સાચા સંતને ઉપમા શું આપીએરે,
ત્રણ ભુવનમાં નથી તેને તુલ્યરે.
અનુપ એવા સંત છેરે.
કામધેનું કલ્પવૃક્ષ કેમ કહુંરે,
જેથી ભાગે નહિ ભ્રાંતિને ભૂલ્યરે. અ,
અર્ક ઈંદુને અમૃતની ઉપમારે,
સિંધુ સમાન તે સંત ન કહેવાયરે. અ.
એથી અલપ પ્રાપ્તિ નિશ્ચે પામીયેરે,
વળી જોતા જોતા જુઠી થઇ જાયરે, અ,
ચિંતામણી કે પારસમણી પામતાંરે,
સર્વે સિદ્ધિ એની આગે દીસે ન્યુનરે. અ,
જપ તપ નીરથ જોગ યજ્ઞનુંરે,
જેની જોડયે નવ જૂતે કોઇ પુન્યરે, અ,
ચૌદ લોકમાંહિ ચીતે જોયું ચિંતવીરે,
સર્વ સંપત્તિનું શોધી જોયું સુખરે, અ,
કોઇ પુણ્યે પામીને પાછા પડીયેરે,
અંતે રહે છે જો દુઃખનું દુઃખ રે અ,
કોઇ આપે છે રાજસાજ સંપત્તિરે,
કોઇ વિદ્યા જશ આપેછે વડાઇરે. અ.
કોઇ આપે છે જો સુત પશુ આપનેરે,
કોઇ બળકળ આપેછે કાંઇરે. અ,
એતો અલપ સુખ જો આવે જાયછેરે,
સંત આપેછે અખંડ મહા સુખરે. અ,
ધન્ય ધન્ય સંતનો મહિમા શું કહુંરે,
નથી કેવાતું નિષ્કુળાનંદે મુખરે, અ.