ધર્મકુંવર ક્યારે આવશો, વ્હાલા શ્યામ સુજાણ; ૧/૧

ધર્મકુંવર ક્યારે આવશો, વ્હાલા શ્યામ સુજાણ;

તમરે વિના મારા નાથજી, પડ્યા પરવશ પ્રાણ.      ધર્મ.૧

વિરહે વ્યાકુળ ચિત્ત મારું, અતિશે અકળાય;

જીવન તમને જોયા વિના, ઘડી જંપ ન થાય.        ધર્મ.૨

દિવસે તો દિલમાં ગોઠે નહિ, રાત રોઇ રોઇ જાય;

નેણે આસુંની ધારા વહે, ક્યાંય શાંતિ નવ થાય.      ધર્મ.૩

મદિર મોહન તમ વિના, ખાલી ખાવાને ધાય;

નિત્યે નિશ્વાસ મૂકું હરિ, કેમે દિવસ ન જાય.          ધર્મ.૪

વાઘે છે વિરહ વેદના, વ્હાલા જાણો જરૂર;

દુર્બળ દેહે ખમાય નહિ, ન થાય દુ:ખડા દૂર.         ધર્મ.૫

જેમ ચકોરને ચંદ્ર છે, તેમ તમે છો નાથ;

વણદીઠે અકળાઉં છું, ચિત્ત મારું તમ સાથ.           ધર્મ.૬

દીનદયાળુ કહી સદા, નિગમાગમ ગાય;

દુ:ખ દેખી શકો દાસનું, એ આશ્ચર્ય ગણાય.           ધર્મ.૭

વિનંતી વ્હાલા સુણી મારી, શ્રીહરિ તતખેવ;

જીવન જગદીશાનંદના, દેજો દર્શન દેવ.             ધર્મ.૮

 

મૂળ પદ

ધર્મકુંવર ક્યારે આવશો, વ્હાલા શ્યામ સુજાણ;

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ઉત્પત્તિ

સદ્‍ગુરુ શ્રી જગદીશાનંદ બ્રહ્મચારીનો જન્મ સંવત ૧૯૨૨માં સૌરાષ્ટ્રના પિપલાણા ગામમાં પવિત્ર બ્રાહ્મણ મહેતા પરિવારમાં થયો હતો. તેઓ બાળપણથી જ અત્યંત ભગવદીય અને વૈરાગ્યવાન હતા. જૂનાગઢ મદિરમાં વિદ્વત્‍વર્ય અચિંત્યાનંદ બ્રહ્મચારીનો અનાયાસે યોગ થતાં તેઓ બ્રહ્મચારી મહારાજની વિદ્વતા, સત્સંગપરાયણતા અને શ્રીજીમહારજ પ્રત્યેની સર્વોપરી ઉપાસના તથા દ્રઢનિષ્ઠાથી અત્યંત પ્રભાવિત થયા. તત્કાળ તેમણે સ. ગુ. શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારીને પોતાના જ્ઞાનગુરુ તરીકે સ્વીકારી જીવનપર્યંત તેમની પાસે રહેવાનો નિર્ધાર કર્યો. ધ.ધુ. આચાર્ય મહારાજ પાસેથી બ્રહ્મચારીની ભાગવતી દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમણે શાસ્ત્ર, પુરાણ, વ્યાકરણ વગેરેનો અભ્યાસ કવિવર અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે કર્યો. વળી સં. ૧૯૫૩માં તેમણે રાજકોટના જીવણરામ શાસ્ત્રી પાસે સંસ્કૃત વાઙમયનો વિશદ વિદ્યાભ્યાસ કર્યો. બ્રહ્મચારી જગદીશાનંદજી એક પ્રખર શાસ્ત્રજ્ઞ વિદ્વાન તો હતા જ, પરંતુ સાથે સાથે તેઓ એક સિદ્ધહસ્ત રસકવિ હતા. તેમની કાવ્યરચનાઓ ‘રસિક પદ રચના’ નામે પ્રકાશિત થયેલી છે. જગદીશાનંદને કવિવર દલપતરામ સાથે ઘણું હેત હતું. પિંગળશાસ્ત્રનું પૂર્ણ જ્ઞાન તેમને દલપતરામ પાસેથી મળેલું. તેથી ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે બ્રહ્મચારીએ દલપતરામના ગુણાનુવાદ કરતો લઘુગ્રંથ ‘દલપતબત્રીસી’ રચ્યો જે સં. ૧૯૬૨માં રાજકોટથી પ્રસિદ્ધ થયો હતો. જગદીશાનંદ બ્રહ્મચારીએ સત્સંગસાહિત્યની અણમોલ સેવા કરી છે. શ્રીજીમહારાજે પંચાળમાં જે રાસોત્સવ કર્યો તેનું વિશદ વર્ણન કરતો લઘુગ્રંથી ‘પંચાળા-રાસોત્સવ’ તથા શ્રીહરિની અંતર્ધ્યાન લીલાનું વર્ણન કરતો ‘શ્રીહરિ દેહોત્સવ’ ગ્રંથ તેમની અપ્રતિમ સત્સંગસેવાના જીવંત દ્રષ્ટાંતો છે. આ રીતે દેવસેવા, કથાવાર્તા અને સત્સંગ સાહિત્ય નિર્માણ દ્વારા સંપ્રદાયની અનેરી સેવા કરનાર બ્રહ્મનિષ્ઠ કવિ સદ્‍ગુરુ શ્રી જગદીશાનંદ બ્રહ્મચારી સં. ૧૯૬૮ના કારતક સુદ એકાદશીના દિવસે માણાવદરમાં અક્ષરધામમાં પધાર્યા.

વિવેચન

આસ્વાદ : પ્રેમીભક્ત કવિ શ્રી જગદીશાનંદ બ્રહ્મચારી પ્રસ્તુત પદમાં પોતાના પ્રાણપ્યારા પ્રિયતમ સ્વેષ્ટ શ્રી સહજાનંદ સ્વામીના વિરહમાં વ્યાકુળ અંતરે મિલનનો મીઠો તલસાટ અભિવ્યક્ત કરે છે. વિરહાનુભૂતિ પણ ઈશ્વરભક્તિનું અભિન્ન અંગ જ છે. જ્યાં સુધી પ્રેમીભક્ત પરમ વિરહાસક્તિ નથી અનુભવતો ત્યાં સુધી તેનો પ્રેમ નવધા ભક્તિની પરાકાષ્ઠારૂપ પ્રેમલક્ષણા ભક્તિના અંતિમ ચરણે નથી પહોંચતો. ખરેખર તો પરમ વિરહાસક્તિ એ જ પ્રેભુપ્રેમની સર્વોચ્ચ અને મહત્વપૂર્ણ અવસ્થા છે. કવિનું હૈયું આજે પોતાના વ્હાલીડાના વિયોગે વ્યાકુળ બન્યું છે. પ્રીતમ વિના પ્રેમવિયોગી ભક્તના પ્રાણ પરવશ થયાં છે. પ્રાણાધાર પ્રભુના દર્શન વિના દિલને ચેન પડતું નથી. બેકરારીના અજંપામાં દિવસો વીતે છે, જ્યારે રાત્રીના એકાંતમાં વિરહની અકથ્ય વેદના આસુંઓની ધારાઓમાં ધોવાય છે. છતાંય અંતરમાં શાંતિની શીળી છાયા વર્તાતી નથી. જ્યાં સુધી અંતરમાં પ્રભુના સ્વરૂપનો સાક્ષાત્કાર નથી થતો ત્યાં સુધી મનનું મંદિર માણિગરની મૂર્તિ વિના સાવ ખાલી ભાસે છે. સૂનું અંતર કવિને કઠે છે. એમની વિરહવેદના હવે માઝા મૂકે છે. કવિ રસિક પિયા મનોહર મૂર્તિ ઘનશ્યામ પ્રભુને આરતભર્યા અંતરે પોકારે છે : હે નાથ! આ દુર્બળ દેહ હવે વધુ વિરહની વેદના ખમી શકે તેમ નથી. જેમ ચાતક આતુર નયને ચંદ્રને નિરખ્યા કરે છે એમ હે પ્રીતમ! મારું અંતર અહોનિશ આપના દર્શન ઝંખ્યા કરે છે. વ્હાલા! મારું મનડું તો આપની રસિક રૂપમાધુરીએ હરી લીધું છે. વળી શાસ્ત્રોમાં આપને દીનદયાળુનું બિરુદ આપવામાં આવ્યું છે. છતાં પણ આપના આ દાસનું અસહ્ય દુ:ખ આપ દેખી રહ્યા છો પણ દૂર નથી કરતા એ અત્યંત આશ્ચર્યની વાત છે. કૃપાનાથ! મારી અંતરની આટલી આરઝુ સ્વીકારી મને તત્કાળ દર્શન દેવા કૃપા કરશો. કવિ જગદીશાનંદ બ્રહ્મચારીની પ્રસ્તુત વિરહવિભાવના કરુણાત્મક વિયોગશૃંગારનું જ્વલંત દ્રષ્ટાંત છે. પદ સુગેય તથા પ્રાસાદિક છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
શ્રીજી વંદના
Studio
Audio
0
0