કે’દિ આવશે ગોકુલ કાનરે ઓધવ અલબેલો, ૧/૧

કે'દિ આવશે ગોકુલ કાનરે ઓધવ અલબેલો,
અમને દેવા દરશન દાનરે, રંગડાનો રેલો,
ઓધવ અમને એ સંગરે, લાગી પૂરણ પ્રીત,
દરશ પરસ વિના દુઃખીયાં મેલી મથુરામાં મીતરે....              ઓધ....
ચૈતર માસે રે ચોર્યાં ચિત્ત ચૈતર માસે રે,
ચૈતર માસે ચોરીયું ચિત્ત કરી કરી હાસ,
પ્રાણ સનેહી પ્રીતમેં, અમને આવ્યાની દીઘલ આશરે.             ઓધ ૧
વૈશાખે માસે રે વાયુ ઘણો વૈશાખ માસે રે,
વૈશાખે વાયુ ઘણો રે, વરસે ગ્રીષ્મ કાળ,
કેમ નાવ્યા હરિ કૃષ્ણજી, ગુણ સાગર છેલ ગોપાળ રે.            ઓધ ર
જેઠે જાસું રે ઓધા અમે જેઠે જાસું રે,
જેઠે જાસું જુવતી રે, મથુરા મોહન પાસ,
સેવામાં ઘનશામની રે શું દામ વિના થઇ દાસ રે.                      ઓધ ૩
અસાડે અમને ઓધવજી, અસાડે અમને રે,
અસાડે અમને ગયા રે મેલી મોહન માવ,
વરસા રીતુ વીલમી રયા, કરી કુબજ્યામાં અતિ ભાવ રે.          ઓધ ૪
શ્રાવણે સૌને રે થયો, ઓધા શ્રાવણે સૌને રે,
શ્રાવણે સૌને થયો રે અંતરમાં અતિ તાપ,
મેઘ ગરજ સુણી મોરલા, ઉર વ્યાકુલ કરત વિલાપ રે.           ઓધ પ
ભાદરવામાં ભેટવા રે, ભેટ્યા સારું ભાદરવામાં રે,
ભાદરવામાં ભેટવા રે, મન મારું અકુલાય,
ઘોર અંધારી રાતડી, તેમાં ગાજવીજ ઘણી થાય રે.               ઓધ ૬
આસો માસે રે ઓધા અમે આસો માસે રે,
આસો માસે એકલા રે, રસિયા વિના ન રે'વાય,
કમલ ફુલ્યા રીતુ શરદના, જોઇ વિરહનિશિ સ કુચાય રે.         ઓ ૭
કારતીક માસે કાને વાઇ કારતીક માસે રે,
કારતીક માસે કાનજી રે વાણી વેણ રસાલ,
ચિત્ત ચોર્યા વ્રજનાર્યના, ભૂલી ભામની તન સંભાલ રે.            ઓધ ૮
માગશિર માસે રે મેલી ગયા માગશિર માસે રે,
માગશિર માસે મેલી ગયા રે, આવી રત હેમંત,
કાન સંદેશો ન કાવીયો, નાવ્યા ગિરધરજી ગુણવંત રે.            ઓધ ૯
પોષ માસે રે પ્રીત કરી કરી પોષ માસે રે,
પોષ માસે પ્રીતડી રે કીધી નંદકુમાર,
શશિર રીતુમાં શામળે, હસી બોલાવ્યાં બહુવાર રે.                   ઓધ ૧૦
મહા મૈનામાં રે માવો નાવ્યા મહા મૈનામાં રે,
મહા મૈનામાં માવજી રે નાવ્યાં નવલ કિશોર,
વસંત વધાવા પંચમી, ઇ છે ભામનીયું નિશ ભોર રે.              ઓધ ૧૧
ફાગણ માસે રે ફુલ્યા વન ફાગણ માસે રે,
ફાગણ માસે ફૂલીયાં રે, જાણું આવે જદુરાય,
હોરી રમીશું હેતમાં રે, ભેટી તનમાં તાપ બુઝાય રે.               ઓધ ૧ર
અધિક માસે રે આપ્યું વાલે, અધિક માસે રે,
અધિક માસે આપીયું રે, દુર્લભ દરશન દાન,
હરિ કૃષ્ણ અતિ હેતમાં, મુને ભેટ્યા આવી ભગવાન રે.            ઓ ૧૩
માસ અલૌકિક રે બારે થયા, માસ અલૌકિક રે,
માસ અલૌકિક બારને રે, જે શીખે સુણે ગાય,
દેવાનંદ કહે જીવના, કોટિ જન્મ મરણ દુઃખ જાય રે.             ઓધ ૧૪

મૂળ પદ

કે’દિ આવશે ગોકુલ કાનરે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી