લગાડી તેં પ્રીતી લાલ રે, પ્રીતલડી તો લગાડી ૧/૪

લગાડી તેં પ્રીતી લાલ રે, પ્રીતલડી તો લગાડી...ટેક.
પ્રીતમ માર્યાં પ્રેમનાં તમે, તીખાં રે તીખાં બાણ;
	જોતાં તમને જાદવા રે, થિયા પરવશ મારા પ્રાણ રે...પ્રીતલડી૦ ૧
વાલી ભ્રકુટી વાંકડી વાલાં, લાગે છે સુંદર વેણ;
	નટવર તમને નીરખવા મારાં, નાંખે છે ઝડપું નેણ રે...પ્રીતલડી૦ ૨
હાર હજારી પહેરિયો રે, નેણુંનો નજારો જોર;
	બ્રહ્માનંદ કે’ હૈડે રે વસ્યા, કોડીલો નંદકીશોર રે...પ્રીતલડી૦ ૩
 

મૂળ પદ

લગાડી તેં પ્રીતી લાલ રે, પ્રીતલડી તો લગાડી

મળતા રાગ

પરજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ઉત્પત્તિ

સં. ૧૮૮૨ના કારતક સુદિ‌ એકાદશીને દિવસે શ્રીજીમહારાજે વડતાલમાં મોટાભાઈ શ્રી રામપ્રતાપભાઈના પુત્ર અયોધ્યાપ્રસાદજી અને નાનાભાઈ શ્રી ઈચ્છારામભાઈના પુત્ર રઘુવીરજીને પોતાના દત્તકપુત્ર તરીકે લઈ અમદાવાદ અને વડતાલ એમ બે દેશની ગાદીના આચાર્યપદે સ્થાપ્યા . ત્યાર બાદ સં. ૧૮૮૩ના માગસર સુદિ પૂનમના દેવાશે મહારાજે શુકમુનિ પાસે દેશ વિભાગનો પાકો લેખ તૈયાર કરાવી ગઢડામાં વાસુદેવનારાયણના ઓરડામાં રામપ્રતાપભાઈ , ઇચ્છારામભાઈ તથા સર્વ ધર્મકુળના કુટુંબીજનો તેમજ સંત હરિભક્તો સમક્ષ વંચાવ્યો. ઈચ્છારામભાઈને એ વખતે અસાધ્ય મંદવાડ લાગુ પડ્યો હતો . દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદો વાસુદેવનારાયણનો ઓરડો છે, ત્યાં ઈચ્છારામભાઈ પાસે આવ્યા. ભીનું શરીર બહુકૃશ થઇ ગયું હતું. મહારાજના દર્શનની જ એકમાત્ર તેમને ઝંખના હતી. મહારાજ પધાર્યા એટલે તેમના દર્શનથી ભાઈને અતિ આનંદ થયો ; એમની આંખો હર્ષાશ્રુથી ઉભરાઈ ગઈ. તે જોઈ મહારાજે તેમને કહ્યું: “ભાઈ આયુષ્ય તો આજે પૂરું થાય છે, પણ જો આ લોકમાં વધુ રહેવાની ઈચ્છા હોય તો વધુ આયુષ્ય આપીએ .” આ સાંભળી ઇચ્છારામાભાઈએ બે હાથ જોડ્યા અને ગદ્‌ગદ કંઠે બોલ્યા: “ભૈયા ! આપ તો સાક્ષાત્‌ પુરુષોત્તમનારાયણ છો. તેથી આપના સાનિધ્યમાં મારો દેહ પડે તેથી મોટું બીજું મારું શું ભાગ્ય હોય શકે ! આ દેહ હવે જીર્ણ થઈ ગયો છે, આ લોકની હવે અંતરમાં કોઈ વાસના નથી. આપના સ્વરૂપમાં જ મારી વૃત્તિ સ્થિર થઈ ગઈ છે. તેથી આ દેહ છોડાવી બ્રહ્મમય તનુ ધરાવી અક્ષરધામમાં અપની સેવામાં મૂકી દો અને એ શાશ્વત સુખનો અનુભવ કરવા દો . હવે મારે બીજી કોઈ ઈચ્છા રહી નથી.” મહારાજ તેમની સમજણ જોઈ બહુ રાજી થયા . થોડી વારમાં ઈચ્છારામભાઈએ દેહત્યાગ કર્યો.*( સં. ૧૮૮૩ના પોષ સુદ ૮ના શુક્રવારે .) ઈચ્છારામભાઈ ધામમાં ગયા તે સમાચાર દરબારમાં પ્રસરી ગયા. મહારાજે તરત જ જરી અને કિનખાબ ભરેલ સુશોભિત વિમાન તૈયાર કરાવ્યું. ઈચ્છારામભાઈના ભૌતિક દેહને ષોડશોપચારે સ્નાન કરાવી સુંદર વસ્ત્રો પહેરાવી વિમાનમાં પધરાવ્યો. રઘુવીરજી મહારાજે તેમના પિતાશ્રીના દેહનું પૂજન કર્યું, આરતી ઊતારી. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને નજીક બોલાવી કહ્યું: “ સ્વામી! કીર્તન બોલો.” બ્રહામંદ સ્વામીએ મહારાજની આજ્ઞા મળતાં તરત કીર્તન ઉપાડ્યું: ‘લગાડી તેં પ્રીતિ લાલ રે .... પ્રીતલડી તો લગાડી , લગાડી તેં પ્રીતિ લાલ રે ....’ પછી રઘુવીરજી મહારાજ, અયોધ્યાપ્રસાદજી મહારાજ , ગોપાળજી મહારાજ અને વૃંદાવનજી મહારાજ એ ચારેએ વિમાન ઉપાડ્યું અને ઝાંઝ , પખવાજ વગાડતાં તથા નારાયણ ધૂન્ય કરતાં હારીભક્તો સ્મશાનયાત્રામાં ચાલ્યા. મહારાજ તથા દાદા ખાચર પણ સાથે ચાલ્યા. ઘેલા કાંઠે અગ્નિસંસ્કાર કરી, મહારાજે સભા ભરી. એ વખતે પણ મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને કહ્યું: “સ્વામી ! ‘ લગાડી તેં પ્રીતિ લાલ રે’ કીર્તન ગાઓ .”*( શ્રી કૃષ્ણાનંદ સ્વામી રચિત ચરી હરિચરિત્રામૃતમાં એવો ઉલ્લેખ છે કે ઈચ્છારામજી ધામમાં પધાર્યા બાદ દાદાના દરબારમાં ભરાયેલી સભામાં મહારાજે કૃષ્ણાનંદ સ્વામીને ‘ લગાડી તેં પ્રીતિ લાલ રે’ એ કીર્તન ગાવાનું કહ્યું ને કૃષ્ણાનંદ સ્વામીએ તે સભામાં ગાયું હતું .) બ્રહ્મમુનિએ ખૂબ ભાવથી ફરી એ કીર્તન ગાયું . પછી શ્રીજીમહારાજ બોલ્યા: “ આ કીર્તનમાં જેવું કહ્યું છે તેવું ઈચ્છારામજીને અમારી સાથે હેત હતું.” બ્રહ્મમુનિ ઉપર ખૂબ પ્રસન્નતા બતાવીને મહારાજે પોતે ઓઢેલો ચોફાળ સ્વામીને આપ્યો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે : “ મહારાજ! આ તો નવો જ ચોફાળ છે, તે તમારે ઓઢવાના કામમાં આવશે. મને તમારો ઓઢેલો જૂનો પ્રસાદીનો ચોફાળ આપો .” પછી મહારાજે પોતે નિત્ય ઓઢતા હતા તે જૂનો ચોફાળ સજ્જમાંથી મંગાવીને આપ્યો. ત્યાર બાદ મહારાજે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ તથા શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કહ્યું: “ આ બ્રહ્માનંદ સ્વામી તમારા દશોંદી છે, અમારા જશ રોજ ગાય છે માટે વસ્ત્ર તો અમે આપ્યા પણ તમારે એમને ચોખા, દૂધ અને સાકાર નિત્ય આપવા.” એમ મહારાજે બંને આચાર્યોને સ્વામીની સંભાળ રાખવાની ભલામણ કરી.

વિવેચન

આસ્વાદ : આ પદ્મમા કવિ શ્રી બ્રહ્માનંદ સ્વામી પ્રેમીભક્તરૂપે પ્રભુ પ્રત્યેના પોતાના અનન્ય પ્રેમનો એકરાર કરે છે. પ્રીતિનું કારણ પ્રભુ પોતે જ છે. પ્રભુની રૂપરસિક્તાએ જ પરાણે પ્રેમાકર્ષણ ઊભું કર્યું છે એવો કવિનો દાવો છે. અને એ દાવો ખોટો પણ નથી, કારણ કે શ્રીજી સ્વયં રસનિધિ છે. રસરૂપ છે, रसो वै स: છે. સર્વે રસ પરમાત્માની મૂર્તિમાં સમાયેલા છે . પ્રેમ અને સૌંદર્યનો પરસ્પરાવલંબિત સંબંધ લાંબો અને ગાઢ છે. પ્રભુ મૂળ કારણ પણ સૌંદર્ય છે. વળી પ્રેમમૂર્તિ પ્રભુ પોતાના પ્રાણપ્યારા ભક્ત પ્રત્યે પ્રેમરસ વરસાવી પ્રેમનું સિંચન કરે છે. તેથી કવિ મધુર ઉપાલંબ સાથે પ્રિયતમ પ્રભુને કહે છે: ‘પ્રીતમ માર્યા પ્રેમનાં, તમે તીખાં રે તીખાં બાણ ; જોતા તમને નાથજી રે , થયા પરવશ મારા પ્રાણ રે. ‘ પ્રભુએ પ્રેમના તીખાં બાણ વરસાવીને ભક્તના અંતરમાં પ્રેમનો વેધ કર્યો છે. પ્રભુ તો પ્રેમનો સાગર છે. એ સાગરનું એક બુંદ પણ જો મળી જાય તો ભક્ત એમાં ભાવવિભોર બની ડૂબી જય છે. એ પ્રમરસમાં લીન થતાં પ્રેમી ભક્તના પ્રાણ પરવશ થઇ ઈશ્વરને આધીન થઈ જય છે, ચૈતન્ય મહાપ્રભુએ પાંચમા પુરુષાર્થના રૂપમાં ‘પ્રેમ’ની પ્રતિષ્ઠા કરી છે, એટલુ જ નહિ, પણ ‘પ્રેમ’ ને જ સર્વશ્રેષ્ઠ પુરુષાર્થ ગણ્યો છે . કવિએ શ્રીજીના સુંદર રાજીવ ��ોચન તથા વાંકડી ભૃકુટિ‌ અત્યંત વ્હાલી લાગે છે. બ્રહ્માનંદને એ રસીકરૂપનું આકર્ષણ એવું થયું છે કે કવિથી કહેવાઈ જાય છે... ‘હરિવર તમને નીરખવા, મારાં નાખે છે ઝડપું નેણ .’ હાજરી હાર પહેરેલા સુંદર દર્શનીય નયનવાળા કોડીલા કિશોરમૂર્તિ શ્રીજીપ્રભુ કવિના હૃદયાસન ઉપર અખંડ બિરાજમાન થયાં છે . બ્રહ્મમુનિ મર્મિ કવિ છે. એમણે પ્રેમના સૂક્ષ્માતીત સુક્ષ્મ તત્વને અત્યંત આસાનીથી ઈશ્વરાનુરાગી ભક્તના ભાવ-સંવેદનો દ્વારા સચોટ અભિવ્યક્ત કર્યું છે, તેથી જ શ્રીજીમહારાજને આ કાવ્ય પ્રિય હતું. કાવ્યમાં મધુરતા –પ્રાસા‌દિ‌ક્તાના ગુણ ધ્યાન ખેંચે છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


પ્રેમાનંદકે નામ
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જીતુભાઇ રાધનપુરા
માઢ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
માઢ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
વડતાલમાં બિરાજ્યાં
Studio
Audio
1
1