મુનિવર મુક્તાનંદ ઝૂલાવે હરિને હેતથી રે,
ઝૂલે ધર્મકુંવર પ્રભુ ધર્મધુરંધર ધીર ।
વા'લમ વેશ રૂપાળો વેશધારી વરણાગિયો રે,
શોભે નટનાગર સુખસાગર શ્યામ શરીર ॥ મુનિવર° ૧
કોટિક સૂરજ સોમ સમાન દીસે દીપ્તિ ભલી રે,
હરિજન નિરખી નિરખી હરખે હૈડામાંય ।
દીનદયાળ પ્રભુનાં દરશન કરવાને કારણે રે,
આવ્યા અજ હર આદિક સુરવર સરવે ત્યાંય ॥ મુનિવર° ૨
હેમ જડિત હિંડોળે ફરતાં શોભે ફૂમતાં રે,
મેરુશિખર સરીખું શિખર બિરાજે શીશ ।
હાલે હિંડોળો ત્યાં ઘમઘમ વાજે ઘૂઘરા રે,
જુક્તિ જોતાં રીઝે જગજીવન જગદીશ ॥ મુનિવર° ૩
કોટિ પ્રકાર કરેલી કારિગરે કારીગરી રે,
છબિ શુભ છાજે જોતાં લાજે દેવવિમાન ।
મનહર તે હિંડોળાસૂધાં હરિની મૂરતી રે,
જ્ઞાની ધ્યાની મનમાં ધરે ધરીને ધ્યાન ॥ મુનિવર° ૪
વસુધા ધન્ય વખાણે વિબુધો સૌ વરતાલની રે,
ઉચરે ધન્ય અધિક એ આંબાનો અવતાર ।
જેની ડાળે દિવ્ય હિંડોળે હીંચ્યા શ્રીહરિ રે,
અક્ષરધામનિવાસી અખિલ જગત આધાર ॥ મુનિવર° ૫
જેને મળવા જોગીજન તપ વ્રત આદરે રે,
જેનું ધ્યાન ધરે ગંગાધર ગૌરી ગણેશ ।
જેની આજ્ઞા નવ ઉલંઘે સૂરજ ને શશી રે,
જેના જશ ઉચ્ચારે શારદ નારદ શેષ ॥ મુનિવર° ૬
જેની આજ્ઞા આપ નિરંતર અંતરમાં ધરી રે,
મૂકે નહિ કદિયે મહાસાગર પણ મરજાદ ।
જેના વચન પ્રમાણે વાય પવન પણ વિશ્વમાં રે,
જેના વચન પ્રમાણે વરસે છે વરસાદ ॥ મુનિવર° ૭
એવા પરમેશ્વર પ્રગટ્યા છે પૃથ્વી ઉપરે રે,
દર્શન દૈ જનને સુખ દેવા દીનદયાળ ।
વિચર્યા સ્વેચ્છાથી વૃષનંદન શ્રીવરતાલમાં રે,
લીલા વિવિધ કરે છે વિશ્વવિહારી લાલ ॥ મુનિવર° ૮
(હરિલીલામૃત ૭/૫૯/૨૦-૨૭)