જ્યું જલમાંઈ લકીર પરિ સો, ટલી કે ટલી કે ટલી કે ટલી હે ૧/૧

નાશવંત દેહ વિષે. સવૈયા.

જ્યું જલમાંઈ લકીર પરિ સો, ટલી કે ટલી કે ટલી કે ટલી હે,

જ્યું મિસરિ પયમાંઈ પરિ સો, ભલી કે ભલી કે ભલી કે ભલી હે,

દેવલ સિશ ચઢાઈ ધજા સો, હલી કે હલી કે હલી કે હલી હે,

બ્રહ્મમુનિ ત્યુંહિ દેહકી આયુ, ચલી કે ચલી કે ચલી કે ચલી હે,            ॥૧॥

નીચનકે સંગ પ્રીત કરિ સો, મટી કે મટી કે મટી કે મટી હે,

જૂધકું દેખિ ત્રિયાનકિ ટોરિ, હટી કે હટી કે હટી કે હટી હે,

સૂરજ દેખકેં કુંદ કલી સો, ફટી કે ફટી કે ફટી કે ફટી હે,

બ્રહ્મમુનિ ત્યુંહિ  દેહકી આયુ, ઘટી કે ઘટી કે ઘટીકે ઘટી હે.               ॥૨॥

ભોમિ નિસાનપેં આયકેં ચોટ, લગી કે લગી કે લગી કે લગી હે,

મારુતકે અતિ જોરસેં આગ, જગી કે જગી કે જગી કે જગી હે,

ચૂલકિ સીસ ચઢાઈ તઈ સો, ધગી કે ધગી કે ધગી કે ધગી હે,

બ્રહ્મમુની કહે તેસે હિ દેહ, ભગી કે ભગી કે ભગી કે ભગી હે.              ॥૩॥

વહ્નિ રુ દારૂ સંજોગ ભડાકો, ભયો કે ભયો કે ભયો કે ભયો હે,

પ્યાદેકે લાર સવાર ચઢ્યો સો, લહ્યો કે લહ્યો કે લહ્યો કે લહ્યો હે,

ચોરનકે સંગ સાહકું ચોર, કહ્યો કે કહ્યો કે કહ્યો કે કહ્યો હે,

બ્રહ્મમુનિ કહે યું તન આયું, ગયો કે ગયો કે ગયો કે ગયો હે.                ॥૪॥

કાષ્ટ ચિતા મહિ બૈઠિ સતિ સો, જરી કે જરી કે જરી કે જરી હે,

સિંહકે અગ્ર ખડિ બકરી સો, મરી કે મરી કે મરી કે મરી હે,

જ્યું ઘરિયાર કે પાસ કટોરી, ભરી કે ભરી કે ભરી કે ભરી હે,

બ્રહ્મમુનિ કહે તેસે હિ દેહ, પરી કે પરી કે પરીકે પરી હે.                      ॥૫॥

જ્યું અરી સૈનમેં ઉખકો ખેત,લુટ્યો કે લુટ્યો કે લુટ્યો કે લુટ્યો હે,

જ્યું કપટિ મિલ હેત કિયો સો,તુટ્યો કે તુટ્યો કે તુટ્યો કે તુટ્યો હે,

જેસેંહિ તોલત ધાનકો ઢેર,ખુટ્યો કે ખુટ્યો કે ખુટ્યો કે ખુટ્યો હે,

બ્રહ્મમુનિ કહે ત્યું યહ દેહ,છુટ્યો કે છુટ્યો કે છુટ્યો કે છુટ્યો હે.           ॥૬॥

શ્રીઘનશ્યામ કે અંઘ્રિસરોજમેં, દેહ છતે જેહિ નેહ કર્યો હે,

લોકનકી તજિ લાજ નિરંતર, અંતરમેં દ્રઢ પક્ષ ધર્યો હે,

અંતકિ બેર જો નામ લિયો નહિ, તો પુનિ સો નિશ્ચે ઉગર્યો હે,

બ્રહ્મમુનિ ધનચીઠિ ગઈ ઘર પીછે લુટાય કહા બિગર્યો હે.                    ॥૭॥

શ્રીઘનશ્યામ કહે સુન નારદ, અંતર સુધ મેરો મત એ હે,

મોસંગ પ્યાર ઉદાર સદા મન, નામ ઉચાર અહોનિશ લેહે,

સંત સચે જગમાંઈ ફિરે, તિનકું દુઃખ આય નિરંતર દેહે,

બ્રહ્મમુનિ ભગવંત કહ્યો સોઈ, મોય ભજે પુનિ નર્કમેં જેહે.                     ॥૮॥ 

મૂળ પદ

જ્યું જલમાંઈ લકીર પરિ સો, ટલી કે ટલી કે ટલી કે ટલી હે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

કીર્તનનો અર્થ

અર્થઃ- જેમ પાણીમાં લીટી પડી તે ટળી ગઈ. કે ટળી ગઈ. કે ટળી ગઈ. કે ટળી ગઈ. અને જેમ દૂધમાં ખાંડ પડી તે ભળી ગઈ. કે ભળી ગઈ. કે ભળી ગઈ. કે ભળી ગઈ છે. અને દેવળના શિખર ઉપર ધજા ચઢાવી તે હાલી. કે હાલી. કે હાલી. કે હાલી છે. તેમજ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે શરીરની આવરદા ચાલી ગઈ. કે ચાલી ગઈ. કે ચાલી ગઈ. કે ચાલી ગઈ છે. ૧.

            અર્થઃ- નીચ માણસોની સાથે પ્રીતિ કરી હોય તે મટી ગઈ. મટી ગઈ. મટી ગઈ. કે મટી ગઈ છે. યુદ્ધ દેખીને સ્ત્રીઓની ટોળી હઠી ગઈ. હઠી ગઈ. હઠી ગઈ. કે હઠી ગઈ છે. અને સૂરજને દેખીને ડોલરની કળી ફાટી કે ફાટી કે ફાટી કે ફાટી છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે તેમ જ દેહની આવરદા ઘટી કે ઘટી કે ઘટી કે ઘટી છે. ૨.

અર્થઃ- જેણે પૃથ્વીનું નિશાન કર્યું હોય, મતલબ કે પૃથ્વીને જ નિશાન જાણીને ઘા કરે તો તેની ચોટ લાગી. કે લાગી. કે લાગી. કે લાગી છે. મતલબ કે પૃથ્વી ઉપર તાકીને ઘા કરે, તે ખાલી જાય જ નહિ. ગમે તે ઠેકાણે પૃથ્વી ઉપર વાગે. અને ઘણા પવનનાં જોરથી આગ લાગી. કે લાગી, કે લાગી, કે લાગી છે. અને ચૂલા ઉપર તવી ચઢાવી હોય તે તપી, કે તપી, કે તપી, કે તપી છે. તેમજ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે કાયા ભાગી, કે ભાગી, કે ભાગી, કે ભાગી છે. ૩.

            અર્થઃ- દારૂના અને અગ્નિના સંજોગથી ભડાકો થયો, કે થયો, કે થયો , કે થયો છે. પગે ચાલનારની પાછળ તેને પકડવા સારુ અસ્વાર ચઢ્યો હોય, તેણે તેને પકડી લીધો, કે લીધો, કે લીધો, કે લીધો છે. ચોરની સોબતે સાહુકારને ચોર કહ્યો, કે કહ્યો, કે કહ્યો, કે કહ્યો છે. તેમજ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે શરીરનું આયુષ્ય ગયું, કે ગયું, કે ગયું, કે ગયું છે.

     અર્થઃ- લાકડાની ચિતામાં સતી બેઠી તે બળી, કે બળી કે બળી કે બળી છે. અને જેમ સિંહની આગળ બકરી ઉભી હોય, તે મુઈ, કે મુઈ, કે મુઈ, કે મુઈ છે. અને જેમ ઘડીયાળની પાસે પાણીની કુંડીમાં કટોરી મૂકી હોય, તે ભરાઈ, કે ભરાઈ, કે ભરાઈ, કે ભરાઈ છે. તેમજ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે કાયા પડી, કે પડી, કે પડી કે પડી છે. ૫.

            અર્થઃ- જેમ શત્રૂની ફોજમાં શેલડીનું ખેતર આવ્યું, તે લુટ્યું, કે લુટ્યું, કે લુટ્યું કે લુટ્યું છે, અને જેમ બે કપટીયે મળીને હેત કર્યું હોય તે તુટ્યું, કે તુટ્યું, કે તુટ્યું, કે તુટ્યું છે. અને જેમ અનાજનો ઢગલો તોલતા તોલતા ખુટ્યો, કે ખુટ્યો, કે ખુટ્યો, કે ખુટ્યો છે. તેમજ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ દેહ છુટ્યો, કે છુટ્યો, કે છુટ્યો, કે છુટ્યો છે. ૬

અનંતકાલે કદાપિ હરિનું નામ ન લઈ શકાય તે વિષે. સવૈયા.

            અર્થઃ- પ્રગટ પ્રભુ શ્રી ઘનશ્યામજીના ચરણકમલમાં જેણે દેહ છતાં સ્નેહ કર્યો છે, અને નિરંતર લોકની લાજ તજીને ભગવાનનો અચલ પક્ષ અંતઃકરણમાં ધાર્યો છે. પછી તેણે કદાપિ અંતઃકાલની વખતે ભગવાનનું નામ લઈ શકાયું નહી, તો પણ જન્મ મરણથી જરૂર ઉગર્યો છે. જેમ કે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે પરદેશમાંથી કમાઈને હુંડી ઘેર પહોંચાડી, અને પાછળથી તે લુંટાયો. તેમા તેનું શું બગડ્યું છે. ૭.

સંતને પીડા કરે તે વિષે. સવૈયા.

 

            અર્થઃ- શ્રી કૃષ્ણ ભગવાને કહ્યુ કે હે નારદજી, સાંભળો. શુદ્ધ અંતઃકરણથી મારો મત એ છે, જે  કોઈ માણસ મારી સાથે પ્રીતિ રાખે, તથા મન ઉદાર રાખે અને દિવસ ને રાત મારા નામનો ઉચ્ચાર કરે. પણ જો તે જગતમાં સાચા સંત ફરતા હોય તેને જઈને નિરંતર દુઃખ દે, તો બ્રહ્માનંદ સ્વામિ કહે છે કે ભગવાને કહ્યું જે, તે મને ભજતો હશે, તો પણ નરકમાં જશે. ૮

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી