પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું (૧૦ પદો) ૧/૧

		પદ-૧
પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું;
	નૌતમ લીલા રે, નારાયણની ગાઉં...૧
મોટા મુનિવર રે, એકાગ્ર કરી મનને;
	જેને કાજે રે, સેવે જાય વનને...૨
આસન સાધી રે, ધ્યાન ધરીને ધારે;
	જેની ચેષ્ટા રે, સ્નેહ કરી સંભારે...૩
સહજ સ્વાભાવિક રે, પ્રકૃતિ પુરુષોત્તમની;
	સુણતાં સજની રે, બીક મટાડે જમની...૪
ગાઉં હેતે રે, હરિનાં ચરિત્ર સંભારી;
	પાવન કરજ્યો રે, પ્રભુજી બુદ્ધિ મારી...૫
સહજ સ્વભાવે રે, બેઠા હોય હરિ જ્યારે;
	તુલસીની માળા રે, કર લઈ ફેરવે ત્યારે...૬
રમૂજ કરતાં રે, રાજીવનેણ રૂપાળા;
	કોઈ હરિજનની રે, માગી લઈને માળા...૭
બેવડી રાખી રે, બબે મણકા જોડે;
	ફેરવે તાણી રે, કંઈક માળા તોડે...૮
વાતો કરે રે, રમૂજ કરીને હસતા;
	ભેળી કરી રે, માળા કરમાં ઘસતા...૯
ક્યારેક મીંચી રે, નેત્રકમળને સ્વામી;
	પ્રેમાનંદ કહે રે, ધ્યાન ધરે બહુનામી...૧૦

		પદ-૨
સાંભળ સૈયર રે, લીલા નટનાગરની;
	સુણતાં સુખડું રે, આપે સુખસાગરની...૧
નેત્રકમળને રે, રાખી ઉઘાડાં ક્યારે;
	ધ્યાન ધરીને રે, બેસે જીવન બારે...૨
ક્યારેક ચમકી રે, ધ્યાન કરતાં જાગે;
	જોતાં જીવન રે, જન્મ મરણ દુ:ખ ભાગે...૩
પોતા આગળ રે, સભા ભરાઈ બેસે;
	સંત હરિજન રે, સામું જોઈ રહે છે...૪
ધ્યાન ધરીને રે, બેઠા હોય હરિ પોતે;
	સંત હરિજન રે, તૃપ્ત ન થાય જોતે...૫
સાધુ કીર્તન રે, ગાય વજાડી વાજાં;
	તેમને જોઈ રે, મગન થાય મહારાજા...૬
તેમની ભેળા રે, ચપટી વજાડી ગાય;
	સંત હરિજન રે, નીરખી રાજી થાય...૭
ક્યારેક સાધુ રે, ગાય વજાડી તાળી;
	ભેળા ગાય રે, તાળી દઈ વનમાળી...૮
આગળ સાધુ રે, કીર્તન ગાય જ્યારે;
	પોતા આગળ રે, કથા વંચાય ત્યારે...૯
પોતે વાર્તા રે, કરતાં હોય બહુનામી;
	ખસતા આવે રે, પ્રેમાનંદના સ્વામી...૧૦

		પદ-૩
મનુષ્યલીલા રે, કરતા મંગલકારી;
	ભક્ત સભામાં રે, બેઠા ભવભયહારી...૧
જેને જોતાં રે, જાયે જગ આસક્તિ;
	જ્ઞાન વૈરાગ્ય રે, ધર્મ સહિત જે ભક્તિ...૨
તે સંબંધી રે, વાર્તા કરતાં ભારી;
	હરિ સમજાવે રે, નિજજનને સુખકારી...૩
યોગ ને સાંખ્ય રે, પંચરાત્ર વેદાંત;
	એ શાસ્ત્રનો રે, રહસ્ય કહે કરી ખાંત...૪
જ્યારે હરિજન રે, દેશ દેશના આવે;
	ઉત્સવ ઉપર રે, પૂજા બહુવિધ લાવે...૫
જાણી પોતાના રે, સેવકજન અવિનાશી;
	તેમની પૂજા રે, ગ્રહણ કરે સુખરાશી...૬
ભક્ત પોતાના રે, તેને શ્યામ સુજાણ;
	ધ્યાન કરાવી રે, ખેંચે નાડી પ્રાણ...૭
ધ્યાનમાંથી રે, ઉઠાડે નિજ જનને;
	દેહમાં લાવે રે, પ્રાણ ઇન્દ્રિય મનને...૮
સંત સભામાં રે, બેઠા હોય અવિનાશ;
	કોઈ હરિજનને રે, તેડવો હોય પાસ...૯
પહેલી આંગળી રે, નેત્ર તણી કરી સાન;
	પ્રેમાનંદ કહે રે, સાદ કરે ભગવાન...૧૦

		પદ-૪
મોહનજીની રે, લીલા અતિ સુખકારી;
	આનંદ આપે રે, સુણતાં ન્યારી ન્યારી...૧
ક્યારેક વાતો રે, કરે મુનિવર સાથે;
	ગુચ્છ ગુલાબના રે, ચોળે છે બે હાથે...૨
શીતળ જાણી રે, લીંબુ હાર ગુલાબી;
	તેને રાખે રે, આંખો ઉપર દાબી...૩
ક્યારેક પોતે રે, રાજીપામાં હોયે;
	વાતો કરે રે, કથા વંચાય તોયે...૪
સાંભળે કીર્તન રે, પોતે કાંઈક વિચારે;
	પૂછવા આવે રે, જમવાનું કોઈ ત્યારે...૫
હાર ચઢાવે રે, પૂજા કરવા આવે;
	તેના ઉપર રે, બહુ ખીજી રિસાવે...૬
કથા સાંભળતાં રે, હરે હરે કહી બોલે;
	મર્મ કથાનો રે, સુણી મગન થઈ ડોલે...૭
ભાન કથામાં રે, બીજી ક્રિયામાંય;
	ક્યારેક અચાનક રે, જમતાં હરે બોલાય...૮
થાય સ્મૃતિ રે, પોતાને જ્યારે તેની;
	થોડુંક હસે રે, ભક્ત સામું જોઈ બેની...૯
એમ હરિ નિત્ય નિત્ય રે, આનંદરસ વરસાવે;
	એ લીલારસ રે, જોઈ પ્રેમાનંદ ગાવે...૧૦

		પદ-૫
સાંભળ સજની રે, દિવ્ય સ્વરૂપ મોરારી;
	કરે ચરિત્ર રે, મનુષ્ય વિગ્રહ ધારી...૧
થયા મનોહર રે, મોહન મનુષ્ય જેવા;
	રૂપ અનુપમ રે, નિજ જનને સુખ દેવા...૨
ક્યારેક ઢોલિયે રે, બેસે શ્રીઘનશ્યામ;
	ક્યારેક બેસે રે, ચાકળે પૂરણકામ...૩
ક્યારેક ગોદડું રે, ઓછાડે સહિતે;
	પાથર્યું હોય રે, તે પર બેસે પ્રીતે...૪
ક્યારેક ઢોલિયા રે, ઉપર તકિયો ભાળી;
	તે પર બેસે રે, શ્યામ પલાંઠી વાળી...૫
ઘણુંક બેસે રે, તકિયે ઓઠિંગણ દઈને;
	ક્યારેક ગોઠણ રે, બાંધે ખેસ લઈને...૬
ક્યારેક રાજી રે, થાય અતિશે આલી;
	સંત હરિજનને રે, ભેટે બાથમાં ઘાલી...૭
ક્યારેક માથે રે, લઈ મેલે બે હાથ;
	છાતી માંહી રે, ચરણકમળ દે નાથ...૮
ક્યારેક આપે રે, હાર તોરા ગિરધારી;
	ક્યારેક આપે રે, અંગનાં વસ્ત્ર ઉતારી...૯
ક્યારેક આપે રે, પ્રસાદીના થાળ;
	પ્રેમાનંદ કહે રે, ભક્તતણા પ્રતિપાળ...૧૦

		પદ-૬
એવાં કરે રે, ચરિત્ર પાવનકારી;
	શુકજી સરખા રે, ગાવે નિત્ય સંભારી...૧
ક્યારેક જીભને રે, દાંત તળે દબાવે;
	ડાબે જમણે રે, પડખે સહજ સ્વભાવે...૨
છીંક જ્યારે આવે રે, ત્યારે રૂમાલ લઈને;
	છીંક ખાયે રે, મુખ પર આડો દઈને...૩
રમૂજ આણી રે, હસે અતિ ઘનશ્યામ;
	મુખ પર આડો રે, રૂમાલ દઈ સુખધામ...૪
ક્યારેક વાતો રે, કરતાં થકા દેવ;
	છેડે રૂમાલને રે, વળ દેવાની ટેવ...૫
અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો;
	પરદુ:ખહારી રે, વારી બહુનામીનો...૬
કોઈને દુ:ખિયો રે, દેખી ન ખમાય;
	દયા આણી રે, અતિ આકળા થાય...૭
અન્ન ધન વસ્ત્ર રે, આપીને દુ:ખ ટાળે;
	કરુણા દૃષ્ટિ રે, દેખી વાન જ વાળે...૮
ડાબે ખંભે રે, ખેસ આડસોડે નાંખી;
	ચાલે જમણા રે, કરમાં રૂમાલ રાખી...૯
ક્યારેક ડાબો રે, કર કેડ ઉપર મેલી;
	ચાલે વ્હાલો રે, પ્રેમાનંદનો હેલી...૧૦

		પદ-૭
નિત્ય નિત્ય નૌતમ રે, લીલા કરે હરિરાય;
	ગાતાં સુણતાં રે, હરિજન રાજી થાય...૧
સહજ સ્વભાવે રે, ઉતાવળા બહુ ચાલે;
	હેત કરીને રે, બોલાવે બહુ વાલે...૨
ક્યારેક ઘોડે રે, ચડવું હોય ત્યારે;
	ક્યારેક સંતને રે, પીરસવા પધારે...૩
ત્યારે ડાબે રે, ખંભે ખેસને આણી;
	ખેસને બાંધે રે, કેડ સંગાથે તાણી...૪
પીરસે લાડુ રે, જલેબી ઘનશ્યામ;
	જણસ જમ્યાની રે, લઈ લઈ તેનાં નામ...૫
ફરે પંગતમાં રે, વારંવાર મહારાજ;
	સંત હરિજનને રે, પીરસવાને કાજ...૬
શ્રદ્ધા ભક્તિ રે, અતિ ઘણી પીરસતાં;
	કોઈના મુખમાં રે, આપે લાડુ હસતાં...૭
પાછલી રાત્રિ રે, ચાર ઘડી રહે ત્યારે;
	દાતણ કરવા રે, ઊઠે હરિ તે વારે...૮
ન્હાવા બેસે રે, નાથ પલાંઠી વાળી;
	કર લઈ કળશ્યો રે, જળ ઢોળે વનમાળી...૯
કોરે વસ્ત્રે રે, કરી શરીરને લુવે;
	પ્રેમાનંદ કહે રે, હરિજન સર્વે જુવે...૧૦

		પદ-૮
રૂડા શોભે રે, નાહીને ઊભા હોવે;
	વસ્ત્ર પહેરેલું રે, સાથળ વચ્ચે નીચોવે...૧
પગ સાથળને રે, લુહીને સારંગપાણી;
	કોરા ખેસને રે, પહેરે સારી પેઠે તાણી...૨
ઓઢી ઉપરણી રે, રેશમી કોરની વહાલે;
	આવે જમવા રે, ચાખડીએ ચડી ચાલે...૩
માથે ઉપરણી રે, ઓઢી બેસે જમવા;
	કાન ઉઘાડા રે, રાખે મુજને ગમવા...૪
જમતાં ડાબા રે, પગની પલાંઠી વાળી;
	તે પર ડાબો રે, કર મેલે વનમાળી...૫
જમણા પગને રે, રાખી ઊભો શ્યામ;
	તે પર જમણો રે, કર મેલે સુખધામ...૬
રૂડી રીતે રે, જમે દેવના દેવ;
	વારે વારે રે, પાણી પીધાની ટેવ...૭
જણસ સ્વાદુ રે, જણાય જમતાં જમતાં;
	પાસે હરિજન રે, બેઠા હોય મનગમતા...૮
તેમને આપી રે, પછી પોતે જમે;
	જમતા જીવન રે, હરિજનને મન ગમે...૯
ફેરવે જમતાં રે, પેટ ઉપર હરિ હાથ;
	ઓડકાર ખાયે રે, પ્રેમાનંદના નાથ...૧૦

		પદ-૯
ચળું કરે રે, મોહન તૃપ્ત થઈને;
	દાંતને ખોતરે રે, સળી રૂપાની લઈને...૧
મુખવાસ લઈને રે, ઢોલિયે બિરાજે;
	પૂજા કરે રે, હરિજન હેતે ઝાઝે...૨
પાંપણ ઉપર રે, આંટો લઈ અલબેલો;
	ફેંટો બાંધે રે, છોગું મેલી છેલો...૩
વર્ષાઋતુ રે, શરદ ઋતુને જાણી;
	ઘેલા નદીનાં રે, નિર્મળ નીર વખાણી...૪
સંત હરિજનને રે, સાથે લઈને શ્યામ;
	ન્હાવા પધારે રે, ઘેલે પૂરણકામ...૫
બહુ જળક્રીડા રે, કરતાં જળમાં નાય;
	જળમાં તાળી રે, દઈને કીર્તન ગાય...૬
નાહીને બારા રે, નીસરી વસ્ત્ર પહેરી;
	ઘોડે બેસી રે, ઘેર આવે રંગલહેરી...૭
પાવન યશને રે, હરિજન ગાતા આવે;
	જીવન જોઈને રે, આનંદ ઉર ન સમાવે...૮
ગઢપુરવાસી રે, જોઈને જગઆધાર;
	સુફળ કરે છે રે, નેણાં વારંવાર...૯
આવી બિરાજે રે, ઓસરીએ બહુનામી;
	ઢોલિયા ઉપર રે, પ્રેમાનંદના સ્વામી...૧૦

		પદ-૧૦
નિજ સેવકને રે, સુખ દેવાને કાજ;
	પોતે પ્રગટયા રે, પુરુષોત્તમ મહારાજ...૧
ફળિયામાંહી રે, સભા કરી બિરાજે;
	પૂરણ શશી રે, ઉડુગણમાં જેમ છાજે...૨
બ્રહ્મરસ વરસી રે, તૃપ્ત કરે હરિજનને;
	પોઢે રાત્રે રે, જમી શ્યામ શુદ્ધ અન્નને...૩
બે આંગળીઓ રે, તિલક કર્યાની પેરે;
	ભાલ વચ્ચે રે, ઊભી રાખી ફેરે...૪
સૂતાં સૂતાં રે, માળા માગી લઈને;
	જમણે હાથે રે, નિત્ય ફેરવે ચિત્ત દઈને...૫
ભૂલ ન પડે રે, કે દી એવું નિયમ;
	ધર્મકુંવરની રે, સહજ પ્રકૃતિ એમ...૬
ભર નિદ્રામાં રે, પોઢયા હોય મુનિરાય;
	કોઈ અજાણે રે, લગાર અડી જાય...૭
ત્યારે ફડકી રે, જાગે સુંદર શ્યામ;
	કોણ છે ? પૂછે રે, સેવકને સુખધામ...૮
એવી લીલા રે, હરિની અનંત અપાર;
	મેં તો ગાઈ રે, કાંઈક મતિ અનુસાર...૯
જે કોઈ પ્રીતે રે, શીખશે સુણશે ગાશે;
	પ્રેમાનંદનો રે, સ્વામી રાજી થાશે...૧૦
 

મૂળ પદ

પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંતવૃંદ સમૂહગાન
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
0
0