મેલ્યાં એકલડાં અલબેલ કેમ રેવાશે રે,..૪/૪

મેલ્યાં એકલડાં અલબેલ, કેમ રેવાશે રે,
છોગાં વાલા મનોહર છેલ, શી ગત્ય થાશે રે. ૧
અમને સુનો લાગે સંસાર, કેમ રેવાશે રે,
પિયા તમ વિના પ્રાણ આધાર, શી ગત્ય થાશે રે. ર
ભાસે અમને આ સર્વે મસાણ કેમ રેવારે રે,
જુવો તમ વિના જીવન પ્રાણ, શી ગત્ય થાશે રે. ૩
માવા મંદિર ખાવા ધાય, કેમ રેવાશે રે,
પૂર્ણાનંદ કે પ્રાણ ન જાય, શી ગત્ય થાશે રે. ૪

મૂળ પદ

આવું ઓચિન્તુ એક સાથ

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ઉત્પત્તિ

“ ગઢવી ! તમે માનો કે નાં માનો પણ આ કલિકાળમાં ય ભગવાન પ્રગટે છે હો !! “ “અજો પટેલ , એમ વાતોના વડાં‌ કરવા રે’વા દો બાપલા ! અમે રહ્યા ચારણ ભાટ ..... એમ લોલમ્‌ લોક ન માનીએ હો ! “ “ભલે ... એમ સાંભળીને ન માનો, પણ આંખે જોઇને તો માનશો ને? અટાણે સહજાનંદ સ્વામી સંતો સાથે મેમકા પધાર્યા છે . હાલો મારી ભેળા ને નજરે નિહાળી લો એ પ્રગટ પરમાત્માને ! “ સંવત ૧૮૬૦માં શ્રીજીમહારાજ લીમલી ગામના મૂળજી શેઠ તથા મુક્તાનંદ સ્વામી આદિ સંતો સાથે મેમકા પધાર્યા હતા, ત્યારે મેં‌થાણના અજો પટેલ પોતાના મિત્ર ગજાદાન ગઢવી સાથે મેમકા આવ્યા.*( સદ્‌ગુરુ નિર્ગુણદાસ સ્વામીની વાતો (વાત નં. ૯)) ગઢવીએ માથે આંટાવળી સોનેરી પાઘડી અને અંગે રજવાડી પોષક પહેર્યો હતો. બંને મિત્રો મેમકા પહોંચ્યા ત્યારે મહારાજ મેમકાની નદીમાં કૂવો છે ત્યાં નહાવા પધાર્યા હતા. ગઢવીને મહારાજને મળવાની આતુરતા ઘણી હતી. તેથી તેઓ નદીએ ગયા. મહારાજ એ વખતે દિશાએ જઈને આવતા હતા ત્યાં રસ્તામાં અજોભાઈ ને ગજા ગઢવીને મહાજનનાં દર્શન થયા. મહારાજની મોહક ચાલ જોઇને ગજા ગઢવીનું હૈયું હરખી ઊઠ્યું . ચિત્ત ચોરની ચટકતી ચાલે એ ચરણના ચિત્તને ચોરી લીધું. એમનાં અંતરમાં પ્રકાશ થયો; આવી ચાલ કોઈ મનુષ્યની ક્યારેય ન હોઈ શકે. નક્કી આ ભગવાન છે. એમનું ઊઠ્યું: “ચિતડું રે ચોર્યું છે ચટકતી ચાલમાં રે ....” મહારાજ કૂવા પાસે આવ્યા અને ત્યાં હાથ ધોઈ સ્નાન કરવા બેઠા. ત્યાં તો મૂળજી શેઠે ગજા ગઢવીની ઓળખાણ આપતા મહારાજને કહ્યું : “ મહારાજ ! અજો પટેલ સાથે આ ગઢવી આપના દર્શને આવ્યા છે.” મહારાજે ગઢવી તરફ એક દ્રષ્ટિ ફેંકી પૂછ્‌યું‌: “ ક્યાં રહેવું ?” “વિરમગામ પાસેના હેબતપુર ગામે .....” ગઢવીએ હાથ જોડી જવાબ આપ્યો. “તમારું નામ ?“ મહારાજે ફરી પૂછ્‌યું‌. “ગજાદાન દાદાભાઈ ગઢવી....” આટલું કહી ગઢવીએ ગદ્‌ગદ કંઠે મહારાજને પ્રાર્થના કરતા કહ્યું: “મહારાજ ! આ દાસના હૈયે હડેડાટ કરતો આપના ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો છે .... પ્રભુ ! કૃપા કરીને મને આપના આશ્રિત તરીકે સ્વીકારો .... નાથ ! “ ગઢવીનાં બને નેત્રો નીતરી રહ્યાં હતા. મહારાજે સ્નાન કરતા કરતા જ ગઢવીને વર્તમાન ધરાવી સત્સંગી કર્યા. ગજા ગઢવી ‘ટાપરિયા’ શાખના ચારણ હતા. તેઓ ધ્રાંગધ્રા રાજ્યના દશોંદી હતા. બાલ્યકાળથી જ ગજાદાનમાં જન્મજાત કવિત્વ શક્તિ તથા સંગીત પ્રત્યેની અદમ્ય અભિરૂચી હતા. ધ્રાંગધ્રાના રાજા રણમલસિંહજીએ ગજાદાનને એમની કિશોર અવસ્થામાં ઠેઠ ભૂજ પિંગળનો અભ્યાસ કરવા માટે મોકલ્યા હતા. પરિણામે યૌવનની ઓસરીમાં પેસતા જ ગજા ગઢવી એક સિદ્ધહસ્ત શીઘ્ર કવિ બની ચૂક્યા હતા. તેઓ માત્ર કવિ જ નહિ, ઉત્તમ ગાયક પણ હતા. મેમકાની ધરતી પર નવયુવાન ગજાને મહારાજની માધુરી મૂરતનો છંદ લાગ્યો. એમનું કવિ હૃદય અહોનિશ ગાયા કરતું : “બતીયા સુનાત સમ રામ ઘનશ્યામ તુમ્હારી, હાંરે પિયા મોહ લાગત મેરી મતિયામેં રે....” અને એક દિવસ એ શૂરવીર ભાટે ભરયુવાનીમાં ઘરબાર , સુખસંપત્તિ , ગામગરાસ, માનમોભો સંધુય ચટક રંગીલી ચાલવાળા છોગાળા છેલ ઉપર ન્યોછાવર કરી ભગવી કંથા ધારણ કરી. એ ટાણે એમનાં અંતરમાં થતા પૂર્ણ આનંદના આવિષ્કારને જોઇને શ્રીહરિએ એમનું ત્યાગાશ્રમનું નામ ‘પૂર્ણાનંદ સ્વામી’ રાખ્યું સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં પૂર્ણાનંદ નામે ચાર સંતોનો ઉલ્લેખ છે. સંત કવિ મંજુકેશાનંદ ‘નંદમાલા’ માં નોંધે છે: પૂર્ણાનંદ મહંત પુનિત, જેને શ્રીહરિમાં બહુ પ્રીત , પૂર્ણાનંદ બીજા બેઉ , એક ત્યાગી ધ્યાનિ બીજા તેઉં .” ઉપરોક્ત ત્રણ સિવાય એક પૂર્ણાનંદ નામે સન્યાસી સંત થઈ ગયા. કવિ અને ગવૈયા પૂર્ણાનંદ સ્વામીની ઓળખ અહીં મંજુકેશાનંદ સ્વામીએ જેને શ્રીહરિમાં બહુ પ્રીત છે એવા પુનિત મહંત તરીકે આપી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ પંક્તિના નંદ સંતો શ્રીહરિની વિવિધ પ્રકારે કેવી સેવા કરતા તેનું વિવરણ કરે છે તેમાં પૂર્ણાનંદ સ્વામીનો ઉલ્લેખ આ પ્રમાણે થાય છે: “પૂર્ણાનંદ નામના કવિ પ્રાકૃત પ્રબંધો રચતા હતા.”૧(સત્સંગીજીવન (તૃતીય પ્રકરણ/ દ્વિતીય અધ્યાય )) સંપ્રદાયના અદ્વિતીય ભક્તિગ્રંથ ‘સત્સંગિ‌ભૂ‌ષણ’માં સદ્‌ગુરુ વાસુદેવાનંદ બ્રહ્મચારી લખે છે. ‘એક વાર શ્રીહરિએ મુક્તાનંદાદિ સંતોના પૂર્વજન્મનાં નામો કહેલા તેમાં સદ્‌ગુરુ પૂર્ણાનંદ સ્વામીનું નામ પ્રિયવ્રત આપ્યું હતું.’ ૨(સત્સંગીભૂષણ ( તૃતીય અંશ / અધ્યાય ૪૧ ).) સત્સંગિ‌ભૂષણમાં એક ઉલ્લેખ એવો પણ છે કે મહારાજને હંમેશાં‌ ચંદન ચર્ચવાની સેવા પૂર્ણાનંદ મુનિ કરતા હતા. એક વાર ગઢપુરમાં શ્રીજીમહારાજ દાદા ખાચરના દરબારમાં આથમણા બાર ઓરડામાં બેઠા હતા. મહારાજે ઓરડાને દરવાજે આડો પડદો બંધાવ્યો હતો અને પાર્ષદોને આજ્ઞા કરી હતી કે મારી રજા સિવાય કોઈને અંદર આવવા ન દેવા. એવામાં સદ્‌ગુરુ પૂર્ણાનંદ સ્વામી ઝાલાવાડ દેશથી ફરતા ફરતા મહારાજના દર્શને ગઢપુર આવ્યા. ઘણા સમયથી શ્રીહરિના દર્શન થયાં નહોતાં તેથી પ્રેમી કવિ હૈયામાં દર્શનની ઉત્કટ પ્યાસ જાગી હતી. વિરહની અકથ્ય વેદનાને વેંઢા‌રતા સ્વામી શ્રીજીના દર્શને ગયા ત્યારે પાર્ષદોએ મહારાજની આજ્ઞા પમાણે અંદર જવાની નાં પાડી. સ્વામીના ઉદ્વેગનો પાર ન રહ્યો. તેઓ સિતાર લઈ દરવાજા બહાર ત્યાં જ બેસી ગયા અને તેમના અંતરમાં ધરબાયેલી વિરહ વિભાવના પરજ રાગમાં સંગીતના સૂરો સાથે રેલાવા લાગી: “તારા વિરહને બાણે વિંધા‌ણી, જાણી રે મુને માર્યા હરિજી આવી અચાનક ઊરમાં જો મુજને તાકીને ચોડેલ તાણી છાતલડીમાં છેદ કર્યા તમે, મુજ પર મેર્ય ન આણી.......” સ્વામીનો આર્તનાદ સાંભળી શ્રીહરિ સ્વયં ઓરડાની બહાર દોડી આવ્યા અને પ્રેમીભક્ત પૂર્ણાનંદ સામીને પ્રેમપૂર્વક ભેટી પડ્યા.*( શ્રી સ્વામિનારાયણ સંહિતા (ચિંતામણિ‌ : ૯૦)) સ્વામીશ્રીનો કંઠ ઘણો જ સુંદર હતો. સં. ૧૮૭૪માં શ્રીહરિ ધરમપુર પધાર્યા ત્યારે પૂર્ણાનંદ સ્વામી પણ એમનાં સંતમંડળમાં સાથે હતા . રાજમાતા કુશળકુંવરબાના દરબારમાં શ્રીહરિની આજ્ઞાથી મુક્ત મુનિ , પ્રેમસખી , દેવાનંદ સ્વામી ઇત્યાદિ સંગીતજ્ઞ સંતો સાથે પૂર્ણાનંદ સ્વામીએ પણ પોતાના કીર્તનો રજૂ કાર્ય હતાં. એક વાર શ્રીજીમહારાજ લીંબડી પધાર્યા હતા. મહારાજ સાથેના સંતમંડળમાં પૂર્ણાનંદ સ્વામી પણ હતા. સ્વામીને એ વખતે ગળામાં અસહયો દુ:ખાવો થતો હતો. મહારાજે લીંબડીના વૈદ્યને બોલાવી ઉપાય પૂછ્‌યો . વૈદ્યરાજે કહ્યું: “ગાયના ઘીના કોગળા કરાવો તો સ્વામીને સારું થાય.” મહારાજે આજ્ઞા કરી કે સ્વામીને કોગળા કરવા માટે દરરોજ સાત શેર ગાયનું ઘી આપવું . એક મહિનો ઘીના કોગળા કરવાથી સ્વામીને ગળામાં સારું થઈ ગયું. સં. ૧૮૮૨ની સાલમાં એક વાર શ્રીજીમહારાજ અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવના મંદિરની આગળ પાટ ઉપર ગાદી-તકિયા બિછાવીને બિરાજમાન થયા હતા. મહારાજે એ વખતે મસ્તકે છોગાવાળી કસુંબી રંગની નવલ પેચાળી પાઘ બાંધી હતી . પાઘમાં ગુલાબના સુગંધિત તોરા ઝૂકી રહ્યા હતા. શ્રીહરિના ગળામાં ગુલાબના સૂકુસુમિત હાર તથા કાન ઉપર ગુલાબના સુવાસિત ગુચ્છ શોભી રહ્યા હતા. મહારાજના મુખારવિંદ આગળ સંતો તથા દેશદેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. સંતોના એ મંડળમાં મોખરે સદ્‌ગુરુ પૂર્ણાનંદ સ્વામી બેઠા હતા. એ વખતે એમણે મહારાજની પાઘના છોગામાંથી પ્રકાશની સેરો ઊંચે આકાશ તરફ ઊડતી નિહાળી. મહારાજે સભામાં આજ્ઞા કરી કે, સંતો ! કીર્તન ગાઓ . તરત જ પૂર્ણાનંદ સ્વામીએ પરજ રાગમાં પોતાના એ અલૌકિક અનુભવને વ્યક્ત કરતા ગાયું : “છોગલિયું તારું છેલ રે, છોગલિયું તારું છેલ રે, રૂડું રસીલું શોભતું પિયા પ્રેમી રે જનને પ્યારું, પૂર્ણાનંદ કહે છોગલે મોહ્યું છે મનડું મારું રે ....” આ કીર્તન સાંભળી શ્રીજીમહારાજ પૂર્ણાનંદ સ્વામી ઉપર અતિ પ્રસન્ન થયા ને વર આપતા કહ્યું: ‘પૂર્ણાનંદ ! તમોને અંતકાળે આ છોગાવાળો જ તેડવા આવશે .” સદ્‌ગુરુ પૂર્ણાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના મંડળના સાધુ હતા. મહાકવિ ન્હાનાલાલ એમનાં પુસ્તક ‘કવિશ્વર દલપતરામ’ (ભાગ: ૧)માં લખે છે : “મૂળીમાં બ્રહ્માનંદ સ��વામીના મંડળમાં બે પ્રધાન ને પ્રતાપી શિષ્યો હતા. એક જાજ્વલ્યમાન્‌ પૂર્ણાનંદ સ્વામી અને બીજા નિર્માની દેવાનંદ સ્વામી. દેવાનંદ સ્વામીના શિષ્ય દલપતરામ કહે છે કે પૂર્ણાનંદ સ્વામી પ્રતાપી પુરુષ હતા. સં. ૧૮૮૪ની સાલમાં મહારાજે કરમડમાં અન્નકૂટ મહોત્સવ ઊજવ્યો હતો. કરમડથી નીકળી શ્રીહરિ શિયાણી થઈને દેવાળિયા આવ્યા. દેવળિયા અને તાવી ગામ વચ્ચેના રસ્તે એક ડોળી નામની તલાવડી આવી. મહારાજે ત્યાં વતું કરાવી તલાવડીમાં સ્નાન કર્યું અને પછી તળાવને તીરે સંતોની સભા ભરીને બેઠા. એવામાં ત્યાં પૂર્ણાનંદ સ્વામી અને નિ‌ર્વિકારાનંદ સ્વામી આવ્યા . પોતે સદ્‌ગુરુ હોવાથી પોતાને યોગ્ય આગળ સ્થાન ખાલી ન દેખાતા તે બને મુનિઓ મૂક વદને પાછળ ઊભા રહ્યા. મહારાજે એ બનેને પાછળ ઊભેલા જોઈ સભામાં કહ્યું: ‘સંતો, તમે માનની સાક્ષાત્‌ મૂર્તિઓ જોઈ છે? નાં જોઈ હોય તો જુઓ આ પાછળ ઊભા એ બે મુનિઓ માનની સાક્ષાત્‌ છે.’ એમ કહી મહારાજે માનનું ખંડન કરતા આગળ કહ્યું: ‘ ઘણા દુઃખની વાત છે કે જેમણે માન મૂકવું જોઈએ એ સંતો આજે માન માગી રહ્યા છે. કામ , ક્રોધ ઇત્યાદિ દોષો તો કોઈ વખત પણ જીતાય પણ માન તો ક્યારેય જીતાય એમ નથી. માની હોય તે સત્સંગમાં નભી શકે નહિ, એ જયારે ત્યારે પણ વિમુખ થાય જ !’ *( હારી લીલામૃતમ્‌ (કાળાશ ૮ ‘ વિશ્રામ ૫૫ )) સં. ૧૮૮૬ના જેઠ સુદ ૧૦ ને દિવસે શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા . મહારાજના પાર્થિવ દેહનો લક્ષ્મીવાડીએ અગ્નિસંસ્કાર કરીને મોટા ભાગના સંત હરિભક્તો નાહીધોઈને મંદિરે ગયા. પરંતુ પૂર્ણાનંદ સ્વામી એમનાં મંડળ સાથે રાત્રે વાડીમાં જ રહ્યા. એ શોકના સંતાપથી ભરેલી કાજળ કાળી રાત્રિએ મહારાજની ચિતા પાસે બેસીને સ્વામીએ વિરહાકુળ સજળ નેત્રે અને હૃદય વિદારક રૂદન સાથે ગાવા માંડયું: “મેલ્યા એકલડા અલબેલ , કેમ રેવાશે રે, છોગાં વાલા મનોહર છેલ, શી ગત્ય થાશે રે. ......,,, ભાસે અમને આ સર્વે મસાણ કેમ રેવાશે રે , જુઓ તમ વિના જીવન પ્રાણ , શિ ગત્ય થશે રે,” અધરાતે ચિતામાંથી પ્રગટી મહારાજે દર્શન દીધા અને કહ્યું: ‘પૂર્ણાનંદ ! તમે પણ મને મૂવો સમજો છો ? હું તો સદા પ્રગટ અખંડ અવિનાશી પરમાત્મા છું. તમારો અતિ વિરહ જોઇને મેં તમને દર્શન દીધા છે. જેમ આ ચિતાનો અગ્નિ મને તેમ જ મારા વસ્ત્રોને સ્પર્શ કરવા શક્તિમાન નથી એમ તમને પણ આ જગની માયા બાધ નહિ કરે એવા મારા આશિષ છે.” આટલું કહી મહારાજ અંતર્ધ્યાન થઇ ગયા.

વિવેચન

આસ્વાદ : શ્રીજીમહારાજ સ્વધામ પધારતા એમનાં વિયોગે વિરહાગ્નિ‌થી વ્યથિત પ્રેમી ભક્ત હૃદય અંતરવ્યથાને અહીં વાચા આપવામાં આવી છે. વિરહની ઉત્કટ અવસ્થામાં કવિ અંતરની અટારીએ અસહ્ય એકાંત અનુભવે છે. ‘કેમ રેવાશે રે’ અને ‘શી ગત્ય થશે રે ‘ એ બે શબ્દપ્રયોગો દ્વારા કવિ પોતાની હૃદય વિદારક અંતરવ્યથાને બહુ ચોટદાર રીતે વ્યક્ત કરે છે. વિરહની આ ભાવાત્મક અવસ્થામાં પૂર્ણાનંદ સ્વામી પ્રભુના છોગાવાળા છેલ છબીલા મનોહર સ્વરૂપમાં તન્મય બને છે. પરમાત્માના પ્રત્યક્ષ સંબંધ વિનાનો સમગ્ર સંસાર કવિને સુણો અને સ્મશાનવત્‌ લાગે છે. પ્રભુ તો જીવનનો આધાર છે. જીવનનો પ્રાણ છે! કવિની વિરહ વ્યથા હવે એની ચરમ સીમાએ પહોંચે છે. મંદિર એટલે પરમાત્માનું નિવાસસ્થાન, પરંતુ એમાં ઠાકોરજી જ ન હોય તો ? શ્રીજીના સાન્નિધ્ય વિના કવિને મંદિરનો માહોલ પણ ભેંકાર લાગે છે. એ છોગવાળા છેલના દર્શનની ઉત્કટ આશામાં કવિના પ્રાણ અટક્યા છે. પ્રેમલક્ષણા ભક્તિનો પ્રાણ શૃંગાર રસ છે! સંયોગ અને વિયોગ એ શૃંગારની બે પ્રેરક અવસ્થાઓ છે. પ્રિયતમના સંયોગે પાંગરતો પ્રેમ તેના વિયોગે વૃદ્ધિ પામે છે. પ્રભુના વિયોગે એમની ઉત્કટ યાદમાં વિશેષ પ્રકારનું આંતરિક એકાંત ભોગવવું એને જ વિરહ કહે છે. વિરહમાં મનની એક ભાવાત્મક સ્થિતિ બને છે. એ સ્થિતિમાં મન પ્રિયતમ પ્રભુના અંતરસ્થ સ્વરૂપમાં વધુ ને વધુ રસલીન બને છે. પરિણામે વિરહના વિષાદને સ્થાને અંતરમાં પરમાત્મા પ્રત્યેના પ્રગાઢ પ્રેમનો આનાદાત્મક અનુભવ થાય છે. આ આનંદની તન્મય અવસ્થામાં ભક્ત અને ભગવાન વચ્ચે દિવ્ય અનુસંઘાન થાય છે જેને વિપ્રયોગ કહેવામાં આવે છે. ભક્તિની પરાકાષ્ઠા તેમ જ ધ્યાનની નિગૂઢ અવસ્થાને અંતે આવતી આ અવસ્થામાં વધુ ને વધુ મગ્ન બનતા ભક્ત પરમાત્માનો દિવ્ય કૃપાપ્રસાદ પામી એમનાં પરમ સધાર્મ્યપણાને પામે છે! ગુજરાતી સાહિત્યમાં એમ કહેવાય છે કે ગરબી તો દયારામની જ અને છંદો તો બ્રહ્માનંદ સ્વામીના જ ! એ જ રીતે પરજ રાગ માટે એમ કહી શકાય કે પરજ રાગ તો પૂર્ણાનંદ સ્વામીનો જ ! સ્વામીએ પરજ રાગમાં અસંખ્ય કાવ્યો રચ્યા છે. આ રાગ બહુ જ લંબાવીને ગાવાનો હોય છે અને ભાટ ચારણો તેમની શૈલીમાં એ બહુ સારી રીતે ગાઈ શકે છે. પૂર્ણાનંદ સ્વામીના કંઠે પરજ રાગમાં કીર્તન સાંભળવા એ એક લ્હાવો ગણાતો ...

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી