રાગ : સોરઠ પદ-૧/૧
પીયુજી વ્હેલા પધારજો, વ્હાલા જોઉં છું વાટ
વાયદો કર્યો તે વીતી ગયો, નાથ ન આવ્યા શા માટ. પીયુજી૦ ૧
અમાસે અરજ અમારડી, સુણો શ્યામ સુજાણ,
પહેલી કરી હરિ પ્રીતડી, પીયુ હરવાને પ્રાણ, પીયુજી૦ ૨
એક અમારો આધાર છો, બીજે ન બેસે મન,
અંતર રહે છે આલોચના, જોવા મુખ જીવન. પીયુજી૦ ૩
બીજે ઉપાયે અમારડે, નાવે સુખ શરીર,
અંતર શાંતિ ઉપજે નહિ, ધરૂં કઇ પેર્યે ધીર. પીયુજી૦ ૪
ત્રીજે ત્રીકમ તમારડું, મુખ જોશું મહારાજ,
તે દિન લેખે કરી લેખશું, જાશે દલડાની દાઝ. પીયુજી૦ ૫
ચોથે તે સુખ ચિંતવતાં, વળી જાયે મારૂં ચિત્ત,
સાલે ગણું રે શરીરમાં, પીયુ તમારી પ્રીત. પીયુજી૦ ૬
પાંચમે પીયુજી પુરીયે, અમે અબળાની આશ,
દયાળુ દર્શન દિજીયે, જાણી પોતાના દાસ. પીયુજી૦ ૭
છઠે છબીલાજી છેતરી, નોતું જાવું હો નાથ,
એવું હતું જો અંતરે, સ્વામી લેવાતા સાથ. પીયુજી૦ ૮
સાતમે શી પેર્ય કીજીયે, ઘણું તલફે છે તન,
વિરહ તણા વારીધિ મધ્યે, મુકી ગયા મોહન. પીયુજી૦ ૯
આઠમે અમને મેલી કરી, ગયા ગોકુળચંદ,
વિયોગે વ્હાલા અમે વિલખું, તમે કરો આનંદ. પીયુજી૦ ૧૦
નોમે તે નવલી પ્રીતમાં, તમે લોભાણા લાલ,
વિસારી મેલી મુને વ્હાલમાં, કાંઇ જાણી કંગાલ. પીયુજી૦ ૧૧
દશમે દસ દોરી નહિ, એવો શીયો અપરાધ,
અબળા ઉપર હરિ એવડો, વ્હાલા મ કરો વાદ. પીયુજી૦ ૧૨
એકાદશીયે હરિ અમારડા, અવગુણ છે અનેક,
દીનબંધુ દયા કરી, જીવન જોશોમાં એક. પીયુજી૦ ૧૩
દ્વાદશિયે દલ માહેરૂં, દાઝે દર્શન કાજ,
વ્હાલાજી વેલેરા પધારજો, મહેર કરી મહારાજ. પીયુજી૦ ૧૪
તેરસે વદન વિલોકવા, લોભી રહ્યાં લોચન,
મનમાં મનોરથ થાય છે, વ્હાલા જોવાને વદન. પીયુજી૦ ૧૫
ચૌદશે ચટકંતી ચાલશું, આવો લટકંતા લાલ,
મુખ તમારું મોહનજી, નિરખી થાઉં નિહાલ. પીયુજી૦ ૧૬
પૂરણ પુણ્યે પ્રગટ્યા, દેવા અમને આનંદ,
નિષ્કુળાનંદના નાથજી, સુખદાઇ સહજાનંદ. પીયુજી૦ ૧૭