સખી ! અદ્ભુત ભાગ્ય છે આપણાં, પુરુષોત્તમ પ્રાણ આધાર;
જે છે પરાપાર, તે પ્રભુજી પધારિયા... ° ૧
જેને નેતિ નેતિ નિગમ કહે, જેની કીર્તિ કરે છે ઉચ્ચાર;
જેને વદન હજાર, તે પ્રભુજી પધારીયા... ° ૨
જેનાં દર્શન દુર્લભ દેવને, ધરે શંકર જેનું ધ્યાન;
કરે ગુણગાન, તે પ્રભુજી પધારિયા... ° ૩
જેને શારદા વર્ણવે સર્વદા, મુનિ નારદ સનક સમાન;
શોભે છે નિદાન, તે પ્રભુજી પધારિયા... ° ૪
જેન અરથે જોગી જપ તપ કરે, કરે અષ્ટાંગ યોગ અભ્યાસ;
વસી વનવાસ, તે પ્રભુજી પધારિયા... ° ૫
જોગ યજ્ઞ કરે જેને પામવા, કોઇ સુખ તજી લે સન્યાસ;
દિલે થઇ ઉદાસ, તે પ્રભુજી પધારિયા... ° ૬
ભજે પ્રકૃતિ પુરુષ ભલા ભાવથી, પણ સમજે નહિ જેનો સાર;
પામે નહિ પાર, તે પ્રભુજી પધારિયા... ° ૭
બ્રહ્મા વિષ્ણુ ને ભવ તે ભૂલા પડે, જેનો ન કરી શકે નિરધાર;
કે કેવો આકાર, તે પ્રભુજી પધારિયા... ° ૮
જેના તન એક રોમના તેજમાં, કોટિ સૂર્ય શશી લીન થાય;
ન જરીયે જણાય, તે પ્રભુજી પધારિયા... ° ૯
છેક રોમતણા એક છીદ્રમાં, આવાં વિશ્વ અસંખ્ય સમાય;
ગણ્યાં ન ગણાય, તે પ્રભુજી પધારિયા... ° ૧૦
મોટા મુક્ત ભજે જેને ભાવથી, ભજે અક્ષરપુરુષ અનેક;
ધરી દ્રઢ ટેક, તે પ્રભુજી પધારિયા... ° ૧૧
જેની તુલ્ય બીજો નવ જાણીએ, એના જેવા તો એ જ છે એક;
છતે જોતાં છેક, તે પ્રભુજી પધારિયા... ° ૧૨
જેની આજ્ઞા થકી જુઓ જગતમાં, શશી સૂરજ ફરે છે આકાશ;
કરે છે પ્રકાશ, તે પ્રભુજી પધારિયા... ° ૧૩
મહાસાગર મરજાદામાં રહે, જેને પાળ્ય નથી એકે પાસ;
વસે સ્થિર વાસ, તે પ્રભુજી પધારિયા... ° ૧૪
મેઘ વૃષ્ટિ કરે આખી સૃષ્ટિમાં, તે તો જેહના હુકમ પ્રમાણ;
કરી નિરમાણ, તે પ્રભુજી પધારિયા... ° ૧૫
સુખકારી વિહારીલાલજી, જે છે સુંદર શ્યામ સુજાણ;
સદા સુખ ખાણ, તે પ્રભુજી પધારિયા... ° ૧૬