ધન્ય ધન્ય છપૈયા ગામ, સ્વામિનારાયણ નારાયણ મંત્ર ચરિત્રમાળા ૧/૧

 

-:: મંત્ર ચરિત્રમાળા ::-

ધન્ય ધન્ય છપૈયા ગામ,    સ્વામિનારાયણ નારાયણ.

પ્રગટ્યા ત્યાં શ્રી ઘનશ્યામ, સ્વામિનારાયણ નારાયણ             ટેક.

ચૈત્ર શુદી નવમીનો દન, સ્વા. ખીલી ઉઠ્યાં વન-ઉપવન.       સ્વા.  ૧

ધર્મ-ભક્તિને ત્યાં પ્રગટ્યા લાલ, સ્વા. ભક્તજનોને કરવા ન્યાલ.સ્વા.  ૨

કૃત્યાનો પરાભવ કરનાર, સ્વા. કાલીદત્તનો કર્યો ઉદ્ધાર.          સ્વા.  ૩

કષ્ટભંજનદેવ કરે સહાય, સ્વા. ધર્મભક્તિને આનંદ થાય.        સ્વા.  ૪

પુત્ર પરીક્ષા કરે ધર્મદેવ,  સ્વા.  પુસ્તક પર હાથ મૂકે તત ખેવ.  સ્વા.  ૫

કાન વીંધાવે છે ઘનશ્યામ,સ્વા.  ચૌલ સંસ્કાર કરાવે શ્યામ.       સ્વા.  ૬

માર્કંડેયઋષિ નામ કહે,    સ્વા.  હરિ અને કૃષ્ણ સદાય રહે.       સ્વા.  ૭

નારાયણ સરે પ્રભુ સ્નાન કરે,સ્વા. મિત્રમંડળની સાથે ફરે.         સ્વા.  ૮

ચીભડીના વેલા ઉખાડે લાલ, સ્વા. વાંદરાને સમાધિ કરાવે બાળ.  સ્વા.  ૯

ખાંપો વાગ્યો છે સાથળમાંય, સ્વા.  ખાંપો તલવાડી તે કહેવાય.   સ્વા.  ૧૦

બાળલીલાને સંભારે કોય, સ્વા.  જગમાં સુખી તે તો હોય.         સ્વા.  ૧૧

અસુરોનો ઉપદ્રવ ખૂબજ થાય, સ્વા. છપૈયા છોડી વા’લો અયોધ્યા જાય.    સ્વા.  ૧૨

હોડીમાં બેસી સરયુ તરે,  સ્વા. અયોધ્યા નગરીને પાવન કરે.    સ્વા.  ૧૩

હનુમાનગઢીએ કરે દર્શન, સ્વા. સહુ દેવોને કરે પ્રસન્ન.           સ્વા.  ૧૪

ભાભીની અંગુઠી ચોરી જાય, સ્વા.ઉપવિત સંસ્કાર રૂડા થાય.      સ્વા.  ૧૫

મલ્લોનો પરાજય કરે બળવીર, સ્વા. પ્રભુ બન્યા ખરા શૂરવીર.  સ્વા.  ૧૬

શાસ્ત્રોનું જ્ઞાન શીખે પિતાની પાસ, સ્વા. સારનો સાર લખ્યો ગુટકો ખાસ.   સ્વા.  ૧૭

માતાજીને હરિ ગીતા કહી, સ્વા.  માત-તાતને દિવ્ય ગતિ દઇ.    સ્વા.  ૧૮

સરયુ નદીમાં ન્હાવા ગયા. સ્વા. ત્યાંથી વનમાં જતા રહ્યાં.        સ્વા.  ૧૯

ભગાડ્યા ભૂતોને કીધો ઉદ્ધાર, સ્વા. કષ્ટભંજન કરે સહાય અપાર.  સ્વા.  ૨૦

હિમાચલ પર્વતે ફરે ઘનશ્યામ, સ્વા. નીલકંઠવર્ણી ધર્યા શુભ નામ.સ્વા.  ૨૧

પુલહાશ્રમમાં તપ ધરે,    સ્વા.  ગંડકી નદીમાં સ્નાન કરે.        સ્વા.  ૨૨

ઘોર તપસ્યા ઘણી કરે,    સ્વા.  સિદ્ધનાં મન પ્રભુ હરે.            સ્વા.  ૨૩

તપે કરીને તન દુર્બળ થયું, સ્વા. મુખ પર તેજ ઝળહળી રહ્યું.    સ્વા.  ૨૪

બુટોલપુરે વિચર્યા માવ, સ્વા.    મયારાણીનો પૂરે ભાવ.           સ્વા.  ૨૫

ગોપાળયોગીનો થયો મેળાપ, સ્વા. અષ્ટાંગયોગ શીખ્યા આપ.    સ્વા.  ૨૬

દૂધાધારીનો કરે દંભ નાશ, સ્વા. રાજાએ ઓળખ્યા અવિનાશ.     સ્વા.  ૨૭

નીલકંઠજી સીરપુરે ગયા, સ્વા.  સિદ્ધવલ્લભ પર કરી દયા.       સ્વા.  ૨૮

પિબેકનો પરાજય કરી,   સ્વા.   નવલખા પર્વતે ગયા હરિ.       સ્વા.  ૨૯

નવલાખ યોગીને મળે છે નાથ, સ્વા. સ્નેહે મળી વહાલો કરે છે સનાથ.     સ્વા.  ૩૦

કપિલમુનિ પાસે કીધો વાસ, સ્વા. જગન્નાથે પધાર્યા ખાસ.         સ્વા.  ૩૧

મોકલ્યા અસુરો જમને દ્વાર, સ્વા. દૈવી જન સુખી થાય અપાર.    સ્વા.  ૩૨

સેવકરામની સેવા કરી,    સ્વા. કન્યાકુમારીએ ગયા હરિ.         સ્વા.  ૩૩

રામેશ્વર શિવ પૂજી રહ્યાં, સ્વા.    વનનો મારગ ભૂલી ગયા.        સ્વા.  ૩૪

પામ્યા પૂરા પંચ ઉપવાસ, સ્વા.  સાથવો જમાડે શિવજી ખાસ.     સ્વા.  ૩૫

બુરાનપુરે કર્યું તાપી સ્નાન, સ્વા. બુધેજ પધાર્યા શ્રી ઘનશ્યામ.    સ્વા.  ૩૬

પંચ દિન ગોપનાથે કીધો વાસ, સ્વા. ગુપ્યપ્રયાગે રહ્યા દોઢ માસ.સ્વા.   ૩૭

લખુ ચારણને વરદાન દઇ, સ્વા. ડોળાસા ગામે રામરૂપે થઇ.      સ્વા.  ૩૮

ગિરનાર ચઢ્યા ગિરધારિ, સ્વા.  વ્હાલે સોરઠ પર દ્રષ્ટિ ધારી.     સ્વા.  ૩૯

દામોદર કુંડે સ્નાન કરે,   સ્વા.  વાઘ વર્ણીના દર્શન કરે.         સ્વા.  ૪૦

બ્રહ્મચર્યવાન જેઠા મેર,    સ્વા.  પ્રભુ પધાર્યા તેને ઘેર.           સ્વા.  ૪૧

સમુદ્ર કિનારે ચાલતા થઇ, સ્વા. ગોરધનને મળ્યા માંગરોળ જઇ. સ્વા.  ૪૨

સુખડી જમ્યા છે વર્ણીરાટ્,  સ્વા. ત્યાંથી લીધી લોએજની વાટ.    સ્વા.  ૪૩

લોએજની વાવ પર બેઠા હરિ,   સ્વા. ધન્ય ધરતીને પાવન કરી. સ્વા.  ૪૪

પ્રથમ મળ્યા સ્વામી સુખાનંદ, સ્વા. મળતા થયો છે ખૂબ આનંદ.  સ્વા.  ૪૫

આગ્રહ જોઇ પ્રભુ આશ્રમે જાય, સ્વા. વર્ણીને જોઇ સંતો પુલકિત થાય. સ્વા.  ૪૬

મુક્તાનંદ પૂજે વર્ણીરાય, સ્વા.   પ્રશ્નોત્તરથી રાજી થાય.           સ્વા.  ૪૭

રામાનંદસ્વામીનો જાણી પ્રતાપ, સ્વા. મળવા આતુર થાય છે આપ.   સ્વા.  ૪૮

દિવાલમાં ગોખલો પુરાવે, સ્વા.  બાઇ-ભાઇની સભા જુદી કરાવે.  સ્વા.  ૪૯

સરજુદાસ રૂડા ધર્યા છે નામ, સ્વા. અઢાર મણ ચીભડા ઉપાડે શ્યામ.સ્વા.  ૫૦

ભિક્ષા માંગી કરે નિત્ય સેવ, સ્વા. વળી બ્રહ્માંડ દેખાડે બ્રહ્મદેવ.    સ્વા.  ૫૧

સંતને યોગકળા શીખવે ત્યાંય, સ્વા. ધ્યાનમાં મન જવા ન દે ક્યાંય.સ્વા.  ૫૨

પ્રથમ મેળાપ પીપલાણે થાય, સ્વા. પામ્યા ગુરૂ થકી દીક્ષા ત્યાંય. સ્વા.  ૫૩

રામાનંદ સ્વામી હૈયે હરખાય, સ્વા. સહજાનંદ એવા નામ અપાય. સ્વા.  ૫૪

નારાયણમુનિ ધર્યુ છે નામ, સ્વા. શિષ્ઉભાવે કરે સેવા તમામ.    સ્વા.  ૫૫

ગાદી સ્વીકારી જેતપુર ગામ, સ્વા. ધર્મની ધુરા સંભાળે છે શ્યામ.  સ્વા.  ૫૬

ગુરુ પાસે પામ્યા બે વરદાન, સ્વા. મુજ આશ્રિત પામે ધન-ધાન.  સ્વા.  ૫૭

ફરેણી ગામે મહામંત્ર દીધો, સ્વા. સ્વામિનારાયણ જયઘોશ કીધો.  સ્વા.  ૫૮

માગશર વદી એકાદશી કહું, સ્વા. સ્વામિનારાયણ બોલે સહુ.      સ્વા.  ૫૯

સર્વોપરી આ મંત્ર કહ્યો, સ્વા.    વિશ્વમાં આ મંત્ર ગૂંજતો થયો.    સ્વા.  ૬૦

સ્વરૂપાનંદને સમાધિ થાય, સ્વા. યમપુરી મંત્રથી ખાલી થાય.     સ્વા.  ૬૧

સમાધિ પ્રકરણ ચલાવ્યુ બહુ, સ્વા. સમાધિમાં દર્શન કરે સહુ.      સ્વા.  ૬૨

કાલવાણીમાં ગુરુ ગાદી લીધી, સ્વા.મુક્તાનંદે પ્રથમ આરતી કીધી.  સ્વા.  ૬૩

મગ્નિરામનું માન હરે, સ્વા. અદ્વૈતાનંદ થઇને ફરે.                 સ્વા.  ૬૪

છ છ માસ સુધી ચોરાશી કીધી, સ્વા. વિપ્રોને જમાડી દક્ષિણા દીધી. સ્વા.  ૬૫

લાલજીને છોડાવ્યો સંસારનો ફંદ, સ્વા. લાલજી મટી બન્યા નિષ્કુળાનંદ.સ્વા.  ૬૬

ખયા ખત્રીને વશ કીધો સદાય, સ્વા.પ્રશ્નોના ઉત્તર આપીને ત્યાંય. સ્વા.  ૬૭

પત્રથી અઢાર પરમહંસો થયા, સ્વા.    અદ્ભૂતાનંદ સદાયે રહ્યાં. સ્વા.  ૬૮

પાંચસો પરમહંસો એક સાથે, સ્વા. કાલવાણી ગામે કર્યા છે નાથે.  સ્વા.  ૬૯

ધન-સ્ત્રીનાં ત્યાગી સંતો કર્યા, સ્વા. સત્સંગ ખાતર ગામડે ફર્યા.    સ્વા.  ૭૦

અલૌકિક ચલાવી સત્સંગની રીત, સ્વા. સ્વામિનારાયણ થયા પ્રચલિત. સ્વા.  ૭૧

ગઢપુરને માન્યું પોતાનું ઘર, સ્વા. કાયમ રહ્યા ત્યાં વિશ્વંભર.      સ્વા.  ૭૨

દાદાખાચરનો દિવ્ય દરબાર, સ્વા. ત્યાંની લીલાનો નહિ કોઇ પાર.સ્વા.  ૭૩

લીંબવૃક્ષની શીતળ છાંય, સ્વા. ત્યાંથી વચનામૃતો કહેવાય.        સ્વા.  ૭૪

જયા-લલિતાના પ્રેમે બંધાય, સ્વા. ઘેલાં નદીમાં વાલો કાયમ ન્હાય.   સ્વા.  ૭૫

લાડુદાનને મળ્યા સુખકંદ, સ્વા.  છોડ્યો સંસાર થયા બ્રહ્માનંદ.    સ્વા.  ૭૬

માણકી ઉપર બિરાજે માવ, સ્વા. ભક્તજનોનાં પૂરે ભાવ.          સ્વા.  ૭૭

લક્ષ્મીવાડીમાં વાલો ઘોડલે ઘૂમે, સ્વા. સૌ પ્રભુની ચરણરજ પ્રેમથી ચૂમે.સ્વા. ૭૮

જેતલપુરે મહાયજ્ઞ થાય, સ્વા.   વિપ્ર મુખે પ્રભુ જશ ગવાય.      સ્વા.  ૭૯

ડભાણના યજ્ઞના વાગ્યા ડંકા, સ્વા.     જોબન જેવા શરણે બંકા.  સ્વા.  ૮૦

ગધેડાને પ્રભુ બનાવે ગાય, સ્વા. ભારાડી મટીને ભગત થાય.      સ્વા.  ૮૧

બાબા દિવાનની તોડી જાળ, સ્વા. પ્રભુજીનો વાંકો થાય નહિ વાળ.સ્વા.  ૮૨

સારંગપુરમાં વાલો રંગે રમ્યા, સ્વા. સૌને ઘેર જઇ વા’લો જમ્યા.  સ્વા.  ૮૩

મધરાતે મોભને ખંભો દીયે, સ્વા. ભક્તોની વહારે સદાયે રીયે.     સ્વા.  ૮૪

દાસને છાતીએ ચરણ ચાંપે, સ્વા. અલૌકિક સુખ એવા ભક્તોને આપે.  સ્વા.  ૮૫

દાદાને પરણાવે દીનદયાળ, સ્વા. શરણાગતની શ્રીજી રાખે સંભાળ.  સ્વા.  ૮૬

ગવૈયા સંતો કીર્તન ગાય, સ્વા. સાંભળી શ્રીજી રાજી થાય.         સ્વા.  ૮૭

શાકોત્સવ કર્યો લોયા મોજાર, સ્વા. ભક્તોને પીરસે જગનો આધાર. સ્વા.  ૮૮

વરતાલે ઝુલે વાલો હીંડોળામાંય, સ્વા. બાર બારણાની શોભા છવાય. સ્વા.  ૮૯

સુરતમાં મુનિબાવા આશ્રિત થાય, સ્વા. અરદેશરને શિર પાઘ અપાય. સ્વા.  ૯૦

વા’લે મંદિરો બંધાવ્યા શિખરબંધ, સ્વા. પ્રસરી રહી ચહુ બાજુ સુગંધ.   સ્વા.  ૯૧

શિક્ષાપત્રી લખી શ્રીજીએ, સ્વા. પ્રેમથી નિત્ય તેનો પાઠ કરીએ.    સ્વા.  ૯૨

સર માલ્કમને સ્નેહે મળ્યા, સ્વા. આપી શિક્ષાપત્રી રાજી કર્યા.     સ્વા.  ૯૩

અંતર્ધાન ગઢપુરે થયા, સ્વા. સંતવર્ણી શોકાતુર થયા.             સ્વા.  ૯૪

દાદાને દિવ્ય દર્શન થયા, સ્વા. ગુણાતીતાનંદજી મૂર્છિત થયા.     સ્વા.  ૯૫

મહામંત્ર અને મહારાજ, સ્વા. સત્સંગમાં પ્રગટ રહ્યાં આજ.         સ્વા.  ૯૬

મંત્ર દ્વિશતાબ્દી ઉજવાય, સ્વા. ધુન-ભજનથી સાર્થક થાય.         સ્વા.  ૯૭

રાજકોટ ગુરુકુલે મંત્ર પ્રચાર, સ્વા. કર્યો દેશ-વિદેશે જય જયકાર. સ્વા.  ૯૮

શ્રીજીના ચરિત્રો પ્રેમથી ગવાય, સ્વા. સત્સંગમાં વ્હાલો વિચરે સદાય.  સ્વા.  ૯૯

તન-મનની વ્યાધી ટળી જાય, સ્વા. અંતે અક્ષરધામ પમાય.      સ્વા.  ૧૦૦

નિત્ય જે પ્રભુ ચરિત્ર ગાય, સ્વા. અંતકાળે પ્રભુ કરે છે સહાય.     સ્વા.  ૧૦૧

સ્વામિનારાયણ નારાયણ , સ્વા. સ્વામિનારાયણ  નારાયણ.       સ્વા.  ૧૦૨

 

-::  સમાપ્ત  ::-

મૂળ પદ

ધન્ય ધન્ય છપૈયા ગામ, સ્વામિનારાયણ નારાયણ મંત્ર ચરિત્રમાળા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮



Studio
Audio
2
0