મને તમારો નેડો લાગ્યો, સ્વામી સહજાનંદ રે; ૧/૧

રાગ : ધોળ

મને તમારો નેડો લાગ્યો, સ્વામી સહજાનંદ રે;

સ્વામી સહજાનંદ રે, છોગાળા ઘનશ્યામ રે...મને.

અધમ ઉદ્ધારણ નામ તમારું, મહાત્મ્ય સૌથી મોટું રે;

હરતાં ફરતાં તમને સમરું, બીજું સર્વે ખોટું રે...મને.

કાશી જોયું, દ્વારિકા જોયું, જોયાં તીરથ ઝાઝાં રે;

એમ કરતાં સત્સંગમાં આવ્યો, મનડે મેલી માયા રે, ...મને.

શરણાગતને શરણે લેજો, બિરૂદ તમારું પાળી રે;

વિપત વખતે વહેલા આવો, શ્રીજી લ્યો સાંભળી રે...મને.

ગઢપુર ગામની કુંજગલીમાં, નિતનિત દરશન આપે રે;

મોર મુગટને કાને કુંડળ, મોરલી લીધી હાથે રે...મને.

ભવસાગરમાં ભૂલો પડ્યો, ત્યારે સગાસંબંધી લૂંટે રે;

દાસ ગોપાળ કહે દયા કરો, તો ભવના બંધન છૂટે રે...મને.

મૂળ પદ

મને તમારો નેડો લાગ્યો, સ્વામી સહજાનંદ રે;

રચયિતા

ગોપાલદાસ

ઉત્પત્તિ

એકવાર શ્રીજીમહારાજ અમદાવાદમાં સભા ભરીને બેઠા હતા. એ સમય દરમ્‍યાન સત્‍સંગમાં સમાધિ પ્રકરણ ચાલી રહ્યું હતું. મહારાજની સામે જોનારને સહજમાં સમાધિ લાગી જતી. એટલું જ નહી, મહારાજની ચાખડીનો ચટ ચટ અવાજ સાંભળનારને પણ સમાધિ થતી. કુસંગીઓને આ બધું કૌતુક લાગતું. જગતમાં વાતો થતીઃ સ્‍વામિનારાયણ તો જાદુગરા છે. નહીં તો આવા હડહડતા કળિયુગમાં સમાધિ થતી હશે? અમદાવાદના કેટલાક વિદ્વાન પંડિતો શ્રીજીમહારાજની એ સભામાં આવ્‍યા. તેમાં કેશવરામ શાસ્‍ત્રી મુખ્‍ય હતા. તેમણે મહારાજને ખુલ્‍લો પડકાર ફેંકતા કહ્યું. 'સહજાનંદ સ્‍વામી તમારા આ બધા તૂત અમારી પાસે નહીં ચાલે. તમારા કોઈ સાધુને સમાધિ કરાવો એટલે અમે બધા જોઈએ કે આની પાછળ તમારી કઈ કરામત કામ કરે છે? ત્‍યારે સભામાં આગળની હરોળમાં સાધુ ગોપાળદાસજી બેઠા હતા. મહારાજે તેમની સામે જોયું ત્‍યાં તો ગોપાળદાસજી સમાધિમાં ઉંડા ગરકી ગયા. શ્રીહરિએ પંડિતોને એ સાધુની સમાધિની યર્થાથતા તપાસવા કહ્યું. કેશવરામે ગોપાળદાસની નાડી જોઈ, પરંતુ તેમના શરીરમાં તો પ્રાણનો સંચાર કયાંય વર્તાતો નહોતો. એમનું શરીર તો જાણે પથ્‍થર જેવું શબવત્‍ થઈ ગયું હતું. શાસ્‍ત્રીએ સાધુના હાથ પર ચપ્‍પુથી છેદ કર્યો‍, અંગારાનો ડામ દીધો અને થાય એટલા વાના કર્યા તો પણ ગોપાળદાસ જાગ્‍યા નહી. છેવટે પંડિતો થાકયા. એમણે મહારાજને વિનંતી કરીઃ 'સ્‍વામીજી, તમે જ આ સાધુને સમાધિમાંથી જાગૃત કરો.' આ સાંભળીને મહારાજ મર્મમાં હસ્‍યા. તેમણે ચપટી વગાડી ત્યાં તો ગોપાળદાસ આળસ મરડીને બેઠા થયા. તેમણે ભરી સભામાં પોતાના સમાધિના અનુભવો કહેવા માંડયા. શાસ્‍ત્રી કેશવરામ અને અન્‍ય પંડિતો તો સાવ અવાચક બની ગયા. છતાં પણ હજી એમના દિલમાં દીવો થયો નહોતો. અનેક પ્રશ્‍નો એમના મનને મૂંઝવી રહ્યાં હતા. સભામાં શાસ્‍ત્રી કેશવરામે શ્રીજીમહારાજને પ્રશ્નો પૂછી એમની પરીક્ષા લેવા માંડી. 'શું તમે ભગવાન છો?' જવાબમાં મહારાજે ના પાડી. 'તો ભગવાન બની કેમ ફરો છો?' 'લોકો મને ભગવાન કહે તેમાં હું શું કરું?' મહારાજે વ્‍યંગમાં હસીને કહ્યું' કેશવરામ કહે, 'તમે ભગવાન થઈને ફરો છો તો વેદમાંથી હું પ્રશ્‍નો પૂછું તેના જવાબ આપો.' મહારાજે મર્મમા કહ્યું: 'હું વેદ ભણ્‍યો નથી, તેથી મને વેદ આવડતા નથી. પણ અહીં સભામાં આગળ આ નાનો છોકરો બેઠો છે તે વેદ ભણેલો છે તેને પૂછો. તે તમારા સર્વે પ્રશ્‍નોના જવાબ આપશે.' શાસ્‍ત્રી આ સાંભળીને ખંધુ હસીને બોલ્‍યોઃ 'આ ગમાર જેવો છોકરો શું જવાબ આપશે?' તેના માટે તો કાળો અક્ષર ભેંશ બરાબર લાગે છે.' એ સાંભળી છોકરો બોલ્‍યોઃ 'શાસ્‍ત્રી મહારાજ, જે પૂછવું હોય તે જલદી પૂછો.' પછી તો એ અબૂધ બાળક શાસ્‍ત્રીના મનના સંકલ્‍પો ફટાફટ કહેવા લાગ્‍યો. શાસ્‍ત્રીએ વેદ વિષે જે કાંઈ પૂછયું તેના એ કિશોરે અત્‍યંત વિગતવાર જવાબો આપ્‍યા. કેશવરામ આ સાંભળીને દિગ્‍મૂઢ થઈ ગયો. શ્રીહરિને ચરણવંદના કરીને એ બોલ્‍યોઃ 'મહારાજ, હું જાણું છું કે આ છોકરો તો મૂઢ, ગમાર અને નિરક્ષર છે. એમાં રહીને આપે જ સઘળા જવાબો આપ્‍યા છે. હવે મને જરાય સંશય નથી કે આપ સ્‍વયં પરાત્‍પર પરબ્રહ્મ પરમાત્‍મા જ છો. પરંતુ....' આટલું કહીને એ અટકી ગયો. 'પરંતુ શું શાસ્‍ત્રીબાવા... જે પૂછવું હોય તે નિઃસંકોચ પૂછો.' મહારાજે હૈયાધારણ આપતા કહ્યું. ' પ્રભુ, શરૂઆતમાં મે આપને પૂછેલું કે આપ ભગવાન છો ત્‍યારે આપે ના કેમ પાડી હતી?' મહારાજે હસીને કહ્યું, 'હું મારે મોંઢે કેવી રીતે કહું કે હું ભગવાન છું. એ તો આત્મશ્લાધા કહેવાય અને ત્‍યારે કદાચ મેં હા પાડી હોત તો શું તમે મારી વાત માની લેત?' શ્રીજીમહારાજનો આવો પ્રગલ્‍ભ પ્રતાપ જોઈને સભામાં હાજર રહેલા સઘળા પંડિતો વર્તમાન ધરાવીને શ્રીહરિના આશ્રિત થયા. આ સભામાં જે સાધુ ગોપાળદાસને સમાધિ થઈ હતી તે ગોપાળદાસ સ્‍વામી વિદ્વાન અને કવિ હતા. તેમણે 'દાસ ગોપાળ' ના નામે સેંકડો કીર્તનો રચ્‍યાં છે જે સત્‍સંગમા સુપ્રસિદ્ધ છે. સ્‍વામી ગોપાળદાસે ‘સૃષ્ટિ વર્ણન' શિર્ષક હેઠળ પંદર પદમાં અક્ષરધામથી માંડીને જંબુદ્વીપ સુધીની અલગ અલગ આઘ્‍યાત્‍મિક ભૂમિકાઓનું ખૂબ જ રસપ્રદ વર્ણન કર્યું છે. તે સિવાય તેમને લગ્નના ધોળ રાગની શૈલીમાં લક્ષ્મીવિવાહના અઢાર પદો પણ રચ્‍યાં છે.

વિવેચન

આસ્‍વાદઃ દાસ ગોપાળના ઉપનામે કાવ્‍ય રચતા કવિ ગોપાળદાસજીના પ્રસ્‍તુત પદમાં પ્રિયતમ પરમાત્‍મા પ્રત્‍યેનો પ્રેમ અને મહિમા પ્રબોધક રીતે પ્રગટ થયા છે. પોતાના પ્રેમનો નિખાલસ એકકાર કરતા કવિ પોતાના ઇષ્‍ટદેવ સહજાનંદ સ્‍વામીનેકહે છેઃ મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે, હે સહજાનંદ સ્‍વામી, હે ઘનશ્‍યામ, તમે પતિતપાવન છો, તમારો મહિમા અપરંપાર છે. કવિએ શ્રીહરિનો મહિમા સાચા હૃદયથી આત્‍મસાત કર્યો છે તેથી જ તેમને અખંડ પ્રભુનું અનુસંધાન રહે છે, અને આ સઘળો સંસાર તુચ્છ‍, નાશવંત અને ખોટો જણાય છે. પોતાના પૂર્વાશ્રમનું સ્‍મરણ થતાં કવિ કહે છે કે સત્સંગમાં આવ્‍યા પહેલા હું પરમાત્‍માની શોધમાં કાશી, દ્વારકા ઇત્‍યાદિ તીર્થો‍માં ખૂબ ભટકયો હતો, પરંતુ જયારે ભગવાન સ્‍વામિનારાયણનો ભેટો થયો ત્‍યારે જ મારા મને સર્વે માયાનો ત્‍યાગ કરી શ્રીહરિના ચરણોનો દ્રઢ આશ્રય કર્યો છે. હવે દાસ ગોપાળ શ્રીજીમહારાજને આર્તસ્વરે પ્રાર્થતા કહે છે. શરણાગતને શરણે લેજો, બિરદ તમારું પાળી રે, વિપદ વખતે વહેલા આવો, શ્રીજી લ્‍યો સંભાળી રે. હે નાથ, આપ તો અનંત કોટિ બ્રહ્માંડનાયક છો, રાજાધિરાજ છો. આપનું આવું બિરદ સંભાળીને અમ જેવા શરણાગતના ગુણદોષ જોયા વિના એને તમારા ચરણોમાં આશ્રય આપવો. આધિ, વ્‍યાધિ અને ઉપાધિ વેળા પ્રભુ ! સમયસર આવીને અમારી રક્ષા કરજો. શ્રીહરિએ ગઢપુરને પોતાનું ઘર માનીને ત્‍યાં ઘણી લીલાઓ કરી છે. સવાર સાંજ મહારાજ ઘેલા નદીમાં સ્‍નાન કરવા જવા માટે ગઢપુરની કુંજગલીઓમાંથી પસાર થતા ત્‍યારે આવતા જતા મુમુક્ષુઓને મહારાજના દુર્લભ દર્શનનો અનાયાસે લાભ મળતો. શ્રીજીમહારાજ સ્‍વભકતોના સર્વે મનોરથો પૂર્ણ કરવા માટે ભાવપૂર્વક ભકતો જે જે વસ્‍ત્ર આભૂષણો અર્પણ કરતાં તે સ્‍વીકારી, તે તત્‍કાળ ધારણ કરી, સર્વે‍ને દર્શન દેતા. શ્રીહરિની આ પ્રકારની જે તે લીલાઓ પોતાના ભકતોને લાડ લડાવવા અર્થે જ થતી હતી. કવિ અંતમાં એટલી જ અરજ કરે છે કે હે મહારાજ! જયારે જયારે પણ હું આ ભવસાગરમાં ભુલો પડયો, ત્‍યારે ત્‍યારે મારી સાંસારિક વાસનાએ જ મારા કલ્‍યાણમાં વિઘ્‍ન ઉભા કર્યા છે. માટે હવે પ્રભુ, આ જન્‍મે આપ કૃપા કરીને મારું આત્‍યંતિક કલ્‍યાણ કરી મારા ભવબંધન સદાય માટે કાપી નાંખશો. ધોળ રાગમાં દાસ ગોપાળની આ રચના પ્રાસાદિક અને સુગેય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
1
0