રંગ રસબસ હરિસંગ, સખા સુર સંત સમાજા. ૧/૧

રંગ રસબસ હરિસંગ,

સખા સુર સંત સમાજા.

ખેલેઉ હોરી ખેલ,

બજાઇ કે વિવિધ સુ બાજા.

સબહી વ્રત મિલિ સાથ,

સભર જલ જીલત સાજા.

અશ્વ ભયી અસવાર,

રસિક મુનિવર મહારાજા.

નારાયણ શુભ ધાટ નવીન,

ગરક કિયે જલ રંગ સે.

વૈષ્ણવાનંદ સાભર વદે,

ગુણ સાગર ભઇ ગંગસે.

મૂળ પદ

રંગ રસબસ હરિસંગ, સખા સુર સંત સમાજા.

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ઉત્પત્તિ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમા શ્રીહરિ સમકાલિન નંદસંતોમાં એક જ નામધારી અનેક સંતો થઈ ગયા હોવાથી અલગઅલગ ગ્રંથોમાં આવતા કથા પ્રસંગો ચોક્કસ ક્યા સંતના સંદર્ભમાં લખાયા છે તેનું સંશોધન અતિ કપરું બની જાય છે. વૈષ્ણવાનંદ નામના ચાર સંતો સંપ્રદાયના ઇતિહાસમાં નોંધાયા છે. સદ્‍ગુરુ મંજુકેશાનંદ સ્વામી 'નામમાળા' માં લખે છે: મોટા વૈષ્ણવાનંદ ઉદાર રે જેણે સેવ્યા પ્રગટ સુખકાર રે બીજા વૈષ્ણવાનંદ છે બેઉ રે રૂડા સંત ત્યાગી ઘણા તેઉ રે. મોટા વૈષ્ણવાનંદ સ્વામી સદ્‍ગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. તેમણે પ્રભાનંદ સ્વામીને શ્રીહરિનો પ્રથમ પરિચય કરાવેલો. બીજા વૈષ્ણવાનંદ ગુજરાતના બામણવા ગામના હતા અને તેમણે ધોરાજીમાં શ્રીજીમહારાજ પાસે સાધુની દિક્ષા લઈ વૈષ્ણવાનંદ નામ ધારણ કર્યું હતું. તેઓ આત્માનંદ સ્વામીના મંડળમાં રહેતા હતા. ત્રીજા વૈષ્ણવાનંદ સ્વામી સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા. તેઓ કવિ અને શતાવધાની હતા. કવિવર દલપતરામ આ વૈષ્ણવાનંદ સ્વામીને મૂળી મંદીરમાં રૂબરૂ મળ્યા હતા. “બ્રહ્મસંહિતા” માં એક પ્રસંગ આવે છે. એકવાર મારવાડના જોધપુરથી દેવદાસ નામનો એક અષ્ટાવધાની કવિ મૂળી મંદિરમાં આવ્યો હતો. મૂળીના પિગળશી કવિ તેને બ્રહ્મમુનિ પાસે લઈ આવ્યા. વાતવાતમાં દેવદાસે પૂછ્યું: સ્વામી, તમે અષ્ટાવધાન કરો છો? સ્વામી કહે, અષ્ટાવધાન તો અમારો નાનકડો સાધુ વૈષ્ણવાનંદ પણ કરે છે, અમે તો શતાવધાન અને સહસ્ત્રાવધાન કરીએ છીએ. પછી સાધુ વૈષ્ણવાનંદને બેસાડી અષ્ટાવધાન કરાવતા મારવાડી કવિ દેવદાસ દિગ્મૂઢ થઇ ગયો. આ વૈષ્ણવાનંદ સ્વામીને શ્રીજીમહારાજે નિર્લોભાનંદ સ્વામી સાથે કચ્છ-ભુજનું મંદિર કરવા માટે મોકલ્યા હતા. હરિલીલામૃત (કળશ-૮, વિશ્રામ-૧૦) માં આ વાતને સમર્થન મળે છે. સંવત ૧૮૮૮ના અષાઢ સુદ ૧૨ના દિવસે ભુજથી સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી ઉપર જે પત્ર લખવામાં આવ્યો હતો તેના પરથી એ સ્પષ્ટ થાય છે કે કચ્છ-ભુજનું મંદિર બ્રહ્મમુનિના શિષ્ય આ વૈષ્ણવાનંદ સ્વામીએ જ કરાવ્યું હતું અને ભુજ મંદિરના આદિ મહંત પણ આ જ વૈષ્ણવાનંદ સ્વામી હતા. સદ્‍ગુરુ કૃષ્ણાનંદ સ્વામી શ્રીહરિચરિત્રામૃતમાં લખે છે: “વૈષ્ણવાનંદ સ્વામી વિદીત, પ્રભૂ ભજે કરી અતિ પ્રીત”. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સાહિત્યમાં 'હરિલીલાસિંધુ' નામની ખડી હિન્દી ભાષામાં તુલસીકૃત રામચરિતમાનસની શૈલીમાં શ્રીજીમહારાજની અદ્‍ભુત લીલાઓનું રોચક વર્ણન કરતી સુંદર રચના છે. આ ગ્રંથના રચયિતા પણ વૈષ્ણવાનંદ સ્વામી છે. પંરતુ એ ક્યા વૈષ્ણવાનંદ છે એ અંગે સંપ્રદાયમાં થોડાક મતભેદો પ્રવર્તે છે. સાંપ્રત વિદ્વાનોનું એમ માનવું છે કે આ ત્રણ વૈષ્ણવાનંદ સિવાય સંપ્રદાયમાં વૈષ્ણવાનંદ બ્રહ્મચારી નામે એક વિદ્વાન કવિ થઈ ગયા, તેમણે શ્રીહરિલીલાસિંધુ અને પુરુષોત્તમવિવાહ જેવા ગ્રંથોની રચના કરી છે. તેઓ ઝાલાવડના હળવદ તાલુકાના ધનાળા ગામના વતની હતા. બાલ્યકાળથી જ સત્સંગના રંગે રંગાયેલા અંબારામ જન્મજાત સિદ્ધપુરુષ હતા. શ્રીજીમહારાજે તેમને બ્રહ્મચારીની દિક્ષા આપી તેમનું નામ વૈષ્ણવાનંદ વર્ણી પાડ્યું હતું. સં ૧૮૭૪માં શ્રીજીમહારાજ રોજકા, બરોળ, કણભા, કરિયાણા વગેરે ગામોમાં વિચરેલા ત્યારે આ વૈષ્ણવાનંદ બ્રહ્મચારીએ મહારાજની સાથે રહીને થાળ બનાવીને જમાડવાની સેવા કરી હતી. શ્રી લક્ષ્મીરામ શાસ્ત્રીએ 'લીલા ચિંતામણી' માં આ હકીકત નોંધી છે. સદ્‍ગુરુ વૈષ્ણવાનંદ સ્વામી એક સિધ્ધહસ્ત કવિ હતા. એતો તેમના કીર્તનો અને ગ્રંથો વાંચીને સહેજે સમજી શકાય તેમ છે, અમદાવાદમાં શ્રીજીમહારાજે રંગોત્સવ ઉજવીને નારાયણધાટે સાબરમતી નદીમાં જે જળક્રીડા કરી તેનું મનોરમ્ય વર્ણન નજરે નિહાળીને કવિએ પોતાના કીર્તનમાં ઉતાર્યું છે. એના શબ્દો છે- 'રંગ રસબસ હરિસંગ, સખા સુર સંત સમાજા...' કાવ્યકૃતિ- રંગ રસબસ હરિસંગ, સખા સુર સંત સમાજા. ખેલેઉ હોરી ખેલ, બજાઈ કે વિવિધ સુ બજા. સબહી વ્રત મિલિસાથ, સભર જલ ઝિલત સાજા. અશ્વ ભયી અસવાર, રસિક મુનિવર મહારાજા. નારાયણ શુભ ધાટ નવીન, ગરક કિયે જલ રંગ સે. વૈષ્ણવાનંદ સાભરવદે, ગુણ સાગર ભઈ ગંગસે.

વિવેચન

આસ્વાદ: પ્રસ્તુત પદમાં કવિ વૈષ્ણવાનંદ સ્વામીને ખડી હિન્દી શૈલીમાં શ્રીહરિએ અમદાવાદમાં જે રંગોત્સવ ઉલ્લાસભેર ઉજવ્યો હતો તેનું અત્યંત રસમય બાનીમાં બયાન કર્યું છે. સંપ્રદાયમાં શ્રીજીમહારાજ સાથે સખાભાવે બે મહાનુભાવોએ જ સંબંધ કેળવ્યો હતો. તેમાં એક હતા લોયાના દરબાર સુરાખાચર અને બીજા હતા સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી. કવિએ અહીં 'સખા સુર સંત સમાજા' દ્વારા શ્રીહરિના અંતરંગ સંત હરિભક્તોને દર્શાવ્યા છે. ભગવાન અને એમના કાળજાના કટકા જેવા પ્રાણપ્યારા ભક્તો વચ્ચે રંગની રેલમછેલ થઈ રહી છે.'રંગ રસબસ હરિસંગ કાવ્યનો આ ઉપાડ અત્યંત અર્થગંભીર છે. રંગ એ દિવ્ય આનંદનું પ્રતિક છે પરમાત્માના સ્વરૂપમાંથી દિવ્ય તેજ અને આનંદની છોળો ઉડે છે, એને બ્રહ્મરૂપ થયેલા ભક્તો ઝીલીને એ સ્વરૂપમાં રસબસ થઈ અહોનિશ એ આનંદને માણે છે. અવરભાવમાં જે રંગોત્સવ રમાઈ રહ્યો છે તેના દુરગામી પ્રત્યાઘાતો પરભાવમાં પડી રહ્યા છે. રંગોત્સવ દરમ્યાન વાગતા વિવિધ વાદ્યોના ધ્વનિતરંગો અંતરને આહલાદ્થી ભરી દે છે. શ્રીજીમહારાજ સંત હરિભક્તોને મનભરીને હોળી રમાડ્યા પછી અશ્વારૂઢ થઈને સાબરમતી નદીમાં જળક્રીડા કરવા માટે નારાયણ ઘાટે આવ્યા. સાબરમતીના જળને પણ શ્રીહરિએ આજે રંગભીનું કરીને કૃતાર્થ કર્યું છે. બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચે સતત રમાઈ રહેલી આનંદના આદાનપ્રદાનની રંગલીલા એક સનાતન સત્ય છે! કવિ વૈષ્ણવાનંદની આ રચના સરળ, આસ્વાદ્ય અને સુગેય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી