ગઈતી ગઈતી ભરવાને નીર, કેસરિયે વાઘે રે નટવર દીઠડાજી ૧/૨

ગઈતી ગઈતી ભરવાને નીર,
		કેસરિયે વાઘે રે નટવર દીઠડાજી...મારા રાજ૦ ટેક.
ઊભા ઊભા જમુનાને તીર, લાજડલી મેલીને મેં તો લીધાં મીઠડાંજી-૧
લાગી લાગી આંખડલીની ચોટ, ડોલરિયો દેખીને ઘાયલ હું થઈજી-૨
દોડી દોડી કાઢી મેં તો દોટ, દિલડામાં દિવાની સરખી હોય રહીજી-૩
અલબેલાનાં નેણું કેરાં બાણ, અચાનક લાગ્યાં રે હેલી હું શું કરુંજી-૪
હરિયાં હરિયાં મનડાં ને પ્રાણ, કાનુડા કેડે રે સૈયર હું ફરુંજી-૫
રૂડું રૂડું સુંદરવરનું રૂપ, આંખડલી અણિયાળી બળભદ્રવીરનીજી-૬
આંગી પે’રી અજબ અનુપ, નીરખી શોભા રે નવલ આહીરનીજી-૭
લીધી લીધી બંસી વાલે હાથ, ઊભા ને આલાપે રસિયો રાગમાંજી-૮
શોભે શોભે બ્રહ્માનંદનો નાથ, છોગલિયાં બિરાજે સુંદર પાઘમાંજી- ૯
 

મૂળ પદ

ગઈતી ગઈતી ભરવાને નીર, કેસરિયે વાઘે રે નટવર દીઠડાજી

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- ઉપરોક્ત પ્રસ્તુત પદમાં પ્રયોજાયેલા લીંબુ, મરચું અને મીઠાના પાણીવાળા સણસણતા શબ્દોરૂપી ચાબખા લાગતાં, માંડ માંડ પરણવા તૈયાર થયેલા દાદા ખાચર તો તુરત જ છલાંગ મારી ગાડાની નીચે ઊતરી ગયા. અને શ્રીહરિને કહેવા લાગ્યાકે, “જો સંસારમાં આવું જ દુઃખ હોય તો મારે લગ્ન જ કયાં કરવાં છે? જુઓને પ્રભુ! આ તમારા સંતો કેટલી સરસ અને સત્ય વાત કરે છે!” આમ, અનીચ્છા દર્શાવી ઊભેલા દાદાને જોઈ શ્રી હરિ સંતોને ઠપકો દેવા લાગ્યા કે, “અરે! જડભરત જોગિયાઓ સમય તો સમજ!” બસ તેજીને ટકોર થતા શીઘ્રકવિ બ્રહ્માનંદસ્વામિએ મહારાજની મરજી જાણી પ્રસંગોચ્ચિત લગ્ન ઢાળમી એક બીજુ કીર્તન ઉપાડ્યું.

વિવેચન

ભાવાર્થઃ- પ્રસંગને અનુરૂપ સ્વામી સખીભાવે પોતાની સાહેલીઓને ઉદ્દેશીને કહે છે. હે સાહેલીઓ ! આજ હું નીર ભરવા ને કાજે નદીએ ગઈ’તી, પણ ત્યાં તો જમુનાને તીરે કેસરિયા વાઘા પહેરીને નવલ સનેહી નાથજી ઉભા હતા. તેને જોઈને તેમાં મારું મન મોહી ગયું. એટલે મેં તો લોકલાજનો ત્યાગ કરી મોહનવરનાં મીઠડાં લીધા. II૧-૨II લાડીલાની કામણગારી આંખલડીની ચોટ એવી લાગી કે ડોલરિયાને દેખીને હું તો ઘાયલ થઈ ગઈ. અર્થાત્ હું એને વશ થઈ ગઇ. II૩II પ્રાણથી પ્યારા એ પ્રગટ પ્રભુને જોઈને હું તો દોડી રહી. એ ભક્તવત્સલ ભગવાનને ભેટવા દીવાની બની ગઈ. કહેતાં ગાંડી બની ગઈ, પ્રેમમાં પગલ બની ગઈ. II૪II હે અલબેલી ! એ અલબેલાનાં નેણ કટાક્ષ મને અચાનક લાગ્યા, હવે હું શું કરું ? એણે તો મારાં મનડાં અને પ્રાણ હરી લીધાં. એટલે જ હું એ કોડીલા કાનકુંવરની કેડે કેડે પાછળ પાછળ ફરું છું. સૈયર! જો તો ખરી! એ સુંદરવરનું રૂપ કેટલું સુંદર લાગે છે! વળી, આંખડલી અણિયાળી છે જે અણી વડે સંસારની વાસના નાશ પામે છે. વળી, અવિનાશી અલબેલે અંગરખી કેવી અજબ અને અનુપ પહેરી છે! એ નવલપ્રભુનાં રેશમી અને હીરાજડિત શણગારોની કેવી અદ્ભુત શોભા દેખાય છે! વળી, મારા વ્હાલાએ વેણુમાં કાલિંદીને તીરે ઊભા રહી પગની આંટી વાળી કાલિંગડા રાગનો સુંદર આલાપ આલાપ્યો છે. એ બંસીને નાદે મારું બ્રહ્મતેજ આજે ઝળહળી રહ્યું છે. બ્રહ્માનંદસ્વામી કહે છે કે પાઘમાં સુંદર મજાનાં છોગલિયાં ખોસી આજ અદ્ભુત શોભાથી સહજાનંદ શોભી રહ્યા છે. II૫ થી ૧૦II રહસ્યઃ- પદઢાળ સૌરષ્ટ્રના જાણીતા લગ્ન ઢાળની વધાઈનો છે. લય વિલંબિત અને તાલ દીપચંદી છે. વિલંબિત લયનો દીપચંદી તાલ ઢોલમાં વગાડવાથી પ્રસ્તુત ઢાળનો સુંદર ઉઠાવ આવે છે. યમુના અને ગોપીના દ્રષ્ટાંતથી સ્નેહાળ સખીઓમાં આપસ-આપસમાં થતી આનંદદાયક ચર્ચાનો ચિતાર કવિએ આબેહૂબ આપ્યો છે. મનમોહક મોહનવરનું મુખડું જોઈ ગોપીઓ ઘેલી બની છે. એવા ભાવથી એ દાદાખાચરની જાનમાં જોડાયેલ જાનડીયોની ભક્તિની ભભક મહેકે છે. પદ સુગેય અને આનંદદાયક છે. શબ્દો તળપદી છે. અને પ્રાસનુપ્રાસ પરમોત્તમ છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
ગરબી
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
2
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
2
4
 
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
2
0