તેરી બોલની મધુરી માનું જાદુસે ભરી,.૨/૪

તેરી બોલની મધુરી માનું જાદુસે ભરી,
મેરો જીયરા ફીરાયો, તોસેં મન લલચાયો. તે....
બતિયાં સુનત મેરી છતિયાં ઉલટ ગઇ,
ચિત્ત ચોરી લીનો તન સુધ બિસરી. તે ૧
નયનકે બાને મારી હસીકે બોલાઇ કાન,
ભરનકું ભૂલી ગઇ જલ ગાગરી. ત. ર
કહાં જાનું તુમ કહાં કર દીનો મોકું,
છેલ તેરી છબી દેખી ભઇ બાવરી. ત. ૩
દેવાનંદ કહે પ્યારે પરવશ કર દીની,
તેરે પીછે પીછે ડોલું તજી સાંવરે. તે ૪

મૂળ પદ

તેરી નવલ છબી દિલહોજી

રચયિતા

દેવાનંદ સ્વામી

ઉત્પત્તિ

“બેટા દેવીદાન ! હું લાંબે ગામતરે જાઉ છું, તો હું પાછો આવી પૂગું નહિ ત્યાં લગી દીકરા, સાંકળેશ્વર મહાદેવની પૂજા કરવા જવાનું રખે ચૂકતો, બાપ ! લાંબે ગામતરે*( ગામતરે = બહારગામ (ચારણી શબ્દ છે.)) જવા સારુ પરિયાણ કરતાં બળોલના મારુ ચારણ ગઢવી જીજીભાઈએ હાક મારી: દીકરા દેવીદાનને ઓરો બોલાવી માથે માયાળુ હાથ ફેરવી; સાંકળેશ્વર મહાદેવની પૂજાનો નીમ જાળવવા ભલામણ કરતાં કહ્યું. “ભલે બાપુ, તમે તમારે નચિંત જાવ ! હું માં’દેવજીની પૂજા હારું રોજ જાઈશ.” મરકતા હોઠે દેવીદાને જવાબ વાળ્યો . દિલ ઠરે એવા દીકરાના વેણ સૂણી ગઢવીએ હૈયે ધરપત ધરી સીમ ભણી ડગ માંડ્યા. દેવીદાનને તો બસ ભાવતું તું એ વૈદે કહ્યું. રોજ એના બાપુ સાથે એ બળોલના સીમાડે ને ધીંગડાની સીમમાં આવેલા સાંકળેશ્વર મહાદેવના મંદિરે પૂજા કરવા જતો; ત્યારે ઘરડો ગઢવી જે પૂજન-અર્ચન કરતો એ આ બાળચારણ કલાકો સુધી બેસીને નીરખ્યા કરતો. એને હૈયે પણ ક્યારેક એવાં પૂજન પોતાની મેળે કરવાના ઉમંગ ઉઠતા દિવસોથી દિલમાં ધરબી રાખેલી એ હોંશ અટાણે પૂરી કરવાનો એને મોકો મળ્યો હતો. બીજે દહાડે પો ફાટતા પહેલા જ એ ઊઠી ગયો. નાહીધોઈ પરવારી, મો સુઝણું થતા જ પૂજાપા સાથે દેવીદાન મહાદેવના મંદિરે પહોંચી ગયો. એને અંગારે આજે અનોખા ઓરતા જાગ્યા, એને થાય; સદાશિવની પૂજા કરવી તો એવી કરવી ,શિવાજી પંડે એનો સ્વીકાર કરે ! અને .... થયું પણ એમ જ . બાળર્હદયનાં પવિત્ર પ્રેમથી પ્રભુ પ્રસન્ન થયા ને પ્રગટ થઇ વર માગવાનું કહ્યું. ભોળાદેવના દર્શનથી દેવીદાનનું દલડું ભાવાર્દ્ર થઇ ઊઠ્યું, ગદ‌્‌ગદ કંઠે ને રોમાંચિત ગાત્રે એણે પ્રભુને સાષ્ટાંગ પ્રણામ કર્યા ને આત્યંતિક કલ્યાણની યાચના કરી. મહાદેવે આશિષ દેતાં કહ્યું : ‘ દેવીપુત્ર ‘ આપ તો પૂર્વના મુક્ત છો. પૂર્ણ પુરુષોતમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ નામે પ્રગટ થયા છે; તે તમારે ગામ આવશે. તમે એમનો આશ્રય કરજો. એ અવતારી પ્રભુનો અનન્ય આશ્રય એ જ આત્યંતિક કલ્યાણનું પરમ કારણ છે.’ “પરંતુ કૃપાનાથ ! હું એમને ઓળખીશ શી રીતે ? “ “વત્સ ! એ સર્વાવતારી ! નારાયણ પ્રભુ તમારે ગામે આવી એક અમાનુષી લીલા કરશે . એમની જીભ કોણીએ અડશે એ એંધાણી યાદ રાખજો .” ભોળા શંભુ આટલું કહી અંતર્ધાન થઇ ગયા. ચારણભક્ત દેવીદાન એ દિ’થી માંડીને સદાશિવે આપેલી એંધાણીને અંદરમાં સંઘરીને અવતારી પ્રભુના આગમનની ઘડીઓ ગણવા લાગ્યો. સં. ૧૮૬૫મા જેતલપુરમાં જગન (યજ્ઞ) કરી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ત્યાંથી ચાલીને બળોલ ગામે પટેલ રયા ખટાણને ઘેર પધર્યા. મોટા મહાત્મા આવ્યા છે એમ ખબર પડતાં ગામ આખુંય શ્રીજીના દર્શને ઉમટ્યું , મહારાજને ભક્તોએ જમીને જવાનો આગ્રહ કર્યો પણ મહારાજ કહે ‘ અટાણે અમે ઉતાવળમાં છીએ ; માટે જે હાજર હોય તે લાવો.’ રયાએ જમવામાં તાંસળામાં થૂલી પીરસી. રયાની માએ પૂછ્યું; ‘મહારાજ ! થૂલીમાં દુધ લેશો કે દહીં ?’ મહારાજ કહે : બેય લેશું.’ ડોસીએ તો દૂધ દહી બંનેથી તાંસળું છલકાવી દીધું અને સાથે કેરડાનું અથાણું પણ આપ્યું. તાંસળું કાંઠા સુધી એવું છલોછલ ભરેલું કે ઊંચું કરે તો ઢોળાય. તેથી મહારાજ એમાંથી ખોબે ખોબે પીવા લાગ્યા પણ એમ કરતાં એના રેલા કોણીએ ઊતરવા લાગ્યા. એ ટાણે સૌ સાથે દેવીદાન પણ ત્યાં કૌતુક પેખતો ઊભો’તો. દર્શને આવેલા લોકો ઓસરીની જાળીને આડા ઊભા હોવાહી ઓસરીમાં અંધારું પડતું હતું . તેથી ઓસરીમાં બેઠેલા શ્રીજી બોલ્યા: ‘ રઈયા ! અહી તો અંધારું પડે છે તેથી અમારે ફળિયામાં ગાડા ઉપર બેસીને અજવાળે જમવું છે .’ રયો કહે ‘ ભલે મહારાજ ! આપ ફળીયામાં પધારો . હું ગાડામાં ખાટલો મૂકી એમાં ગાદલું નાંખી દઉં છું. મહારાજ ફળીયામાં આવી ; ગાડામાં રાખેલ ખાટલામાં બેસી થૂલી જમવા લાગ્યા. હવે અજવાળે સૌને મહારાજના સ્પષ્ટ દર્શન થતા હતા. દેવીદાન તો અનિમેષ નેત્રે એ રસિક મૂર્તિને નીરખી રહ્યો. અંગરખાની બાંય કોણીએ ચડાવી મહારાજ થૂલી ખોબે ખોબે જમતા હતા ને કોણીએ ઉતારેલા દૂધના રેલાને જીભ વડે ચાટયે જતા હતા . આ જોઇને ટોળે વળેલા લોકોમાં કોઈકને હસવું આવ્યું, કોઈકે ટીકા કરી ને .....’ આ તો કો’ક ગાંડો બાવો લાગે છે ...’ એમ બડબડાટ કરતાં સૌ વિખરાવા લાગ્યા . પણ એક ખૂણામાં ઉભેલા દેવીપુત્રની અંતરઆંખ શ્રીજીની આ અમાનુષી ચેષ્ટા જોઈ ફટ કરતી ખુલી ગઈ. એને થયું માનુષની જીભ કોણીએ અડકી શકે જ નહિ. નક્કી આ કોઈક અલૌકિક મૂર્તિ છે ! અરે .... હા ! શિવજીએ આપેલી એંધાણી પ્રમાણે આ જ સ્વયં પ્રભુ છે ! દેવીદાન દોડતા પ્રભુ પાસે પહોંચી એમનાં ચરણમાં લોટી પડ્યા ને પ્રાર્થના કરતાં કહેવા લાગ્યા ‘પ્રભુ ! કે દિ થી આપની જ વાટ જોતો’તો .હારે રાખો તો આવવા ઈચ્છા છે , મહારાજ !’ આ સાંભળી મહારાજ મરક્યા , દેવીદાનને હાથ પકડી ઉભા કરતાં બોલ્યા: ‘દેવીપુત્ર ! અમે તમને તેડવા જ આવ્યા છીએ.’ એ દિ’ ને એ ઘડીએ જ દેવીદાન ઘરબાર છોડી મહારાજ સાથે ચાલી નીકળ્યા. કેટલાક દિવસ મહારાજ સાથે ધોળે લૂગડે ફર્યા પછી ગઢડા આવ્યા ત્યારે મહારાજે તેમને દીક્ષા આપી સાધુ કર્યા ને ‘અભેદાનંદ’ નામ આપ્યું. ગઢવી કુટુંબમાં કાવ્યની અને સંગીતની કુદરતી બક્ષીસ છૂટથી મળેલી હોય છે. દેવીદાનમાંથી અભેદાનંદ બનેલા એ સાધુમાં એવી ઈશ્વરદત્ત બક્ષિસ પારખીને મહારાજે એમને ‘બ્રહ્મપડછંદા’ ગજવનાર સંત-કવિ શિરોમણી બ્રાહ્માનંદ સ્વામી પાસે પિંગળ શીખવા મૂક્યા. બ્રહ્માનંદ સ્વામી પાસે એ કાવ્ય દીક્ષા પામ્યા ને સંપ્રદાયના અષ્ટકવિઓમાંના એક લેખાયા . કહેવાય છે કે કાવ્યમાં અભેદાનંદ નામ બરોબર બંધબેસતું ન હોવાથી શ્રીજીએ જ એમનું નામ ‘ દેવાનંદ ‘ પાડ્યું હતું. સ.ગુ.બ્રહ્માનંદ સ્વામી ધામમાં પધાર્યા પછી દેવાનંદ સ્વામી મુળી મંદિરના મહંત બન્યા. એમણે આજીવન મુળી મંદિરની મહંતાઈ કરી. ઉત્તમ સાધુતા દાખવી. દેવાનંદ મહાન સિતારવાદક હતા. એમની અનોખી કળા સિતારવાદનમાં ઝળકી ઊઠતી. કહેવાય છે કે સ્વામી જયારે કીર્તન ગાયન આરંભે ત્યારે તદ્‌વિદોના માટે ‘રાગરાગીણીઓ મૂર્તિમાન’ થઇ હોય એવી આભાપ્રભા ચોમેર પ્રસરી જતી. મહારાજની સાથે તથા એમની આજ્ઞાથી ઠેર ઠેર ફરીને એમણે હજારો કીર્તનો રચ્યા અને સરળ, ભાવ નીતરતી , મધુર પદાવલિઓથી ભક્ત હૃદયોને ભાવભીનાં કર્યા. એમનાં કીર્તનો સમય જતાં રાવણહથ્થા જોડે ગાતા ભરથરીના કંઠે ચડ્યા અને સંપ્રદાયની બહાર પણ ખ્યાતી પામ્યા. અર્વાચીન ગુજરાતી કવિતાને ક્ષેત્રે પ્રથમ પદાર્પણ કરનાર કવીશ્વર દલપતરામના તેઓ કાવ્યગુરુ હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સહજાનંદ સ્વામીની હયાતીમાં એક એવી પ્રથા પ્રસ્થાપિત થયેલી કે જે સંતકવિના કીર્તન સાંભળી શ્રીજી પ્રસન્ન થઇ તેને કવિ તરીકે સન્માનિત ન કરે ત્યાં સુધીં તે કવિ જાહેરમાં પોતાની કોઈ રચના ગાતા નહોતા. મહારાજે સૌ પ્રથમ મુક્તાનંદ સ્વામીને અને પછી બ્રહ્માનંદ સ્વામીને કવિ તરીકે સન્માનિત કરેલા. ત્યાર બાદ મહારાજે પ્રેમાનંદ સ્વામીને કાવ્ય રચવાની પ્રેરણા આપી કીર્તન રચતા કર્યા ને તેમને તથા નિષ્કુળાનંદને કવિ તરીકે પ્રમાણિત કર્યા. ત્યાર બાદ નવા જે કવિઓ હતા તેમને મહારાજે સં. ૧૮૮૫મા આસો સુદ ૧૨ના દિવસે ગઢપુરમાં ગોપીનાથજી દેવની પ્રતિષ્ઠા હતી તેની આગલી રાતે એકાદશીના જાગરણની મહાસભામાં એમનાં કાવ્યો સાંભળી પ્રમાણિત કર્યા. એ સભામાં નવા કવિઓમાં મુખ્ય કવિ દેવાનંદ હતા. મહારાજે એમનાં સ્વરચિત કાવ્યો સાંભળી પ્રસન્ન થઇ તેમને કવિ તરીકે સન્માનિત કર્યા હતા. ત્યાર પછી એમના કીર્તનો સંપ્રદાયમાં ગાવવા લાગ્યા. આ ઐતિહાસિક પ્રસંગને સંપ્રદાયના બે સંતકવિઓએ એમનાં ગ્રંથોમાં અચૂક નોંધ્યો છે. સ.ગુ. કૃષ્ણાનંદ સ્વામીએ એમનાં ગ્રંથ ‘ શ્રીહરિ ચરિત્રામૃતમ્‌ ‘ (અધ્યાય -૫૯) માં નોંધ્યું છે; ‘પછી સભા કરી સુખધામ, બેઠા સંત સભા મધ્યે ઘનશ્યામ . પછી બોલાવ્યા કવિને પોતે, સરવે સભાસદને જોતે. કાવ્ય સુણી નવા કવિ કેરી , હરિ રાજી થયા દ્રગ હેરી . નોતા કાવ્યમાં મળતા નામ, નવાં પાડ્યા પોતે સુખધામ . પછી પોતે કર્યા પરમાણ, આ તો કવિ છે સારા સુજાણ. દેવાનંદ ભૂમાનંદ દેખો, ધ્યનાનંદ દયાનંદ લેખો ,’ સંત કવિ દયાનંદ પણ પોતાના ગ્રંથ ‘શ્રીહરિ ચરિત્ર ચિંતામણિ‌’માં ( પાન નં ૧૨૮ ) નોંધતાં‌ લખે છે; “નવાં કવિનું કર્યું પ્રમાણ રે , દેવાનંદ ભૂમાનંદ સ્વામી રે” જે સભામાં શ્રીજીએ દેવાનંદને કવિ તરીકે સન્માનિત કરેલા એ મહાસભામાં શ્રીજી સન્મુખ દેવાનંદે પોતાનું સ્વરચિત કાવ્ય ગાતા અલાપેલું; “તેરી બોલની મધુરી માનું જાદુસે ભરી, મેરો જિયરા ફિરાયો , તોસે મન લલચાયો “

વિવેચન

આસ્વાદ ; હિન્દીના મધ્યકાલીન સગુણ ભક્તિ સાહિત્યમાં ‘અષ્ટછાપ’ કવિઓનું જે સ્થાન છે, એવું જ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ‘સંતકવિઓ’નું ગણી શકાય. એ સંતકવિઓની કવિતામાં ભક્તિ, સંગીત અને કાવ્યત્વની ત્રિવેણી પ્રવાહિત છે. આ ‘અષ્ટસખા’ સંતકવિઓમાં સ. ગુ. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી – ‘પ્રેમસખી’,નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી,મંજુકેશાનંદ તથા દયાનંદનો સમાવેશ થાય છે. ‘સ્વામી’ સંપ્રદાયના પ્રમુખ સંતકવિ સ.ગુ. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ પણ પોતાના ગુરુની જેમ પ્રમુખ તયા આત્મલક્ષી ઊર્મિપ્રધાન પદકવિ છે.તેથી જ એમનાં કવનમાં માહાત્મ્યજ્ઞાનેયુક્ત મધુર પ્રેમભક્તિની ભાવાત્મક અભિવ્યક્તિના ક્લાઉન્મેષો સહેજે ઝીલાયા છે. હૃદયની પ્રેમ પ્રોજ્જવળ ઊર્મિ ભાવાત્મક અભિવ્યક્તિ દ્વારા શબ્દદેહ પામે ત્યારે જ તે કમનીય કવિતાનું મનોહર રૂપ ધારે છે ! ‘તેરી બોલની મધુરી માનું જાદુસે ભરી’ જેવા મનમોહક ઉપાડ સાથે આરંભાતી પ્રસ્તુત પદાવલીમાં કવિ શ્રીજીની મધુરપભરી વાણીના મુક્તકંઠે વખાણ કરે છે. દેવાનંદનું કવિ માનસ પ્રેમભક્તિથી પ્લાવિત થયેલું છે. કવિએ ગોપીભાવે સહજાનંદજી પ્રત્યેની પ્રણયરસિક ઊર્મિનો તનમનાટ સમર્યાદપણે અભિવ્યક્ત કર્યો છે. સ્વેષ્ટ સહજાનંદ સ્વામીની લીલાને ગોપીભાવે જયારે સંપ્રદાયના સંતકવિઓ કાવ્યમાં કથિત કરે છે ત્યારે ઘડીભર તો કાવ્યરસીકને એમ લાગે કે શ્રી સ્વામિનારાયણ અને શ્રીકૃષ્ણ વચ્ચે કોઈ ભેદરેખા એ કવિઓ ભળતા હોય એમ લાગતું નથી. સહજાનંદ સ્વામી અને શ્રીકૃષ્ણને તેઓ અભેદ કલ્પે છે ! પરંતુ ખરેખર એમ નથી. એ સંતકવિઓને મન તો સ્વેષ્ટ સહજાનંદ જ સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ,પૂર્ણ પુરુષોતમ નારાયણ સર્વોપરી ભગવાન છે. પરંતુ એ વખતના દેશકાળ અનુસાર સર્વદેશીય ઉદ્દેશથી શ્રી સહજાનંદ સ્વામીના સૂચનથી ને આજ્ઞાથી જ એ સાધુ-કવિઓએ ‘પ્રગટની લીલા (સહજાનંદની લીલાઓ ) પરોક્ષના ( શ્રીકૃષ્ણના) કીર્તનમાં’ ગાવાની ચેષ્ટા કરી છે . આ હકીકતને સંપ્રદાયના ઘણા પ્રસંગો સાક્ષી પૂરે છે. એક વખત ગઢડામાં સભા કરીને શ્રીજીમહારાજ બિરાજ્યા હતા ને સંતો કીર્તન ગાતા હતા. થોડી વારે કીર્તન બંધ રખાવીને મહારાજે વાત કરી: “જયારે સભામાં શ્રીકૃષ્ણની લીલાના પદો ગવાય છે ત્યારે ગોપ- ગોપાંગનાઓ તથા ગોકુળ અને વૃંદાવન વગેરેના વર્ણન આવે છે, તેમજ શ્રીકૃષ્ણની લીલાની વાતો આવે છે ત્યારે સર્વનું મન તે સ્થળે જતું રહે છે; તેથી અમો એકલા સભામાં બેસી રહીએ છીએ તેવું લાગે છે. પણ કીર્તન બનાવનારે તો પ્રત્યક્ષ ભગવાન , પ્રત્યક્ષ સંતો, હરિભક્તો, ગઢડા . ઘેલા નદી , વડતાલ વગેરે સ્થળોના તથા જે તે સ્થળોએ કરેલા અમારાં લીલા ચરિત્રો કીર્તનમાં ગાયાં‌ છે, માટે પરોક્ષભાવ નહિ લાવતા પ્રત્યક્ષભાવ સમજાવો.’*( બ્રહ્મસંહિતા (પાનાં નં. ૩૦૭ )) દેવાનંદને શ્રી સહજાનંદ સ્વામીની મધુરી વાણી જાદુભરી લાગે છે. ભગવાનની વાણી તો અનાહત વાણી છે, પરાવાણી છે. કહે છે કે સ્વામી સહજાનંદજીની વાણીમાં એટલી બધી મીઠાશ હતી કે સાંભળનારના હૃદયમાં એ સોંસરી ઉતરી જતી. એમનો અવાજ પણ એટલો મધુર હતો કે તેમને બોલતા સંભાળનાર એની મધુરપને જિંદગીભર ભૂલી શકતા નહિ. કવીશ્વર દલપતરામે એમની આઠ વર્ષની ઉંમરમાં ગઢડામાં મહારાજને ફક્ત એટલું જ બોલતા સાંભળ્યા હતા ‘ભગુજી ! ઘોડીને પાવરો ચડાવજો ,” એટલા શબ્દો પણ કવીશ્વર એ વાતને સિત્તેર વર્ષ થઇ ગયાં તો ય ભૂલ્યા નહોતા, એમ તેમના પુત્ર મહાકવિ ન્હાનાલાલે પિતાની જીવનકથામાં નોંધ્યું છે. શ્રીમુખની વાણી સાંભળી દેવાનંદનું હૈયું હચમચી ઉઠે છે. એમનું મન શ્રીહરિની રૂપરસિકતા જોવા વારંવાર લલચાય છે, કવિ કહે છે ‘ બતિયાં સુનત મેરી છતિયા ઉલટ ગઈ.’ શ્રીજીની મધુર વાણીમાં એમની દિવ્ય અને પ્રભાવક વાતો સાંભળી કવિનું કાળજું કોરાઈ જાય છે, હૃદય પ્રેમપ્લાવિત થઇ જાય છે. પ્રભુની વાણી ચિત્તચોર છે, એ સાંભળી દેવાનંદને દેહભાન પણ રહેતું નથી. એટલે જ તો કવિ એ વાણીને ‘ જાદુસે ભરી ‘ કહે છે. કવિ સ્વેષ્ટ પ્રભુ પ્રત્યેના પોતાના ભાવ-સંવેદનો ગોપાંગનાંઓની પ્રેમ ચેષ્ટાઓ દ્વારા અભિવ્યક્ત કરે છે. ‘નયનકે બાને મારી હસીકે બોલાઇ નાથ, ભરનકું ભૂલી ગઈ જલગગરી .’ પરમાત્માના કૃપાકટાક્ષ જેના ઉપર પડે છે એ આત્મા , અજ્ઞાન ટળતા ને પ્રભુના સ્વરૂપમાં ધ્યાન મસ્ત બનતા , સંસારની મોહમાયાથી અલિપ્ત થઇ જાય છે . ‘ જલગગરી’ની જેમ પંચવિષય પ્રત્યેની આસક્તિ પછી તો પળવારમાં છૂટી જાય છે. શ્રીહરિના કૃપા કટાક્ષથી ઘેલા થયેલા સંતો મધુર ઉષાલંભ આપતા શ્રીહરિને કહે છે ; ‘પ્રભુ ખબર નથી પડતી ; આપે અમને શું કરી નાંખ્યું છે? આપના દર્શન કર્યા છે ત્યારથી અમે તો બાવરા થઇ ગયા છીએ. આપના પ્રત્યેના પ્રબળ પ્રેમાકર્ષણે‌ અમને પરવશ કરી નાખ્યા છે ! તેથીજસ્તો પ્રભુ , અમે સઘળું તજીને તમારી પાછળ ફરીએ છીએ ! ‘ શ્રીજી મહારાજની પાછળ હજારો સંત- સાધુઓ ઘરબાર , સંસાર સર્વ છોડીને ફરતા હતા, તે કાઈ અમસ્તા થોડા ફરતા’તાં ? મહારાજની મોહિની એવી હતી કે જે વ્યક્તિ એક વાર એમની મોહક નજરોનો ભોગ બની જતી એ પછી હંમેશ માટે એમની જ થઇ જતી. કવિએ પોતાના પ્રેમી- હ્રદયને મુખરિત કરી પ્રણયાનુકૂળ વાતાવરણ સર્જીને ઉપાલંભ આક્રોશ, હર્ષ, ઈત્યાદિ મનોભાવોને સહજ રીતે આત્માનુભૂતિથી ઘૂંટી ઘૂંટીને અહીં અભિવ્યકત કર્યો છે. વ્રજ-હિન્દી ભાષા પર તેમજ પ્રાસ, લય આદિ પરની કવિની પ્રભુતા પણ અહીં‌ સ્પષ્ટ જોવા મળે છે. કાવ્યમાં પ્રાસાદિકતા નખશિખ પ્રસરી રહે છે. પદ સુગેય છે. સહેજે ય સાચા કાવ્યરસિકને આકર્ષે એવી પ્રસ્તુત પદાવાલીમાં દેવાનંદ સ્વામીનું કવિત્વ સોળે કળાએ ખીલી ઉઠે છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી