દેખત બડ ભાગ લાગ, પોત સરસ નવલ પાગ ૧/૧

અથ ધ્યાનાષ્ટક. ચરચરી છંદ.

દેખત બડ ભાગ લાગ, પોત સરસ નવલ પાગ;

અંતર અનુરાગ જાગ, છબિ અથાગ ભારિ;

અતિ વિશાલ તિલક ભાલ, નિરખત જન હો નિહાલ,

ઉંનત ત્રય રેખ જાલ, કાલ વ્યાલ હારી,

વિલસિત ભુંહ સામ વંક, ચિંતત ઉર જાત શંક,

મૃગ મદ ભર બીચ પંક, અંક ભ્રમર ગ્યાની.

જય જય ઘનસામ સામ, અંબુજ દ્રગ ક્રત ઉદામ,

સુંદર સુખ ધામ નામ, સામરે ગુમાની.           ॥૧॥

શ્રોન કોન દ્રગ લકીર. તિક્ષણ મનું કામ તીર,

નાસા છબિ દીપ કીર, ધીર ધ્યાન લાવે,

કુંડલ શુભ શ્રવન કીન નૌતમ ક્રતિ અતિ નવીન,

મનહુ હેમ જુગલ મીન, ચંદ મિલન આવે.

ગુણ નીધી કપોલ ગોર, ચિતવત ચિત લેત ચોર,

તાકે બિચ દછન કોર, જોર તિલ નિસાની,

જય જય ઘનસામ સામ, અંબુજ દ્રગ ક્રત ઉદામ,

સુંદર સુખ ધામ નામ, સામરે ગુમાની.           ॥૨॥

મંદ મંદ મુખ હસંત, દારિમ સમ પંક્તિ દંત,

સમરત્ માહંત સંત ખંત ચંત કરકેં,

લોભિત ચિત અધર લાલ, વિલસિત વિદ્રુમ પ્રવાલ,

રાજત અતિશય રસાલ તાલ વંસી ધરકે,

અંબક ફલ ચિબુક જાન, કંબુ સમ કંઠમાન,

ધારત શિવ આદિ ધ્યાન, આન ઉર ન આની,

જય જય ઘનસામ સામ, અંબુજ દ્રગ ક્રત ઉદામ,

સુંદર સુખધામ નામ, સામરે ગુમાની.            ॥૩॥

દીરઘ અતિ દોર ડંડ, મોતિન ભુજબંધ મંડ,

ખલ દલ બલ કર વિખંડ, અરિ પ્રચંડ મારે,

હિય પર બન નવલહાર, શોભિત અતિ જલજ સાર,

દેખત જન વારવાર અઘ અપાર ટારે,

પ્રૌઢ ઉંચ ઉર પ્રથુલ, ફહરે શુભ ગંધ ફુલ,

મનિભર નંગ બર અમૂલ, દુલરી બખાની,

જય જય ઘનસામ સામ, અંબુજ દ્રગ ક્રત ઉદામ,

સુંદર સુખ ધામ નામ, સામરે ગુમાની.            ॥૪॥

ઉદર તુંગ અતિ અનૂપ, ગુનવત તિલ સામ ગુપ,

નાભિ માનું પ્રેમ કુપ, રૂપ અજબ રાજે,

શોભિત હદ કટિ પ્રદેશ. કાંચિ નંગજડીત બેશ,

ચિંતત ઉરમેં મુનેશ, અધ અશેષ ભાજે

ઉરુ અતંત રૂપવાન ગરુડ પિઠ શોભમાન

નિજજન જેહિ ધરત ધ્યાન, પ્રાન પ્રેષ્ટ જાનિ,

જય જય ઘનસામ સામ, અંબુજ દ્રગ ક્રત ઉદામ,

સુ���દર સુખ ધામ નામ, સામરે ગુમાની.            ॥૫॥

જાંનુ દૌ રૂપવંત, લાલિત કર શ્રી અતંત,

સમરત જેહિ મુનિ અનંત, અંત જન્મ આવે,

જન મન પ્રિય યુગલ જંગ, રોમ અલ્પ અજબ રંગ,

ચિતવન ચિત ચઢત રંગ, અતિ ઉમંગ પાવે;

ગુલ્ફન છબિ અધિક શોભ, સ્થિતિ ચલ મન દેત થોભ.

નિરખત ઉર મિટત ક્ષોભ, લોભ આદિ ગ્લાની,

જય જય ઘનસામ સામ, અંબુજ દ્રગ ક્રત ઉદામ,

સુંદર સુખધામ નામ, સામરે ગુમાની.             ॥૬॥

ચરન પ્રષ્ટ ચિત હરાત, તરૂ તમાલ છબિ લજાત,

સમરત તતકાલ આત, રાત પ્રાત મનમેં,

જાકું નિત શેષ ગાત, અજહુ પુનિ નહિ અઘાત,

તુલસી જેહિ સ્થલ રહાત, પાત માંનું જનમેં,

નખ ઉતંગ રંગ લાલ, શોભિત મનુ દીપમાલ,

રાજત કિધું ચંદ્ર બાલ, ખ્યાલ કરત ધ્યાની,

જય જય ઘનસામ સામ, અંબુજ દ્રગ ક્રત ઉદામ,

સુંદર સુખ ધામ નામ, સામરે ગુમાની.            ॥૭॥

વિસલિત ચરણારવિંદ કોમલ અતિ પ્રેમ કંદ,

ધ્યાવત ભવ મિટત ફંદ છંદ સ્તવન બોલે,

પ્રસરત જેહિ પદ પ્રસંગ, પુન્ય ભરિત સરિત ગંગ,

<અઘવિનાશ પર્સ અંગ હો ઉતંગ ડોલે,

રાજત મહિં  ઉર્ધ્વરેખ વજ્રાદિક સહિત પ્રેખ,

બ્રહ્માનંદ દેખ દેખ લેખત કુરબાની.

જય જય ઘનસામ સામ, અંબુજ દ્રગ ક્રત ઉદામ,

સુંદર સુખધામ નામ, સામરે ગુમાની.             ॥૮॥  

મૂળ પદ

દેખત બડ ભાગ લાગ, પોત સરસ નવલ પાગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૭

દેખત બડભાગ લાગ ૦૦-૦૦ થી ૧૧-૦૦

એક નિશિ શશિ અતિ ઉજાસ ૧૦-૫૦ થી ૧૯-૩૦

જેહી નામ આધા ગયંદ ૧૯-૩૦ થી અંત

કીર્તનનો અર્થ

અર્થઃ-   શ્રીજીમહારાજના મસ્તક ઉપર સારા પોતની નવીન પાગ છે. તેની છબિ અથાગ ભારે છે. તે જોતા જોનારના અંતઃકરણમાં પ્રીત જાગે છે. અને તે દેખનારનાં મોટાં ભાગ્ય લાગે છે. વળી ઘણું મોટું કપાલ છે. તેમાં તિલક કરેલું છે તે નિરખતાં હરિજન નિહાલ થાય છે. વળી તે ઉંચા કપાળમાં ત્રણ રેખાઓની જાળ છે. તે કાલરૂપી સરપને હરાવે એવી છે. અને કાળી ભમરો વાંકી શોભે છે. તેનું ચિંતવન કરતાં મનની શંકા એટલે ભય જતો રહે, તે જાણે કે કસ્તુરીના ભર કાદવ વચ્ચે જ્ઞાની ભમરાનું ચિહ્ન કરેલું છે. અર્થાત કસ્તુરીનું તિલક છે અને તેની પાસે  ભમરાના ચિહ્ન જેવી ભમરો છે. એવા હે ઘનશ્યામ સ્વામી, તમારી જય થાઓ, જય થાઓ. તમારાં કમળ જેવા નેત્ર છે. અને તમારાં કામ મોટા છે. અને તમારૂં નામ સુંદર સુખનું ધામ છે. એવા હે કૃષ્ણ મોટા માનવાળા તમારી જય  થાઓ. ૧

અર્થઃ-   તમારા નેત્રના, ખૂણાની લીટી કાન સુધી છે. અને તે નેત્ર એવાં તિક્ષણ છે કે જાણે કામદેવનાં બાણ હોય, અને નાકની શોભા દિવાની શગ જેવી અથવા પોપટના નાક જેવી છે, તે ધીર પુરુષો ધ્યાનમાં ધરે છે. કાનમાં સારાં કુંડલ કરેલાં છે. તેનું કામ ઉપમા આપી શકાય નહીં એવું નવીન છે. તે માનીએ કે સોનાનાં બે માછલાં મુખરૂપી ચંદ્રને મળવા આવ્યાં છે. ગુણના ભંડાર એવા ગોરા ગાલ છે. તે જોતા મન ચોરી લે છે. તેની વચ્ચે જમણી કોરે બે તલની નિશાની છે. એવા હે ઘનશ્યામ. ૨

અર્થઃ-   વળી મુખારવિંદ થોડું થોડું હસતું છે અને દાંતની પંક્તિ દાડમનાં બીજ જેવી છે. મહંત સાધુઓ મનમાં ખંત ધરીને તેનું સ્મરણ કરે છે. ચિત્તને લોભાવે એવા હોઠ રાતાં છે. તે વિદ્રુમ મણી તથા પરવાળા જેવા શોભે છે. તેના ઉપર વાંસળી ધરી છે. તેના તાલથી તે અતિશે રસ ભરેલા બિરાજે છે. આંબાના ફલ જેવી દાઢી જણાય છે, અને શંખ જેવો ગળાનો ઘાટ છે. તેનું આદિ ધ્યાન ધરે છે. અને બીજું કોઈ મનમાં આણતા નથી. એવા હે ઘનશ્યામ. ૩

અર્થઃ-   ડંડ જેવા હાથ ઘણા લાંબા છે. તે ઉપર મોતીનાં બાજુબંધ માંડેલા છે. તે હાથ વડે દૈત્યના લશ્કરનું બળ ખંડન કર્યું. તથા મોટાં શત્રુઓને માર્યા. હૈયા ઉપર નવીન વનમાળા છે. અને અતિશે શોભિતાં સારાં કમળ ધર્યાં છે. તેને હરિજન વારે વારે નિરખે છે. અને પોતાનાં અપાર પાપને ટાળે છે. મોટી ઉંચી અને પોહોળી છાતી છે, તે ઉપરથી સારાં ફૂલનો ગંધ ફેલાય છે. અને મણીઓ ભરેલી તથા મોટા અમૂલ્ય નંગવાળી દુગદુગી વખાણવા યોગ્ય પહેરી છે. એવા હે ઘનશ્યામ. ૪

અર્થઃ-   પેટ ઊંચુ અતિ સુંદર છે. તે ઉપર ગુણવાન કાળા તિલ ગુપ્ત એટલે રુવાટાંમાં ઢંકાયેલા છે. અને નાભિ જાણે કે પ્રેમનો કૂવો છે. તેનું રૂપ અજાયબ જેવું શોભે છે. કેડની જગ્યાએ શોભાની હદ એવો કંદોરો નંગ જડાવ સરસ છે. તેનું મુનિશ્વર મનમાં ચિંતવન કરે છે, તેથી બધાં પાપ ભાગી જાય છે. સાથળ અતિશે રૂપાળા છે. તે ગરૂડના વાંસા ઉપર શોભાયમાન થાય છે. જેનું પોતાના જન પ્રાણથી વ્હાલા જાણીને ધ્યાન ધરે છે. એવા હે ઘનશ્યામ. ૫

અર્થઃ-   બે ઢીંચણ રૂપાળાં છે. એને લક્ષ્મીજીએ બહુ લડાવેલાં એટલે સેવેલાં છે, જેનું અપાર મુનિઓ સ્મરણ કરે છે. તેથી જન્મ મરણનો અંત આવે છે. બે જાંગો હરિજનના મનને વહાલી લાગે છે. તેના ઉપર અજાયબ જેવા રંગની થોડી થોડી રૂવાંટી છે. તેને જોતાં મનમાં પ્રેમનો રંગ ચડે છે. અને તે જોનાર અતિશે આનંદ પામે છે. મોટી ઘુંટીઓની છબી વધારે શોભે છે. તે ચંચળ મનની સ્થિતિને અટકાવી દે છે. વળી તે જોતા મનની દિલગીરી મટી જાય છે. અને લોભ આદિક ઝાંખાશ પામે છે. એવા હે ઘનશ્યામ .૬.

અર્થઃ-   અને ચરણારવિંદનો ઉપલો ભાગ મનને હરી લે છે. તેને જોતાં તમાલના ઝાડની છબી લજાય છે. તે રાતે અને સવારે સંભારતાં તરતજ મનમાં સાંભરી આવે છે. જેના ગુણ હમેશાં શેષ નાગ ગાય છે. પણ હજી સુધી તે ધરાતો નથી. અને જે ચરણારવિંદના પૃષ્ટ ઉપર તુલસી રહે છે. તે માનીએ કે ત્યા રહેવા સારુ જ જન્મ પામી છે. રાતા રંગના ઉપડતા નખ છે, તે જાણે કે દીપમાલા શોભે છે. અથવા જાણીએ કે નાના નાના ચંદ્ર બિરાજે છે. એવો (ખ્યાલ) વિચાર ધ્યાનીઓ કરે છે. એવા હે ઘનશ્યામ . ૭

અર્થઃ-   કમળ જેવાં ચરણ શોભે છે, તે અતિશે કોમળ છે. અને પ્રેમનાં મૂળ જેવાં છે. તેનું ધ્યાન કરતા ભવનો (ફંદ) ફાંસો મટી જાય, અને વેદ જેની સ્તુતિ કરે છે, જે ચરણારવિંદના પ્રસંગથી પુન્ય ભરેલી ગંગા નદી ફેલાઈ છે. તેનો અંગે સ્પર્શ કરવાથી પાપ નાશ થાય છે. અને તે ઉત્તમ થઈને ફરે છે. તે ચરણારવિંદમાં  ઉર્દ્ધરેખા શોભે છે. અને વજ્ર આદિકનાં ચિહ્ન સહિત દેખાય છે. બ્રહ્માનંદ સ્વામી તેને જોઈને પોતાનું સરવશ કુરબાન કરવાનું ગણે છે. એવા હે ઘનશ્યામ. ૮

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
હેમંત ચૌહાણ
ચરચરી છંદ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
2
0
 
હસમુખભાઈ પાટડિયા
ચરચરી છંદ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)
નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૭
Studio
Audio
4
0