અલોલોલોલોલો હાલ ખમા તુને રે, ઘણું ઘનશ્યામને હાલો ગૌ. ટે.
પ્રીતમજીનું પારણું શોભે. હિરા હેમ જડૌ;
સાવ સોનાનાં મોર બિરાજે, જોઇને મન લોભે. અલોલો. ૧
પારણીયામાં પ્રીતમ પોઢ્યા, મુખે મંદ હસૌ;
પ્રેમવતી અતિ પ્રીત કરીને, હીરની દોરી હલૌ. અલોલો. ૨
હેતે હરિને હિંચકો નાખી, હુંસે હાલો ગૌ;
ભુધરજીનાં ભાંમણાં લઇને, તન ધન વારી જૌ. અલોલો. ૩
માવને રૂડા મેવા જમાડું, દૂધને સાકર પૌઆ કાજુ;
કન્યા મારા કોડીલાને, પ્રીત કરી પરણૌ. અલોલો. ૪
શાંમળો સોહન, અસુર મોહન, સંતોને સુખ દૌ;
મોહન મારા રૂદીયામાંહી, અહોનીશ તમે રૌ. અલોલો. ૫
છપૈયા શહેરની સુંદરી આવી, લાડને લાડ લડૌ;
ખમા ખમા ઘણું જીવો, કહી મુખે ચુંબન લૌ. અલોલો. ૬
કાલીદત્ત દૈત્યને માર્યો, કૃત્યા સૌ નશૌ;
શરણે આવ્યાં અમે તમારે, તેને ઉદ્ધારી લૌ. અલોલો. ૭
દરશન સારુ શિવજી આવ્યા, જટા જુટ બનૌ;
વાઘાંબર ઓઢીને ઉભા, ડુમ ડુમડાક બજૌ. અલોલો. ૮
ભુધર જોવા બ્રહ્મા આવ્યા, વાહન હંસ બેસૌ;
નારદ નાચે વિણા લઇને, તુંબરું તાન બજૌ. અલોલો. ૯
હેત કરી જે હાલો ગાશે, તેનાં પાપ નશૌ;
બદ્રીનાથ શ્યામને ઉપર, પ્રાણ વારી વારી જૌ. અલોલો. ૧૦