ધર્મકુંવર ખેલે હોરી રે, રંગ ધૂમ મચાઈ ૧/૪

ધર્મકુંવર ખેલે હોરી રે, રંગ ધૂમ મચાઈ...ધર્મ૦ ટેક.
બ્રહ્મચારી મુનિવર ગ્રહી બહુ મિલી, વ્રતપુરી કે માઈ રે...રંગ૦ ૧
રંગકે હોજ દોઉ ભરાયે સુંદર, શ્રીહરિ સુખદાઈ રે...રંગ૦ ૨
અબિર ગુલાલ રંગ વિવિધ ભારી, ઉડાવત સબ ધાઈ રે...રંગ૦ ૩
અગનિત સખા સંગે ખેલે મોહન, જ્ઞાનમુનિ બલ જાઈ રે...રંગ૦ ૪
 

મૂળ પદ

ધર્મકુંવર ખેલે હોરી રે, રંગ ધૂમ મચાઈ

મળતા રાગ

હોરી

રચયિતા

જ્ઞાનાનંદ સ્વામી

ઉત્પત્તિ

શ્રી સ્‍વામીનારાયણ સંપ્રદાયની તવારીખમાં જ્ઞાનાનંદ નામે ત્રણ સંતો નોંધાયા છે. સદ્‍ગુરુ મંજુકેશાનંદ સ્‍વામી 'નંદમાળા'માં નોંધે છેઃ જ્ઞાનાનંદ સંત ઘ્‍યાની બહુ મોટા, જ્ઞાનાનંદ ભકિતવાળા એક મોટા, જ્ઞાનાનંદ ત્રીજા ગવૈયા સાર, જેણે કીધા કીર્તન છંદ ઉદાર. ' સંગીત રસજ્ઞ અને મર્મજ્ઞ કવિ જ્ઞાનાનંદનો જન્‍મ ઉત્તર પ્રદેશના લખનૌ પરગણાના નતીપનગર નામના નાનકડા ગામમાં વિપ્રજ્ઞાતિમાં થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ રામપ્રસાદ હતું. તેઓ ઠાકોરદીન, વેણીરામ ઇત્‍યાદિ ચાર ભાઇઓમાં સૌથી મોટા હતા. રામપ્રદાસ બાલ્‍યકાળથી જ અતિ નિષ્‍કામી અને મુમુક્ષુ હતા. યૌવનમાં પ્રવેશતા જ તેમણે સંસ્કૃત અને હિન્‍દી વાઙમયનો તલસ્પર્શી અભ્‍યાસ કર્યો‍. સંગીત તો તેમને જન્‍મથી જ ઇશ્‍વરદત્ત બક્ષિસરૂપે મળ્‍યું હતું. તેથી અતિ અલ્‍પ સમયમાં જ તેઓ ઉચ્‍ચકોટિના શાસ્‍ત્રીય ગાયક બન્‍યા. સર્વ ગુણો સંપન્‍ન રામપ્રસાદનું અંતર હંમેશા સંસાર પ્રત્‍યે ઉદાસીન રહેતું હતું. તેમના હૈયામાં હરિમિલનની તીવ્ર ઝંખના હંમેશા રહ્યાં કરતી. પ્રભુપ્રાપ્‍તિની ઉત્‍કટ પ્‍યાસને લીધે એક દિવસ તેઓ ગૃહત્‍યાગ કરીને તીર્થા‍ટન માટે નીકળી ગયા. તીર્થયાત્રા દરમ્‍યાન રામપ્રસાદને ગ્‍વાલિયરમાં સ્‍વામિનારાયણી સંત સુખાનંદ સ્‍વામીનો અનાયાસે ભેટો થઈ ગયો. સુખાનંદ સ્‍વામી રામાયણના પ્રખર અભ્‍યાસી હતા અને રામચરિતમાનસની દિલડોલ કથા કરતા હતા. રામપ્રસાદે સ્‍વામીના ચરણોમાં વંદના કરી પૂછયું: 'મહાત્‍મન' પ્રભુદર્શનની એકમાત્ર આશ લઈને હું ઘેરથી નીકળ્‍યો છું. આપ દયાળુ એ વિષયમાં મારું માર્ગદર્શન કરશો? સુખાનંદ સ્‍વામીએ એ મુમુક્ષુ યુવાનના માથે પોતાનો વરદ હસ્‍ત મુકીને કહ્યું‍: 'ભકતરાજ, ભગવાને જ અમને તમારા સારુ આટલે દૂર ભ્રમણ કરવાની પ્રેરણા આપી છે. પરા��્‍પર પરબ્રહ્મ પ્રગટ પુરુષોત્તમનારાયણ સાંપ્રત સમયમાં ભગવાન શ્રી સ્‍વામિનારાયણ નામે પ્રગટ થયા છે અને હાલમાં ગુજરાત અને સૌરાષ્‍ટ્રની પુણ્‍યભૂમિ પર વિચરણ કરી રહ્યા છે. એમનું શરણ સ્‍વીકારીને તમારું જીવન ધન્‍ય કરો.' સ્‍વામીના શબ્‍દોમાં દૈવત હતું. એમની વાણીમાં સત્‍યનો રણકાર હતો, એમની આંખોમાં ભકિતની અનેરી ખુમારી હતી. પરિણામે એમના શબ્‍દો રામપ્રસાદના અંતરમાં સોંસરા ઉતરી ગયા. થોડા દિવસ સુખાનંદ સ્‍વામી સાથે ગાળ્‍યા બાદ રામપ્રદાસ ભગવાન શ્રી સ્‍વામિનારાયણના દર્શને ગુજરાત ભણી આવ્યા. વડતાલમાં એમને શ્રીહરિના દર્શન થયા. પ્રથમ દર્શને જ એમના અંતરમાં શ્રીજીમહારાજ માટે ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો. સં.૧૮૬૯માં મહારાજે ગઢપુરમાં રામપ્રસાદને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ જ્ઞાનાનંદ પાડયું. જ્ઞાને કરીને ગૃહત્‍યાગ કરનાર રામપ્રસાદ શર્મા હવે સાચા અર્થમાં જ્ઞાનાનંદ બન્યા. મહારાજે જ્ઞાનાનંદને સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્‍વામીના શિષ્‍યમંડળમાં રહેવાની આજ્ઞા કરી. એકવાર જ્ઞાનાનંદ સ્‍વામીને એમ સંકલ્‍પ થયો કે મને તો આ દેહે પ્રગટ પરમાત્‍માની પ્રાપ્‍તિ થઈ અને મારું જીવન તો ધન્‍ય થઈ ગયું. પરંતુ મારા ભાઇભાંડુઓ પણ અત્‍યંત મુમુક્ષુ છે અને જો તેમને ભગવાન સ્‍વામિનારાયણની ઓળખાણ થાય તો તેમનો બેડો પાર થઈ જાય. મહારાજની આજ્ઞા લઈ સ્‍વામી પોતાના વતન નતીપનગર ગયા અને પોતાના સઘળા પરિવારને પ્રગટ પરમાત્‍મા સ્વામી શ્રી સહજાનંદજી અંગે બધી વાતો કરી. સ્‍વામીના શબ્‍દે શબ્‍દે શ્રીહરિ પ્રત્‍યેની અડગ નિષ્ઠાનો ઘ્‍વનિ ધબકતો હતો. ભાઈઓ, ભાભીઓ ઇત્‍યાદિ એમના સમગ્ર પરિવારે સ્‍વામીના શબ્‍દોને અદ્ધરથી ઝીલી લીધાં. વિદાય વેળાએ સ્‍વામીએ એમના ભાઇ ઠાકોરદીનને મહારાજની એક મૂર્તિ અને શિક્ષાપત્રીનું પ્રસાદીનું પુસ્‍તક આપતા કહ્યું‍: 'ભૈયા, પ્રતિદિન આ શિક્ષપત્રીનો પાઠ કરજો અને શ્રીજીમહારાજની આ મૂર્તિનું એકાંતમાં બેસીને ઘ્‍યાન કરજો. મહારાજ જરૂર મહેર કરશે.' સ્‍વામીની સુચના મુજબ ઠાકોરદીન દરરોજ એકાંતમાં શ્રીહરિનું ઘ્‍યાન કરવા લાગ્‍યા. એકવાર શ્રીજીમહારાજે હિન્‍દુસ્‍તાની વેશમાં ઠાકોરદીનને દર્શન દઈ કહ્યું: 'તમારા મોટાભાઈ રામપ્રસાદ જે હવે જ્ઞાનાનંદ મુનિ તરીકે અમારી નિશ્રામાં રહે છે તેમણે તમને જે જ્ઞાન આપ્‍યું છે તેને તમારા અંતરમાં દ્રઢ કરીને રાખજો અને આ રીતે અખંડ અમારા સ્‍વરૂપનું અનુસંધાન રાખશો તો તમારું અને તમારા સમગ્ર પરિવારનું અમે આત્‍યંતિક કલ્‍યાણ કરીશું.' જ્ઞાનાનંદ મુનિના નતીપનગરથી ગુજરાત તરફના પ્રસ્‍થાન દરમ્‍યાન માર્ગમાં લખનૌ આવ્‍યું. સ્‍વામીએ તો જ્ઞાનનું સદાવ્રત ખોલ્‍યું હતું, તેથી જયાં જે મળી જાય તેને મહારાજનો મહિમા સમજાવી સત્‍સંગી બનાવી દેતા. લખનૌના નવાબના મુનીમ વેણીરામ શેઠના અંતરમાં પણ સ્‍વામીની વાતો આરપાર ઉતરી ગઈ. શેઠ સ્‍વામીની સાથે જ મોટો સંઘ લઈ શ્રીજીમહારાજના દર્શન કરવા ગઢપુર આવ્‍યા. શેઠે શ્રીહરિની ષોડશોપચારે પૂજા કરી પોતાની સાથે લાવેલ મોગલાઈ પાઘ, અંગરખું અને ભારે ભારે જરિયાન વસ્‍ત્રો અને આભૂષણો ભેટ ધર્યા‍. જ્ઞાનાનંદ મુનિને મહારાજમાં અનન્‍ય નિષ્ઠા હોવા છતાં તેઓ સર્વોપરીપણાની ઉપાસના યથાયોગ્‍ય સમજયા નહોતા. શ્રીહરિની ઈચ્‍છાથી એક પ્રસંગ એવો બન્‍યો જે જ્ઞાનમુનિના જીવનમાં ટર્નીગ પોઈન્‍ટ સાબિત થયો. શ્રીજીમહારાજ સ્‍વાધામ પધાર્યા પછી જ્ઞાનમુનિ મોટેભાગે અમદાવાદ દેશમાં જ રહેતા હતા. સં. ૧૯૦૭માં અમદાવાદથી ધ. ધુ. આચાર્યશ્રી અયોઘ્‍યાપ્રસાદજી મહારાજ સાધુસંતો સાથે પ્રબોધની એકાદશીના સમૈયા પ્રસંગે વડતાલ પધાર્યા હતા. તે વળા આચાર્યશ્રીના સંતમંડળમાં જ્ઞાનાનંદ સ્‍વામી પણ હતા. વડતાલમાં સદ્‍ગુરુ ગોપાળાનંદ સ્‍વામીના આસને મોટા મોટા નંદ સંતો અને સ્‍થિતિવાળા હરિભકતોની રોજ રાત્રે સભા થતી. ત્‍યારે ગોપાળાનંદ સ્‍વામી શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસનાની અગમ્‍ય ને ગૂઢ વાતો ખૂબ સરળતાથી સમજાવતા. એકવાર ગોપાળાનંદ સ્‍વામીના અંતેવાસી સંત નિર્ગુણદાસ સ્‍વામીએ પૂછયું: 'સ્‍વામી, તમે જેવી રીતે સર્વોપરી ઉપાસનાની વાતો બેધડક કરો છો એ રીતે નિત્‍યાનંદ સ્‍વામી તો કયારેય કરતા નથી. 'સ્‍વામી હસીને બોલ્‍યાઃ 'નિત્‍યમુનિ સમજે છે તો આવું જ, પણ પાત્ર જોઈને જ વાતો કરે છે.' આ વાતનો તાગ મેળવવા માટે બીજે દિવસે સ્‍વામી નિર્ગુણદાસજીની સાથે જ્ઞાનમુનિ પણ નિત્‍યાનંદ સ્‍વામીના આસને થતી સાંઘ્‍યસભામાં હાજર રહ્યા. સભાના અંતે જ્ઞાનાનંદ સ્‍વામીએ નિત્‍યમુનિને પુછયું: 'ભાગવતના દશમસ્‍કંધના ઉતરાર્ધમાં ૮૯માં અઘ્‍યાયના ૬૧માં શ્લોકની શુકમુનિએ જે ટીકા લખી છે તેમાં બાધ આવે છે તો તેનું કેમ સમજવું?' ત્‍યારે નિત્‍યાનંદ સ્‍વામી બોલ્યા; 'શુકમુનિને જેમ સૂઝયું તેમ લખ્‍યું હશે. બાધમાં તમે સમજો એટલું શુકમુનિ નહીં સમજતા હોય? તમે તો બે અક્ષર ભણીને હમણાં પંડિત થયા છો, પણ જે દિવસે શ્રીજીમહારાજ દ્વારા સર્વોપરી ઉપાસના એ વાતો થતી હતી ત્‍યારે તમે કયાં હતા? તમારા ગુરુ બ્રહ્માનંદ સ્‍વામીની પાટ તળે પડયા પડ્યા ઉંઘતા હતા?' આટલું કહીને પછી નિત્‍યાનંદ સ્‍વામી મહાનુભાવાનંદ સ્‍વામીની સામે જોઈને બોલ્‍યાઃ 'સ્‍વામી, આપણને તો શ્રીજીમહારાજે પોતાનું સર્વો‍પરી સ્‍વરૂપ સમજાવતા જે વાતો કરી છે તેમ જ સમજવું. એ સમજણ ફરવા ન દેવી. શાસ્‍ત્રમાં જે લખ્‍યું છે તે નવા આદરવાળા માટે છે. આંધળાને લાકડી જોઈએ, દેખતાને લાકડીનું શું પ્રયોજન છે? જેમ છે તેમ બધાંને કહેવાય નહીં પાત્ર પ્રમાણે વાત કરવી પડે.' સદ્‍ગુરુ નિત્યાનંદ સ્‍વામીની આ વાત સાંભળીને જ્ઞાનમુનિના અંતરમાં શ્રીજીમહારાજના સર્વો‍પરીપણાની નિષ્ઠા દ્રઢ થઈ ગઈ. પછી તો તેઓ પ્રતિદિન સદ્‍ગુરુ ગોપાળાનંદ સ્‍વામીના આસને સમાસ અર્થે જવા લાગ્‍યા. જેમ જેમ સ્‍વામીશ્રીના અંતરંગ પરિચયમાં તેઓ આવતા ગયા, તેમ તેમ તેમનો વધુ ને વધુ મહિમા સમજાતો ગયો. પરિણામે ત્‍યારબાદ જ્ઞાનનંદ સ્‍વામી અમદાવાદ દેશ છોડીને પોતાના સંતમંડળ સાથે વડતાલ ગોપાળાનંદ સ્‍વામીની નિશ્રામાં જઈને વસ્‍યા. સં.૧૮૭૪માં શ્રીજીમહારાજે પોતાના સમસ્‍ત સંતમંડળ અને પ્રાણપ્‍યારા હરિભકતો સાથે વડતાલના જ્ઞાનબાગમાં જે રંગોત્‍સવ ઉજવ્‍યો હતો તે રંગલીલાનું રોચક વર્ણન તે પ્રસંગના પ્રત્‍યક્ષ સાક્ષી એવા સદ્‍ગુરુ જ્ઞાનાનંદ સ્‍વામીએ 'ધર્મકુંવર ખેલે હોરી રે, રંગ ધૂમ મચાઈ' એ કીર્તનમાં કર્યું છે. સદ્‍ગુરુ આધારાનંદ સ્‍વામી શ્રીહરિચરિત્રામૃતસાગરમાં (પુર-૧૦, તરંગ-૧૪)માં સદ્‍ગુરુ જ્ઞાનાનંદ સ્‍વામી વિષે નોંધતા લખે છેઃ 'જ્ઞાનાનંદ મુનિને તુલસીદાસના ઘણા પદ કંઠે હતા. તે સાંભળીને શ્રીહરિ બહુવાર રીઝીને તેમને મોજ આપતા. જ્ઞાનાનંદ સ્‍વામી સિતાર વગાડવામાં નિપુણ હતા.' કાવ્‍યકૃતિ: ધર્મકુંવર ખેલે હોરી રે, રંગ ધૂમ મચાઈ. ટેક. બ્રહ્મચારી મુનિવર ગ્રહી બહુ મિલી, વ્રતપુરી કે માઈ રે. રંગ. ૧ રંગ કે હોજ દોઉ ભરાયે સુંદર, શ્રીહરિ સુખદાઈ રે. રંગ. ર અબિર ગુલાલ રંગ વિવિધ ભારી, ઉડાવત સબ ધાઈ રે. રંગ. ૩ અગણિત સખા સંગે ખેલે મોહન, જ્ઞાનમુનિ બલ જાઈ રે. રંગ. ૪

વિવેચન

આસ્‍વાદઃ ભગવાન શ્રી સ્‍વામિનારાયણ મુમુક્ષુની રસવૃતિને કલ્‍યાણના સન્‍માર્ગે વાળી પોતાના સ્‍વરૂપમાં જોડવા માટે વસંતોત્સવ, રંગોત્‍સવ, રાસોત્‍સોવ ઇત્‍યાદિ અનેકવિધ ઉત્‍સવોનું અવારનવાર આયોજન કરતા હતા. પ્રસ્‍તુત પદમાં કવિ જ્ઞાનાનંદ સ્‍વામીએ વડતાલમાં યોજાયેલ હુતાસનીના રંગોત્‍સવનું હદયંગમ નિરૂપણ કર્યું છે. વડતાલના જ્ઞાનબાગમાં ઉજવાયેલો એ ફૂલદોલોત્‍સવ સંપ્રયાદના ઇતિહાસમાં અજોડ છે. જયઘોષ સાથે શ્રીહરિ જ્ઞાનબાગમાં પધાર્યા અને ઉત્‍સવનો પ્રારંભ થતાં રંગની રેલમછેલ થઈ ગઈ. રંગ ભરવા માટે બે હોજ બનાવ્યા હતા તેમાં કેસૂડાનું કેસરવવર્ણ જળ ભરવામાં આવ્‍યું હતું. મહારાજે પોતાનાં બન્‍ને ચરણાવિંદ હોજનાં રંગમાં બોળી એને પ્રસાદીભૂત કર્યો અને પછી પિચકારીઓની રંગીન ધારાઓ ચારે દિશાઓમાંથી ઉડવા લાગી. સંતો, પાર્ષદો અને હરિભકતો અબીલ-ગુલાલની છોળો ઉડાડી સમગ્ર વાતાવરણને રંગભીનું કરી રહ્યા હતા. ઉપર આકાશ અને નીચે ધરતી રંગથી રંગાઇને લાલ બની ગયા હતા. તેમાં પાતળિયો પ્રિયતમ પીળા વસ્‍ત્ર પહેરીને તથા હાથમાં સુવર્ણ પિચકારી લઈને ઘડીક સંતોના વૃંદમાં તો ઘડીક હરિભકતો સાથે સુવર્ણમૃગની ચપળાતાથી હોળી ખેલતા શોભતા હતા. શરણાઈ અને ઢોલના નાદથી વાતાવરણ રણસંગ્રામની જેમ વીરરસથી સભર બની ગયું હતું. અક્ષરધામના દિવ્‍ય આનંદનો અનુભવ શ્રીજીમહારાજે સૌને કરાવ્‍યો. કવિ જ્ઞાનાનંદ પણ એ મધુર પળે સૌ સંતોની સાથે શ્રીહરિને હોળીખેલન લીલાનું રસપાન કરીને ધન્‍યભાગી બની રહ્યા હતા. શ્રીહરિની રંગોત્‍સવ લીલાનું ચિંવતન ત્રિવિધ તાપથી મુકિત અપાવનાર છે. પદ સુગેય છે અને રાગ કાફીમાં એની બંદિશ ભાવને સુસંગત છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી