રાગ : ગરબી પદ-૧
ધન્ય ધન્ય ધન્ય ગઢપુર ધામને જો,
ઘણું વ્હાલું છે શ્રીઘનશ્યામને જો. ધન્ય૦ ટેક.
જેનો મહિમા અક્ષરધામ જેટલો જો,
અવિનાશીએ ઉચાર્યો મુખ એટલો જો. ધન્ય૦ ૧
દાદાખાચરના ધન્ય દરબારને જો,
જેણે રાખ્યા જગત આધારને જો. ધન્ય૦ ૨
દીનબંધુ દયાસિંધુએ દયા કરી જો,
મુનિનાથ ગોપીનાથને રૂપે રહ્યા જો. ધન્ય૦ ૩
ઉન્મત્ત સરીતા વહે છે સમીપમાં જો,
એવું શ્રેષ્ઠ તીર્થ નથી જંબુદ્વિપમાં જો. ધન્ય૦ ૪
ઘણીવાર મહારાજે મંજન કર્યું જો,
તેથી તેનું માહાત્મ્ય મોટું ઠર્યું જો. ધન્ય૦ ૫
ગંગા ગોમતી કાલીંદી ગોદાવરી જો,
ઉન્મત્ત ગંગા એથી અદકી ઠરી જો. ધન્ય૦ ૬
પાપી પ્રાણીઓના પૌઢ પાપ નાશની જો,
પરિપૂર્ણ પુન્ય પાવની પ્રકાશની જો. ધન્ય૦ ૭
કરે વ્રત તપ જપ અહીં રહી જો,
ફળ કોટી સંખ્યા ઘણું પામે સહી જો. ધન્ય૦ ૮
પાવન પરમ ચોક. શેરીયું બજાર છે જો,
હરિના ચરણની ઠારો ઠાર છે જો. ધન્ય૦ ૯
શિવ બ્રહ્મા ઇન્દ્રાદિક ઘણા સ્નેહથી જો,
યાત્રા કરવા આવે છે દિવ્ય દેહથી જો. ધન્ય૦ ૧૦
ધરી જન્મ અહીં યાત્રાએ ન આવીયો જો,
અવતાર એણે વૃથા ગુમાવીઓ જો. ધન્ય૦ ૧૧
શીખે સંભાળે જે મહિમા એ ધામનો જો,
તે પર રીઝે દેવ દલપતરામનો જો. ધન્ય૦ ૧૨