મનમાન્યારે માવજી, સાચા સ્નેહિ શામ,
આનંદ દેવા હરિ આવીયા, પીયુ પૂરણ કામ. મન. ૧
અતિ ઓપે મારું આંગણું, ઘણું શોભેછે ઘર,
દિસે સેજ સોયામણિ, ભલે આવ્યા ભુધર. મન. ર
સુખના સિંધુરે શામળા, મોટિ કરીછે મેર,
કોણ પુન્ય મારું પ્રગટું, આવ્યા અણતેડ્યા ઘેર. મન. ૩
ત્રિકમ તમને મળતાં, વિતા દોયેલા દન,
સર્વે સંકટ સમી ગયાં, ટાઢું થયું છે તન. મન. ૪
આનંદ આપ્યુંરે અમને, વાલા દેખાડી વાલ્ય,
પૂરણ કીધાં રસ પાઇને, લાડ લડાવ્યાં લાલ. મન. પ
ગુણ તમારા ગોવિંદજી, ગુણવંત ગાયા ન જાયે,
અલવિ વેલ્યાએ અમને, બલવંત ઝાલ્યાં જો બાંયે. મન. ૬
સું સમર્પી હું શામળા, તમને રીઝવું રાયે,
તન મન સોંપી હરિ તમને, પ્રભુ લાગું હું પાયે. મન. ૭
દુર્લભપણું છે દેવને, મલવું તમારું માવ,
નિષ્કુળાનંદના નાથજી, ભલે મળ્યા કરી ભાવ. મન. ૮