સખી હૈડે તે હરખ ન માય આજ દિવાળી રે ૧/૪

સખી હૈડે તે હરખ ન માય, આજ દિવાળી રે;
	હું તો મગન થઈ મનમાંય, ભૂધર ભાળી રે...આજ૦ ૧
સુંદર શ્યામ સોહામણો રે, સુંદર ગજગતિ ચાલ;
	સુંદર શોભા અંગની હું તો, નીરખીને થઈ છું નિહાલ...આજ ૦ ૨
નેણ મનોહર નાથનાં રે, હૈડે મનોહર હાર;
	સુભગ મનોહર શ્યામળો વહાલો, નટવર નંદકુમાર...આજ૦ ૩
બાજુ નૌતમ બેરખા રે, બેહદ નૌતમ બાન;
	બ્રહ્માનંદના નાથનું રૂપ, જોઈ થઈ ગુલતાન...આજ૦ ૪
 

મૂળ પદ

સખી હૈડે તે હરખ ન માય

મળતા રાગ

સામેરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ઉત્પત્તિ

સંસ્કૃતમાં એક વિખ્‍યાત ઉકિત છેઃ मानवाः उत्सवप्रियाः I મનુષ્‍ય મૂળભૂત રીતે ઉત્સવપ્રિય છે, કારણ કે આનંદ એ આત્‍માનો સ્‍વભાવ છે. ભારતવર્ષના ઇતિહાસ તપાસીએ તો જાણવા મળે છે કે વિક્રમ સંવત પ્રમાણે આપણે છેલ્‍લા ર૦૬૬ વરસથી દિવાળી ઉજવતા આવ્યા છીએ. જો કે આપણા ધર્મશાસ્‍ત્રો તો એમ કહે છે કે દ્વાપર યુગમાં અવતેરલા ભગવાન શ્રી રામચંદ્રજી લંકાવિજય પછી સીતાજી સાથે અયોઘ્‍યા પરત આવ્‍યા ત્‍યારે તેમના ભવ્‍ય સ્‍વાગત સ્‍વરૂપે જે મહોત્‍સવ ઉજવાયો તેને 'દિવાળી' એવું દેદિપ્‍યમાન નામ મળ્‍યું. દિવાળી એટલે દીવાઓનો ઉત્‍સવ - પ્રકાશનું પર્વ‍. આ એનો સામાન્‍ય શબ્‍દાર્થ છે. પરંતુ ગહન ચિંતન કરતા એના અનેક ગૂઢાર્થો અંતરમાં સ્‍ફૂરે છે. જે 'દી' વાળે યાને 'દી' અજવાળે તે દિવાળી. સામાન્‍યતઃ બધા એમ માને છે કે ભૌતિક સુખ, સંપતિ અને સમૃદ્ધિથી માણસનો દી વળે છે અને ઉજળો થાય છે, પરંતુ ઇતિહાસ એમ કહે છે કે ભૌતિક સુખ-સંપતિથી કયારેય કોઈનો દી વળ્‍યો નથી અને વળતો નથી. ભૌતિક સુખસમૃદ્ધિ દ્વારા જે સુખ મળે છે તે હકીકતમાં તો સુખના આભાસવાળું દુઃખ જ હોય છે. પરિણામે એવી સુખસંપત્તિની પ્રાપ્‍તિથી કોઈનો પણ દી વસ્‍તુતઃ વળતો નથી. દિવાળીના દિવસે ઘર આંગણે દીવા પ્રગટાવવાથી શું એ ઘરમાં રહેનારા માણસોના અંતરમાં અજવાળું થાય છે? શું એમના જીવનમાં સત્‍ય અને પ્રેમનો પુનિત પ્રકાશ રેલાય છે? દિવાળી દ્વારા દી ત્‍યારે જ વળે જયારે મનુષ્‍યને સ્‍વસ્‍વરૂપનું સમ્‍યક જ્ઞાન થાય, એને સ્‍વસ્‍વરૂપનો અનુભવ થાય, અને એના આત્‍મામાં અંતર્યામીરૂપે બિરાજમાન પરમાત્‍માના દિવ્‍ય વ્‍યતિરેક સ્‍વરૂપનો સાક્ષાત્‍કાર થાય. આવા અનુભવ જ્ઞાન પછી અંતરમાંથી અજ્ઞાનનો અંધકાર ટળી જતાં અહોનિશ પ્રકાશ અને પ્રેમપૂર્ણ આનંદનો જે આવિષ્‍કાર થાય છે તે જ સાચા અર્થમાં દિવાળી છે. ભગવાન શ્રી સ્‍વામિનારાયણે સ્‍વભકતજનોના શિક્ષણ અને માર્ગદર્શન માટે વરસ દરમ્‍યાન ઉજવવા યોગ્‍ય બધાજ તહેવારો પોતે ઉજવી બતાવ્યા છે. તેમાં પણ દિવાળીનો ઉત્‍સવ કેવી રીતે ઉજવવો જોઈએ એની રીતે શ્રીજીમહારાજે સં.૧૮૭રના દીપોત્‍સવ દ્વારા જણાવી છે. 'સત્‍સંગિજીવન'ના ત્રીજા પ્રકરણના દશથી ચૌદ સુધીના પાંચ અઘ્‍યાયોમાં તેનું વિગતવાર રસમધુર વર્ણન આપવામાં આવ્‍યું છે. આજથી લગભગ એકસોચોરાણું વરસ પહેલાં ઉજવાયેલી એ દિવાળી આજે પણ એટલી જ પ્રસ્‍તુત છે. શ્રીજીમહારાજે સં. ૧૮૭રમાં જન્‍માષ્‍ટમીનો મહોત્‍સવ ગઢપુરમાં ખૂબ જ રંગેચંગે ઉજવ્‍યો હતો. ત્‍યારબાદ આસો માસ બેસતાં જ દાદાખાચર એમની બંને બહેનો લાડુબા અને જીવુબાના આગ્રહને વશ વર્તીને ગઢપુરમાં જ દિપોત્‍સવી અને અન્‍નકુટોત્સવ ઉજજવાની રજા લેવા માટે મહારાજ પાસે અક્ષરઓરડીએ ગયા. મહારાજે કહ્યું: 'દાદા, તમારી ભકિત અપરિમીત છે, પરંતુ ધન પરિમીત છે. ગૃહસ્થોએ આવક કરતા વધારે ખરચ ન કરવું જોઈએ. દેવું કરીને ધર્મકાર્ય કરવું હિતાવહ નથી. દેવાદાર માણસ કયારેય સુખી થતો નથી. એને કદી ભજનનું સુખ આવતું નથી. અત્‍યારે તો હું પ્રત્‍યક્ષ બિરાજમાન છું એટલે તમને વાંધો આવતો નથી, પરંતુ મારી આ વાત હંમેશા ઘ્‍યાનમાં રાખજો. હું તો ભાવનો ભૂખ્‍યો છું, નિષ્કંચન દ્રવ્‍ય વગરના સંતપુરુષો મારી ષોડશોપચારે માનસી પૂજા કરે છે ત્‍યારે હું તેમના ભાવ પ્રમાણે તેમના ઉપર પ્રસન્‍ન થઈ અનુગ્રહ કરું છું. 'પરંતુ ત્‍યારબાદ દાદખાચરના અતિ આગ્રહને કારણે મહારાજે ગઢપુરમાં દિપોત્‍સવી મહોત્‍સવ ઉજવવા માટે અનુમતિ આપી દીધી. શ્રીજીમહારાજની આજ્ઞા થતાં જ જન્‍માષ્‍ટમી અને વિજયાદશમી ઉપર દેશદેશાંતરથી જે હરિભકતો ગઢપુર દર્શનાર્થે આવ્‍યાં હતાં તે બધાંને દિવાળીના અન્નકુટોત્‍સવની તૈયારી માટે રોકી રાખવામાં આવ્‍યાં. ધર્મપ્રચારાર્થે દેશાંતરમાં વિચરી રહેલા સંતોને દિપોત્‍સવમાં ભાગ લેવા માટે ધનતેરસના દિવસે ગઢપુર આવી જવાની મૌખિક સૂચના મોકલવામાં આવી. ધનતેરસના દિવસે વહેલી સવારે જયારે ભગવાન સ્‍વામિનારાયણને ખબર આપવામાં આવ્‍યા કે દેશદેશાંતરથી હરિભકતો અને સંતો ગઢપુરની સીમમાં આવી પહોંચ્‍યા છે ત્‍યારે ભકતવત્‍સલ પ્રભુ એકદમ ઉભા થઈ ગયા, ભકતજનોને મળવાના પ્રેમાતિરેકમાં ઉતાવળમાં એ અંગરખું પહેરવાનું પણ ભૂલી ગયા અને ઉત્તરીય વસ્‍ત્રથી કમરને બાંધીને તથા માથે પુષ્‍પના તોરાવાળી પાઘ મૂકીને તરત જ ઘોડા ઉપર બેસીને સંતહરિભકતોને આવકારવા સામા ગયા. શ્રીહરિને અશ્વારૂઢ બનીને આવતા જોઈને સર્વે સંતો ને હરિભકતો કમાનમાંથી જેમ સનનન કરતું તીર છૂટે, તેમ એકદમ સામે દોડી જઈને ભાવાવેશમાં ભૂમિ ઉપર લાકડીની જેમ લાંબા થઈને (દંડવત્‍) પ્રણામ કરવા લાગ્‍યા. ભકતો અને ભગવાનનું આવું અદ્‍ભુત મિલન અન્‍યત્ર કયાંય જોવા મળે તેમ નથી. સત્‍સંગિજીવનમાં મહામુનિ શતાનંદ સ્‍વામીને અન્નકુટોત્‍સવની તૈયારી કરતાં નરનારી ભકતજનોની સ્‍થિતિનું જે માર્મિક વર્ણન કર્યું છે તે અત્‍યંત પ્રેરણાદાયક અને નિત્‍યસ્‍મરણીય છે. ઉત્‍સવની તૈયારીનો આરંભ બહેનો દ્વારા ડાંગર ખાંડવાના, વડી પાપડ અને સેવો બનાવવાના અને ઘઉંનો લોટ દળાવવાના કાર્યથી કરવામાં આવ્‍યો. આ મંગળકાર્ય કરનારાઓની જિહ્વા સતત શ્રીહરિના નામનું સંકીર્તન કરતી રહેતી, એમની આંખો અને હાથ સ્‍થૂળ રીતે અન્નકૂટના કામમાં રોકાયેલા રહેતા, પરતું એમના અંતરમાં મહારાજની રસાત્‍મક મૂર્તિ અખંડ તેલધારાવત્‍ દેખાયા કરતી. કાંસાની મોટી થાળી ઉપર પાપડ વણતી બહેનો પૂર્ણિમાના પૂર્ણ ચંદ્ર સમાન ગોળ અને મોટા પાપડ વણતાં, પાપડ ઉપર શ્રીહરિની શાંત મૂર્તિ રમતી જોતી ત્‍યારે વેલણવાળા એમના હાથ હવામાં અધ્ધર ઉંચા રહી જતા અને એમના મુખ ઉપર મધુર આનંદના ઉજ્જવળ તરંગો વિલાસી રહેતા. પુરુષ આશ્રિતોના રસોડામાં, કેટલાક ભકતોના ચૂલે જલેબી અને ખાજાં તો સુરતના સત્‍સંગીઓના ચૂલે ઘારી અને ઘેબર, ખંભાતના હરિભકતોના રસોડે સુતરફેણી અને હલવાસન અને ભાતભાતના પકવાન બનતા હતાં. રાતદિવસ આ રસોડા ચાલ્‍યા કરતા પરંતુ કોઈના પણ ચહેરા પર થાક કે કંટાળાનો અણસાર સુઘ્‍ધા વર્તાતો નહોતો. એટલું જ નહીં એ સેવાભાવી ભકતજનોના મુખ ઉપર પૂર્ણકામત્‍વભરી પ્રસન્નતા પ્રગલ્‍ભપણે પ્રકાશિત હતી. પ્રત્‍યેક ભકતોના સેવાકાર્યનું મઘ્‍યબિંદુ મહારાજ હતા. તેથી અન્નકૂટની વિવિધ વાનગીઓ તૈયાર કરતા સેવાભાવી ભકતો સેવાકાર્યમાં એટલાં બધાં ઓતપ્રોત થઈ ગયા હતાં કે સહજ ભાવે એકાગ્ર થયેલા એમનાં અંતરમાં મહારાજની મૂર્તિના દર્શન એમને અનાયાસે થવા લાગ્‍યા. પરમાત્‍માની પૂર્ણ કૃપાથી પ્રાપ્‍ત થયેલી આ વિરલ સ્‍થિતિ હતી. જીવનમાં આ પ્રકારની અનુભૂતિ માટે જ્ઞાની, ઘ્‍યાની, યોગી રાતદિવસ ભગીરથ પ્રયત્‍ન કરતા હોય છે, છતાં પણ એમને પરમાત્‍માની એક ઝલક સુઘ્‍ધા સાંપડતી નથી. દિવાળીના પરમ મંગળ દિને શ્રીજીમહારાજ બ્રાહ્મમુહૂર્તમાં ઉઠી સ્‍નાન-સંઘ્‍યાદિ નિત્‍યકર્મ પતાવી દાદાખાચરના દરબારમાં પધાર્યા‍. વાસુદેવનારાયણના મંદિરના અન્નકૂટનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. ભારતના વિવિધ ભાગોમાંથી આવેલા હજારો હરિભકતોથી આજે આખુંય ગઢપુર ઉભરાઈ ગયું હતું. દાદાખાચરના દરબારમાં ત્‍યારે નાંખી નજર ન પહોંચે એટલો માનવ મહેરામણ ઉમટેલો હતો. ચાતક જેમ પ્રેમાતુર નજરે ચંદ્ર સામે જોઈ રહે તેમ એ સર્વે ભકતજનો ભકતવત્‍સલ ભગવાન સ્‍વામિનારાયણ સામે અનિમેષ નેત્રે જોઈ રહ્યા હતાં. મહારાજે પોતાની તર્જનીના ઇશારાથી સહુને નીચે બેસી જવાનો સંકેત કર્યો એટલે તરત જ સર્વે ભકતજનો સહેજ પણ આવજ કે ઉતાવળ કર્યા વિના મોકળાશથી વ્‍યવસ્‍થિત બેસી ગયા. અન્નકૂટની આરતી કર્યા પછી શ્રીજીમહારાજ સભામાં સુંદર સિંહાસન ઉપર બિરાજમાન થયા. ત્‍યારબાદ ઉપસ્‍થિત સર્વે સંતો અને હરિભકતોએ ક્રમવાર શ્રીજીમહારાજની પૂજા કરી. અદભુત આશ્ચર્યની વાત તો એ બની કે અપૂર્વ શાંતિ અને ધીરજથી ચાલેલું પૂજાવિધિનું એ મહાકાર્ય મઘ્‍યાહન સુધીમાં તો ખૂબ જ સરળતાથી સાંગોપાંગ સંપન્‍ન થયું. ભગવાન શ્રીહરિ ભકતજનોને એ પછી થોડી વિશ્રાંતિ લેવાનું સૂચવે છે. વિશ્રાંતિ પછી મળેલી સભામાં શ્રીજીમહારાજ દેશ પરદેશથી આવેલા સર્વે હરિભકતોને એક અણચિંતવ્‍યો પ્રશ્ન પૂછે છેઃ 'હે ભકતજનો, તમારા દેશમાં અમારા માટે, અમારા ત્‍યાગીઓ માટે, અમારા ગૃહસ્‍થ આશ્રિતો માટે, અમારા નારી ભકતો માટે તથા અમે પ્રવર્તાવેલા ધર્મ માટે, ત્‍યાંની જનતા શું કહે છે ? 'શ્રીહરિના આ પ્રશ્નના ઉત્તરમાં સઘળા ભકતજનોએ આપેલા વિસ્તૃત જવાબની ધ્રુવપંકિત એક જ હતીઃ 'धन्यो नारायणमुनिः सांप्रतं धरणीतले I' અર્થાત ભારતની ભૂમિ ઉપર વર્તમાન સમયે વિચરી રહેલા ભગવાન શ્રી નારાયણમુનિને અનેકાનેક ધન્‍યવાદ હો. આશ્રિતોએ કહેલી આ વાત સાંભળીને શ્રીહરિ અત્‍યંત પ્રસન્‍ન થાય છે અને કહે છેઃ 'ત્‍યાગી અને ગૃહસ્‍થ સર્વે આશ્રિતોએ અમારું, સંપ્રદાયનું અને પોતાનું નામ અને મુખ હંમેશાં ઉજળું અને ગૌરવભર્યું રહે એવું જીવન જીવવાનો ભીષ્‍મ નિર્ધા‍ર કરવો જોઇએ.’ ભગવાન સ્‍વામિનારાયણ ત્‍યારબાદ સભામાં પ્રાગજી દવે પાસે શ્રીમદ્‍ ભાગવતના પંચમસ્‍કંધની કથા વંચાવે છે. કથાની સમાપ્‍તિ પછી બ્રહ્માનંદ સ્‍વામી આદિ પરમહંસોએ કીર્તન આરાધના આરંભી. આજના સપરમા પર્વે બ્રહ્મમુનિએ સરોદના સૂરમાં રાગ સામેરીનો આલાપ લઈને તાર સ્‍વરે ગાવા માંડયું: 'સખી હૈડે તે હરખ ન માય, આજ દિવાળી રે...’મહારાજની મનોરમ્‍ય મૂર્તિના અંગે અંગેનું રસમય નિરૂપણ કરી અંતે કવિએ 'બ્રહ્માનંદના નાથનું થઈ, રૂપ જોઈ ગુલતાન' એ પંકિત ગાઈ ત્‍યારે મહારાજ અત્‍યંત પ્રસન્‍નપણે ઊભા થઈને પોતાના પ્રાણપ્‍યારા સખા બ્રહ્માનંદને ભેટી પડયા. કાવ્‍યકૃતિ: સખી હૈડે તે હરખ ન માય, આજ દિવાળીરે, હું તો મગન થઈ મનમાંય, ભુધર ભાળી રે. આજ. ૧ સુંદર શ્‍યામ સોહામણો રે, સુંદર ગજગતિ ચાલ, સુંદર શોભા અંગની હું તો, નીરખીને થઈ છું નિહાલ. આજ. ર નેણ મનોહર નાથનાં રે, હૈડે મનોહર હાર, સુભગ મનોહર શ્‍યામળો વહાલો, નટવર ધર્મકુમાર. આજ. ૩ બાજુ નૌતમ બેરખા રે, બેહદ નૌતમ બાન, બ્રહ્માનંદના નાથનું થઈ, રૂપ જોઈ ગુલતાન. આજ. ૪

વિવેચન

આસ્‍વાદઃ સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્‍વામીની કવિતામાં બ્રહ્મબોલના પડછંદા અને પ્રેમભકિતની મધુરતા એ બંને એની સોળે કળાએ મહોરે છે. કવિને મન અંતરમાં આનંદ અને ઉલ્‍લાસના ઓઘ ઉતરે એ જ દિવાળી છે. આજે તિથિ પ્રમાણે આસો મહિનાની અમાવાસ્‍ય અર્થાત દિવાળીનુ મહાપર્વ છે એટલે અંતરમાં આનંદ ઉભરાય છે એવું નથી. પરંતુ એ હૈડે ન સમાતા હરખના મૂળમાં માણિગર છે! પદરચનાના પ્રવાહમાં પોતાનું કથન વ્‍યકત કરવું એ કવિને માટે સાહજિક છે. જે ઘડીએ કવિએ સલૂણા સહજાનંદને નીરખ્‍યા છે એ ક્ષણથી જ બ્રહ્માનંદ એમના સોહામણા સ્‍વરૂપમાં અને એમની લાક્ષણિક ગજગતિ ચાલમાં લોભાઈ ગયા છે. તેથી જ કવિને કબૂલ કરવું પડે છેઃ 'સુંદર શોભા અંગની હું તો નીરખીને થઈ છું નિહાલ.' પરાત્‍પર પરબ્રહ્મ પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્‍વામિનારાયણના પ્રત્‍યેક અંગ, તેમના પ્રત્‍યેક શૃંગાર તથા તેમની પ્રત્‍યેક ચેષ્‍ટા સુંદરતમ્‍ છે. શ્રી વલ્‍લભાચાર્ય રચિત મધુરાષ્‍ટક જેવો જ ભાવ કવિને અહીં અભિપ્રેત છે. અખિલમ્‍ મધુરમ્‍ પરમાત્‍માનું બધું જ મધુર મધુર છે, પરમાત્‍મા રસરૂપ છે. ‘નેણ મનોહર નાથનાં રે, હૈડે મનોહર હાર, સુભગ મનોહર શ્‍યામળો વહાલો, નટવર ધર્મકુમાર.' નંદ સંતોના દસ્‍તાવેજી લખાણોમાં એવા ઉલ્‍લેખો ઘણીવાર આવે છે કે શ્રીજીમહારાજની આંખો અત્‍યંત આકર્ષક હતી. તેથી કવિને શ્રીહરિના નેણ મનોહર ભાસે છે તે માત્ર ભાવઉન્‍માદ નથી, એક નરી વાસ્‍તવિકતાનું સમ્‍યક્‍ દર્શન છે. પ્રભુએ ગળામાં મનોરમ્‍ય હાર અને બંને હાથે બેરખા પહેર્યા છે. શ્રીહરિ શૃંગારથી સુશોભિત નથી પરંતુ એમના સૌંદર્યથી શૃંગાર શોભે છે. કવિ શ્રીજીમહારાજના રસિક રૂપમાધુર્યમાં એવા તો ગુલતાન થઈ ગયા છે કે એકના હૈયામાં આનંદ અને ઉલ્‍લાસના કોટાનુકોટિ દીવડાં એવા તો પ્રજ્વલિત થઈ ગયા છે જાણે આજે દિવાળી ના હોય. લાલિત્‍ય અને માધુર્યથી છલકતી બ્રહ્માનંદ સ્‍વામીની પ્રસ્‍તુત રચના એક શૃંગારરસિક રચના છે. કાવ્‍ય સરળ, સુગેય અને આસ્‍વાદ્ય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનધારા
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી હરિ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0