જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે, ૧/૧

મંગળ  મૂરતિ  મહાપ્રભુ,  શ્રી  સહજાનંદ  સુખરૂપ,
ભક્તિ  ધર્મસુત  શ્રીહરિ,  સમરું  સદાય  અનુપ;
પરમ  કૃપાળુ  છો  તમે,  શ્રીકૃષ્ણ  સર્વાધીશ,
પ્રથમ  તમને  પ્રણમું,  નામું  વારંવાર  હું  શીશ.
વિશ્વેશ  છો  સકળ  વિશ્વ  તણા  વિધાતા,
ત્રાતા  તમે  સકળ  મંગળ  શાંતિદાતા;
માટે  તમારૂં  કરૂણાનિધિ  સત્ય  નામ,
સાષ્ટાંગ  નાથ  તમને  કરૂં  હું  પ્રણામ.
અજ્ઞાનપાશ  કરૂણા  કરી  કાપી  નાખો,
નિત્યે  પ્રભુ  તવ  પદે  મન  વૃત્તિ  રાખો;
ભક્તોનું  પાલન  કરો  પ્રભુ  સર્વ  યામ,
સાષ્ટાંગ  નાથ  તમને  કરૂં  હું  પ્રણામ. 
જે  ઉત્પત્તિ  તથા  સ્થિતિ  લય  કરે  વેદો  સ્તુતિ  ઉચ્ચરે, 
જેના  રોમ  સુછિદ્રમાં  અણું  સમ  બ્રહ્માંડ  કોટી  ફરે;
માયા  કાળ  રવિ  શશી  સુરગણો  આજ્ઞા  ન  લોપે  ક્ષણ,
એવા  અક્ષરધામના  અધિપતિ  શ્રી  સ્વામિનારાયણ.  ૧ 
આવી  અક્ષરધામથી  અવનીમાં  જે  દેહધારી  થયા, 
આપ્યાં  સુખ  અપાર  ભક્તજનને  દિલે  ધરીને  દયા; 
કીધાં  ચારુ  ચરિત્ર  ગાન  કરવા  જેણે  કરુણા  કરી,
વંદુ  મંગલ  મૂરતિ  ઉર  ધરી  સર્વોપરી  શ્રી  હરિ.  ૨
              -:  શ્રીહરિલીલામૃત  દશ  કળશ  સાર  :-
જન્મ્યા  કૌશલ  દેશ  વેશ  બટુનો  લૈ  તીર્થમાંહી  ફર્યા, 
રામાનંદ  મળ્યા  સ્વધર્મ  ચલવ્યો  યજ્ઞાદિ  મોટા  કર્યા;
મોટાં  ધામ  રચ્યાં  રહ્યા  ગઢપુરે  બે  દેશ  ગાદી  કરી,
અન્તર્ધાન  થયા  લીલા  હરિતણી  સંક્ષેપમાં  ઉચ્ચરી.  ૧
વંદું  શ્રી  હરિકૃષ્ણ  ધર્મસદને  જૈ  જન્મ  જેણે  ધર્યો,
કૃત્યાનો  વળી  કાળીદત  ખળનો  જેણે  પરાજય  કર્યો;
કીધાં  બાલચરિત્ર  અદ્‌ભુત  અતિ  જૈને  અયોધ્યા  પ્રતિ,
માતાને  પછી  તાતને  પણ  દીધી  દુર્લભ્ય  દિવ્યા  ગતિ.  ૨
વંદું  શ્રી  વરણીન્દ્ર  વેશ  ધરીને  જે  તીર્થમાં  જૈ  ફર્યા;
દૈવીને  નિજ  જ્ઞાન  દાન  દઈને  દુષ્ટો  વિનષ્ટો  કર્યા;
હિમાદ્રિ  પુરુષોત્તમાખ્ય  પુરી  જઈ  શ્રી  સેતુબંધે  ગયા,
કાંચીથી  ગુજરાત  પ્રાંત  થઈને  જે  લોજમાં  જઈ  રહ્યા.  ૩
વંદું  જે  હરિ  લોજમાંહી  શીખવી  અષ્ટાંગ  યોગી  કળા, 
રામાનંદ  પ્રતિ  સુપત્ર  લખિયો  જૈ  પીપલાણે  મળ્યા;
દેખાડ્યો  ગુરુને  પ્રતાપ  નિજનો  ને  ત્યાં  જ  દીક્ષા  લીધી,
સ્વામીએ  ધુર  સંપ્રદાય  તણી  તો  જઈ  જેતપુરે  દીધી.  ૪
વંદું  જે  હરિએ  પ્રતાપ  નિજનો  સૌરાષ્ટ્ર  દેશે  ઘણો,
દેખાડ્યો  કરી  મગ્નિરામ  જનને  આશ્રિત  પોતા  તણો; 
ધામો  શુદ્ધ  સમાધિમાં  સુજનને  દેખાડિયાં  દ્રષ્ટિએ,
લાખો  વિપ્ર  જમાડિયા  જન  સુખી  કીધાં  કૃપા  દ્રષ્ટિએ.  ૫
વંદું  જે  હરિ  દુર્ગપતન  રહી  ત્યાં  ભૂપનાં  ધામનાં,
સ્થાપી  ઉત્તમ  વાસુદેવ  પ્રતિમા  રંગે  રૂડા  શ્યામમાં;
સૌરાષ્ટ્રાદિ  વિશેષ  દેશ  ફરીને  દુર્ગાખ્ય  પૂરે  રહ્યા,
જેને  આ  જગમાંહી  દુર્ગપુરના  વાસી  વિશેષ  કહ્યા.  ૬
જેણે  જેતલપત્તને  મખ  કર્યો  લાચાર  લોલંગરો,
કીધો  યજ્ઞ  ડભાણમાં  વળી  ભલો  વૌઠે  સમૈયો  કર્યો; 
જૈને  ધર્મપુરે  સ્વધર્મ  ચલવ્યો  વૃત્તાલયે  આવીને,
કીધા  ઉત્સવ  શ્રેષ્ઠ  તેહ  હરિને  વંદું  દિલે  લાવીને.  ૭
જેણે  સુંદર  શ્રેષ્ઠ  ધામ  રચિયાં  આચારજો  સ્થાપિયા, 
શિક્ષાપત્રી  રચી  સ્વધર્મ  સહુના  જુદા  કરી  આપિયા; 
કીધો  સુરતમાં  વિજૈ  વળી  કર્યો  વિવાહ  રાજા  તણો,
વંદું  તે  પ્રભુને  અખંડ  ઉરમાં  ઉત્સાહ  આણી  ઘણો.  ૮
વૃતાલે  કરી  પુષ્પદોલ  વિચર્યા  ભાવાખ્ય  પુરે  હરિ, 
ચૈત્રેથી  ગઢડે  રહ્યા  વૃતપુરે  જૈ  કાર્તિકી  ત્યાં  કરી;
મુંબૈના  પતિને  મળ્યા  નૃપગઢે,  આચાર્ય  હસ્તે  વળી,
સ્થાપ્યા  શ્રી  રણછોડજી  વૃતપુરે  તેને  નમું  છું  લળી.  ૯
આવ્યા  અક્ષર  મુક્ત  ત્યાં  સ્તવન  તો  કીધું  હરિનું  ઘણું, 
ત્યારે  ધામ  વિષે  સ્વયં  વિચરવા  લીધું  ઉદાસીપણું; 
દેહોત્સર્ગ  કર્યો  જણાય  ન  કર્યો  પ્રત્યક્ષ  દીઠા  તદા,
લીલા  અદ્‌ભુતકારી  કૃષ્ણ  હરિને  વંદું  સદા  સર્વદા.  ૧૦   
દુઃખ  હરિજનનું  દિલે  ધરો  છો,  સુખનિધિ  શ્યામ  સહાયતા  કરો  છો;
તદપિ  ભજન  જે  કરે  ન  ભાવે,  નહિ  નરજાતિ  કુજાતિ  તે  કહાવે  ।
પ્રભુ  તવ  મૂરતિ  વિનોદકારી,  પળપણ  વિસરે  નહિ  જો  વિસારી;
જુગલ  ચરણ  સોળ  ચિહ્‌ન  જેહ,  નજર  સમીપે  રહો  અમારી  તેહ ।। 
આદૌ  પ્રેમવતી  વૃષાઙ્ગજનનં  સન્નૈકતીર્થાટનમ્‌ । 
દુષ્કર્મોપશમં  ચ  સાધુશરણં  સધ્ધર્મસંસ્થાપનમ્‌ ।।
હિંસાવર્જિત  ભૂરિયજ્ઞકરણં  મૂર્તિપ્રતિષ્ઠાપનમ્‌ ।
આર્યસ્થાનમક્ષરાખ્યગમનં  સત્સંઙ્ગિસજ્જીવનમ્‌ ।। 

મૂળ પદ

જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી