ભટ વેદ પઢંદા, સંધ્યા વંદા, કર્મન ફંદા ઉર્ઝંદા ૧/૧

છંદ ત્રિભંગી.

ભટ વેદ પઢંદા, સંધ્યા વંદા, કર્મન ફંદા ઉર્ઝંદા,

ઓકાર જપંદા મુન્ય રહંદા અંતર મંદા મુર્ઝુંદા,

પુની કથા કહંદા લોક ઠગંદા વિકલ ફીરંદા વર્તંદા,

સદ્ગુરુકા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબ હંદા,                 ॥૧॥

સંન્યાસ સહૂતા ખિન ન થરુતા ફિરત  વગુતા જગ ખૂતા,

માયાકે પૂતા નગન રહૂતા ધરન વિભૂતા ઘન ધૂતા,

ભૈરવ અરુ ભૂતા જપત સંજુતા રંડિ રૂતા નતરંદા,

સદ્ગુરુકા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબ હંદા.                  ॥૨॥

જગ કાવત જોગી સબ વિધિ ભોગી અંતર રોગી અઘ ઓઘી,

મદ માંસ ભખોગી ભૂત જપોગી લજ્યા ખોગી કામોગી,

તનકાન ફટોગી બેસુધ્ય હોગી ફરત હે પુંગી ફુંકંદા,

સદ્ગુરુકા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબ હંદા.                  ॥૩॥

અરુ જંગમ કહાવે લીંગ લટકાવે ઘંટ બજાવે શિવ ગાવે,

પુનિ ભીખ મંગાવે પૈસા પાવે ત્રપત ન આવે તન તાવે,

ફિર શ્વાન ભસાવે લોક હસાવે ભેખ લજાવે ભરમંદા,

સદ્ગુરૂકા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબ હંદા.                   ॥૪॥

અરુ ફકિરા ફરતા કલમા ભરતા અંતર જરતા નહિં ઠરતા,

જીવનકું મરતા સંક ન ધરતા જું હર કરતા નહિ ડરતા,

બોલત બરબરતા કંઠ હુકરતા પછીમ ધરતા ઘૂમંદા,

સદ્ગુરૂકા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા  સબ હંદા.                  ॥૫॥

આખત અરિહંતા જંતા જંતા કર્મ કથંતા ભરમંતા.

વિષયે વરતંતા કંચન કાંતા. અંતર શાંતા નહિ અંતા.

અરુ કર્મ કરંતા નહી ડરપંતા નહી ભગવંતા ઉચરંદા,

સદ્ગુરુકા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબ હંદા.                    ॥૬॥

કહાવત વૈરાગી લુબધ્યા લાગી અંતર આગી ત્રિયરાગી,

જ્યાલા વીષ જાગી માયા પાગી અકલ વેકાગી નિર્ભાંગી,

બાંધત ઘર બાગી લજ્યા ત્યાગી ધન અરુ ઢાંગી ધારંદા,

સદ્ગુરુકા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબ હંદા.                    ॥૭॥

ભક્તીકે ભગલા બાત ન ફગલા અંતર દગલા વિષ ઢગલા,

દેખત ટગટગલા ડોલત નગલા થિરઠવ પગલા જગ ઢગલા.

બાહર ગતી બગલા અંતર કગલા વાકા સંગલા છાંડંદા

સદ્ગુરુકા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબ હંદા.                    ॥૮॥

ગલ ધારત માલા અંતર કાલા વિષે બિહાલા ચિત ચાલા,

મજબૂત મસાલા ત્રપત રસાલા ઠાકુર થાલા પંડપાલા,

મન ક્રોધ કરાલા જરત જંજાલા, અંતર ઠાલા મુર્ઝુંદા,

સદ્ગુરૂકા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબ હંદા.                    ॥૯॥

વૈરાગાં ઝંડિ દેખત ભંડી, આતમ ખંડી ક્રમકંડી,

ઉર જડતા ઉંડી મમતા મંડી, ટીલા ટુંડિ પાખંડી,

રાખત ઘર રંડી સબ વિધિ છંડી પથરા પિંડિ ઊજંદા,

સદ્ગુરૂકા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબ હંદા.                     ॥૧૦॥

નાવત જલ નીકા ધારત ટીકા ગલ કંઠીકા તુલસીકા,

અરૂ મિંઠા જીયકા કપટી હિયકા નાહિન ઠીકા મુરઘીકા,

બાના હરજીકા વીકલ બિલિકા, કિંકર ત્રિયકા વિષકંદા,

સદ્ગુરૂકા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબ હંદા.                     ॥૧૧॥

ભેષન કે ધારી સબમેં ખ્વારી અંતર ભારી અહંકારી,

બોલત મુખ ગારી રાખત નારી, માયા યારી, વ્યાપારી,

જબ મંગલકારી, ગુરુ મિલ્યારી, ભ્રમના ટારી જગ ફંદા,

સદ્ગુરૂકા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબ હંદા.                     ॥૧૨॥ 

મૂળ પદ

ભટ વેદ પઢંદા, સંધ્યા વંદા, કર્મન ફંદા ઉર્ઝંદા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૮

કંઠિ ધાર ટિકા કિયા ૦૧-૪૦ થી ૧૧-૩૫ સુધી

ભટ વેદ પઢંદા, સંધ્યા ૧૧-૩૫ થી ૨૧-૦૦

સરસર પર સધર અમર ૨૧-૦૦ થી અંત સુધી

કીર્તનનો અર્થ

અર્થઃ-   બ્રાહ્મણ વેદ ભણે છે સંધ્યાવંદન કરે છે. અને કર્મની જાળમાં લટકી રહે છે. કોઈતો ૐકાર જપે છે. અને મૌન રહે છે. પણ તે મૂરખ અંતઃકરણમાં મુંઝાય છે. વળી કથા કહીને લોકોને ઠગે છે અને વૃત્તિ એટલે આજીવિકાને વાસ્તે ગાંડા થઈને ફરે છે. સદ્ગુરુનો બંદો બ્રહ્માનંદ સર્વેની સાચે સાચી વાત કહે છે. ૧

અર્થઃ-   સન્યાસી જે હોય છે. તેના મન ક્ષણ માત્ર સ્થિરતા પામતાં નથી. અને તે જગતરૂપી કાદવમાં ખુંચી જઈને વગોવાતા ફરે છે. તેઓ નાગા રહે છે. પણ માયાના પૂત્ર છે. અને વિભૂતિ ધરે છે. પણ ધનના ધૂતનારા છે. ભૈરવ અને ભૂતના મંત્ર પણ ભેળા જપે છે. અને રાંડની (રતિ) પ્રીતિને તરી શક્તા નથી. સદ્ગુરુનો બંદો. ૨

અર્થઃ-   વળી જગતમાં જોગી કહેવાય છે, પણ તેઓ સર્વે પ્રકારે ભોગી હોય છે. એનાં અંતઃકરણ વિષયાદિકના રોગી અને પાપના (ઓઘ) ઢગલા જેવાં હોય છે. મદિરા ને માંસનો ભક્ષ કરે છે. અને ભૂતનો જપ કરે છે. અને લાજ ખોઇ નાખે છે અને કામના (ઓઘ) ઢગલા છે. શરીરે કાન ફડાવે છે. અને બેભાન થઈ જાય છે. અને શિંગડી ફુંક્રતા ફરતા ફરે છે. સદ્ગુરુનો બંદો. ૩.

અર્થઃ-   વળી જંગમ કહેવાય છે. તે પોતાના માથા ઉપર શિવના લિંગ લટકાવે છે. ઘંટ બજાવીને શિવના ગુણ ગાય છે. વળી ભીખ માગે છે. પૈસા પામે છે, તો પણ ત્રુપ્તિ થતી નથી. તેથી શરીર તપાવે છે. વસ્તીમાં ફરીને કૂતરાં ભસાવે છે. લોકને હસાવે છે. અને તે પોતે ભરમાયેલા પોતાના ભેખને લજાવે છે. સદ્ગુરુનો બંદો. ૪

અર્થઃ-   વળી ફકીરો ફરે છે. તેઓ કલમો ભણે છે. પણ તેમનાં અંતઃકરણ બળતાં હોય છે. પણ ઠરતાં નથી. અને જીવડાં મારતાં શંકા ધરતા નથી. અને જેમ હર એટલે શિવ સંહાર કરે તેમ સંહાર કરતાં બીતા નથી. અને કંઠ ઘોઘરો કરીને બડબડતા બોલે છે. અને પશ્ચિમ દિશાએ માથું ધરીને ઘુમે છે. અર્થાત પશ્ચિમ દિશાને નમે છે. સદ્ગુરુનો બંદો. ૫અર્થઃ-   તેમજ જતિયો અરિહંત અરિહંત એમ બોલે છે. તથા અરે જંતુ મરશે જંતુ મરશે, એમ કહે છે. અને કર્મની મુખ્ય વાત કહીને લોકોને ભમાવે છે. અને પંચ વિષયમાં વરતે છે. તથા સોનું અને સ્ત્રીથી અંતઃકરણમાં શાંતિ પામતા નથી અને કર્મ કરતાં કાઈ બીતા નથી. અને ભગવાનનું નામ બોલતા નથી. સદ્ગુરુનો બંદો. ૬.

અર્થઃ-   વળી કેટલાએક વેરાગી કહેવાય છે. પણ એમને લોભ લાગેલો હોય છે. અને સ્ત્રી ઉપર પ્રીતિવાલા હોય, તેથી તેમના અંતઃકરણમાં કામની આગ સળગતી હોય છે. તેમને પંચવિષયની ઝાળ જાગેલી અને માયામાં ભિંજાયેલા હોવાથી તે અભાગિયાઓની અકલ વેચાઈ ગઈ હોય છે. તેઓ ઘર અને બાગ બનાવે છે. અને લાજ તજીને પૈસા તથા ઢોંગપણું ધારણ કરે છે. સદ્ગુરુ નો બંદો. ૭

અર્થઃ-   ભક્તિનો વેષ ધરનારા અને વાતમાં ફગી જનારા અને અંતઃકરણમાં દગાવાળા તથા વિષયના ઢગલા જેવા નાગા થઈને ફરતા ફરે, પણ સ્ત્રિઆદિક સામું ટગ ટગ જોઈ રહે, અને તે જગતને ઠગનારા થિર ઠરાવીને પગલાં માંડે, તેમની બહારની ચાલ ચલગત બગલા જેવી, અને અંતઃકરણ કાગડા જેવાં હોય, એવાનો સંગ છોડી દેવો જોઈએ. સદ્ગુરુનો બંદો. ૮

અર્થઃ-   ગળે માળા ધારે અને તેનું અંતઃકરણ કાળું હોય છે. અને પંચ વિષયથી બેહાલ થયો હોય એવા તેના ચિત્તના ચાળા હોય, ખુબ મશાલા અને તૃપ્ત થાય એવી રસવાળી રસોઈથી ઠાકોરજીના થાળને બાને પોતાના પંડને પાળનારા, તેના મનમાં તો વિકરાળ ક્રોધ હોય, અને સંસારની જંજાળમાં બળતો હોય, અને અંતઃકરણ જ્ઞાન વગરનું ઠાલું મુઝાતું હોય, સદ્ગુરુનો બંદો. ૯

અર્થઃ-   વળી કેટલાંક વૈરાગીના ઝુંડ દેખવામાં ભાંડ જેવા હોય અને આત્મજ્ઞાનનું ખંડન કરીને કર્મકાંડમાં લાગેલા હોય છે. એના અંતઃકરણમાં ઉંડું અજ્ઞાનપણું હોય મમતમાં મંડેલા અને તે પાખંડીઓ ટીલા ટપકાં કરે છે. અને શાસ્ત્રમાં કહેલી બધી વિધિ છોડીને ઘેર રાંડ રાખીને પથરા પીંડીને પુજે છે. (મતલબ કે જેમ ઘેડનો સ્પર્શ થાય ત્યા બ્રાહ્મણ રહે નહીં, તેમજ વ્યભિચારી કે વ્યસની પૂજા કરનારા હોય, ત્યા દેવ રહે નહી,) માટે એવા દેવને માનવા તે પથરાને માનવા બરાબર છે. સદ્ગુરુનો બંદો. ૧૦

અર્થઃ-   જઈને સારા જળમાં ન્હાય અને ટીલાં કરે, તથા ગળે ગુલસીની કંઠી રાખે, તેઓ જીભના મીઠા પણ હૈયાના કપટી, કૂકડીનાં બચ્ચાં જેવા અજ્ઞાની ઠીક વરતતા નથી, તે હરિનું બાનું ધરે પણ બિલાડીનાં બચ્ચાંની પેઠે વિકલ થઇને ફરે, અને સ્ત્રીના ચાકર તથા પંચ વિષયના થડરૂપ હોય છે. સદ્ગુરુનો બંદો. ૧૧

અર્થઃ-   એ રીતે ભેખના ધરનારા સર્વ પ્રકારે ખુવાર મળેલા છે. તો પણ અંતઃકરણમાં ભારે અહંકારી છે. મોઢે ગાળો બોલે સ્ત્રી રાખે માયાના યારી, અને કેટલાએક વેપારી પણ હોય છે. પણ મને જ્યારે કલ્યાણકારી ગુરૂ મળ્યા. ત્યારે જગતનો ફાંસો તથા ભમણા ટાળી નાંખી, સદ્ગુરુનો બંદો. ૧૨

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
હસમુખભાઈ પાટડિયા
ચરચરી છંદ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)
નોન સ્ટોપ છંદ-૮
Studio
Audio
1
0