પ્રાણજીવન વિના પ્રેમદા, વસે કેમ વ્રજ માંઇ,
ઉધો અમારી વિનતિ, કહોને કૃષ્ણને જોઇ.... પ્રાણ. ટેક.
અમાવાસ્યે અમે કેમ રહીએ રે, ગયા મથુરા કાન,
હંસ બીજે નથી બેસતા, વિનાં સરોવરમાન.
માન સરોવર માવજી રે, હંસ અમારૂ નામ,
કહેજો આવે કૃપા કરી, ભૂમાનંદનો શ્યામ. પ્રાણ. ૧
પડવાનાં પીડ થઇ રહ્યાં રે, એનુ ઓસડ કાંઇ,
જાણે છે ગોવિંદ ગારદી લાવો તેડીને આંઇ.
રૂધીર માંસ રહ્યાં નથી રે, રહ્યાં હાડને ચામ,
કહેજો આવે કૃપા કરી, ભૂમાનંદનો શ્યામ. પ્રાણ. ર
બીજે કયાં જઇ બેસીએ રે, નથી ઠરવાનું ઠાર;
ખારે સાગર મીઠી વિરડી, મારે નંદકુમાર.
ગોકુલમાં નથી ગોઠતું રે, અમને આઠુ જામ;
કહેજો આવે કૃપા કરી, ભૂમાનંદનો શ્યામ. પ્રાણ. ૩
ત્રીજે તન તલફે અતિ રે, મળવા મોહનલાલ,
વારી વિના જેમ મીનના, એ છે અમારા હાલ.
અંતરે અમને રહેતો નથી રે, વાલા વિના આરામ,
કહેજો આવે કૃપા કરી, ભૂમાનંદનો શ્યામ. પ્રાણ. ૪
ચોથે ચાતક્ર મેઘની રે, નિત્ય જુવે છે વાટ,
મેઘ તો પૂરણકામ છે, એને ઇચ્છે શા માટ.
એની પેઠે અમે ઇચ્છીએ રે, સર્વે વ્રજની વામ,
કહોજો આવે કૃપા કરી, ભૂમાનંદનો શ્યામ. પ્રાણ. પ
પાંચમે તોડીને પ્રીતડી રે, વાલો ગયા વિદેશ,
અબળાંને આ વ્રજમાં, નથી સુખ લવલેશ.
અહોનિશ રહે છે આલોચના રે, સૂજે નહિ ઘરકામ,
કહેજો આવે કૃપા કરી, ભૂમાનંદનો શ્યામ. પ્રાણ. ૬
છઠીયે લેખ લલાટમાં રે, લખ્યા અવળા આંક,
તે માટે તજી ગયા, નથીવાલાનો વાંક.
અમારે તો એજ છે રે, દોભ્લી વેળાનું દામ,
કહેજો આવે કૃપા કરી, ભૂમાનંદનો શ્યામ. પ્રાણ. ૭
સાતમે સાગર સુખના રે, રેલ્યા મથુરા માંય,
દુઃખ દરીયામા અમને, બોળ્યાં ઝાલીને બાંય.
શ્યામ વિના શોભતુ નથી રે, સર્વે ગોકુળ ગામ,
કહેજો આવે કૃપા કરી, ભૂમાનંદનો શ્યામ. પ્રાણ. ૮
આ ઠામે અમે ભેટતા રે, ભીડી ભુજમાં કાન,
કરતાં અમે એકાંતમાં, અધરામૃત પાન.
એ વિના આ વ્રજમાં રે, નથી ઠરવાનુ ઠામ;
કહેજો આવે કૃપા કરી, ભૂમાનંદનો શ્યામ. પ્રાણ. ૯
નોમે નાગરવેલીયો રે, સીંચ્યા વિના સુકાય,
તેની પેઠે અમારે, અતિ દિન દોભ્લા જાય.
અમૃત પાઇને ઉછેરીયાં રે, તજ્યાં ન ઘટે આમ,
કહેજો આવે કૃપા કરી, ભૂમાનંદનો શ્યામ. પ્રાણ. ૧૦
વિજયા દશમને દિવસે રે, ઘોડે થઇ અસવાર,
પાધર નાખતા પાટીયે, વાલો વારમવાર.
તે છબી જોવા જાતીયો રે, ભેળી થઇ વ્રજભામ,
કહેજો આવે કૃપા કરી, ભૂમાનંદનો શ્યામ. પ્રાણ. ૧૧
એકાદશી દેવઉઠણી રે, આવી ઉત્સવ જાય;
જોઉ છું જીવનની વાટડી, ક્યારે દર્શન થાય.
મળે મોહન તો ભાંગીયે રે, ખોયલા દિવસની ખામ,
કહેજો આવે કૃપા કરી, ભૂમાનંદનો શ્યામ. પ્રાણ. ૧ર
બારસે બળવીરને રે, ઘટે આવવું ઘેર,
અબળા જાણી અમ ઉપરે, અતિઆણીને મેર.
ચરણ સરોજમાં શ્યામને રે, કરી કોટી પ્રણામ.
કહેજો આવે કૃપા કરી, ભૂમાનંદનો શ્યામ. પ્રાણ. ૧૩
તેરસનો ક્ષય થઇ ગયો રે, પાતા જે કરી પ્યાર.
અધરામૃત એકાંતમાં, અમને નંદકુમાર.
ચૌદશે છેલો જાય છે રે, રસ કુબજાને ધામ,
કહેજો આવે કૃપા કરી, ભૂમાનંદનો શ્યામ. પ્રાણ. ૧૪
પુનમે ચંદ્રને જોઇને રે, ચડે સાગર નીર.
મહાજલમાંથી માંછલાં, નાખ્યાં તાંણીને તીર.
તેની પેઠે અમે તલફીએ રે, રહી ગઇ રમવાની હામ,
કહેજો આવે કૃપા કરી, ભૂમાનંદનો શ્યામ. પ્રાણ. ૧પ