આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ, પુરુષોત્તમ પ્રગટી રે ૧/૧


આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ, પુરુષોત્તમ પ્રગટી રે;
	અમૃતના સિંધુ ઊલટયા રે, રંગડાની વાળી છે રેલ	...પુરુ૦ ૦૧
નિરભેની નોબત્યું વાગિયું રે, મળિયા મોહનરાય		...પુરુ૦
	વિધ વિધ થયાં વધામણાં રે, કસર ન રહી કાંય	...પુરુ૦ ૦૨
ખોટ ગઈ છે ખોવાઈને રે, જીત્યાના જાંગી ઢોલ		...પુરુ૦
	દુ:ખ ગયું બહુ દિનનું રે, આવિયું સુખ અતોલ	...પુરુ૦ ૦૩
કળશ ચઢાવ્યો કલ્યાણનો રે, સૌનાં મસ્તક પર મોડ		...પુરુ૦
	ધન્ય ધન્ય આ અવતારને રે, જોવા રાખી નહિ જોડ	...પુરુ૦ ૦૪
સહુની પારે સહુ ઉપરે રે, એવી ચલાવી છે રીત		...પુરુ૦
	નો’તી દીઠી નો’તી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત...પુરુ૦ ૦૫
સર્વેના સ્વામી શ્રીહરિ રે, સર્વેના કહાવિયા શ્યામ		...પુરુ૦
	સર્વેના નિયંતા નાથજી રે, સર્વેનાં કરિયાં કામ	...પુરુ૦ ૦૬
સ્વામિનારાયણ નામનો રે, સિક્કો બેસાડયો આપ		...પુરુ૦
	એ નામને જે આશર્યા રે, તેના તે ટાળ્યા તાપ	...પુરુ૦ ૦૭
ધામી જે અક્ષરધામના રે, તેણે આપ્યો છે આનંદ		...પુરુ૦
	અખંડ આનંદ આપી જીવને રે, કાપ્યાં ભારે ભવફંદ	...પુરુ૦ ૦૮
ખાતાં વળાવ્યાં ખોટનાં રે, ખરી કરાવી છે ખાટય		...પુરુ૦
	બંધ કીધાં બીજાં બારણાં રે, વહેતી કીધી અક્ષરવાટ	...પુરુ૦ ૦૯
તમ ટાળ્યું ત્રિલોકનું રે, પ્રકાશી પૂરણબ્રહ્મ			...પુરુ૦
	અંધારું રહ્યું તું આવરી રે, તે ગયું થયું સુગમ	...પુરુ૦ ૧૦
સૂરજ સહજાનંદજી રે, આપે થયા છે ઉદ્યોત		...પુરુ૦
	પૂર્વની દિશાએ પ્રગટયા રે, ખોટા કર્યા તે ખદ્યોત	...પુરુ૦ ૧૧
અષાઢી મેઘે આવી કર્યાં રે, ઝાઝાં બીજાં ઝાકળ		...પુરુ૦
	પૂર ચાલ્યાં પૃથ્વી ઉપરે રે, ધોયા ધરતીના મળ	...પુરુ૦ ૧૨
ગાજવીજ ને વરસવું રે, અગમ સુગમ કર્યું સોય		...પુરુ૦
	સહુજનને સુખ આપિયું રે, દુ:ખી રહ્યું નહિ કોય	...પુરુ૦ ૧૩
ધર્મનો ઢોલ સુણાવિયો રે, દેવા લાગ્યા પોતે દાત		...પુરુ૦
	દુર્બળનાં દુ:ખ કાપિયાં રે, ન જોઈ જાત કુજાત	...પુરુ૦ ૧૪
ધન્ય ધન્ય મારા નાથજી રે, ધન્ય ઉદ્ધારિયા જન		...પુરુ૦
	ધન્ય ધન્ય આ અવતારને રે, ભલે મળ્યા ભગવન	...પુરુ૦ ૧૫
વારી વારી જાઉં વારણે રે, કર્યાં અમારા કાજ		...પુરુ૦
	ઘણે હેતે ઘનશ્યામજી રે, મળ્યા અલબેલો આજ	...પુરુ૦ ૧૬
કહીએ મુખેથી કેટલું રે, આપ્યો છે જે આનંદ		...પુરુ૦
	નિષ્કુળાનંદ જાય વારણે રે, સહેજે મળ્યા સહજાનંદ	...પુરુ૦ ૧૭
 

મૂળ પદ

આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ, પુરુષોત્તમ પ્રગટી રે

મળતા રાગ

ધોળ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

કીર્તનનો અર્થ

ભાવાર્થઃ- ક્યારેય નહીં પ્રગટેલા એવા પૂર્ણપુરુષોત્તમ આ સભામાં પ્રગટ થઈ સ્વાશ્રિતજનોને અલૌલિક આનંદ આપ્યો. IIટેકII જ્યારે અમૃતના સિંધુમાં ભરતી આવે, ત્યારે અમર બન્યા વગર કોણ રહે? એમ સહજાનંદસ્વામી પ્રગટ થતાં સત્સંગ સુધાના સિંધુ ઉમટ્યા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને શુદ્ધ ઉપાસનાની રંગડાની રેલ ગામડે ગામડે વહેવડાવી II૧II એ રેલીમાં સ્નાન કરનારને પ્રગટ ભગવાન મળ્યા. તેને મળતાં જ કાળ, કર્મ, માયાનો ભય ટળી નિર્ભય થયા. II૨II ગલી, ગામ અને જુદાં–જુદાં ધામોથી વિવિધ વધામણાં થયાં. II૩II અત્યાર સુધી આત્યંતિક મોક્ષની જે ખોટ હતી તે આજ ખોવાઈ ગઈ અને જગ જીત્યાના જાંગી ઢોલ વાગ્યા. II૪II અનંત જન્મનું દુઃખ દારિદ્ર ટળ્યું આજ જેનો તોલ ન થઈ શકે એવું અલૌલિક સુખ થયું છે. II૫II પૂર્વે જે અવતારો થયા, તેણે કરેલ કલ્યાણના માર્ગ પર આજ સહજાનંદસ્વામીએ આત્યંતિક કલ્યાણનો કળશ ચઢાવ્યો અને સૌના મસ્તક પર મોક્ષનો મુગટ પહેરાવ્યો. II૬II આ વખતના અવતારને કોટિ ધન્યવાદ છે. કારણ એના જેવી બીજી જોડ ન મળે. II૭II આ પ્રગટ પુરુષોત્તમે પ્રગટ થઈને એવી રીત ચલાવી કે પૂર્વે કદી નહોતી દીઠી, નહોતી સાંભળી. આજની કલ્યાણની રીત તો સહુની પાર નીકળે એવી અલૌલિક છે. II૮ થી ૯II આ સહજાનંદસ્વામી તો સર્વ ભગવાનના ભગવાન છે. સર્વના નિયંતા છે. સર્વના શ્યામ છે. વળી, સર્વને કરી દે છે પૂર્ણકામ. II૧૦ થી ૧૧II આજ વર્તમાનકાળે સ્વામિનારાયણ નામનો સિક્કો કહેતા મોરછાપ બેસાડી કે નામીએ સહિત નામનો રૂક્કો લઈ અધમ પણ ઊર્ધ્વગતિ કરી શકે છે. II૧૨ થી ૧૩II અક્ષરધામનાં ધામી ધર્મપુત્રે અખંડ આનંદ આપી બદ્ધ જીવોના ભવફંદ મિટાવ્યા. II૧૪ થી ૧૫II આજ લ્હેરીએ લ્હેરમાં આવી અતિ મોટી મહેર કરી જીવાત્માની ખોટનાં ખાતાં ચૂકવ્યાં. જીવની કરણી ઉપર કરુણા કરી જમા પાસું વધારી દીધું. વળી બીજા ધામના મુક્તોને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવી અક્ષરની વાટે વહેતા કર્યા. એટલે અન્ય ધામનાં બારણાંઓ બંધ થઈ ગયાં. II૧૬ થી ૧૭II ત્રણેય લોકમાં માયાનું અંધારું તેમ જ પૃથ્વી ઉપર પ્રત્યક્ષ ભગવાન કદી હોય જ નહીં એવા અજ્ઞાનરૂપી અંધકારને બ્રહ્મ અને બ્રહ્મનિષ્ઠ દ્વારા પુરુષોત્તમ પ્રકાશનાં પૂંજ પાથરી ધામીને મળવાનું સુગમ કર્યું. II૧૮ થી ૧૯II પૂર્વ દિશામાં છપૈયા પૂરે એક સોનલવર્ણા સૂરજ સહજાનંદનું પ્રાગટ્ય થતા ખોટા તો ઠીક પણ મોટા ગણાતા અવતારો પણ ખદ્યોત જેવા થઈ ગયા, એટલે કે સહજાનંદી સૂરજ આગળ અન્ય વિભૂતિ અવતારોનાં તેજ પણ ઝાંખાં પડી ગયા. કેવી રીતે? તો જેમ અષાઢ મહિનાની મેઘરાજાની વર્ષાથી આગળ–પાછળના વરસાદ ઝાકળ જેવા લાગે, તેમ પુરુષોત્તમનારાયણ પૃથ્વી પર આવી એવા વર્ષ્યા કે ચૌદસો-ચૌદસો સંતોરૂપી પૂર પૃથ્વી ઉપર રેલમછેલ થઈ મુમુક્ષુરૂપી ધરતી પર ચોંટી ગયેલ કામક્રોધાદિક મળને ધોઈ નાખ્યા. II૨૦ થી ૨૩II જન-જનના, મન-મનમાં સ્વામિનારાયણ નામની એવી ભણક પડી કે જે ભણકથી અગમ એવું અક્ષરધામ સુગમ થયું. વળી, દર્શ-સ્પર્શનાં સુખ પામી દુઃખી ન રહ્યું કોઈ. II૨૪ થી ૨૫II જેને જોઈએ તે આવો, મોક્ષ માગવા એવો ધર્મનો ઢોલ સુણાવ્યો. અમને ભગવાન મળશે કે કેમ? પ્રભુ અમારી સેવા સ્વીકારશો કે નહીં? એવી અપૂર્ણતાની ગ્રંથિમાં ગળી જઈ દુર્બળ બનેલાની જાત-કુજાત જોયા વિના તેનાં દુઃખ કાપ્યાં. II૨૬ થી ૨૭II ઓ હો હો.. ! ધન્ય છે મારા નાથજીને કે જેણે અધમનો પણ ઉદ્ધાર કર્યો. ભલે ભગવાન તમે અમને મળ્યા. તમને મળી અમારી આત્યંતિક મોક્ષની ઈચ્છા આજે પૂર્ણ થઈ છે. અમે તો તમને બીજું શું આપી શકીએ? પણ વારે વારે વાલમજી હું આપના વારણાં લઉં છું, કારણ અમારા સર્વ કાજ તમે સુધાર્યા છે. આપની કૃપાથી જ આપ અમોને મળ્યા છો. અમે એક પણ એવું સાધન નથી કર્યું કે જેના ફળરૂપે આપ અમોને મળો. અમે તો પતિત છીએ, પામર છીએ, અકિંચન છીએ, પણ આપનાં મિલનથી હવે અમે પૂર્ણકામ થયા છીએ. આપના મહિમાનો પાર કોણ પામી શકે? આ મારા એક મુખેથી કેટલું કહી શકું? આપે જે આનંદ આપ્યો છે તે તો અખંડ, અવિનાશી અલૌલિક છે. નિષ્કુળાનંદસ્વામી કહે છે આપના ઓવારણાં લેવા સિવાય મારાથી કંઈ પણ થઈ શકે તેમ નથી. આપ સહેજે મળ્યા છો સહજાનંદ! હવે એથી બીજી કઈ મોટી કરુણા હોય? આમ મહિમાનાં મંદિર ઉપર સુવર્ણ કળશરૂપ આ કીર્તનમા અક્ષરે-અક્ષરે સ્વામીએ અદ્ભુત મહિમા ગાયો છે. આ કીર્તનને સમજી વિચારીને નિશ-દિન જે ગાય, તેના અંતરમાં પ્રગટ પુરુષોત્તમનો પ્રકાશ જરૂર પ્રગટશે. II૨૮ થી ૩૩II

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- કારિયાણીની અક્ષરઓરડીમાં શ્રીજીમહારાજ યોગીરાજ ગોપાળાનંદ સ્વામીને પોતાનાં અવતરણના છ હેતુઓ છાને ખૂણે સમજાવી રહ્યા છે. (૧) એકાંતિક ધર્મનું સ્થાપન કરવું, (૨) અવતારોને મળેલાને અમારા ધામમાં લઈ જાવા, (૩) ધર્મ-ભક્તિનું સુખ આપવું, (૪) અમારા ભક્તોના સંબંધ વડે નવા મુમુક્ષુઓ કરવા, (૫) તીર્થાદિકમાં રહેલા જનોનું કલ્યાણ કરવું, અને (૬) અમારી સર્વોપરી ઉપાસના પૃથ્વીને વિષે પ્રવર્તાવવી. આ છ હેતુઓ પ્રવર્તાવવામાં જો કચાશ રાખશો તો સ્વામી તમને પણ આ દેહમાં હજાર વર્ષ રાખશું. એ રહસ્યમય હેતુઓની ચર્ચા નિષ્કુળાનંદસ્વામીએ ગુપ્તપણે રહી સાંભળી અને અંતરમાં પ્રકાશ થયો. એ પ્રકાશ-પુંજમાંથી ‘પુરુષોત્તમ પ્રકાશ’ પ્રકાશ્યો. એ ગ્રંથમાં ચરણે-ચરણે પૃથ્વીપર પ્રગટેલા પૂર્ણપુરુષોત્તમ નારાયણના પ્રકાશનાં કિરણોને ઝીલવામાં આવ્યા છે. પ્રત્યક્ષાનંદની વાત લખતાં-લખતાં ગ્રંથના અંતમાં નિષ્કુળાનંદસ્વામીએ આ કીર્તન રચી કળશ ચડાવ્યો છે. આ રહી એ કારિયાણીમાં છાને ખૂણે પીરસાયેલ પ્રસાદી.

વિવેચન

રહસ્યઃ- કવિ નિષ્કુળાનંદે ઉપર્યુક્ત વસ્તુને અહીં સરસ રીતે અભિવ્યક્ત કરી છે. ‘નિરભેની નોબત વાગિયું રે.’ ‘કળશ ચઢાવ્યો કલ્યાણનો’ ‘ખાતાં વળાવ્યાં ખોટનાં રે’ ‘ધર્મનો ઢોલ સુણાવિયો રે’ જેવી ઉક્તિઓમાં રૂપાત્મક રીતે સચોટતાથી શ્રી સહજાનંદસ્વામીનાં ધર્મકાર્યનું વર્ણન કર્યુ છે. યોગ્ય સ્થળે વર્ણાનુપ્રાસો અને અંત્યાનુપ્રાસો સાહજિક રીતે વણાયા છે. સૂક્ષ્મ પ્રકારનું વર્ણસંગીત તો સમગ્ર કાવ્યમાં આવીને સંવાદિતાનું પોષક બને છે. ‘એ નામને જે આશર્યા રે.’ જેવામાં ‘આશરો’ ઉપરથી ‘આશર્યા’ એવું નામધાતું બનાવવાનુંય કવિની પ્રતિભાને જ સૂઝે, આ શ્રી નિષ્કુળાનંદના પ્રાસાદિક કવિત્વનો યથાતથ સંકેત કરે છે. આ પદ સુગેય છે. લાંબા ઢાળનો ધોળ પદના ભાવમાં વધારો કરે છે. શબ્દોનો પ્રાસ સૌરાષ્ટ્રીઓને સમજવામાં સરળ છે. વળી સહજાનંદ પ્રગટ્યાનો અત્યાનંદ અક્ષરે-અક્ષરમાં અને માત્રાએ માત્રામાં ઝીલાયો છે. આ પ્રગટાનંદના સ્પંદનોમાં દિપચંદી તાલની ચાલપણ લહેરરૂપે અતિ સોહામણી લાગે છે પદ સુગેય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી