હરિ મિલે બોરસડી કી છૈયાં, મેં જ્યું ગઈતી જલ ભરને કું ૧/૪

હરિ મિલે બોરસડી કી છૈયાં...ટેક.
મેં જ્યું ગઈતી જલ ભરને કું, હસી બોલાઈ મોરી સૈયાં...હરિ૦ ૧
શ્વેત પાઘ શિર સોહત સુંદર, ફૂલ તોરા લટકૈયાં...હરિ૦ ૨
કેસર તિલક ભાલ બીચ નીરખી, લપકી લપકી પરી પૈયાં...હરિ૦ ૩
અવધપ્રસાદ કે મન હર લીનો, સહજાનંદ સુખ દૈયાં...હરિ૦ ૪
 

મૂળ પદ

હરિ મિલે બોરસડી કી છૈયાં

મળતા રાગ

ઠુમરી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ઉત્પત્તિ

ધર્મ ધુરંધર આચાર્યશ્રી અયોઘ્‍યાપ્રસાદજી મહારાજનો જન્‍મ સં. ૧૮૬પમાં જેઠ સુદ એકાદશીના સપરમા દિવસે ધર્મકુળમાં શ્રીજીમહારાજના જયેષ્ઠબંધુ શ્રી રામપ્રતાપભાઈના ધર્મપત્‍ની સુવાસિનીબાઈની કૂખે થયો હતો. તેઓ સ્‍વામિનારાયણ સંપ્રદાયના અમદાવાદ દેશના નરનારાયણ દેવની ગાદીના આચાર્યપદે આરૂઢ થયા ત્‍યારે તેમની ઉંમર માત્ર અઢાર વરસની હતી. અમદાવાદ દેશના પીઠાધિપતિ બન્‍યા પછી આચાર્યશ્રી અયોઘ્‍યાપ્રસાદજીએ શ્રીજીમહારાજની કૃપાપૂર્ણ નિશ્રામાં સતત દશ વરસ સુધી રહીને આચાર્ય પદની ગરિમાને અનુરૂપ અંગત તેમ જ જાહેર જીવન અંગેની યથોચિત તાલીમ લીધી અને એ દરમ્‍યાન શિક્ષાપત્રી પ્રસ્‍થાપિત વ્‍યકિતગત ધર્મો તેમ જ વચનામૃત પ્રબોધિત તત્‍વજ્ઞાને સાંગોપાંત આત્‍મસાત કરી ઉચ્‍ચ આઘ્‍યાત્‍મિક સ્‍થિતિ પ્રાપ્‍ત કરી. આચાર્યપદે બેતાલીસ વરસ સુધી રહી તેઓએ સંપ્રદાયના પ્રાણરૂપ દેવમંદિરો, સત્‍શાસ્‍ત્રો અને ત્‍યાગીગૃહી સર્વે આશ્રિત સત્સંગીઓ- એ સર્વેના યોગક્ષેમનું યથાયોગ્‍ય વહન કરીને સત્‍સંગવાટિકાને નવપલ્‍લવિત રાખી હતી. આચાર્યના અપાર વૈભવ અને બેસુમાર જાહોજલાલી વચ્‍ચે પણ તેઓએ શ્રીહરિની મૂર્તિમાં મગ્ન થઈને ઘ્‍યાન કરવાનું પોતાનું આગવું અંગ અવિચળ યોગીની જેમ આજીવન યથાવત રાખ્‍યું હતું. કહેવાય છે કે તેઓ જાગૃત, સ્‍વપ્‍ન અને સુષુપ્‍તિ એ ત્રણેય અવસ્‍થામાં મહારાજની મૂર્તિ અખંડ દેખતા હતા. સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર માટે મહારાજશ્રી સત્‍સંગમાં સતત વિચરણ કર્યા કરતા.‍ એકવાર ફરતા ફરતા તેઓ ગામડી ગામે પધાર્યા હતા. ત્‍યાંના પ્રેમી હરિભકતોએ મહારાજશ્રી અને સંતો માટે દૂધપાક અને માલપુડાની રસોઈ અત્‍યંત ભાવપૂર્વક તૈયાર કરાવી, ઠાકોરજીને થાળ ધરાવી આચાર્ય મહારાજને જમવા બેસાડયા. પરંતુ સંજોગવસાત એવું બનેલું કે રસોઈયાએ દૂધપાકમાં ભૂલથી સાકારને બદલે નમક નાંખી લીધેલું પરિણામે દૂધપાક સ્‍વાદમાં ખારો ઝેર જેવો થઈ ગયેલો. પરંતુ આ વાતની કોઈને ખબર નહોતી. સ્‍થિતપ્રજ્ઞ મહારાજશ્રી તો ઠાકોરજીનો પ્રસાદ આદરપૂર્વક આરોગી ગયા. જમી લીધા પછી તેમણે રસોઈયાને એકાંતમાં બોલાવીને ભલામણ કરી કે દૂધપાક ખારો હોવાથી સંતોને ભોજનમાં એ ના પીરસશો. આચાર્યશ્રી અયોઘ્‍યાપ્રસાદજી મહારાજની ઉત્કૃષ્ટ આત્‍મનિષ્ઠાનો પુનિત પરિચય આ પ્રસંગ ઉપરથી સમગ્ર સંપ્રદાયને સુપેરે થઈ ગયો. અનાદિ મુકતરાજ અબજીબાપાશ્રી એમની વાતોમાં મુમુક્ષુમાં આત્‍મનિષ્ઠા કેવી હોવી જોઈએ તે સમજાવવા માટે આચાર્યશ્રીના આ પ્રસંગનું દ્રષ્‍ટાંત હંમેશા આપતા હતા. આવો જ એક બીજો પ્રસંગ પણ એમની ઉચ્‍ચ સ્‍થિતપ્રજ્ઞ સ્‍થિતિનો ઘોતક છે. એકવાર મહારાજશ્રી માનસીપૂજામાં ઘ્‍યાનસ્‍થ હતા ત્‍યારે તેમણે ઓઢેલી શાલમાં એક વીંછી ઘૂસી જઈ તેમના બરડામાં બે ચાર જગ્‍યાએ કરડી ગયો. છતાં પણ મહારાજશ્રી તો જરા પણ વિચલિત થયા વિના સ્‍વસ્‍થ ચિત્તે ઘ્‍યાનમાં લીન રહ્યાં. પૂજામાંથી ઉઠયા પછી તેમણે પોતાના પાર્ષદને પૂછયું: 'જુઓ તો આ શાલમાં શું છે?' હજુરી સેવકે જોયું તો શાલમાંથી વીંછી નીકળ્‍યો. વીંછીના ડંખની અસહ્ય વેદના વચ્‍ચે પણ સ્‍વસ્‍થ ચિત્તે એક આત્‍મનિષ્ઠ યોગી જ ઘ્‍યાનમગ્ન રહી શકે છે. શ્રીજીમહારાજની પ્રત્‍યક્ષ પ્રેરણાથી તેમણે શ્રીહરિના જન્‍મસ્‍થાન છપૈયામાં અઢળક દ્રવ્‍ય ખર્ચી‍ને ત્રણ શિખરનું મનોહર મંદિર બંધાવ્‍યું હતું, તેમ જ નારાયણ સરોવરનો ઘાટ બંધાવ્‍યો હતો. ધર્મપિતાના વતન રૈકહટ ગામમાં અવધેશ્વર મહાદેવ પધારાવી તે પ્રસંગે ભૂદેવોને જમાડી તૃપ્ત કર્યા હતા. આ સિવાય શ્રીજીમહારાજના સંકલ્‍પ પ્રમાણે મૂળી, જેતપુર, સિદ્ધપુર, માણસા, ઈડર, પ્રાંતિજ, માંડવી અને ભુજ મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિમા પધરાવી હતી. આચાર્યશ્રી અયોઘ્‍યાપ્રસાદજી મહારાજ પોતે એક બહુમુખી પ્રતિભાસંપન્‍ન ધર્માંચાર્ય હતા. તેઓએ સંસ્કૃત વાઙમયમાં સર્વ‍ શાસ્‍ત્રોનો તલસ્પર્શી અભ્‍યાસ કર્યો હતો. છતાં પણ જ્ઞાનનો અણુમાત્ર ભાર પણ એમના વ્‍યકિતત્‍વમાં વર્તાતો નહોતો. તેઓ વ્રજ અને અવધિ ભાષામાં કાવ્યશાસ્‍ત્ર શીખ્‍યા હતા. તેમણે હિન્‍દી, ગુજરાતી અને વ્રજ ભાષામાં સેંકડો કીર્તનો રચ્‍યાં છે. શાસ્‍ત્રીય સંગીત અંગેનું તેમનું જ્ઞાન વિશેષ ઉલ્‍લેખનીય છે. મહારાજશ્રી અને સદ્‍ગુરુ ભુમાનંદ સ્‍વામીએ બંનેને પરસ્‍પર અત્‍યંત આત્‍મબુદ્ધિ હતી. બેનેએ એકબીજાને એકસાથે અક્ષરધામ જવાના કોલ દીધા હતા. આચાર્યશ્રીની પ્રેરણાથી જ ભુમાનંદ સ્‍વામીએ શ્રીજીમહારાજની બાળલીલા વિષયક 'ઘનશ્‍યામ લીલામૃત' નામનો સુંદર ગ્રંથ પદ્યમાં રચ્‍યો છે. એકવાર અલગારી ઓલિયા સમા આચાર્યશ્રી અયોઘ્‍યાપ્રસાદજી મહારાજ સતત બાવન દિવસ સુધી અન્‍નજળ લીધા વિના સમાધિમાં રહ્યા. હેતવાળા સંત હરિભકતો મહારાજશ્રીના દર્શને દોડી આવ્‍યા. ત્‍યારે શુકમુનિ અને ગુણાતિતાનંદ સ્‍વામીએ પ્રાર્થનાપૂર્વક કહ્યું: 'મહારાજ, આપ અન્‍ન જળ લેતા નથી તેથી સર્વે સંત હરિભકતો અત્‍યંત ઉદાસ થઈ ગયા છે. માટે આપ થોડું જમો. 'તત્‍કાળ આચાર્યશ્રીએ આંખો ખોલી કહ્યું: 'હું તો સદાય શ્રીજીમહારાજ સાથે જમું છું, માટે મારી ચિંતા ન કરશો.' આટલું કહીને વળી પાછા ઉપશમમાં ઉતરી ગયા. બાવન દિવસ પછી મહારાજશ્રી સમાધિમાંથી જાગ્‍યા ત્‍યારે ગામોગામથી સંત-હરિભકતો એમના દર્શને ઉમટી આવ્‍યા હતા. બળદિયાથી અનાદિ મુકતરાજ અબજીબાપાશ્રી પણ મહારાજશ્રી મળવા માટે અમદાવાદ આવ્‍યા હતા. એ વખતે ગુણાનુરાગી મહારાજશ્રીએ અબજીબાપાશ્રીનો પરિચય આપતા સદ્‍ગુરુ ગુણાતીતાનંદ સ્‍વામીને કહ્યું‍: 'સ્‍વામી, આ કચ્‍છના સમાધિવાળા અબજીભાઈ છે.' બાપાશ્રી ગુણાતીતાનંદ સ્‍વામી પાસે ચરણવંદના કરવા ગયા ત્‍યારે સ્‍વામીએ બાપાશ્રીના બે હાથ પકડી લીધા અને એમને બાથમાં લઈને ગાઢ આલિંગન આપ્‍યું. બે વિરલ વિભૂતિઓનું આ અભૂતપૂર્વ મિલન સંપ્રદાયની તવારીખમાં એક યાદગાર ઘટના તરીકે સદાકાળ સજીવન રહેશે. એકવાર પ્રબોધિની એકાદશીના સમૈયા પ્રસંગે મહારાજશ્રી હાથી પર બેસી હજારો હરિભકતો સાથે શોભાયાત્રા કાઢી અમદાવાદમાં સાબરમતી નદીના કાંઠે આવેલા નારાયણ ઘાટે પધાર્યા હતા. શોભાયાત્રા દરમ્‍યાન અમદાવાદ શહેરની ભરચક મેદનીના કાન ફાડી નાંખે એવા કોલાહલ વચ્‍ચે પણ અંતર્વૃતિ કરીને હાથી ઉપર બેઠેલા મહારાજશ્રીએ શ્રીજીમહારાજની જેતલપુર લીલાના ભકિતશૃંગારમય ચાર કીર્તન મનોમન રચી કાઢયા. સવારી જયારે ઘરે પહોંચી ત્‍યારે તેમણે હજૂરી પાર્ષદ પાસે એ પદો કાગળ ઉપર ઉતરાવી લીધાં. શ્રીજીમહારાજ જેતલપુરની વાડી ફૂલબાગમાં પધાર્યા અને બોરડીના વૃક્ષ નીચે સભા કરીને બિરાજયા તે પ્રસંગની લીલાનું રસિક નિરુપણ આચાર્યશ્રીએ એમના કીર્તન 'હરિ મિલે બોરસડી કી છૈયાં...' એમાં કર્યું છે. શ્રીજીએ વારસામાં આપેલા સત્‍સંગને દેદિપ્‍યમાન કરી અમદાવાદ દેશની ગાદીના પીઠાધિપતિ તરીકે પોતાના પુત્ર શ્રી કેશવપ્રસાદજી મહારાજને પ્રતિષ્ઠિત કરી આચાર્ય પ્રવર શ્રી અયોઘ્‍યાપ્રસાદજી મહારાજ સં. ૧૯ર૪ના ફાગણ સુદ આઠમના દિવસે અક્ષરધામમાં પધાર્યા. કાવ્‍યકૃતિ હરિ મિલે બોરસડી કી છૈયાં... હરિ. મૈં જયું ગઈતી જલ ભરનેકું, હસી બાલાઇ મોરે સૈયાં. હ. ૧ શ્વેત પાઘ શિર સુંદર સોહત, ફૂલતોરા લટકૈયા. હ. ર કેસર તિલક ભાલ બિચ નીરખી, લપકી લપકી પરી પૈયાં. હ. ૩ અવધપ્રસાદ કે' મન હર લીનો, સહજાનંદ સુખહૈયાં. હ. ૪

વિવેચન

આસ્‍વાદઃ કવિ અવધપ્રસાદ આત્‍મલક્ષી ઊર્મિપ્રધાન પદકવિ છે. તેથી જ એમના કવનમાં સ્‍વેષ્‍ટ સ્‍વામી શ્રી સહજાનંદજી પ્રત્‍યેની માહાત્‍મ્‍યજ્ઞાનેયુકત મધુર પ્રેમભકિતની ભાવાત્‍મક અભિવ્‍યકિતના ઉજજવલ કલાઉન્‍મેષો સહેજે ઝીલાયા છે. અગમ્‍યને ગમ્‍ય બનાવી અવ્‍યકતને કાવ્‍ય દ્વારા વ્‍યકત કરવું એ કવિક્રમ છે. કવિએ આવી જ કંઈક ચેષ્ટા આ રૂપક કાવ્‍ય દ્વારા કરી છે. પહેલી નજરે એમ લાગે છે કે બોરડીના ઝાડ નીચે બેઠેલા મહાપ્રભુ શ્રી સહજાનંદ સ્‍વામીને જોઈને કવિને એમનામાં પરાત્‍પર પરબ્રહ્મ પરમેશ્વરની પ્રતીતિ થાય છે. તેથી તરત જ કવિના અંતરમાંથી ઉદગાર સરી પડે છે- 'હરિ મિલે બોરસડી કી છૈયાં...' હવે કવિ સ્‍વેષ્‍ટ પ્રભુ પ્રત્‍યેના પોતાનાં ભાવ-સંવેદનો ગોપાંગનાઓની પ્રેમ ચેષ્‍ટાઓ દ્વારા અભિવ્‍યકત કરે છે. પ્રેમઘેલી ગોપી ગાગર લઈને જળ ભરવા ગઈ ત્‍યાં બોરડી નીચે બેઠેલા પિયુએ તેને પ્રેમપૂર્વક હસીને બોલાવી. પછી શું બાકી રહે? પરમાત્‍માને વેદોમાં रसो वै सः I કહેવામાં આવ્‍યા છે. પરમાત્‍મા રસરૂપ છે. આનંદરૂપ છે. પરમાત્‍માનું સ્‍વરૂપ પરમ દર્શનીય છે. તેથી જ કવિએ શ્રીહરિની શ્વેત પાઘમાં લટકતા ફૂલતોરા અને તેમના ભાલમાં શોભતા કેસર તિલકનું ગોપીભાવે ગીત ગાયું છે. અંતમાં કવિ કબૂલ કરે છે કે સુખપ્રદાતા સલૂણા સહજાનંદ મારા હૈયાને હરી લીધું છે. આખુંય કાવ્ય એક રૂપક (Metaphor) છે. બોરડી એ એક એવું કાંટાળું ઝાડ છે જેમાં હંમેશાં મીઠાં બોર બેસે છે. એના રૂપક દ્વારા કવિને કહેવાનું તાત્પર્ય એ છે કે પરમાત્‍માની પ્રાપ્‍તિ સખત સાધનાના પરિપાકરૂપે પ્રભુની પ્રસન્‍નતાના મીઠાં ફળરૂપે જ થાય છે. ગોપી એ ભકતની આઘ્‍યાત્‍મિક અભિપ્‍સાનું પ્રતિક છે. ભકત જયારે ભકિતભાવ રૂપી જળ ભરવા સતસંગીરૂપી સરોવર પાસે આવે છે, ત્‍યારે એને અનાયાસે પ્રભુ પ્રસન્નતાનો પ્રસાદ મળી જાય છે. રસરૂપ પરમાત્‍મા સદાય સાકાર સ્‍વરૂપે જ પોતાના ભકતના અંતરમાં તથા પોતાના ધામમાં બિરાજે છે. એ તથ્‍યને સમજાવવા માટે જ કવિએ શ્રીહરિની શ્વેતપાઘ અને એમાં લટકતા ફૂલતોરાનું માર્મિક વર્ણન કર્યું છે. એ રસાત્‍મક સાકાર સ્‍વરૂપની શુદ્ધ ઉપાસના દ્વારા જ ભકત પરમાત્‍માના પરમ સાધર્મ્યને પામે છે ! કાવ્યમાં પ્રાસાદિકતા નખશિખ મહોરે છે. પદ સુગેય છે. રાગ ઠુમરીમાં એની બંદિશ કાવ્‍યના ભાવને સુસંગતછે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Live
Audio
20
8
 
નમુનો
આખું
ડાઉનલોડ

માલકૌંસ




Studio
Audio
1
1
 
નમુનો
આખું
ડાઉનલોડ



રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

તેરી સાંવરી સૂરત
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
યમન કલ્યાણ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ભક્તિ રસ
Studio
Audio
18
0