આવી અમાંસે આધાર અમ સામું જોયુંરે, ૧/૧

 

આવી અમાંસે આધાર અમ સામું જોયુંરે,
મારૂં કોટી કલપનું કર્મ ક્ષણમાં ખોયુંરે,
બુઝયા અંતરના અંગાર તેનો સંગ કરતાંરે,
મરમાળાના મીઠા બોલ શ્રવણે ધરતાંરે.
વાલા પડવે પ્રાણજીવન અંતર પરવરીયારે,
અમે ખાબોચીયાનાં નીર કરી મેલ્યા દરીયારે,
ગુરુ વચન રૂપી તરંગ અહોનિશ આવેરે,
હરિ સુખનો સાગર સતસંગ સંત બતાવેરે.
મારૂં બીજે ગોઠે નહિ મન અસતમાં અળગુંરે,
ગાતાં ગળ્યા લાગે હરિ ગુણ તેમાં ચિત વળગ્યું રે,
એમાં અડગ રાખે મન કોઇ દિ નડોલેરે,
શાંમળો લઇ જાશે સંગ સંતોના બોલેરે.
ત્રીજે ચોથે સુખડુ દેવાને શ્યામ મંદિર મારે આવેરે,
પલ પલમાં પ્રેમદયાળ હસીને બોલાવેરે.
મુને માર્યાં મરકલડાનાં બાણ સુધ બુધ ભુલીરે,
છબી નિરખતાં નંદકુમાર નવરંગ ફૂલીરે.
મારી પંચ મહાભૂતની દેહ અમુલખ કાવીરે,
મળ્યા પ્રગટ પૂરણ બ્રહ્મ સાતે સરા આવીરે.
કરી અબળા ઉપર મેર આદર આપોરે,
મારા અવગુણના અંબાર કૃપાયે કાપોરે.
છઠે લખ્યા જીવના લેખ વિધાતારે અવળારે,
મળ્યા કૃપા સિંધુ કીરતાર કરી મેલ્યા સવળારે.
અમે ચોરાશીના જીવ કસાલા વેઠારે,
મુકિત આપીને મહારાજ સતગુરુ ભેઠારે.
વાલા સાતમે કીધી સાર મનુષ્ય દેહમાં મારીરે,
આવે ગાજંતા ગીરધર મંદિરીયે મોરારીરે.
કરી લટકાં હરિ જશ ગાય મધુરે સાદેરે,
મીઠું બોલી લગાડે પ્રીત નેણુંને સવાદેરે.
વાલા આઠમ આવી જેહ અંતર શુભકારીરે,
આવ્યો રત્ન ચિંતામણી હાથ તત્વ લીધું ધારીરે.
મેટ્યાં કાક બકનાં કર્મ ભેટ્યા બ્રહ્મચારીરે,
હરિ કરી મેલ્યા હંસ મોતીડાંના આહારીરે.
વાલો નુમે નવલા ખેલ નાથ ખેલાવેરે,
છોગું મેલીને સુંદર છેલ લટકંતા આવેરે.
મુને મારી નેણાંની ચોટ કાળજડે કટારીરે,
તારા મુખડા ઉપર માવ જાઉં બલહારીરે.
મારાદશમે મટયા દશ મોટ ચૌદિશે જોયુંરે,
કરી કાજ કર્યો સતસંગ તેમાં મન મોયું રે.
મુને ચૌદ લોકનાં સુખ લાગે છે ખારાં રે,
નથી સત્ય વિના ભગવાંન બીજે કયાંઇ ન્યારારે. ૧૦
વાલે એકાદશીની આશ પ્રીતમ પુરીરે,
ઘણા દિવસની ઘનશ્યામ આપી મજુરીરે.
હવે હૈડુ રાખીને હાથ તમને ન મેલુંરે,
અલબેલા એક સંગાથ ખાંતેશું ખેલુંરે. ૧૧
વાલા બારસે આવી બુધ અનુભવ સૂજયોરે,
ટળી રેણ ભયો પ્રભાત આનંદ રવી ઉગ્યોરે.
પ્રાણી આજ સપરમો દિન મનુષ્ય દિવાળીરે,
હરિ ભજોને રાખી નેહ નાવે લ્હાવ વળીરે.૧ર
તેરસ પીધાની રીત પ્રેમી જન જાંણે રે,
ધન જોબન ને ઘર સુત અંતરમાં ન આંણેરે.
થયાં લાલજીમાં લીન તેને હરિ મળીયારે,
એને અંતર પુરી આશ બોલે પળીયારે.૧૩
આવી પુરાંણી પુન્યમ ચૌદશ વીતીરે,
મારે શાંમળીયા સંગાથ પુરવની છે પ્રીતીરે.
મુને દીન જાણી દયાળ અઢળક ઢળીયારે,

ભૂમાનંદના પ્રાણ આધાર મોહનવર મળીયારે. ૧૪ 

મૂળ પદ

આવી અમાંસે આધાર

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી