‘ભવસંભવભીતિભેદનમ્ સુખસંપત્કરુણાનિકેતનમ્ | વ્રતદાનતપ:ક્રિયાફલમ્ સહજાનંદગુરુંભજે સદા. ||’ મહારાજ દીનાનાથનું આ સ્તવન સાંભળી ખૂબ રાજી થયા. પછી જ્યારે ભટ્ટજીએ દીકરીની પરિસ્થિતિ અંગે મહારાજને પ્રાર્થના કરી ત્યારે મહારાજ કહે, ‘બ્રાહ્મણને વળી ભૂત કેવુ?’ દીનાનાથ કહે, ‘પ્રભુ, ખૂબ દુ:ખી થયો છું. હવે તો આપ આમોદ પધારશો તો જ આ બલા ટળશે એમ લાગે છે!’ મહારાજ આ સાંભળી હસ્યા. પ્રભુ તો જાણતા જ હતા કે આને માન નડ્યું, મત્સરને કારણે અભાવ આણ્યો એ જ વળગાડ છે, હવે એ છૂટે એટલે લપ ટળે. એમણે કહ્યું: ‘આપણા મયારામ ભટ્ટ મોટા છે, એમને તેડી જજો.’ મયારામ ભટ્ટ આમોદ ગયા. એમણે ન્હાઈ ધોઈને પૂજા શરૂ કરી ત્યા જ વળગાડે નાસવા માંડ્યું. નહિ કોઈ વિધિ ને નહિ કોઈ અનુષ્ઠાન! મયારામ ભટ્ટની ભક્તિનો પ્રભાવ જોઈને દીનાનાથ એમના ચરણમાં નમી પડ્યા. એમનું માન, ઈર્ષ્યા ને મત્સર વળગાડ સાથે જ વિદાય થઈ ગયા.

વિવેચન

આસ્વાદ: માણસ જ્યારે પોતાના પ્રિયપાત્રથી વિખૂટો પડી વિયોગની વસમી વ્યથા ભોગવે છે, ત્યારે મહદ્અંશે વિરહના તાપમાં તેનું અંતર વ્યથિત થઈને વધુ ને વધુ પ્રિયતમમય બનતું જાય છે. વિરહના અતિરેકમાં ક્યારેક પ્રેમી મિલનનો આસ્વાદ માણે છે! પ્રભુના વિયોગે પ્રેમી ભક્તો પણ વિરહની વ્યથામાં જ વધુ ને વધુ પ્રભુ સમીપ પહોચ્યાં છે, વધુ ને વધુ પ્રભુમય બન્યાં છે. વિરહ પછીનું એ મિલન ભક્તના હૃદયના પ્રેમોત્કટ ભાવોને સહજપણે જ્યારે ઉમળકા ભેર વ્યક્ત કરે છે, ત્યારે સાહિત્યમાં આવા હૃદયોત્કટ ભાવોને અભિવ્યક્ત કરવા માટે ‘વિયોગિનીવૃત્ત’ છંદ પ્રયોજાય છે. પ્રસ્તુત સ્તોત્રની રચના વિયોગિનીવૃત્તમાં કરવામાં આવી છે તે આ સંદર્ભમાં યથાર્થ જ છે. પંડિતપ્રવર શાસ્ત્રી દીનાનાથ ભટ્ટને શ્રીજી માટે સહેજ અવળો સંકલ્પ થતાં, એ માનસિક દુષ્કૃત્યના પરિણામે વિમુખ બનેલા નિર્વિકલ્પાનંદનો એમને કુસંગ થયો અને એ કુસંગના રંગે ભટ્ટજી પણ સત્સંગથી વિમુખ બન્યા. પ્રભુથી વિમુખતા એ જ પ્રભુનો વિયોગ. પ્રભુના વિયોગે ભટ્ટજી સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિના ઝંઝાવાતમાં ફસાઈ ગયા. વ્યવહારમાં કહેવાય છે ને કે ‘દુ:ખનું ઓસડ દહાડાં’, પણ ભટ્ટજીનું દુ:ખ હતુ. એ દુ:ખ તો શ્રીજી સિવાય કોણ ટાળી શકે: અંતે પ્રશ્ચાતાપના અશ્રુએ વિરહના એ તાપને શમાવ્યો અને ભટ્ટજી પુન: પ્રભુના આશ્રયે આવ્યા; ત્યારે એમના અંતરના ઉત્કટભાવો આ સ્તોત્રરૂપે વિયોગીનીવૃત્તમાં અભિવ્યક્તિ પામ્યા. આ સ્તોત્ર નાનું પણ અર્થગંભીર છે. એમાં કવિ દીનાનાથ ભટ્ટ મુખ્ય વાત તો એ કહેવા માગે છે કે સહજાનંદ સ્વામી મારા ગુરુ છે તેથી એ ભગવાન છે એમ હું નથી કહેતો, પણ શ્રી સહજાનંદ વાસ્તવમાં પ્રગટ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનારાયણ છે, તેથી જ મેં એમને મારા ગુરુદેવ માન્યા છે. કેટલાક લોકો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને ગુરુમુખી એટલે કે ગુરુને જ ભગવાન માનનારો પંથ કહે છે, પણ આ આક્ષેપ વજૂદ વિનાનો છે. સંપ્રદાયમાં ગુરુપદે તો રામાનંદ સ્વામી પણ બિરાજેલા હતા, પણ તેમને કોઈએ ભગવાન તરીકે નથી ઉપાસ્યા. ઊલટું ગુરુ રામાનંદ સ્વામીએ જ પોતાના શિષ્ય સહજાનંદ સ્વામીને પરબ્રહ્મ પ્રગટ પુરુષોત્તમરૂપે ઓળખાવેલા. સંપ્રદાયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ યાને સ્વામી સહજાનંદ સ્વયં પ્રગટ પ્રમાણ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ છે અને તેથી જ તેમને ‘પરમગુરુ’ તરીકે ગણવામાં આવ્યા છે. કારણ કે, ભગવાન એ જ એકમાત્ર સર્વ ગુરુના ગુરુ છે. સ્તોત્ર પહેલાં ત્રણ ચરણો: સહજાનંદ ગુરું ભજે સદા એ ધ્રુવસુત્રના વિશેષણો જેવા છે. ‘ભવસંભવભીતિભેદનમ્’થી પ્રારંભતા પ્રથમ ચરણમાં કવિ પોતાના ઇષ્ટ આરાધ્ય સ્વામી સહજાનંદજીની ગુરુરૂપે વંદના કરતા કહે છે: ‘જે જન્મમરણરૂપી સંસૃતિની ભીતિનો નાશ કરનારા છે, જે સુખના ધામ છે, જે સંપત્તિ માત��રનું આશ્રયસ્થાન છે અને કરૂણાનિધાન છે, જે જાતજાતના વ્રતો, દાન અને તપરૂપી ક્રિયામાત્રનું ફલ છે, એવા મારા ગુરુરાજ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીનું હું નિરંતર ભજન કરું છું.’ બીજા ચરણમાં કવિ કહે છે: જેમનાં નયનો કરુણાથી ભરેલાં છે, અને એ અતિ સુંદર છે, જે પોતાને શરણે આવેલા જીવને દુ:માત્રથી મુક્ત કરનારા છે, જે પાપી અને પતિતનો પણ ઉદ્ધાર કરવા હંમેશાં તત્પર છે એવા મારા ગુરુરાજ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીનું હું નિરંતર ભજન કરું છું.’ નિજતત્વપથાવબોધનં જનતાયા: સ્વત એવ દુર્ગમમ્ | ઇતિ ચિન્ત્ય ગૃહિતવિગ્રહં, સહજાનંદગુરું ભજે સદા || -‘વ્રત, દાન, તપ, ત્યાગ, યોગ, યજ્ઞ વગેરે જાતજાતનાં સાધનોકરવા છતાં જેમના દિવ્ય અને સૂક્ષ્મ સ્વરૂપનું જ્ઞાન થવું યોગીજનો માટે પણ દુષ્કર છે, અર્થાત્ જે યજ્ઞાદિક ઉત્સવ સમૈયા કરે છે, એવા મારા ગુરુરાજ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીનું હું નિરંતર ભજન કરું છું.’ ભગવાન પોતાના ભક્તજનોના લાલનપાલન અર્થે, અર્થાત્ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે જે મનુષ્ય શરીર ધારણ કરે છે અને મનુષ્યની જેમ વર્તે છે. પણ એ ખરેખર તો અક્ષરથી પણ પર, દિવ્યાતિત દિવ્ય છે. તેથી જ ભગવાને આ રીતે ધારણ કરેલ મનુષ્યસ્વરૂપ અને અક્ષરધામસ્થ તેજોમય દિવ્યસાકાર સ્વરૂપ બંને (મહિમાની દ્રષ્ટિએ) અભિન્ન એટલે કે એક જ છે. એવી નિર્વિકલ્પ નિશ્ચયાત્મિકા બુદ્ધિ થયા વિના આત્યાંતિક કલ્યાણ થતું નથી. આત્યાંતિક કલ્યાણ પ્રાપ્તિ માટે પ્રગટ ઉપાસના અત્યંત અનિવાર્ય છે. શ્રીજી મહારાજ તો સત્સંગમાં સદાય પ્રગટ જ છે અને એક એમનો જ દ્રઢ આશ્રય પરમ કલ્યાકારક છે. ‘બહિરીક્ષણલોકમાનુષં.......’ એ ચરણમાં કવિ કહે છે: ‘જે બાહ્યદ્રષ્ટિએ જોતાં મનુષ્યવત્‍ આચરણ કરે છે, પણ જેમને એમણે દ્રષ્ટિ આપેલી છે, અર્થાત્ જેમના ઉપર એમની કૃપા ઉતરેલી છે એવા ભક્તજનો માટે, જેમનાં ચરણકમળ હંમેશાં ભજવા યોગ્ય છે અને જે ગુરુમાત્રના ગુરુ છે, એવા મારા ગુરુરાજ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીનું હું નિરંતર ભજન કરું છું.’ ‘જે પોતાને શરણે આવેલા જીવોનાં પર્વત જેવાં પાપોના સમૂહને જોતા નથી, પણ એમનો અલ્પ સરખો સદગુણ હોય તેને અતુલ માને છે અર્થાત્ મોટો માને છે, એવા મારા ગુરુરાજ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીનું હું નિરંતર ભજન કરું છું.’ કૃપાનિધાન પ્રભુની ગદગદભાવે વેદના ગાતા કવિ આગળ કથે છે: ‘સંસારસાગર તરી જવા માટે યાને મોક્ષ માટેનું પરમ સાધન એ પ્રભુનું મનુષ્યરૂપે પ્રગટ થઈ જીવને પોતાના નિકટ રહેવાનો જે અલભ્ય યોગ આપવો એ જ છે. કૃપાવશ થઈને જેણે પ્રગટ થઈ આ અલભ્ય યોગ ભક્તોને આપ્યો છે એવા મારા ગુરુરાજ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીનું નિરંતર ભજન કરું છું.’ અંતે દીન બનીને બે હાથ જોડીને ભગવાનને ભવ્ય ભાવાંજલિ અર્પતા કવિ કહે છે: ‘હે ભગવન્ ! મનુષ્યદેહ ધારણ કરીને સર્વજનોને દર્શન દેવારૂપી જે મહાઉપકાર જીવપ્રાણીમાત્ર ઉપર કરેલો છે, તેનો બદલો વાળવા માટે આ લોકમાં કોણ સમર્થ છે? કોઈ જ સમર્થ નથી. તેથી દીનજન એવો હું દીનાનાથ ભટ્ટ આપની સમક્ષ માત્ર હાથ જોડીને, હૃદયની અંજલિ આપતો, નમ્રભાવે ઊભો છું.’ દીનાનાથ ભટ્ટે પહેલવહેલા ગઢડામાં જ્યારે શ્રીજીમહારાજના દર્શન કરેલા, ત્યારે શરણાગતિના જે અનુપમ ભાવો એમના અંતરમાં સ્વયંભૂ પ્રગટેલા તેવા જ ભાવો આ પ્રસંગે પણ જાગ્યા એ જોગાનુજોગ ઉલ્લેખનીય ગણાય. ‘મહાતેજ:પુંજ.....’ સ્તોત્રમાં પણ અંતે એ ગાય છે – ‘તતો વંદે દીનસ્તવ પદયુગં દણ્ડવદહમ્ | અને આ સ્તોત્રમાં પણ અંતે લખ્યું કે – કુરુતે દીનજનસ્તતોડજ્જભિમ્ | આ નાનકડાં સ્તોત્રના અર્થનો હૃદયના શુદ્ધભાવથી જેમ જેમ આસ્વાદ લેવાતો જાય છે, તેમ તેમ આનંદની માત્રા વધતી જાય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
નિત્ય નિયમ
Studio
Audio
0
0