નયણ તમારાંરે નાથજી, કામણગારાં છે કાન,
વાટે જાતાંરે વાલમા, કરી સુંદરવર સાન. ન. ૧
ચંચલ નયણાની ચોટસું, કરી લોટપોટ લૈ,
સામું જોતાં સુધબુધ હરી, મારી સુધ ન રૈ. ન. ર
ચિત્રવત ચાલુ નહિ, અંગ થયું છે એમ,
નયણે નયણાંરે જોડીયાં, પ્રગટ્યો પૂરણ પ્રેમ. ન. ૩
બાંધી રાખ્યાં જેમ બેડીયે, નાંખી પ્રેમનો પાસ,
ઘરમાં ગરતાં ગોઠે નહિ, અંતર રેછે ઉદાસ. ન.૪
અહુનિશ જાયે આલોચતાં, મળવા ઇચ્છે છે મન,
આવો અલબેલા અંકમાં, કરું ટાઢું મારું તન. ન. પ
હેત દેખાડી હરિ હરિયાં, પ્રીતમ અમારા પ્રાણ,
અળગા ન રાખો અમને, સુંદરવર સુજાણ. ન. ૬
નેહ જણાવ્યો નયણમાં, પ્રથમ દેખાડી પ્રીત,
વેગળા વસો હવે વાલમા, કોને કયાંની એ રીત. ન. ૭
મન ચિત મોયુંરે માહેરું, ત્રિકમ તમારે સાથ,
તનડું તરસે હરિ તમ વિના, નિષ્કુળાનંદના નાથ. ન. ૮