પદ-૧
વંદું સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ;
જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ...૧
સમરું પ્રગટ રૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ;
જેને ભવબ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ...૨
જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, કે પાર કોઈ નવ લહે રે લોલ;
જેને શેષ સહસ્ત્રમુખ ગાય, નિગમ નેતિ કહે રે લોલ...૩
વર્ણવું સુંદર રૂપ અનુપ, જુગલ ચરણે નમી રે લોલ;
નખશિખ પ્રેમસખીના નાથ, રહો ઉરમાં રમી રે લોલ...૪
પદ-૨
આવો મારા મોહન મીઠડા લાલ, કે જોઉં તારી મૂર્તિ રે લોલ;
જતન કરી રાખું રસિયારાજ, વિસારું નહિ ઉરથી રે લોલ...૧
મન મારું મોહ્યું મોહનલાલ, પાઘડલીની ભાતમાં રે લોલ;
આવો ઓરા છોગલાં ખોસું છેલ, ખાંતિલા જોઉં ખાંતમાં રે લોલ...૨
વહાલા તારું ઝળકે સુંદર ભાલ, તિલક રૂડાં કર્યાં રે લોલ;
વહાલા તારા વામ કરણમાં તિલ, તેણે મનડાં હર્યાં રે લોલ...૩
વહાલા તારી ભૂ્રકુટિને બાણે શ્યામ, કાળજ મારાં કોરિયાં રે લોલ;
નેણે તારે પ્રેમસખીના નાથ, કે ચિત્ત મારાં ચોરિયાં રે લોલ...૪
પદ-૩
વહાલા મને વશ કીધી વ્રજરાજ, વાલપ તારા વહાલમાં રે લોલ;
મન મારું તલખે જોવા કાજ, ટીબકડી છે ગાલમાં રે લોલ...૧
વહાલા તારી નાસિકા નમણી નાથ, અધરબિંબ લાલ છે રે લોલ;
છેલા મારા પ્રાણ કરું કુરબાન, જોયા જેવી ચાલ છે રે લોલ...૨
વહાલા તારા દંત દાડમનાં બીજ, ચતુરાઈ કરી ચાવતા રે લોલ;
વહાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતા રે લોલ...૩
વહાલા તારે હસવે હરાણું ચિત્ત, બીજું હવે નવ ગમે રે લોલ;
મન મારું પ્રેમસખીના નાથ, કે તમ કેડે ભમે રે લોલ...૪
પદ-૪
રસિયા જોઈ રૂપાળી કોટ, રૂડી રેખાવળી રે લોલ;
વહાલા મારું મનડું મળવા ચહાય, કે જાય ચિત્તડું ચળી રે લોલ...૧
વહાલા તારી જમણી ભુજાને પાસ, રૂડા તિલ ચાર છે રે લોલ;
વહાલા તારા કંઠ વચ્ચે તિલ એક, અનુપમ સાર છે રે લોલ...૨
વહાલા તારા ઉરમાં વિનગુણ હાર, જોઈ નેણાં ઠરે રે લોલ;
વહાલા તે તો જાણે પ્રેમીજન, જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ...૩
રસિયા જોઈ તમારું રૂપ, રસિક જન ઘેલડા રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના નાથ, સુંદરવર છેલડા રે લોલ...૪
પદ-૫
વહાલા તારી ભુજા જુગલ જગદીશ,જોઈને જાઉં વારણે રે લોલ;
કરનાં લટકાં કરતાં લાલ, આવોને મારે બારણે રે લોલ...૧
વહાલા તારી આંગળીઓની રેખા, નખમણિ જોઈને રે લોલ;
વહાલા મારા ચિત્તમાં રાખું ચોરી, કહું નહિ કોઈને રે લોલ...૨
વહાલા તારા ઉરમાં અનુપમ છાપ, જોવાને જીવ આકળો રે લોલ;
વહાલા મારે હૈડે હરખ ન માય, જાણું જે હમણાં મળો રે લોલ...૩
વહાલા તારું ઉદર અતિ રસરૂપ, શીતળ સદા નાથજી રે લોલ;
આવો ઓરા પ્રેમસખીના પ્રાણ, મળું ભરી બાથજી રે લોલ...૪
પદ-૬
વહાલા તારી મૂર્તિ અતિ રસરૂપ, રસિક જોઈને જીવે રે લોલ;
વહાલા એ રસના ચાખણહાર, કે છાશ તે નવ પીવે રે લોલ...૧
વહાલા મારે સુખસંપત તમે શ્યામ, મોહન મનભાવતા રે લોલ;
આવો મારે મંદિર જીવનપ્રાણ, હસીને બોલવતા રે લોલ...૨
વહાલા તારું રૂપ અનુપમ ગૌર, મૂર્તિ મનમાં ગમે રે લોલ;
વહાલા તારું જોબન જોવા કાજ, કે ચિત્ત ચરણે નમે રે લોલ...૩
આવો મારા રસિયા રાજીવનેણ, મરમ કરી બોલતા રે લોલ;
આવો વ્હાલા પ્રેમસખીના સેણ, મંદિર મારે ડોલતા રે લોલ...૪
પદ-૭
વહાલા તારું રૂપ અનુપમ નાથ, ઉદર શોભા ઘણી રે લોલ;
ત્રિવળી જોઉં સુંદર છેલ, આવોને ઓરા અમ ભણી રે લોલ...૧
વહાલા તારી નાભિ નૌતમરૂપ, ઊંડી અતિ ગોળ છે રે લોલ;
કટિલંક જોઈને જાદવરાય, કે મન રંગચોળ છે રે લોલ...૨
વહાલા તારી જંઘા જુગલની શોભા, મનમાં જોઈ રહું રે લોલ;
વહાલા નિત્ય નીરખું પિંડી ને પાની, કોઈને નવ કહું રે લોલ...૩
વહાલા તારા ચરણકમળનું ધ્યાન, ધરું અતિ હેતમાં રે લોલ;
આવો વ્હાલા પ્રેમસખીના નાથ, રાખું મારા ચિત્તમાં રે લોલ...૪
પદ-૮
વહાલા તારા જુગલ ચરણ રસરૂપ, વખાણું વહાલમાં રે લોલ;
વહાલા અતિ કોમળ અરુણ રસાળ, ચોરે ચિત્ત ચાલમાં રે લોલ...૧
વહાલા તારે જમણે અંગૂઠે તિલ, કે નખમાં ચિહ્ન છે રે લોલ;
વહાલા છેલી આંગળીએ તિલ એક, જોવાને મન દીન છે રે લોલ...૨
વહાલા તારા નખની અરુણતા જોઈ, શશીકળા ક્ષીણ છે રે લોલ;
વહાલા રસચોર ચકોર જે ભક્ત, જોવાને પ્રવીણ છે રે લોલ...૩
વહાલા તારી ઊર્ધ્વરેખામાં ચિત્ત, રહો કરી વાસને રે લોલ;
માગે પ્રેમસખી કર જોડી, દેજો દાન દાસને રે લોલ...૪