(સનેડો) અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો ૧/૧

દોહરો : સ્વામી સહજાનંદને, હોય મળવાનું જો મન;
		આપ ડાપણ સર્વે મૂકીને, સમર્પી દ્યોને જીવન, લાલ સનેડો.....

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો;
		પિયુડો પિયુડો મને છે પ્યારો પિયુડો...ટેક.
અનંત અવતાર થઈ ગયા, બીજા થાશે ઘણાંય;
		સ્વામી સહજાનંદ જેવા,
		નથી થયા અને નહીં થાય...લાલ સનેડો૦ ૧
શ્રીજીને જાણ્યા વિના, નહીં મણાય એનું સુખ;
		પ્રભુને માણ્યા વિના,
		ના ટળે વિષયનું દુ:ખ...લાલ૦ ૨
સ્નેહ થયો મને શ્રીજીમાં, શ્રીજી વિના ન રહેવાય;
		એવા પ્રેમી ભક્તો વિના,
		શ્રીજીથી કેમ રહેવાય...લાલ૦ ૩
મારે રાજી કરવા છે રાજને, બીજું નથી કાંઈ કામ;
		હું તો થઈ રહી છું શ્રીજીની,
		બીજું સર્વે કર્યું છે હરામ...લાલ૦ ૪
કરો પ્રતિજ્ઞા આજથી, મારે રાજી કરવા છે નાથ;
		જો ગમતું એનું કરશો,
		તો પ્રેમે લેશે આવીને બાથ...લાલ૦ ૫
મનધાર્યું કરતાં કોઈ દિ, મળે નહીં ઘનશ્યામ;
	ધાર્યું કરતાં સંતનું, તરત મળે છે મારો શ્યામ...લાલ૦ ૬
આશરો રાખજ્યો એકનો, તો રાજી થાશે નાથ;
		જરીક દુ:ખ પડતાં,
		આવીને ઝાલશે હાથ...લાલ૦ ૭
સર્વે ધામના ધામી પોતે, પ્યારા પુરુષોત્તમ રાય,
		કલ્યાણ કરવા એ તો આપણાં,
		પધાર્યા પૃથ્વી માંય...લાલ૦ ૮
મૂર્તિ મનોહર માવની, જોતાં જ હેત ઊભરાય,
		આનંદ આવે મારા દિલમાં,
		પછી સાંભરે નહિ બીજું કાંય...લાલ૦ ૯
હું ગઈતી એક દિ વડતાલમાં, ત્યાં જોયા હરિકૃષ્ણ મહારાજ,
		જોતાં જ હૈયું મારું ડૂબી ગયું,
		અહો ! કેવા છે રાજાધિરાજ...લાલ૦ ૧૦
સંતોના સ્નેહી છે શ્રીહરિ, ભાવે ભક્તોને પાળનાર,
		ભજવા મારે આવા સ્વામીને,
		મારા સદા છે એ જ ભરથાર..લાલ૦ ૧૧
હસતું મુખડું છે શ્રીહરિનું, મારાં ટાળે છે સર્વે દુ:ખ,
		મનમોજીલા મારા માવજી,
		સદા રહેજો મારી સનમુખ...લાલ૦ ૧૨
આવો ને ભેટો પિયુ ભાવથી, વાલા શું કામ રહો છો તમે દૂર,
		છેટું રહેવાતું નથી હવે તુજથી,
		મારે હૈયે પ્રગટયું પ્રેમપૂર...લાલ૦ ૧૩
ધન્ય ધન્ય મારા નાથજી, તમે ઝાલ્યો છે મારો હાથ,
		હવે કદીએ નહિ છોડતા,
		સદા શામળિયા રહેજો સંગાથ...લાલ૦ ૧૪
હુમાં તું ને તુંમાં હું રહિએ, સદાયે શ્રીહરિ એકમેક,
		તારી મારી વાતુ કોઈ જાણે નહિ,
		એવા રહેશું આપણે સદા પેક...લાલ૦ ૧૫
હેત કરું દિન રાત તને, ભૂલું નહિ આઠો જામ,
		તુજ વિના હૈયું માહરું,
		ધબકે નહિ ઘનશ્યામ...લાલ૦ ૧૬
હૈયાની છો ધડકન મારી, છો મારાં નેણાનું નૂર,
		જઈશ નહિ હે મારા પિયુડા,
		એક ક્ષણ પણ મુજથી દૂર...લાલ૦ ૧૭
અવતારી છો અવતારના, હું શું કહું તમારી વાત,
		કેવળ દયા કરી મારા વાલમા,
		તમે અમને મળ્યા છો સાક્ષાત...લાલ૦ ૧૮
વળગી રહું વાલા તમને, અળગી ન થાઉં કોઈ દિન,
		સુખસાગર મારા પ્રિતમજી,
		તમે જીવન જળ હું મીન...લાલ૦ ૧૯
હળતાં મળતાં હરિ તુજને, મારી સર્વે પળો વહી જાય,
		જોઉં છું આખા બ્રહ્માંડમાં,
		મારાં ધન્ય ધન્ય ભાગ્ય ગણાય...લાલ૦ ૨૦
રંગ જામ્યો આજ કુંડળમાં, આવી ગયો સહુને ઉમંગ;
		જુવાનિયા તો નાચી થાક્યા;
		ઓલ્યા ડોહાને લાગ્યો છે રંગ...લાલ૦ ૨૧
આનંદકારી આ ભૂમિમાં, સૌને રહેવાનું મન થાય;
		પણ જેનો ટાઇમ થઈ જાય તે;
		એ તો કમને અહીંથી જાય...લાલ૦ ૨૨
હેત હરિના હૈયાનું, એ તો કોઈથી કેમ ભુલાય ?
		ટાઇમ હોય તો અહીં રહે;
		નહિ તો ભલેને ઘેરે જાય...લાલ૦ ૨૩
હે કરુણાના સાગર શ્રીહરિ, અમે ખાતા’તા રોટલો ને છાશ;
		નિત લાડુનાં જમણ આપિયાં;
		આવી નો’તી અમોને આશ...લાલ૦ ૨૪
રૂડી રૂપાળી મૂરતિ, અને રૂડી છે ગજગતિ ચાલ;
		કોઈ એમાં સમજે ન સમજે,
		એ છે જ્ઞાનસખીનો માલ...લાલ૦ ૨૫

 

 

મૂળ પદ

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો (સનેડો)

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
શ્રીજી ચાલીસા
Studio
Audio
0
0