અતિ ચાલ્ય ઉતાવળી રે, ચટકંતિ ચાલતા;
નેતર છડી કરમાં રે, કૃપાળુ ઝાલતા. ૧
ગાતા મુનિમંડળ રે, જ્યારે ઉભા થઇને;
ઘેરે રાગે ગાતા રે, ભેળા તાલી દઇને. ર
સમાધીમાં પડયાંને રે, ઉચે સાદે બોલાવે;
દ્રગમાં દ્રગ જોડી રે, તુરત દેહમાં લાવે. ૩
એની મૂર્તી દેખીને રે, નાડી પ્રાણ તણાય;
ઢળી પડે ધરા પર રે, સેજે ધામમાં જાય. ૪
સભામાંય બેસતા રે, ગાદી તકીયા નાંખી;
વાત કરતા વ્યેવારની રે, કાને સૌને નાંખી. પ
કૈકને કામ દેતા રે, આંગળીની સાને;
મોજ દેતા સભામાં રે, બોલાવતા બહુ માને. ૬
મુક્તાનંદ બ્રહ્માનંદ રે, ગોપાલાનંદાદિ;
સાધુ સર્વે ને દેતા રે, વાલો વસ્ત્ર પ્રસાદિ. ૭
ધ્યાન ધરતા એકાંતે રે, ચાદર ઓઢી વનમાળી;
જોગકળા દેખાડતા રે, આસન ચોરાશી વાળી. ૮
અતિ ત્યાગમાં રૂચી રે, વસ્ત્ર અંગે શ્વેત ધરે;
જરકસી કસુંબલ પેરે રે, તે તો ક્રીપા કરે. ૯
કરમાં લીંબુ લઇનેં રે, સુંઘે આંખે ફેરે;
હજારી ફૂલ ગોટો રે, ચોળે કરમાં વેરે. ૧૦
જમવાને પધારો રે, એમ કોઇ કહે જ્યારે;
ભૂમાનંદનો વાલો રે, લડે ઉલટા તારે. ૧૧