સબહી બરનમેં વોહી બડે જીન, સ્વામિનારાયણ રટા રટા રે ૧/૧

સબહી બરનમેં વોહી બડે જીન, સ્વામિનારાયણ રટા રટા રે	...ટેક.
સ્વામિનારાયણ જેહી મન રાચે, સંસાર તિનકો ખટા ખટા રે	...૧
સહજાનંદ કો દર્શન જીન કીનો, ત્રિવિધ તાપ સો કટા કટા રે	...૨
સ્વામિનારાયણ કો મુખ ગાવે, પંડિત જોગી ભટા ભટા રે	...૩
સહજાનંદ કો ધ્યાન ધરી મુનિ, શિર ધરિ કે બડી જટા જટા રે	...૪
સ્વામિનારાયણ આશ્રય જીન કિનો, તિનકી ઓર હૈ છટા છટા રે...૫
શ્વેતવૈકુંઠદાસ શ્રીહરિ કે, પડત ચરનમેં લટા લટા રે		...૬
 

મૂળ પદ

સબહી બરનમેં વોહી બડે જીન, સ્વામિનારાયણ રટા રટા રે

મળતા રાગ

ઠુમરી

રચયિતા

શ્વેતવૈકુંઠાનંદ સ્વામી

ઉત્પત્તિ

વર્ષો પહેલાંની વાત છે. રાજસ્થાનના જોધપુર ગામના એક મારવાડી કુટુંબમાં એક વાર અચાનક એક ગોઝારી ઘટના બની ગઇ. એક નાનકડા કુમળા કળી સમા બાળકની જનેતા એને નોંધારો મૂકીને સ્વધામે સિધાવી જતાં બાળકના પિતાને માથે જાણે આભ ફાટી પડ્યું. છતાં પણ હૈયે હિંમત ધરીને એ અકિંચન બાપે પેટે પાટા બાંધીને પણ પુત્રને જતન કરીને ઉછેર્યો. પરંતુ તૂટેલું ગાડું તાણી-તૂસીને ખેંચવા જતાં કેટલું ચાલે? પુત્ર ૨૨ વર્ષનો થયો ત્યારે તેના પિતાનું એક દિવસ અચાનક અવસાન થયું. પુત્ર સદાચારી હતો – સંસ્કારી હતો – ગુણીયલ હતો. તેણે પિતાની અંતિમક્રિયા, શ્રાદ્ધ, સરવણું સંપુર્ણ શ્રદ્ધા સાથે કર્યા, છતાંય પુત્રમાં અતિશય આસક્તિ ધરાવતા પિતાનો જીવ પુત્રમાં અટકી ગયો, એમની‌ અસદ્‌ગતિ થઇ, ભુત થઇને ભટકતો પિતા તેના પુત્રને વારંવાર દેખાયા કરતો. પુત્ર ભારે વિસામણામાં મૂકાયો. તેણે પિતાની સદ્‌ગતિ માટે શાસ્ત્રોમાં સૂચવાયેલા સઘળા ઉપાયો તેમ જ વિધિ-વિધાનો કર્યા, પરંતુ તેના સર્વ પ્રયત્નો વ્યર્થ નિવડ્યા. અંતે પિતાના કલ્યાણ માટે તેણે તીર્થાટન કરવાનું નક્કી કર્યું. ઘરબાર વેચી સાથે લીધેલા ધનની સુરક્ષા માટે ભગવી કંથા ધારણ કરી તે ચાલી નીકળ્યો. કાશી, મથુરા, ગોકુળ, અયોધ્યા વગેરે તીર્થોમાં ભટકતો ભટકતો તે ગિરનારની ગરવી કંદરાઓમાં આવી તેણે દામોદર કુંડમાં સ્નાન કર્યું, દેવના દર્શન કર્યા, બાવા-જતિ-જોગીઓના આશીર્વાદ લીધા પરંતુ કેમેય કરીને તેના પિતાની સદ્‌ગતિ ન થઇ. યુવાનને તેનો બાપ સતત પડછાયાની જેમ પાછળ ને પાછળ આવતો દેખાયા કરતો, તેથી રાત્રે પણ નિરાંતે નિદ્રા આવતી નહિ. અંતે એ કંટાળ્યો. એને થયું, પિતાનું પ્રેત મારો પીછો છોડે એમ લાગતું નથી, એના કરતાં આ દેહ જ છોડી દઇ જીવન ટુંકાવી દઉ તો જ આમાંથી છૂટાય. બીજે દિવસે સવારે ઊઠીને આત્મહત્યા કરીશ એવા મનસૂબા સાથે તે સૂઇ ગયો. એ રાત્રે સ્વપ્નમાં એને દ્વારિકાધીશના દર્શન થયા. દ્વારિકાધીશે તેને કહ્યું: સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં ગઢપુર ગામ છે, ત્યાં પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ બિરાજે છે. તું શીઘ્ર ત્યાં જા અને એમનો આશ્રય કર. એ તારા પિતાનો અવશ્ય ઉદ્ધાર કરશે. .’ બીજે દિવસે વહેલી સવારે ઊઠીને એ યુવાન ગઢપુર તરફ ચાલી નીકળ્યો. સતત ચાલતા ત્રણ દિવસે એ ગઢપુરની સીમમાં આવેલી ઘેલા નદીના કાંઠે પહોંચ્યો. ઘેલામાં ડુબકી દેતાં જ યુવાને પરમ શાંતિ અનુભવી. વર્ષોથી દેખાતું તેના પિતાનું પ્રેત એકાએક દેખાતું બંધ થઇ ગયું. સ્નાન-સંધ્યા આટોપી તેણે મંદિરમાં આવી ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. મંદિરની સામે આવેલી સાધુઓની જાયગામાં તે સ. ગુ. શ્રી મુક્તાનંદ સ્વામીને મળ્યો. મીઠો આવકાર આપીને સ્વામીએ એને પૂછ્યું: ‘મહાત્માજી, આપનું નામ શું છે? આપ ક્યાંથી પધારી રહ્યાં છો?’ સ્વામીના મધુર વચનો સાંભળતાં જ યુવાન જાણે સ્વપ્નભંગ થતો હોય એમ ચમક્યો. એનું ધ્યાન હવે પોતે પહેરેલા ભગવા વસ્ત્રો પર જતાં એણે સહેજે ભોંઠપ અનુભવી. તરત જ તે નિખાલસભાવે બોલ્યો: ‘સ્વામીજી, હું કોઇ સાધુ-સંત કે મહંત-મહાત્મા નથી. હું તો એક સામાન્ય ગૃહસ્થનો પુત્ર છું. મેં જે ભગવા વસ્ત્રો પહેર્યાં છે તે તો મુસાફરીમાં સલામતી અને અનુકૂળતા અર્થે જ છે. મારે ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરવા છે!’ મુક્તાનંદ સ્વામીએ કહ્યું: ‘તમને શ્રીજીમહારાજના દર્શન જરૂર થશે. થોડી ધીરજ રાખો, ભગવાનશ્રી આજે જ કારિયાણીથી અહીં પધારવાના છે...’ બપોર પછી શ્રીજીમહારાજ કારિયાણીથી ગઢપુર પધારી અક્ષર ઓરડીમાં બિરાજ્યા હતા. મુક્તિ મુનિ એ મુમુક્ષુ યુવાનને લઇને મહારાજના દર્શને ગયા. શ્રીહરિના દર્શન કરતાં જ યુવાનના અંતરમાં આનંદના ઓઘ ઉતર્યા. મહારાજે તેની સામે એક નજર કરી મુક્ત મુનિને તેનો પરિચય પૂછ્યો. સ્વામીએ એનો પરિચય આપ્યો ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા: ‘સ્વામી, આ ભક્તના પિતા અતિ પુત્ર મોહને કારણે અસદ્‌ગતિ પામ્યા હતા એ વાત સાચી, પરંતુ આ ભક્તે ઘેલા નદીમાં સ્નાન કર્યું ત્યારે જ તેના પિતાના આત્માની સદ્‌ગતિ થઇ ગઇ છે. માટે હવે તે નિશ્ચિંતપણે ઊંઘી શકશે.’ પછી મહારાજે મૂળજી બ્રહ્મચારીને કહ્યું: ‘બ્રહ્મચારી, આ ભક્તે ત્રણ દિવસથી કાંઇ ખાધું નથી. સતત ચાલીને એ થાકી ગયા છે, માટે પહેલાં અમારા થાળની પ્રસાદી એમને જમાડો. પછી એમના આરામની વ્યવસ્થા કરો.’ મૂળજી બ્રહ્મચારીએ તેને ભોજન કરાવ્યું, સંત-સમાગમ, ભગવત્ દર્શન અને ભોજનપ્રસાદ આ બધું અહીં સરળતાથી સહજસ્વભાવે પ્રાપ્ત થતાં એ યુવાનનો દિવસોનો થાક પળોમાં ઉતરી ગયો. એનું અંતર પ્રફુલ્લિત થઈ ગયું. એ રાતે તે નિરાંતે ઊંઘ્યો. સવારે ઊઠી સ્નાનાદિ નિત્યવિધિમાંથી પરવારી તે દાદાખાચરના દરબારમાં શ્રીજીમહારાજના સાંનિધ્યમાં ભરાયેલી સંત-હરિભક્તોની સભામાં આવીને બેઠો. શ્રીજીમહારાજે તેને પૂછ્યું: ‘ભક્તરાજ તમે હવે શો વિચાર કર્યો? તીર્થયાત્રા આગળ વધારવી છે કે અહીં અમારી પાસે અઠેદ્વારકા કરીને રહેવું છે?’ યુવાને વિનમ્રતાથી જવાબ આપ્યો: ‘પ્રભુ તીર્થાટન તો પિતાની સદ્‌ગતિ અર્થે કરવા નીકળ્યો હતો. મારો એ હેતુ આપના ચરણમાં સિદ્ધ થયો, માટે હવે તો અહીં જ આપની સેવામાં રહેવું છે!’ શ્રીજીમહારાજે તેને પાર્ષદની દીક્ષા આપી લક્ષ્મીવાડીમાં રહી ફૂલવાડીની માવજત કરવાની સેવા સોંપી. પાંચેક વરસ પાર્ષદ તરીકે ફૂલવાડીની સેવા કર્યા પછી એકવાર તેમણે શ્રીજીમહારાજને વિનંતી કરી: ‘પ્રભુ, મારે સાધુ થવું છે.’ મહારાજે કહ્યું: ‘પાર્ષદરૂપે તમે સેવા કરો જ છો ને? તેમાં કાંઈ મુશ્કેલી હોય તો કહો.’ ભક્તરાજે ફરી આજીજીપુર્વક કહ્યું: ‘મહારાજ, પાર્ષદરૂપે મુશ્કેલી તો કાંઈ જ નથી, પરંતુ મારે તો તમારી કથાવાર્તા સાંભળવી છે અને સંતોની સેવા કરી બ્રહ્મરૂપ થવું છે. પાર્ષદ તરીકે એ લાભ નથી મળતો, તેથી મારે સાધુ થવું છે.’ શ્રીજીમહારાજ તેમની મુમુક્ષતા તેમ જ સંતસેવા માટેની ત્વરા જોઇ અત્યંત પ્રસન્ન થયા અને તેમને સાધુ માટેની ભગવતી દીક્ષા આપી તેમનું નામ શ્વેતવૈકુંઠાનંદ પાડ્યું. સ. ગુ. શ્રી શ્વેતવૈકુંઠાનંદ સ્વામીએ શ્રીજીમહારાજના સાંનિધ્યમાં રહી તેમ જ નંદસંતોના સેવાસમાગમ દ્વારા બ્રાહ્મીસ્થિતિ પ્રાપ્ત કરી હતી. તેમની ખડી હિન્દી ભાષામાં રચાયેલ કાવ્યરચનાઓ સત્સંગ સાહિત્યમાં અનેરી છાપ ઉપસાવે છે. શ્રીહરિના સ્વધામગમન બાદ તેઓ વડતાલ મંદિરમાં રહી સત્સંગની સેવા કરતા હતા. કાવ્યકૃતિ: સબહી બરન મેં વોહી બડે જીન, સ્વામિનારાયણ રટા રટા રે. સ્વામિનારાયણ જેહી મન રાચે, સંસાર તિનકો ખટા ખટા રે. સહજાનંદ કો દર્શન જીન કીનો, ત્રિવિધતાપ સૌ કટા કટા રે. સ્વામિનારાયણ કો મુખ ગાવે, પંડિત જોગી ભટા ભટા રે. સહજાનંદ કો ધ્યાન ધરી મુનિ, શિર ધરી કે બડી જટા જટા રે. સ્વામિનારાયણ આશ્રય જીન કીનો, તિનકી ઔર હૈ છટા છટા રે. શ્વેતવૈકુંઠાનંદ શ્રીહરિકે, પડત ચરનમેં લટાલટા રે.

વિવેચન

આસ્વાદ : શ્રીજીમહારાજના ચરણસ્પર્શથી પાવન થયેલી તીર્થ-સલિલા ઉન્મત્તગંગામાં સ્નાનમાત્રથી જ જેમના અસદ્ ગતિને પામેલા પિતાશ્રીનો ઉદ્ધાર થઇ ગયો એવા સ. ગુ. શ્રી શ્વેતવૈકુંઠાનંદ સ્વામીએ પોતાના સ્વાનુભવે જ શ્રીહરિનો અપરંપાર મહિમા આત્મસાત કરીને એમનો અનન્ય આશ્રય કર્યો હતો. તેથી જ એમના પ્રસ્તુત પદમાં એના શબ્દે શબ્દે પ્રભુ શ્રી સ્વામિનારાયરણનો પારાવાર મહિમા એની પારાકાષ્ઠાએ પ્રગટે છે. કવિના મતે સમસ્ત જગતમાં એ જ સૌથી મહાન છે- એ જ સૌથી શ્રેષ્ઠ છે જેને ભગવાન શ્રી સ્વામિનારાયણનું અખંડ અનુસંધાન રહે છે, જેના અંતરમાં સતત શ્રીહરિનું સ્મરણ સહજ સ્વભાવે થયા કરે છે. શ્રીજીમહારાજે સ્વયં શ્રીમુખે આ જ વાતને (ગઢડા પ્રથમના પહેલા) વચનામૃતમાં અનુમોદન આપ્યું છે. શ્રીજીમહારાજ કહે છે: ‘જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી, કારણ કે ભગવાનની મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઇ પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થ ને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મુર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે, તે તો જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઇચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમોહોલ આદિક જે જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે.’ જેને આ પ્રમાણે અહોનિશ અંતર પ્રભુપરાયણ રહ્યા કરે છે તેનું મન અનાયાસે જ સંસારના વ્યાપારોમાંથી અનાસક્ત થઇ જાય છે. શ્રીજીમહારાજના પ્રથમ દર્શનથી જ કવિના અંતરમાં અપાર શાંતિ અને અકારણ આનંદના ઓઘ ઉતરી આવ્યા હતા. તેથી કવિ ગાય છે: જેણે જેણે પણ શ્રી સહજાનંદના દર્શન કર્યા છે એના ત્રિવિધ તાપ – આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળી ગયા છે. મોટા મોટા વિદ્વાન પંડિતો તથા અલમસ્ત યોગીઓ પણ ઠેર ઠેર ફરીને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા પ્રગલ્ભપણે ગાય છે. સંતદાસજી એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ‘સત્સંગિજીવન’ ગ્રંથના રચયિતા મહામુનિ શ્રી શતાનંદજી પ્રખર વિદ્વાન તેમ જ ઉચ્ચ કોટીના સિદ્ધ પુરુષ હતા. તેમણે શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીનો પ્રગલ્ભ મહિમા ઠેઠ બદરિકાશ્રમમાં જઇને ગાયો હતો, એટલું જ નહિ આસામના મહામુક્ત દલુજીને પણ શ્રીહરિનો અપરંપાર મહિમા સમજાવ્યો હતો અને તેથી મોટા મોટા જટાજૂટ જોગી મુનિઓ શ્રી સહજાનંદ શ્રીહરિનું અખંડ ધ્યાન ધરી રહ્યાં છે. કવિ કહે છે, જેને જેને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અનન્ય આશ્રય કર્યો છે તેમની વાત જ નિરાળી છે. શ્રીજીમહારાજનો આવો અતુલિત મહિમા અંત:કરણપુર્વક સમજીને કવિ કૃતકૃત્યભાવે શ્રીહરિના ચરણોમાં આળોટીને પોતાના અંતરના આરતભર્યા ભાવોની ભવ્ય ભાવાંજલિનો અનોખો અર્ઘ્ય અર્પણ કરે છે. ખડી હિન્દી બોલીમાં રચાયેલું પ્રસ્તુત પદ સુગેય છે. રાગ ઠુમરીમાં એની બંદિશ કાવ્યના શબ્દલાલિત્ય તથા ભાવમાધુર્યને સુસંગત છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
કમલનયનદાસ સ્વામી-BAPS
યમન કલ્યાણ
શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સબહી બરનમેં
Studio
Audio
1
0