એક નિશિ શશિ અતિ ઉજાસ પ્રૌઢ શરદરતુ પ્રકાશ ૧/૧

અથ રાસાષ્ટક. ચરચરી છંદ.

એક નિશિ શશિ અતિ ઉજાસ પ્રૌઢ શરદરતુ પ્રકાશ,

રમન રાસ જગનિવાસ, ચિત બિલાસ કિને,

મોરલિધુન અતિ રસાલ, ગેહરે સુર કર ગોપાલ,

તાન માન સુભગ તાલ, મન મરાલ લિને,

વ્રજત્રિય સુન ભર ઉછાવ, બન ઠન તન અતિ બનાવ,

ચિતવત ગત નૃત ઉઠાવ, હાવભાવ સાચે,

હરિહર અજ હેર હેર, વિકસત સુર બેરબેર,

ફરગટ ઘટ ફેર ફેર, નટવર નાચે.                                   ॥૧॥

ઠેં ઠેં બજ ત્રંબક ઠોર, ચેં ચેં સરનાયી સોર,

ધેં ધેં બજ પ્રણવ ઢોર , ઘેં ઘેં બોલે,

ઝુક ઝુક ઝુક બજત ઝંજ, ટુક ટુક મંજિર રંજ,

ડુક ડુક ઉપંગ ચંગ, અતિ ઉમંગ ડોલે,

દ્રગડદા દ્રગડદા પખાજ, થ્રગડદા થૈ થૈ સમાજ,

કડ કડદા કડકડદા દુકડ ત્રુકટ, ઘન થટ રાચે,

હરિ હર અજ હેરેફેર વિકસત સુર બેરબેર,

ફર ગટ ઘટ ફેર ફેર નટવર નાચે.                                   ॥૨॥

સંતન અભિરામ ધામ, ક્રમત રમત ભ્રમત કામ,

પ્રમત શ્રમત નમત ગ્રામ વામ હામ લોભે,

અટન ઘટન અતિ ઉદામ, થન ગન તન ઠામ ઠામ,

તજ વિશ્રામ અતિ વિભ્રામ, સામ સુંદર શોભે.

જમુનાકે નીર તીર, ખેલત બલવીર વીર,

ચહુંવટ થટ સઘટ ભીર, કટિ સુધીર કાચે,

હરિ હર અજ હેરહેર, વિકસત સુર બેર બેર,

ફરગટ ઘટ ફેર ફેર, નટવર નાચે.                                   ॥૩॥

ઝલલલ તન કાંતિ ઝલક ખલલલ ભુજ ચૂડ ખલક,

સલલલ જોં હિ વીજ સલક ભલક ભાલ સાજે,

અટપટ લટ છૂટ અલક, ત્રટ ઘટ શુભ કીન તલક,

હટહટ ઘટ ત્રુગટ હલક્ર, નટ બિલાસ રાજે,

તન તન પ્રતિ સુગત તાન, જન જન મન એક જાન,

કૃત ઉત મુખ કાન કાન, માન ગાન માચે,

હરિ હર અજ હેર હેર, વિકસત સુર બેર બેર,

ફરગટ ઘટ ફેર ફેર, નટવર નાચે.                                   ॥૪॥

ઘમમમ ઘુઘરુ ઘમંક, ઠમમમ ઝાંઝર ઠમંક,

ઘમમમ મમ ભૂ ઘમંક, ગત નિશંક ગાવે,

ઝગ ઝગ ઝગ ઝગમગાટ, થગ થગ થે થૈત થાટ.

નૌતમ પગ દ્રગ નિરાટ, લલિત નાટ લાવે,

લથબથ હથ ગુંથ લીન, પથ પથ પિય સથ પ્રવિન,

કથ કથ ગ્રથ શેશ કીન, જુથ નવિન જાચે,

હરિહર અજ હેરહેર, વિકસત સુર બેર બેર,

ફરગટ ઘટ ફેર ફેર, નટવર નાચે,                                   ॥૫॥

નૌતમ છબિ નંદ નંદ, મુખ સુહાસ મંદ મંદ,

દંપતિજુત દ્વંદ દ્વંદ, જગત વંદ ડોલે.

વિનતા સુર વ્રંદ વ્રંદ, નિરખત આનંદ કંદ,

ગતિ અતિ સ્વચ્છંદ છંદ, જય જય બોલે.

જુગલિત કર જોર જોર, ઠમક ઝમક ઠોર ઠોર,

વિમલ તાન તોર ઘોર મોરલી વાચે,

હરિહર અજ હેરહેર, વિકસત સુર બેર બેર,

ફરગટ ઘટ ફેરફેર, નટવર નાચે.                                    ॥૬॥

લખ છબિ સુરપતિ લજીત, ગુહ્ય ગાન તાન ગીત.

પિયે પ્રિયા સહિત પ્રીત, સમરજીત શોભે.

રમત ભ્રમત્ત અજબ રીત, ચકિત ઝુકિત થકિત ચીત,

લલિત હલિત મલિત લીત, નિરખ મીત લોભે.

લુંબ ઝુંબ ઐક લગન, વિમલિત દ્રગ જાત વિઘન.

તક તક ચક હોત તગન, પ્રૌડ મગન પ્રાચે,

હરિહર અજ હેર હેર, વિકસત સુર બેર બેર.

ફર ગટ ઘટ ફેર ફેર, નટવર નાચે.                                  ॥૭॥

તત તત તત હોત તાન, અચુંબિત ગત આન આન.

ધુરજટિ ઘટ છુટત ધ્યાન, કાન બાન સુનતે,

ગેહરિ ધુન હોત ગાન, મંગલ સુર માન માન.

ભુલ ભાન ખાન પાન, પ્રાન જાન ભનતે.

ધિધિકટ નૃત ધાર ધાર, ત્રિ મિત તહાં સતાર તાર.

બ્રહ્માનંદ વારવાર, ચરનન ચિત રાચે.

હરિહર અજ હેર હેર, વિકસત સુર બેર બેર,

ફરગટ ઘટ ફેર ઠેર, નટવર નાચે.                                   ॥૮॥ 

મૂળ પદ

એક નિશિ શશિ અતિ ઉજાસ પ્રૌઢ શરદરતુ પ્રકાશ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૭

દેખત બડભાગ લાગ ૦૦-૦૦ થી ૧૧-૦૦

એક નિશિ શશિ અતિ ઉજાસ ૧૦-૫૦ થી ૧૯-૩૦

જેહી નામ આધા ગયંદ ૧૯-૩૦ થી અંત

કીર્તનનો અર્થ

અર્થઃ-   એક રાત્રિમાં ચંદ્રમાનો ઉજાસ ઘણો થયો. અને તે ચંદ્ર મોટો શરદઋતુનો પ્રકાશિત હતો. અર્થાત પૂનમનો હતો. તે સમે આખા જગતમાં જેનો નિવાસ છે, એવા શ્રી કૃષ્ણ ભગવાને રાસ રમવાનો પોતાના મનમાં વિલાસ કર્યો એટલે ઉમંગ ધર્યો, ત્યારે ગોપાલ એટલે શ્રી કૃષ્ણે અતિ મોટા સ્વરથી મોરલીનો નાદ કર્યો. તેમાં તાન, માન અને સરસ તાલ લાવીને હંસના મન ખેંચી લીધાં. તે સ્વર સાંભળીને વ્રજની સ્ત્રીઓ ભર ઉમંગથી શરીરે અતિશે શણગારના બનાવથી બનીઠનીને નાચવાની ચાલનો ઉઠાવ મનમાં સાચા હાવભાવથી ચીતવવા લાગી. ત્યાં (હરિ) ઇંદ્ર અથવા વિષ્ણુ (હર) શિવ અને બ્રહ્મા આદિક દેવો આવીને વારેવારે નિરખવા લાગ્યા. તેમજ વારેવારે તે ગોપીઓના ગાવાનો સ્વર પણ ખુલ્લો થતો હતો. અને શરીરે વારેવારે ફુદડી ફરીને નટવર એવા જે ભગવાન, તે નાચવા લાગ્યા.૧

અર્થઃ-   તે ઠેકાણે ઠેં ઠેં એમ ત્રંબાલુ વાગવા લાગ્યા, અને ચેં ચેં એમ શરણાઈઓના સોર થવા લાગ્યા. અને ધેં ધેં એ રીતે ઢોલક વાગે છે. અને મોટો ઢોલ ધેં ધેં એમ બોલે છે. ઝુક ઝુક એમ ઝાંઝ વાગે છે. અને ટુક ટુક એવા શબ્દથી મંજિરા મનરંજન કરે છે. તેમ જ ડુક ડુક એ રીતે ઉપંગ નામનું વાજું તથા મોરચંગ બજાવે છે. અને ઘણા ઉમંગથી ફરે છે. અને દ્રગડદા દ્રગડદા એ રીતે પખાજ વાગે છે. અને તે ગોપી અને ગોવાળાનો સમાજ થ્રગડદા અને થેઈ થેઈ નાચે છે. અને કુકડદા કુકડદા એમ નરઘાં વાગે છે તથ તૃકટ ઘન એમ પણ વાગે છે. તેથી જોવા મળેલો થટ ખુશી થાય છે. ત્યા ઇંદ્ર, શિવ, બ્રહ્મા આદિક દેવો આવીને. ૨.

અર્થઃ-   તે ભગવાન સંત પુરુષોના મનને ઠરવાના સુંદર ધામ રૂપ છે. તે કદમ ભરે છે. અને રમે છે. એને જોઈને કામદેવ પણ ભ્રમમાં પડે છે. અને ઉન્મત્ત એવા ગોવાળીયાના ગ્રામ એટલે સમુદાય થાકી જઈને ભગવાનને નમે છે. અને વામા એટલે તે ગોપિયોની હિંમત ભગવાનને જોઈને લોભાઈ જાય છે. અતિ ઉત્તમ રીતે શરીરે ફરે છે. અને ઠેકાણે  ઠેકાણે શરીર થનગન થનગન નાચે છે. તે વિસામો લેવાનું તજીને અતિશે જ ભ્રમણ કરે છે. તેમાં શ્રીકૃષ્ણ ભગવાન સારા શોભે છે. એ રીતે જમનાંજીના જળના કિનારા ઉપર બલવીરના ભાઈ રમે છે. અને ચારે તરફ રસ્તાઓમા માણસોના થટની ઘણી ભીડ થઈ છે, અને તે સારા ધીરજવાન ગોવાળિયાઓએ કેડે કાછડા વાળ્યા છે. ત્યાં ઇંદ્ર, શિવ, બ્રહ્મા આદિક દેવો આવીને . ૩

અર્થઃ-   અને ઝલલલ એમ ગોપિઓના શરીરની કાંતિ ઝલકે છે. અને તેમના હાથના ચૂડા ખલલલ એમ ખલકે છે. અને વિજળીની પેઠે સળળળ એમ સળકે છે. અને તેમણે પોતાના કપાળનો ભભકો સજ્યો છે. તેમના ચોટલાની લટ વાંકી ચુંકી છૂટી પડી છે, અને શરીરના કિનારા ઉપર અર્થાત્‍ કપાળમાં સારાં તિલક એટલે આડ્યો કરેલી છે. અને શરીરે હઠી હઠીને ત્રિભંગી ચાલની પેઠે હાલે છે. તેથી નટના જેવો ખેલ શોભે છે. પ્રત્યેક શરીરધારી સારી ગતિ કરીને તાન લે છે. અને પ્રત્યેક માણસનાં મન મળીને જાણે એક જ થઈ ગયાં છે. અને મોઢેથી ઉક્તિ એટલે વાણી હે કાન હે કાન એમ કરે છે. અને ગાનના માનમાં મચી રહ્યાં છે. ત્યાં ઈન્દ્ર, શિવ , બ્રહ્મા આદિક દેવો આવીને. ૪.

અર્થઃ-   ઘમ ઘમ એમ ઘુઘરા ઘમકે છે. અને ઠમ ઠમ  એમ ઝાંઝર ઠમકે છે. અને ઘમમમમમ એમ પૃથ્વી ધમકે છે. અને નિઃશંક થઈને ગતિ કરીને ગાય છે. તે ભગવાનની કાંતિનો ઝગમગાટ ઝગ ઝગી રહ્યો છે. અને થગ થગ તથા થેઈ થેઈ એવા નૃત્યનો થાટ મચ્યો છે. અને સૌથી સરસ ચરણ શોભે છે. તથા નેત્ર પણ અદ્‍ભુત શોભે છે. અને સુંદર નૃત્યનો ભેદ લાવે છે. તે ગોપી અને ગોવાલાએ લથબથ થઈને એકબીજાના હાથ ગુંથી લીધા છે. અર્થાત આંકડા ભીડ્યા છે અને તે પ્રવીણ ગોપીઓ રસ્તે રસ્તે શ્રીકૃષ્ણ સ્વામીની સાથે ફરે છે. તે લીલાનું કથન કરી કરીને શેષનાગે ગ્રંથ બનાવ્યો તે નવા નવા મુનિઓ વાંચવાને માગે છે. ત્યાં ઇન્દ્ર, શિવ, બ્રહ્મા આદિક દેવો આવીને. ૫.

અર્થઃ-   નંદના પૂત્રની છબિ અતિશે ઉત્તમ બની છે. અને તેમનું મુખારવિંદ થોડું થોડું હસતું છે. અને તે જગતને વંદવા યોગ્ય એવા ભગવાન પ્રિયા અને પ્રિયનાં જોડે  જોડાં બનીને ફરે છે. ત્યાં દેવની સ્ત્રીઓ ટોળે ટોળે મળીને આનંદના થડ રૂપ એવા ભગવાનને નિરખે છે. એ ભગવાન અતિશે સ્વચ્છંદપણે ગતિ કરે છે. તે જોઇને (છંદ) વેદ, જયજયકાર બોલે છે. અને તે જોડલાંએ હાથે હાથ જોડ્યા છે. અને ઠેકાણે ઠેકાણે થમકારા અને ઝમકારા થાય છે. અને નિર્મલ તાન તોડે છે. અને ઘણા ઘોરથી મોરલી બજાવે છે. ત્યાં ઈન્દ્ર, શિવ, બ્રહ્મા આદિક દેવો આવીને . ૬.

અર્થઃ-   તે ભગવાનની છબીને જોઈને ઇંદ્ર લજાય છે. અને તેમના ગીતનું ગાન તથા તાન ગુપ્તરીતનું છે. તે પ્રિયા અને પિયુ પ્રીતિયે સહિત છે. પણ સ્મર એટલે કામદેવને જીતી લીધો હોય એવા શોભે છે. તે અજાયબ રીતે રમે છે. અને ભમે છે. અને મનમાં ચકિત થઈને અર્થાત્‍ આશ્ચર્ય પામીને ઝુકે છે. અને વળી થાકી જાય છે. તેમજ સુંદર રીતે હળીમળી લીધું છે. તે નિરખવાને તેમના મિત્રોનાં મન લોભાય છે. લુંબીઝુંબીને એકરૂપ થઈ ગયા હોય એમ લાગે છે. અને નેત્ર શોભાયમાન છે. તે જોતા વિઘ્ન જતાં રહે છે. તેમના કાનમાં તગન એટલે કુંડલ તકતક એમ ચકચકી રહ્યાં છે. તે જોઈને પ્રાચીને કાલના મોટા મુનિઓ મગ્ન થાય છે. ત્યાં ઈન્દ્ર, શિવ, બ્રહ્મા આદિક દેવો આવીને. ॥૭॥

અર્થઃ-   ત્યાં તતતત તત એમ તાન લેવાનો શબ્દ થાય છે. અને અચુંબિત એટલે આગળ કોઈએ કહેલી નહીં એવી જુદી જુદી ગતિ લાવે છે, અને તે ગીતની વાણી કાને સાંભળીને શિવજીના શરીરનું ધ્યાન છૂટી જાય છે. એવા ઘાટા સ્વરથી ગાન થાય છે તે સાંભળીને દેવતાઓ એ મંગલકારી માની માનીને શરીરનું તથા ખાવા પીવાનું ભાન ભૂલી જઈને તે ભગવાનની સ્તુતિ ભણતાં ભગવાનને પોતાના પ્રાણ જેવા જાણ્યા અને ધિધિક્ટ એવી ઢબનો નાચ ધરીધરીને સ્ત્રીઓ એટલે ગોપીઓ અને મિત્ર એટલે ગોવાલાઓ તાલીએ તાલી દઈને હસે છે, તે જોઈને ભ્રહ્માનંદ સ્વામીનું મન તે ભગવાનના ચરણારવિંદોમાં રાચે છે. ત્યાં ઇન્દ્ર, શિવ, બ્રહ્મા આદિક દેવતાઓ આવીને. ॥૮॥

 

 

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
હસમુખભાઈ પાટડિયા
ચરચરી છંદ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)
નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૭
Studio
Audio
7
4