મારી અવિચળ ચૂંકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય, માગું વર નાથજી ૧/૧

મારી અવિચળ ચૂંકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય,
					માગું વર નાથજી-ટેક.
રહે કેસર પીર લલાટમાં, રહે સેથો ચાંદલો સદાય-માગું૦ ૦૧
મારા ઘેર રહે સંત સામટા, નિત્ય ગુણ તમારા ગાય-માગું૦ ૦૨
સત્સંગી મળી દેશોદેશના, આવે ઉત્સવ કરવાને આંય-માગું૦ ૦૩
મારે ઘેર રહો ઘનશ્યામજી, મારી સંપત્તિ તમ અર્થે થાય-માગું૦ ૦૪
રાજપાટ ને ગામ ગરાસ છે, ભુવન સહિત તમારાં કહેવાય-માગું૦ ૦૫
જયા લલિતા રમા ને પંચાળી, તેને સમજુ છું મુક્ત સમાન-માગું૦ ૦૬
અમો સૌ મળી તમને સેવીએ, ધરીએ અખંડ તમારું ધ્યાન-માગું૦ ૦૭
કરો મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણઆધાર-માગું૦ ૦૮
તેમાં મૂર્તિ પધરાવો વાસુદેવની, તમો પડોશી થાઓ કરી પ્યાર-માગું૦ ૦૯
વળી આ લોકની સુખસંપત્તિ, શ્રીજી આપી પૂરા કરો કોડ-માગું૦ ૧૦
દુરિજનનું મેણું ઉતારવા, પ્રભુ આપજો પુત્રની જોડ-માગું૦ ૧૧
અભયસુતને સુખી રાખજો, રહે અખંડ અભય પરિવાર-માગું૦ ૧૨
અભય વંશ સદા તવ ઉપાસી, એ માગું છું હું ધર્મકુમાર-માગું૦ ૧૩
વળી અભયસુત પહેલા મુજને, શ્રીજી આપજો અક્ષરવાસ-માગું૦ ૧૪
એવી વાણી સુણી જસુબાઈની, વર આપો કહે યુગલદાસ-માગું૦ ૧૫
 

મારી અવિચળ ચૂંકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય,
					માગું વર નાથજી-ટેક.
રહે કેસર પીર લલાટમાં, રહે સેથો ચાંદલો સદાય-માગું૦ ૦૧
મારા ઘેર રહે સંત સામટા, નિત્ય ગુણ તમારા ગાય-માગું૦ ૦૨
સત્સંગી મળી દેશોદેશના, આવે ઉત્સવ કરવાને આંય-માગું૦ ૦૩
મારે ઘેર રહો ઘનશ્યામજી, મારી સંપત્તિ તમ અર્થે થાય-માગું૦ ૦૪
રાજપાટ ને ગામ ગરાસ છે, ભુવન સહિત તમારાં કહેવાય-માગું૦ ૦૫
જયા લલિતા રમા ને પંચાળી, તેને સમજુ છું મુક્ત સમાન-માગું૦ ૦૬
અમો સૌ મળી તમને સેવીએ, ધરીએ અખંડ તમારું ધ્યાન-માગું૦ ૦૭
કરો મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણઆધાર-માગું૦ ૦૮
તેમાં મૂર્તિ પધરાવો વાસુદેવની, તમો પડોશી થાઓ કરી પ્યાર-માગું૦ ૦૯
વળી આ લોકની સુખસંપત્તિ, શ્રીજી આપી પૂરા કરો કોડ-માગું૦ ૧૦
દુરિજનનું મેણું ઉતારવા, પ્રભુ આપજો પુત્રની જોડ-માગું૦ ૧૧
અભયસુતને સુખી રાખજો, રહે અખંડ અભય પરિવાર-માગું૦ ૧૨
અભય વંશ સદા તવ ઉપાસી, એ માગું છું હું ધર્મકુમાર-માગું૦ ૧૩
વળી અભયસુત પહેલા મુજને, શ્રીજી આપજો અક્ષરવાસ-માગું૦ ૧૪
એવી વાણી સુણી જસુબાઈની, વર આપો કહે યુગલદાસ-માગું૦ ૧૫
 

મૂળ પદ

મારી અવિચળ ચૂંકને રાખજો

મળતા રાગ

ઢાળ : ધન્ય ધન્ય એ સંત સુજાણને

રચયિતા

યુગલ દાસ

ઉત્પત્તિ

શ્રીજીમહારાજના અંતેવાસી દાસાનુદાસ ભકતવર્ય દાદાખાચરના પ્રથમ લગ્ન સંવત ૧૮૬૧ની સાલમાં કુમુદાબા સાથે થયાં હતા. કુમુદાબાને કોઈ સંતાન ન થતાં માનસિક રીતે તેઓ સહેજ વ્‍યગ્ર રહેતાં હતા. એમાં વળી તેમના નજીકના કોઈ સગાએ મ્‍હેણું માર્યું કે દાદાની વાંસે તેનું ધન કોણ ખાનાર છે? શ્રીજીમહારાજે જયારે આ વાત સાંભળી, ત્‍યારે કુમુદાબાને બોલાવીને કહ્યું‍: 'કુમુદા, શાસ્‍ત્રમાં કહ્યું છે કે કોઈ સ્‍ત્રીને આધેડવય સુધીમાં સંતાન ન થાય તો એ કુળવાન સ્‍ત્રીએ પોતાના પતિને રાજીખુશીથી બીજા લગ્ન કરવા માટેની સંમતિ આપી દેવી જોઇએ.' કુમુદાબાએ કહ્યું‍: 'મહારાજ, આ બાબતમાં મારી સંપૂર્ણ સંમતિ છે.' બીજે દિવસે દાદાખાચર જયારે અક્ષરઓરડીમાં આવીને શ્રીજીમહારાજ પાસે બેઠા, ત્‍યારે મહારાજે કહ્યું: 'દાદા, કુમુદાબાને હજીસુધી કોઈ સંતાન થયું નથી. વળી હવે તો તેમને દમનો અસાઘ્‍ય વ્‍યાધિ પણ લાગુ પડયો છે. કાલે તમારા સગા સંબંધીના મ્‍હેણાં ટોણાં સાંભળી અમને ખૂબ દુઃખ થયું છે. માટે અમારી એવી ઇચ્‍છા છે કે તમે બીજા લગ્ન માટે જરૂર વિચારો.' દાદાખાચરે આ સાંભળી અત્‍યંત ગમગીન ચહેરે મહારાજના પગ પકડીને યાચના કરતા કહ્યું: 'મહારાજ, મારા ઉપર મહેર કરો. મારે હવે ફરીથી આ વિષમ સંસારમાં નથી બૂડવું. દયાળુ, કૃપા કરીને મને ફરી લગ્ન માટે આગ્રહ ન કરો.' મહારાજે હસીને કહ્યું‍: 'દાદા, અમે તમને દુઃખી કરવા માટે ફરી નથી પરણાવતા. પરંતુ અમારી તો એવી ભાવના છે કે તમે જેમ સંતોની સેવા કરો છો, તેમ વંશપરંપરા સુધી તમારી પ્રજા પણ તમારી માફક સંતોની અને સત્‍સંગની સેવા રીતિ ચાલુ રાખે.' આ સાંભળી દાદાખચર કંઈક કુણાં પડયા. તેમણે મહારાજની ઇચ્‍છાને શિરોમાન્‍ય કરતા કહ્યું‍: 'મહારાજ, આપની આ ભાવના એ આપનો મારા પ્રત્‍યેનો નિર્વ્યાજ પ્રેમ છે. આપની ઇચ્‍છાને હું આપની આજ્ઞા માનીને શિરોમાન્‍ય રાખું છું. પરંતુ મારી એક અરજ છે પ્રભુ, આપ સ્‍વયં મને પરણાવવા જાન જોડીને સાથે પધારો તો મને લગ્ન કરવા કબુલ છે.' મહારાજે હસીને તરત જ પોતાની અનુમતિ આપતા કહ્યું, 'ભલે દાદા, અમે પણ જાનમાં તમારી સાથે આવી તમારા રથના સારથી બનીશું.' સં. ૧૮૮૧માં દાદાખાચરના લગ્ન ભટવદરના નાગપાલ વરુની દીકરી જશુબા સાથે થયાં. લગ્ન બાદ મીંઢળ છોડયા પછી જશુબા શ્રીજીમહારાજના દર્શને આવ્‍યાં. મહારાજને ચરણવંદના કરીને જશુબાએ પ્રાર્થનાપૂર્વક કહ્યું‍: 'મહારાજ, આપની અપરંપાર કૃપાથી જ મને આવો ઉત્તમ પરિવાર અને પ્રભુપરાયણ પતિ પ્રાપ્‍ત થયા છે. અમારા આ ગઢ દરબાર, ગામ ગરાસ, જમીન જાગીર, ખેતર ખળું સઘળું ય આપનું છે. પ્રભુ અમારા આ ઘર આંગણે જ આપ મોટું મંદિર કરો જેથી સાધુ સંતો અને આપનો સદાયનો સહવાસ અમને મળી રહે. દયાળુ! દુરિજનનું મ્‍હેણું ટાળવા મારે ખોળે બે દીકરા રમે એવા રૂડાં આશિષ મને આપો.' આ સાંભળી શ્રીજીમહારાજે રાજી થઈને તથાસ્‍તુ કહી પોતાનો વરદ હસ્‍ત જશુબાને મસ્‍તકે મૂકયો. ત્‍યાં તો વળી જશુબા આગળ બોલ્‍યાં: 'મહારાજ, પ્રત્‍યેક સ્‍ત્રી માટે એના જીવનનું સૌથી મહત્‍વનું સુખ એનું સૌભાગ્‍ય છે. દયાળું, કૃપા કરીને મને એવા આશીર્વાદ આપો કે મારી ચુડી ચાંદલો અખંડ રહે!' આ સાંભળીને મહારાજે જશુબાના માથેથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો. મહારાજે મૌન રહીને માત્ર સહજ સ્‍મિત કરીને જશુબાને વિદાય કર્યા‍. શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયની તવારીખ કહે છે કે દાદાખાચર સંવત ૧૯૦૯માં ધામમાં પધાર્યા હતા‍. જયારે જશુબા સંવત ૧૯રરની સાલમાં અક્ષરવાસી થયાં હતાં. જશુબાએ મહારાજ પાસે જે જે માગ્‍યું હતું તે એક પતિવ્રતા ભારતીય નારીના સાચા હદયની યાચના હતી. સત્‍સંગમાં બહેનોને એમાંથી પ્રેરણા મળે માટે સદ્‍ગુરુ યુગલદાસજીએ એ યાચનાને કીર્તનના સ્‍વરૂપમાં ઉતારી છે 'મારી અવિચળ ચુંકને રાખજો, મારી ચુડીનો ભંગ ન થાય, માગું વર નાથજી.' સંપ્રદાયના સાહિત્‍યમાં યુગલદાસના નામે ફકત આ એક જ કીર્તન ઉપલબ્‍ધ છે. એમના જીવન અને કવન વિષે વિશેષ માહિતી પ્રાપ્‍ત નથી.

વિવેચન

આસ્‍વાદઃ કવિ યુગલદાસે પ્રસ્‍તુત પદમાં જશુબાના હૈયાની અભિલાષાઓને સરળ શબ્‍દોમાં મુખરિત કરી છે. પદ અત્‍યંત સરળ હોવાથી, આસ્‍વાદમાં વિશેષ ટિપ્‍પણી કે વિવરણની આવશ્‍યકતા નથી. પરંતુ અહીં આ કાવ્‍યપ્રસંગ અને કીર્તનનું ચયન વિશેષ પ્રયોજનથી કરવામાં આવ્‍યું છે. આ કાવ્‍ય પ્રસંગ વાંચીને અનેક હરિભકતોના અંતરમાં એક ખાસ સવાલ ઉદ્‍ભવે એવી શકયતા છે. દાદાખાચરને બીજા લગ્ન કરવાની પ્રેરણા શ્રીજીમહારાજે સ્‍વયં આપી હતી. જશુબાએ મહારાજ પાસે મુખ્‍ય જે માંગણી મૂકી 'મારી અવિચળ ચુંકને રાખજો, મારી ચુડીનો ભંગ ન થાય...' એ માંગણી મહારાજે માન્‍ય કેમ ન રાખી? જશુબાના પ્રારબ્‍ધમાં વૈધવ્‍ય લખાયેલું હતું તો વીધિના લેખમાં મેખ મારવી એ તો શ્રીજીમહારાજ માટે કાંઈ મુશ્‍કેલ નહોતું! કાળ, કર્મ અને માયાનો હુકમ મહારાજ અને મુકતો ઉપર ચાલતો નથી. ભગવાન પોતાના આશ્રિત ભકતોના યોગ અને ક્ષેમનું વહન કરે છે. ભકતના જીવનમાં જે કાંઈ દુઃખ કે આપતિઓ આવે છે તે પ્રારબ્‍ધવશ નહી, પરંતુ ભગવાનની ઇચ્‍છાથી ભકતના કલ્‍યાણઅર્થે જ આવે છે. મહારાજે જશુબાના જીવનમાં વૈધવ્યના દુઃખ દ્વારા એમના અનંત જન્‍મોના કર્મો કાપી નાંખી તેમને પરમપદના અધિકારી બનાવી દીધાં હતાં.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
8
1