સાચા સંત મળે તો ટાળે તાપનેરે,
જાય સંશયને શોકનું શૂળરે,
મળવું મોંઘુ મુક્તનુંરે.
કરે પાર્ય અપાર આ સંસારથીરે,
જાય મોહ ને માયાનું મુળરે, મ,
સંત સર્વે આપેરે ગુણ આપણારે,
કરે અંગમાંથી અવિદ્યાનો નાશરે,
આંજી અજનને ઉધાડે આંખ્યનેરે,
તેણે અજ્ઞાન તમ પામે નાસરે. મ.
આપે ઉપદેશ ઓળખાવે આત્મારે,
ભાંગે ભ્રમણા ભ્રાંતિને ભૂલ્યરે,
જડ ચૈતન્ય જણાવે જો જુજવાંરે,
આપે આનંદ અખંડ અંગે અમુલ્યરે. મ.
બ્રહ્માનંદ આનંદ અંગે ઉલટેરે,
મટે કલપના મનના વિકારરે. મ.
પામે પૂરણ આનંદ વામે વ્યાધીનેરે,
હોય સહજાનંદ સુખ અપારરે, મ.
રહે મગન મગન જન મનમારે,
તનતગન લગન લય લિનરે. મ.
હેતે પ્રીતે ચિંતવે હરિવરનેરે,
રહે હરિમાંહિ જેમ જલ મિનરે. મ.
એવા સંત મળ્યાનું સુખ શું કહુંરે,
કલ્પતરૂ કામધેન ન કહેવાયરે. મ.
કહે નિષ્કુળાનંદ ધન્ય સંતનેરે,
જેના ભાગવત ગીતા ગુણ ગાયરે. મ.