ચિત્ત ના’વે તેવાં ચરિત્ર કરો ચરિતાળા જી ૧/૧

ચિત્ત ના'વે તેવાં ચરિત્ર કરો, ચરિતાળા જી ;વળી મનુષ્ય સરીખા થઇ ફરો,  ચરિતાળા જી,    ૧
તમે કરુણાનિધિ કહેવાઓ છો, ચ૦ દોર્યા જનના દોરાઓ છો.      ચ૦ ર
એક મુનિ દ્વારામતિ આવિયા, ચ૦ ધન વિના નહીં નવરાવીયા.     ચ૦ ૩
ત્રણ લાંઘણ થઇ જળકાંઠડે, ચ૦ ગયા ઉઠીને આરંભડે.    ચ૦ ૪
ત્યાંહી કોરી માગે છાપની, ચ૦ મનુવાર કરે કહી થાપની.  ચ૦ પ
અન્ન ન મળ્યું ત્રણ દી પેટમાં ; ચ૦ ગયા બેડી બેસી બેટમાં.       ચ૦ ૬
મંદિર ગયા દર્શન કારણે, ચ૦ નિર્ધન જોઇ કાઢ્યા બારણે.         ચ૦ ૭
બેઠા મંદિર સામે હાટડે, ચ૦ ગુગળી દ્વિજને પાયે પડે.     ચ૦ ૮
દ્યો દર્શન છૂટી મુજને, ચ૦ દેખું અંતર કોમળ તુજને.      ચ૦ ૯
કહે દ્વિજ તું જેવા બહુ ફરે, ચ૦ સૌ કોરી દઇ દર્શન કરે.   ચ૦ ૧૦
એ તીરથ એવી રીત છે, ચ૦ એક પૈસા સાથે પ્રીત છે.     ચ૦ ૧૧
એમ જાણી મુનિ ઉદાસ થયા, ચ૦ દિન ચાર ઉપોષણ કરી રહ્યા.  ચ૦ ૧ર
મુનિ સ્તવન બહુવિધ કીધલાં, ચ૦ ત્યારે તમે દર્શન દીધલાં.      ચ૦ ૧૩
મહા પ્રસન્ન થઇ મુનિને મળ્યા, ચ૦ તન તાપ પાપ સર્વે ટળ્યા.    ચ૦ ૧૪
મુખ માગ્યું તે તમે આપિયું ; ચ૦ ત્યાગીનું સંકટ કાપિયું.  ચ૦ ૧પ
ત્યાંનાં રહેનારાં ઉપરે, ચ૦ થયા અધિક કુરાજી અંતરે.    ચ૦ ૧૬
સચ્ચિદાનંદની અરજી સુણી, ચ૦ ભૂધર આવ્યા વરતાલાં ભણી.    ચ૦ ૧૭
લક્ષ્મીનારાયણ માં વસ્યા, ચ૦ અવિદ્યાનાં કરતલ આળસ્યા.       ચ૦ ૧૮
સૌ સામગ્રી લઇ આવિયા, ચ૦ હરિ ભકતતણે મન ભાવિયા.       ચ૦ ૧૯
ધાર હર ધારૂ ગોમતી, ચ૦ વરતાલ કરી દ્વારામતી.       ચ૦ ર૦
સૌ તીરથ આગળ પાસળે, ચ૦ મુનિવરના મંડળ ત્યાં મળે.        ચ૦ ર૧
ત્યાં પ્રગટ કરી તમે છાપને, ચ૦ બાળે કોટી જન્મનાં પાપને.       ચ૦ રર
વરતાલ અખંડ વિરાજીયા ; ચ૦ ભકતોનાં સંકટ ભાંજીયાં.  ચ૦ ર૩
એ લીલા તમારી ગાય છે, ચ૦ તેને મનવાંચ્છિત સુખ થાય છે.    ચ૦ ર૪
બ્રહ્માનંદ કહે મેલી આંબળો, ચ૦ રાજી થઇ જાણો રાવળો.         ચ૦ રપ 

મૂળ પદ

ચિત્ત ના’વે તેવાં ચરિત્ર કરો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી