સજની શ્યામ બિના મેં દીવાની ૪/૪

સજની શ્યામ બિના મેં દીવાની...ટેક.
કબ દેખું નયનાં ભરી આલી, રસિકરાય પિયા છેલ ગુમાની...સજની૦ ૧
પ્રીતમ પ્યારે બિના ત્રિભુવનમેં, ઓર નહિ મોકું સુખદાની...સજની૦ ૨
કહારે કહું કિત જઉં મોરી સજની, સહિ ન જાત અબ દરસકી હાની...સજની૦ ૩
કબ આવે કબ અંકભર ભેટું, ત્યાગાનંદ કહે અંતરજાની...સજની૦ ૪
 

મૂળ પદ

પ્રીત ભઈ ઘનશ્યામ પિયાસે

મળતા રાગ

જંગલો ઢાળ : હો રસિયા મેં તો શરન તિહારી

રચયિતા

ત્યાગાનંદ સ્‍વામી

ઉત્પત્તિ

શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયમાં ત્‍યાગાનંદ નામે ચાર સંતો થઈ ગયા. 'ત્‍યાગાનંદ મુનિ ચાર, એક ગવૈયા ગુણનીધિ, બીજા ભજની અપાર, ત્રીજા ઘ્‍યાની સુભમતિ, ચોથા સંત સ્‍વરૂપ' (નંદમાળા) કવિ અને ગવૈયા ઘ્‍યાનાનંદ સ્‍વામી અંગે વિશેષ માહિતી તો ઉપલબ્‍ધ નથી, પરંતુ સદ્‍ગુરુ કૃષ્ણાનંદ સ્‍વામીએ એમના ગ્રંથ 'શ્રીહરિચરિત્રામૃત'માં એક પ્રસંગે એમનો ઉલ્‍લેખ કર્યો છે. સંવત ૧૮૮પમાં શ્રીજીમહારાજ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરીને સૌરાષ્‍ટ્રમાં વિચરણ કરવા નીકળ્‍યા હતા. ગઢપુરથી નીકળીને કારિયાણી, સાળંગપુર, સુંદરીયાણા અને કંથારીયા થઈને મહારાજ લીંબડી પધાર્યા‍. લીંબડીના અગ્રગણ્‍ય સત્‍સંગીઓએ શ્રીહરિનું શાનદાર સ્‍વાગત કર્યું. ત્‍યાંથી નીકળી શ્રીજીમહારાજ શિયાણી થઈને તાવી આવ્‍યા. ત્‍યાં રાત રહી પ્રભુજી દેવળીયા, વડલા તથા ઘોડા થઈને મછીયાવ આવ્‍યા. મછીયાવમાં ફૈબાએ શ્રીહરિનું ઉષ્માભર્યું સામૈયું કર્યું. સાસુ વહુના સંબંધ બાબતમાં ફૈબાએ મહારાજની વાત પોતાના અહંકારને કારણે ન માની. તેથી રીસાઇને મહારાજ થાળ જમ્યા વિના ત્‍યાંથી ચાલી નીકળ્‍યા. ત્‍યાંથી કુંવારિયા અને સાણંદ થઈને શ્રીહરિ મણિપુર આવ્‍યા. ત્‍યાં રામદાસજી તથા જીવણદાસ, મનોહરદાસ વગેરે શ્રીજીમહારાજના દર્શને આવ્યા. સાંજે વાળુ કરીને મહારાજે સંત હરિભકતોની સભામાં ધુન તથા કથા કીર્તન કરાવ્‍યા. ત્‍યારબાદ શ્રીજીમહારાજ પોઢી ગયા. શ્રીહરિની સાથેના સંતમંડળમાં સદ્‍ગુરુ કૃષ્ણાનંદ સ્‍વામી તથા સદ્‍ગુરુ ત્‍યાગાનંદ સ્‍વામી પણ હતા. સદ્‍ગુરુ કૃષ્ણાનંદ સ્‍વામી એમના ગ્રંથમાં એમ નોંધે છે કે શ્રીજીમહારાજ પોઢી ગયા પછી કૃષ્ણાનંદ અને ત્‍યાગાનંદે આખી રાત કીર્તન ગાયાં હતાં. 'કરી ધૂન્‍ય ત્‍યાં સંત સહિત, પછી પોઢિયા શ્‍યામ પુનિત, કૃષ્ણાનંદ ત્‍યાગાનંદ નામ, ગાયાં કીર્તન ત્‍યાં સારી યામ.' (અ.પ૯, પ૬-પ૭) સં. ૧૮૮૬માં શ્રીજીમહારાજ સ્‍વધામ સિધાવ્‍યા પછી શ્રીહરિના વિયોગે પ્રેમી સંત હરિભકતો જેમ ચંદ્ર વિના ચકોર તડપે તેમ ઝૂરતા હતા. નંદસંત કવિઓ પૈકીના પ્રત્‍યેક કવિએ પોતાની વિરહાસકિતની માર્મિક અનુભુતિ એમની અનેક રચનાઓમાં પ્રગલ્‍ભપણે અભિવ્‍યકત કરી છે. કવિ ત્‍યાગાનંદે પણ પોતાના પ્રાણપ્‍યારા પ્રિયતમ સ્‍વેષ્‍ટ શ્રી સહજાનંદ સ્‍વામીના વિરહમાં વ્‍યાકુળ અંતરે મિલનનો મીઠો તલસાટ વ્‍યકત કરતા ગાયું છેઃ 'સજની શ્‍યામ બિના મૈં દીવાની...'

વિવેચન

રસશાસ્‍ત્રની દ્રષ્‍ટિએ પ્રિયતમના સંયોગે પાંગરતો પ્રેમ તેના વિયોગે વૃદ્ધિ પામે છે. પ્રભુના વિયોગે એમની ઉત્‍કટ યાદમાં પ્રેમીભકત જે વિશેષ પ્રકારનું આંતરિક એકાંત અનુભવે છે તેને જ વિરહ કહે છે. વિરહમાં ભકત મનની એક વિશિષ્‍ટ ભાવાત્‍મક સ્‍થિતિ બને છે. એ સ્‍થિતિમાં મન પ્રિયતમ પ્રભુના અંતરસ્‍થ સ્‍વરૂપમાં વધુ ને વધુ રસલીન બને છે. પરિણામે વિરહના વિષાદને સ્‍થાને અંતરમાં પરમાત્‍મા પ્રત્‍યેના પ્રગાઢ પ્રેમનો આનંદાત્‍મક અનુભવ થાય છે. આ આનંદની તન્‍મય અવસ્‍થામાં ભકત અને ભગવાન વચ્‍ચે દિવ્‍ય અનુસંધાન સધાય છે જેને વિપ્રયોગ કહેવામાં આવે છે. ભકિતની પરાકાષ્ઠા તેમ જ ઘ્‍યાનની નિગૂઢ અવસ્‍થાને અંતે ફલિત થતી આ સ્‍થિતિમાં ભકત ભગવાનનો દિવ્‍ય કૃપાપ્રસાદ પામી એમના પરમ સાધર્મ્યપણાને પામે છે. પ્રેમી ભકતકવિ ત્‍યાગાનંદ પ્રિયતમ પરમાત્‍માના શ્‍યામ સ્‍વરૂપમાં ગોપીભાવે મધુર અનુરાગ અનુભવે છે. ભક્તના અંતરમાં ઉદ્‍ભવતો ગોપીભાવ એ એની આધ્યાત્મિક અભીપ્સાનું પ્રતિક છે. આ અભીપ્‍સા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ ભકત વધુને વધુ વિરહાકુળ બનતો જાય છે. એની પ્રિયતમ પરામાત્‍માના દર્શન માટેની પ્‍યાસ જયારે માઝા મૂકી દે છે, ત્યારે એનું અંતર વારંવાર પોકારે છે. “કબ દેખું નયના ભરી આલી, રસિકરાય પિયા છેલ ગુમાની.” ભકતનો ભગવાન પ્રત્યેનો પ્રેમ કઈ અને કેવી ભૂમિકાએ પાંગર્યો છે તેના ઉપર એ પ્રેમની પરાકાષ્ઠારૂપ અનુભવજ્ઞાનનો આધાર છે. પ્રભુમાં પ્રેમ બે રીતે જન્‍મે છેઃ (૧) પ્રભુના આધિપત્‍યનું અપાર ને અલૌકિક ઐશ્વર્યદર્શન કરીને તે દ્વારા, અને (ર) પ્રભુના લાલિત્‍ય અને માધુર્યનું દર્શન કરીને. પ્રથમ દ્વારા જે પ્રકારનો પ્રેમ પ્રગટે છે તેને ગુણમાહાત્‍મ્‍યસિકત કહે છે, જયારે દ્વિતીય દ્વારા પ્રગટતા પ્રેમને રૂપસિકત કહે છે. કવિનો પ્રેમ પ્રથમ પ્રકારનો ગુણમાહાત્‍મ્‍યસિકત છે, તેથી જ તેઓ પ્રભુને કહે છે પ્રીતમ પ્‍યારે બિના ત્રિભુવનમેં, ઓર નહિ મોકું સુખદાની. કવિનો પ્રિયતમ પરમાત્‍મા સ્‍વેષ્‍ટ શ્રી સહજાનંદ સ્‍વામી પ્રત્‍યેનો પ્રેમ ઉત્તમ નિર્વિકલ્‍પ નિશ્ચયયુકત માહાત્‍મ્‍યજ્ઞાને સહિતનો પ્રેમ છે, તેથી જ કવિને મન અખિલ બ્રહ્માંડમાં પાતળિયા પ્રીતમ સમાન કોઈ સુખદાઈ નથી. કવિ પ્રભુના વિયોગમાં વિરહિણી બનીને એમની પ્રતિક્ષા કરે છે, વિલાપ કરે છે અને હૃદયની તીવ્ર આરઝુથી એમના દર્શન માટે ઝુરે છે. કવિની સમગ્ર અક્ષરઆરાધનાનો વિશેષ વૈભવ વિયોગવ્‍યંજનામાં અહીં સુચારુરૂપે અભિવ્‍યકત થયેલો જોવા મળે છે. પદ અત્‍યંત પ્રાસાદિક અને સુગેય રાગ જંગલોમાં એની તરજ કાવ્‍યના ભાવને સુસંગત છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0